You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : એક પુત્રે માત્ર 40 રૂપિયા માટે પોતાના જ પિતાને કેમ મારી નાખ્યા?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
માત્ર 40 રૂપિયા માટે પોતાના જ પિતાની હત્યા એક પુત્રે કરી નાખી હોવાની ઘટના ગુજરાતમાં બની છે.
વડોદરાના નસવાડી તાલ્લુકાના એક ગામમાં આ ઘટના બન્યા પછી ચકચાર મચી જવા પામી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે દમણિયા આંબા નામના એક નાનકડા ગામમાં એક પુત્રે પોતાનું દેવું ચૂકવવા માટે પોતાના પિતાની હત્યા કરી નાખી અને ગામની બહાર જઈને ડુંગર પાછળ સંતાઈ ગયો હતો.
આ ઘટના અંગે આરોપીના મોટા ભાઈએ પોલીસને ફરિયાદ કરી હતી.
નસવાડી તાલુકાના દમણિયા આંબા ગામમાં રહેતા 62 વર્ષના ઈશ્વર ભીલ પોતાના પરિવાર સાથે રહેતા હતા.
આઠ બાળકોના પિતા ઈશ્વર ભીલે હાલમાં જ તેમણે પોતાની એક પુત્રીને પરણાવી હતી. આ પહેલાં તેમનાં એક પત્ર અને એક પુત્રીનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
ઈશ્વર ભીલના નાના ભાઈ રમેશ ભીલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે ઈશ્વર ભાઈની આર્થિક હાલત સારી નહોતી. એક નાનકડા મકાનમાં પુત્ર અને પુત્રવધુ સહિત 10 લોકોનો પરિવાર રહે છે.
તેઓ આગળ કહે છે કે, "થોડા સમય પહેલાં એમનાં પુત્રીનાં લગ્ન કરમી વસાહતમાં એક યુવક સાથે કરવામાં આવ્યાં. આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે પુત્રીનાં લગ્નમાં જમણવાર પણ નહોતા રાખી શક્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રમેશ ભીલ મુજબ આ વર્ષે ખેતીમાં નુકસાન જતાં ખાવાનાય પૈસા નહોતા.
તેઓ જણાવે છે," એમના પરિવારના બધા સભ્યો મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. "
"ઈશ્વરભાઈનાં પત્ની પણ મજૂરી કરતાં. પરિવારનો સૌથી નાનો પુત્ર ફગુર કોઈ કામધંધો કરતો નહોતો અને ઈશ્વરભાઈની તબિયત સારી નહોતી રહેતી એટલે તેઓ પણ ઘરે જ હતા."
પરિવાર મુજબ હત્યાના દિવસે શું થયું હતું?
ફગુરના મોટા ભાઈ નેવાલા ભીલે જણાવ્યું, "આ વર્ષે ખેતી સારી નહોતી થઈ અને મારી બહેનનાં લગ્ન પછી અમારી આર્થિક હાલત સારી નહોતી એટલે મારાં માતા સહિત ઘરનાં બધાં જ સભ્યો મજૂરી કરવા જતાં."
વધુમાં તઓ કહે છે, "હું, મારી પત્ની અને બહેન નજીકના મેડિયા ગામે કપાસ વીણવાની મજૂરીએ ગયાં હતાં તો મારો બીજો ભાઈ ભુદર, માતા સહિત અન્ય પરિવારજનો બીજી જગ્યાએ મજૂરી શોધવા ગયાં હતાં."
આગળ તેમણે જણાવ્યું, "મારા સૌથી નાના ભાઈ ફગુરને તાડી પીવાની આદત હતી અને ઘરમાંથી તાડી પીવા માટે અનાજ વેચી મારતો હતો. ઘરમાં મારામારી અને કંકાસ થતો. એ દિવસે મારા પિતાની તબિયત સારી નહોતી એટલે ફગુર અને મારા પિતા ઘરે જ હતા."
આરોપી ફગુરના મોટા ભાઈ નેવાલા ભીલ ઉમેરે છે, "જ્યારે અમે મજૂરી કરીને ઘરે આવી રહ્યા હતા ત્યારે માતા પિતરાઈ ભાઈ સુનીલે કહ્યું કે ફગુર મારા પિતાને મારી રહ્યો છે. અમે દોડતાં ઘરે પહોંચ્યા ત્યારે ફગુર ઘર છોડીને નાસી રહ્યો હતો અને ઘરના ફળિયામાં મારા પિતા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. "
"એમણે મને કહ્યું કે ફગુર તાડી પીને આવ્યો હતો અને ઘરમાં બચેલી છેલ્લી તુવેર વેચવા જઈ રહ્યો હતો. એને 40 રૂપિયા જોતા હતા. મારા પિતાએ એ તુવેર વેચવાની ના પાડી. એ 40 રૂપિયા માગતો હતો પણ મારા પિતા પાસે પૈસા નહોતા એટલે 40 રૂપિયા આપી ન શક્યા."
"મારા પિતા તેને તુવેર વેચવા જતો રોક્યો તો તેણે લોખંડના પાઇપથી મારીને પિતાને લોહીલુહાણ કરી નાખ્યા અને ઘરના ફળિયામાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું."
"મારો નાનો ભાઈ માત્ર પાંચમા ધોરણ સુધી ભણેલો છે, તાડી પીને ઘરમાં કંકાસ કરતો. ફિલ્મ જોવા માટે નવાં કપડાં માગતો. અમે નાનો છે એમ ગણીને આ બધી વાતો જતી કરતા. અમને કલ્પના પણ નહોતી કે મારા પિતાને મારી નાખશે."
ફગુરના પરિવારે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેને આધારે પોલીસે તેની ધરપકડ કરી છે.
પોલીસે શું કહ્યું
નસવાડીના પોલીસ ઇન્સપેક્ટર એ. એ. દેસાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે ઈશ્વર ભીલના પુત્રની ફરિયાદને આધારે પોલીસે ડુંગરોમાં સંતાયેલા ફગુરની ધરપકડ કરી લધી છે.
તેમણે જણાવ્યું કે ઘટના સમયે 16 વર્ષના ફગુરે નશો કર્યો હતો કે કેમ, એની તપાસ કરાઈ રહી છે.
"ફગુર સગીર હોવાથી અમે એને જુવેનાઇલ હોમમાં મોકલવાની વ્યવસ્થા કરી છે પરંતુ તેને ધરપકડ બાદ કબૂલ્યું હતું કે ચા અને નાસ્તોના 40 રૂપિયા ઉધાર હોવાથી ઘરમાં ખાવા માટે રાખેલી તુવેર વેચવા જતો હતો અને પિતાએ તેને રોક્યો ત્યારે તેણે પિતાને માર માર્યો હતો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો