You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધંધૂકા મર્ડર કેસ : 'કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન સાથેનું કોઈ કનેક્શન નથી' - ગુજરાત ATS
જાન્યુઆરી મહિનામાં ધંધૂકામાં રહેતા કિશન ભરવાડ નામના યુવાને સોશિયલ મીડિયા પર કથિત રીતે સાંપ્રદાયિક લાગણી દુભાય એવી એક પોસ્ટ મૂકી હતી.
આ પોસ્ટના પગલે બાઇક પર આવેલા બે શખ્સોએ પીઠ પર ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી. આ મર્ડર કેસે મોટું સ્વરૂપ ધારણ કરી લેતાં તેની તપાસ ગુજરાત એટીએસ સુધી પહોંચી હતી.
ગુજરાત એટીએસ દ્વારા આ મામલે અત્યાર સુધી કરાયેલી તપાસ અને ધરપકડો અંગે ગુરુવારે માહિતી આપવામાં આવી હતી.
અત્યાર સુધી સાત આરોપીઓ ઝડપાયા
ગુજરાત એટીએસના ડીવાયએસપી બી. એચ. ચાવડાએ પત્રકારપરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, "આ મામલે બુધવારે થયેલી ત્રણ ધરપકડ બાદ કુલ સાત લોકો પોલીસ કસ્ટડીમાં છે."
આ સાત લોકો પૈકી શબ્બીર ચોપડા અને ઇમ્તિયાઝ પઠાણ બાઇક લઈને કિશનને મારવા ગયા હતા. બાઇક ઇમ્તિયાઝ ચલાવી રહ્યો હતો અને શબ્બીરે ગોળી ચલાવી હતી.
શબ્બીર સુધી પિસ્તોલ પહોંચાડવાની કામગીરી રમીઝ અને અઝીમ સેતાએ કરી હતી. જે તેમને મૌલાના અયુબ દ્વારા કહેવામાં આવ્યું હતું.
કિશનની હત્યા કર્યા બાદ શબ્બીર અને ઇમ્તિયાઝે સૌથી પહેલા પોરબંદરમાં રહેતા મતીન મદાનનો સંપર્ક કર્યો હતો. મતીને આ બન્નેને રહેવા માટે જગ્યા અને થોડાક પૈસાની સગવડ કરી આપી હતી.
આ સિવાય પકડાયેલ અન્ય એક વ્યક્તિ હુસૈન ખત્રીએ અગાઉ પોરબંદરમાં સાંપ્રદાયિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનારી વ્યક્તિની હત્યા કરવાનો કારસો ઘડ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય દિલ્હીના મૌલાના અમર ગનીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે મૌલાના અયુબ બાદ આ બીજા મૌલાના છે, જેમની ધરપકડ કરાઈ હોય.
હજુ તપાસ ચાલુ
એટીએસના ડી.વાય.એસ.પી બી. એચ. ચાવડાએ જણાવ્યું કે હાલમાં પકડાયેલા તમામ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે.
તેમના સંપર્કો, તેમના મોબાઇલ ફોન સહિત તેમણે લીધેલી વડોદરા અને સુરતની મુલાકાત અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત દેશ બહારનાં સંપર્કો અને વ્યવહારો અંગે પણ એટીએસ હાલમાં તપાસ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
જોકે, અત્યાર સુધીની તપાસમાં દેશબહારથી કોઈ મદદ કે સંપર્ક ન હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓ પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવે છે કે કેમ? આ સવાલના જવાબમાં ડી.વાય.એસ.પી ચાવડાએ જણાવ્યું હતું કે, "આ સાત લોકો પૈકી એક મૌલાના અયુબે એકાદ વખત દુબઈ ફોન કર્યો હતો."
"જે તેણે પોતાના ભાઈને કર્યો હોવાનું જણાવ્યું હતું. બાકી, અત્યાર સુધી તપાસમાં પાકિસ્તાન સાથે આ લોકોનું કોઈ જોડાણ ન હોવાનું જાણવા મળ્યું છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો