USનાં ન્યૂક્લિયર રહસ્યો વેચનાર દંપતી, કઈ રીતે દુનિયાના 'સુરક્ષિત દેશ'ને વર્ષો સુધી છેતરી શક્યાં?

    • લેેખક, તારા મેકકેલ્વે
    • પદ, બીબીસી ન્યૂઝ, વૉશિંગ્ટન

યુએસ નેવીના ઇજનેરનાં પત્નીએ તેમના પતિને પરમાણુ સબમરીન અંગેનાં રહસ્યો વિદેશમાં વેચવામાં મદદ કરી હોવાની કબૂલાત તાજેતરમાં જ કરી છે.

46 વર્ષીય ડાયના ટોઇબેએ તેમના પતિનાં સહાયક તરીકે સેવા આપી હતી, જ્યારે તેમના પતિએ ડ્રોપ-ઑફ પૉઇન્ટ પર ગુપ્ત માહિતી મૂકી હતી.

એવી પણ હકીકત પ્રકાશમાં આવી હતી કે એક વાર તો તેમણે પીનટ બટર સૅન્ડવીચની અંદર માહિતી સાથેનું મૅમરીકાર્ડ છુપાવ્યું હતું.

પૂર્વ શિક્ષિકા ડાયના ટોઇબેને અમેરિકન કાનૂન હેઠળ ત્રણ વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે.

રહસ્યો

ડાયનાના 42 વર્ષીય પતિ જોનાથન ટોઇબે આ પહેલાં જ પોતાનો ગુનો કબૂલ કરી ચૂક્યા છે.

તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પાછલાં કેટલાંક વર્ષોથી જોનાથન ટોઇબે પરમાણુ સબમરીન વિશેની માહિતી એકત્ર કરી રહ્યા હતા અને સર્વેલન્સ ચેકપૉઇન્ટ્સમાં ન પકડાય એ માટે તેમની ફરજ દરમિયાન એક-એક કરીને મહત્ત્વની સૂચના ધરાવતાં પાનાં બહાર પહોંચાડ્યાં હતાં.

જોનાથન ટોઇબેએ એક અંડરકવર તપાસાધિકારીને માહિતી આપી હતી કે "મારા કામના નિયમિત ભાગરૂપે મારા કબજા હેઠળની ફાઇલો ધીમે-ધીમે અને સ્વાભાવિક રીતે એકઠી કરવામાં હું અત્યંત સાવધાની રાખતો હતો, જેથી કોઈને મારી યોજના પર શંકા ન જાય."

ટોઇબે એ વાતથી અજાણ હતા કે જેમની પર તેઓ વિશ્વાસ મૂકી રહ્યા છે, તે અંડરકવર તપાસાધિકારી છે અને તેઓ જાતે જ તેમને પકડવા માટે ગોઠવાયેલા છટકામાં ફસાઈ ગયા હતા.

એક નોંધમાં, ટોએબેએ તપાસાધિકારીને તેમની મિત્રતા અને ભવિષ્યની યોજનાઓ વિશે કંઈક આવું લખ્યું: "બધુ બરાબર ચાલ્યું તો એક દિવસ કેટલાક મિત્રો કાફેમાં એમ જ મળીશું, વાઇનની છોળો ઉડાડીશું અને એકબીજા સાથે હળવા થઈને આચરેલા કપટની વાતો શૅર કરીશું."

પ્રૉસિક્યૂટર સાથે તેમણે કરેલા કરાર હેઠળ તેમને 12 થી 17 વર્ષની જેલની સજા થઈ શકે છે.

ટોઇબે દંપતી કોણ છે?

ડાયના અને જોનાથન ટોઇબે બંનેએ માર્ટિન્સબર્ગ, વેસ્ટ વર્જિનિયાની ફેડરલ કોર્ટમાં પ્રતિબંધિત માહિતી પ્રસારિત કરવાનું કાવતરું રચવાનો ગુનો કબૂલ્યો હતો.

ઑક્ટોબરમાં તેમની ધરપકડ કરવામાં આવી તે પહેલાં, ડાયના અને જોનાથન ટોઇબે તેમનાં બે બાળકો સાથે અમેરિકામાં અન્નાપોલિસ, મેરીલૅન્ડમાં યુએસ નેવલ અકાદમીના ઘરમાં રહેતાં હતાં.

ડાયના ટોઇબે એક ખાનગી શાળામાં ઇતિહાસ અને અંગ્રેજી શીખવતાં હતાં. તેમણે ઍટલાન્ટામાં એમોરી યુનિવર્સિટીમાંથી માનવશાસ્ત્રમાં ડૉક્ટરેટ કર્યું છે.

જોનાથન ટોઇબેએ મિલિટરી રિઝર્વમાં સભ્ય બનતા પહેલાં નૌકાદળમાં સેવા આપી હતી. તેમણે આર્લિંગ્ટન, વર્જિનિયામાં નૌકાદળના વડાની ઑફિસમાં કામ કર્યું હતું.

પ્રૉસિક્યૂટરોએ યુએસમાંથી ઝડપી બહાર નીકળવાના દંપતીના મૅસેજને ટાંકીને દંપતી વિદેશ ભાગી જાય, તેવું જોખમ હોવાની દલીલ કરી હતી.

ડાયના ટોઇબેના વકીલોએ જણાવ્યું હતું કે તે મૅસેજમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહિલાની અસ્વસ્થતા સંબંધિત છે અને વિદેશી રાષ્ટ્રને વર્ગીકૃત માહિતી વેચવાના કાવતરા સાથે તેને કોઈ લેવાદેવા નથી.

અસામાન્ય સોદો

કાયદાના નિષ્ણાતો કહે છે કે ફેડરલ તપાસાધિકારીઓ આ પ્રકારના કેસોને ખૂબ જ ગંભીરતાથી લે છે, જોકે તેઓ માહિતી પૂરી પાડવાના બદલામાં સજાને હળવી કરવાને સમર્થન આપવા તૈયાર હોઈ શકે છે.

ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીના કાયદાના પ્રોફેસર ડેનિયલ રિચમૅન કહે છે, "અધિકારીઓ તેમને કાઉન્ટર ઇન્ટેલિજન્સ કામગીરીમાં મદદ કરી શકે તેવી માહિતીના બદલામાં મહત્તમ સજામાફીને માન્ય કરી શકે છે."

આ કિસ્સામાં, તપાસાધિકારીઓ સ્પષ્ટપણે દંપતી પાસેથી કંઈક મેળવવા માગતા હતા: ફેડરલ તપાસાધિકારીઓએ કરેલ સોગંદનામા અનુસાર, જોનાથન ટોઇબેએ પરમાણુ રહસ્યોના બદલામાં એક લાખ ડૉલરની ક્રિપ્ટોકરન્સીના પૅમેન્ટની માગણી કરી હતી.

તેમની માફી માટેની અરજીના ભાગરૂપે, દંપતીએ જણાવ્યું હતું કે તેઓ એફબીઆઈને તેમની ધરપકડ તરફ દોરી ગયેલી તપાસના ભાગરૂપે તેમને મળેલી ક્રિપ્ટોકરન્સી પાછી અપાવવામાં મદદ કરશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો