હિટલરનો તેમનાં બ્રિટિશ ગર્લફ્રેન્ડ સાથે કેટલો ગાઢ સંબંધ હતો?

    • લેેખક, વેનેસા પિયસ અને જેનિફર હાર્બી
    • પદ, બીબીસી ન્યૂઝ ઑનલાઇન

આ વાત વર્ષ 1940ની છે. દુનિયામાં બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. બ્રિટને તાજેતરમાં જ જર્મની વિરુદ્ધ યુદ્ધનો શંખનાદ કર્યો હતો. ત્યારે સ્વિટઝર્લૅન્ડના રસ્તે યુનિટી મિટફોર્ડને બ્રિટન પરત લાવવામાં આવ્યાં.

તેઓ હિટલર સાથે સૌથી વધારે નજીકના સંબંધ ધરાવતા લોકોમાંથી એક હતાં. એવી અફવા હતી કે તેઓ હિટલરનાં બ્રિટિશ ગર્લફ્રેન્ડ છે.

એટલે બ્રિટન પહોંચતા જ અંગ્રેજી મીડિયા, MI 5 અને બ્રિટિશ સરકાર તેમની પાછળ પડી ગયા. બ્રિટિશ જનતા વચ્ચે પણ તેઓ ખૂબ ચર્ચિત હતાં.

હિટલરના મૃત્યુના 74 વર્ષ બાદ વાંચો કથિક બ્રિટિશ ગર્લફ્રેન્ડ યુનિટી મિટફોર્ડ સાથે જોડાયેલા કિસ્સા.

તમે આ વાંચ્યું કે નહીં?

.....દરરોજ જોતાં હતાં હિટલરની રાહ

યુનિટી મિટફોર્ડ લૉર્ડ રેડેસડેલનાં છ દીકરીઓમાંથી એક હતાં. મિટફોર્ડની આત્મકથા લખનારા ડેવિડ પ્રાએસ જોન્સ જણાવે છે કે તેમનાં મોટા બહેન ડાયનાએ બ્રિટિશ ફાસિસ્ટ સંઘના નેતા ઓસવાલ્ડ મોજ્લી સાથે લગ્ન કર્યું હતું.

લગ્ન બાદ ડાયનાના વધતા પ્રભાવથી યુનિટી પ્રભાવિત હતાં, એટલે તેમણે એક ડગલું આગળ વધીને હિટલરને પામવાનો નિર્ધાર કર્યો.

તેમણે આ પ્રયાસમાં મ્યુનિચ શહેરમાં હિટલરના ઊઠવા-બેસવાનું ઠેકાણું શોધી લીધું.

હિટલર આ જગ્યાએ પોતાના મિત્રો સાથે લંચ કરતા હતા અને યુનિટી હિટલરની રાહ જોતાં હતાં.

એક દિવસ હિટલરે યુનિટીને લંચ પર બોલાવ્યાં.

જ્યારે હિટલરે પોતાની પાસે બોલાવ્યાં

હિટલરે યુનિટીને બર્લિન ઑલિમ્પિક દરમિયાન પોતાના બૉક્સમાં બોલાવ્યાં હતાં.

આ સાથે જ હિટલરે મ્યુનિચ શહેરમાં યુનિટી માટે એક ફ્લેટ ખરીદીને આપ્યો.

એ સમયે મિટફોર્ડે તેમના પત્રમાં હિટલરને 'સ્વીટ' તરીકે સંબોધ્યા હતા.

હિટલર-યુનિટી વચ્ચે શારીરિક સંબંધ?

મોટા ભાગના ઇતિહાસકારોને એ વાત પર ભરોસો નથી કે હિટલર અને યુનિટી વચ્ચે શારીરિક સંબંધ હતા.

પરંતુ પ્રાએસ જોન્સ કહે છે બન્ને લગભગ 100 વખત મળ્યા તથા અન્ય કોઈ અંગ્રેજ હિટલરની આટલી નજીક ન હતા.

તેઓ કહે છે કે યુનિટી નાઝી નેતૃત્વના આંતરિક વર્તુળમાં સામેલ હતાં. વર્ષ 1939માં બ્રિટને જર્મની વિરુદ્ધ યુદ્ધનું રણશિંગુ ફૂંક્યું હતું.

યુનિટીએ તેનાથી પરેશાન થઈને મ્યુનિચમાં પોતાના માથા પર ગોળી મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેમનો જીવ તો ન ગયો, પરંતુ માથામાં ગોળી ફસાયેલી રહી ગઈ.

ગર્ભવતી હતાં યુનિટી?

કેટલાક ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર યુનિટીના ગર્ભમાં હિટલરનું સંતાન હતું, પરંતુ યુનિટી સાથે રહેતાં માર્ગરેટ કહે છે કે તેઓ તે સમયે માત્ર 8 વર્ષનાં હતાં. માટે આ દાવા એકદમ ખોટા છે.

તેઓ કહે છે, "મને લાગતું નથી કે તેઓ બાળકને જન્મ આપવા લાયક પણ હતાં કે નહીં."

....જ્યારે સાંભળ્યા હિટલરના મૃત્યુના સમાચાર

માર્ગરેટ કહે છે કે જ્યારે બર્લિનમાં હિટલરની આત્મહત્યાના સમાચાર બ્રિટન સુધી પહોંચ્યા તો તેમનાં બહેને આ સમાચાર યુનિટીને સંભળાવ્યા.

તેઓ કહે છે, "મારી બહેને કહ્યું - મૉર્નિંગ યુનિટી આંટી. મને માફ કરો પણ તમારા બૉયફ્રેન્ડનું મૃત્યુ થયું છે. તો તેમણે મારી બહેનને કહ્યું કે તમે કેટલા પ્રેમાળ બાળક છો. તેના પર મેં કહ્યું કે 'એ બિચારી વ્યક્તિ...' તો યુનિટી મને લાત મારવા માટે આગળ વધ્યાં."

યુનિટીએ વર્ષ 1948માં માત્ર 33 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા.

નવ વર્ષ પહેલાં તેમને જે ગોળી લાગી હતી તેનાથી તેમનું મૃત્યુ થયું હતું.

ત્યારે આત્મહત્યા કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો, પણ મગજમાં ફસાયેલી ગોળી જીવલેણ સાબિત થઈ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો