હિટલર અને એક યહૂદી બાળકીની અનોખી મિત્રતાની દાસ્તાન

પહેલી નજરમાં એક બાળકીને ગળે લગાડતી આ વ્યક્તિની તસવીર ખૂબ વ્હાલી લાગે તેવી છે. પણ 1933માં ખેંચવામાં આવેલી આ તસવીરની પાછળની કહાણી આંટીઘૂંટીવાળી છે.

તસવીરમાં જર્મન નેતા અને 60 લાખ યહૂદીઓના મોત માટે જવાબદાર એડૉલ્ફ હિટલર અને યહૂદી મૂળની એક છોકરી રોઝા બર્નાઇલ નિનાઓ છે.

વરિષ્ઠ નાઝી અધિકારીઓની દખલગીરી સુધી હિટલરે આ છોકરી સાથે ઘણાં વર્ષ સુધી મિત્રતા જાળવી રાખી પણ બાદમાં બધું જ સમાપ્ત થઈ ગયું.

મેરીલૅન્ડ સ્થિત એલેક્ઝેન્ડર હિસ્ટૉરિકલ ઑક્શન એજન્સીના જણાવ્યા અનુસાર, હેનરિક હૉફમેને આ તસવીર લીધી હતી.

આ તસવીરની ગયા મંગળવારે અમેરિકામાં 11,520 ડૉલર એટલે કે 8.2 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.

હરાજી કરનારા બિલ પેનાગોપુલસે બ્રિટિશ સમાચાર પત્ર ડેલી મેલને જણાવ્યું, ''આ હસ્તાક્ષરવાળી તસવીર પહેલાં કોઈએ ક્યારેય જોઈ નથી.''

આ તસવીરની ખાસિયત એ છે કે આમાં બાળકી અને હિટલર વચ્ચેનો સંબંધ વાસ્તવિક જણાઈ રહ્યો છે.

બિલ જણાવે છે, ''હિટલર મોટે ભાગે બાળકો સાથે પ્રચારના હેતુસર ફોટો પડાવતા હતા.''

હિટલરનો પ્રેમ

20 એપ્રિલના રોજ પોતાના જન્મ દિને હિટલરની આ છોકરી સાથે મુલાકાત થઈ હતી.

ઑક્શન વેબસાઈટના જણાવ્યા અનુસાર રોઝા અને તેમની માતા કેરોલિન 1933માં બાળકીના જન્મદિને આલ્પસમાં આવેલા હિટલરના નિવાસસ્થાન ' બર્ગોફ'ની બહાર એકઠી થયેલી ભીડમાં સામેલ થયાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

એમ માનવામાં આવે છે કે જ્યારે હિટલરને ખબર પડી કે આજે રોઝાની વર્ષગાંઠ છે.

જેથી હિટલરે રોઝા અને તેમનાં માતાને પોતાના ઘેર આમંત્રિત કર્યાં. આ તસવીર તે વખતે ખેંચવામાં આવી હતી.

થોડા સમય બાદ જાણવા મળ્યું કે કેરોલિનની માતા યહૂદી હતી.

આનાથી હિટલર અને રોઝાની મિત્રતા પર કોઈ અસર પડી નહીં. હિટલરે જ આ તસવીર પોતાના હસ્તાક્ષર કરીને રોઝાને મોકલી હતી.

એમણે લખ્યું હતું, ''પ્રિય રોઝા નિનાઓ, એડૉલ્ફ હિટલર, મ્યૂનિચ, 16 જૂન,1933,''

એવું લાગે છે કે રોઝાએ પાછળથી તસવીર પર કાળા-સફેદ ફૂલો ચિતરીને એના પર પોતાની છાપ છોડી હશે.

વર્ષ 1935 અને 1938 વચ્ચે રોઝાએ હિટલર અને એમના નજીકના વિલહેમ બ્રક્નરને ઓછામાં ઓછા 17 વખત પત્રો લખ્યા હતા.

બાદમાં હિટલરના નજીકના સચિવ માર્ટિન બૉર્મને રોઝા અને તેમની માતાને જણાવ્યું કે તેઓ હિટલર સાથે કોઈ સંપર્ક ના રાખે.

ફોટોગ્રાફર હૉફમેનનું માનવું છે કે હિટલર આ આદેશથી ખુશ નહોતા.

પોતાના પુસ્તક હિટલર માય ફ્રેન્ડમાં હૉફમેને જણાવ્યું છે કે હિટલરે તેમણે કહ્યું હતું, ''કેટલાક એવા પણ લોકો છે જેમનો વાસ્તવિક હેતુ મારી ખુશીઓને બરબાદ કરવાનો છે.''

દુ:ખદ અંત

હૉફમેને 1995માં છપાયેલા આ પુસ્તકમાં બન્નેની અન્ય એક તસવીર પણ પ્રકાશિત કરી છે.

જેનું કેપ્શન છે, 'હિટલરનો પ્રેમ'. તેઓ એને બર્ગોફ( હિટલરનું નિવાસસ્થાન)માં જોવાનું પસંદ કરતા હતા પણ બાદમાં કોઈને ખબર પડી કે તેઓ આર્ય વંશીય નથી.''

હિટલરના નજીકના સચિવ તરફથી રોઝા અને હિટલર વચ્ચે સંપર્ક બંધ કરાવી દેવડાવ્યા બાદ બીજા જ વર્ષે બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ હતી.

6 વર્ષ બાદ જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે 60 લાખ યહૂદીઓ માર્યા ગયા હતા. યુદ્ધ દરમિયાન જ રોઝાનું મૃત્યુ થઈ ગયું હતું.

હિટલરની પ્રથમ મુલાકાતના એક દાયકા બાદ 1943માં મ્યૂનિચની એક હૉસ્પિટલમાં 17 વર્ષની રોઝાનું પોલિયોને કારણે મૃત્યુ થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો