You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા અને યુક્રેન : યુક્રેન પર સંભવિત હુમલામાં રશિયા આ ત્રણ રસ્તે ત્રાટકી શકે છે
- લેેખક, ડેવિડ બ્રાઉન
- પદ, બીબીસી ન્યૂઝ
રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમિર પુતિન ભારપૂર્વક જણાવી રહ્યા છે કે યુક્રેન પર આક્રમણની તેમની કોઈ યોજના નથી, પરંતુ અમેરિકા કહે છે કે મૉસ્કો "ગમે તે ઘડીએ" હુમલો કરી શકે છે.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને મંગળવારે કહ્યું હતું કે "રશિયા આક્રમણ માટે સંપૂર્ણપણે તૈયાર હોય એવું અમને લાગે છે. તેમના સંભવિત રૂટ્સ ક્યા હશે તેની બધાને ખબર છે."
રશિયા આક્રમણનો નિર્ણય કરે તો યુક્રેનની સરહદે તહેનાત તેના 1,90,000 સૈનિકો પાસે અનેક વિકલ્પો હોવા બાબતે લશ્કરી વિશ્લેષકો સહમત છે.
બેલારુસનો વિકલ્પ
અમેરિકાસ્થિત સીએનએ રિસર્ચ ઑર્ગેનાઇઝેશનના માઇકલ કોફમૅન માને છે કે રશિયાનું ધ્યેય યુક્રેનમાં સંપૂર્ણ શાસન પરિવર્તનનું હશે તો તે ઉત્તરમાંથી આક્રમણ કરે એવી શક્યતા બળવત્તર છે.
બેલારુસમાં સંયુક્ત લશ્કરી કવાયત માટે ગયેલા રશિયાના 30,000 સૈનિકો ઈસ્કન્દર નામની શોર્ટ રેન્જની મિસાઇલ્સ તથા સંખ્યાબંધ રૉકેટ લૉન્ચરો, તેમજ એસયુ-25 ગ્રાઉન્ડ અટેક ઍરક્રાફ્ટ તથા એસયુ-35 યુદ્ધ વિમાનોથી સજ્જ છે.
કોફમૅને કહ્યું હતું કે પૂર્વમાં રશિયન પ્રદેશની અંદર જ "રશિયાની આખી 41મી આર્મી સરહદ પર આદેશની રાહ જોઈ રહી છે."
બેલારુસ તરફથી કિવ પરના આક્રમણ વખતે ચેર્નોબીલ અણુ ઊર્જા મથકની આસપાસના એક્સક્લૂઝન ઝોનને અળગો રાખવામાં આવે તે શક્ય છે.
સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક ઍન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના સેઠ જોન્સના જણાવ્યા મુજબ, રશિયન સૈન્ય નોવે યુર્કોવિચી અને ટ્રોબોર્ટનો તરફથી આગળ વધી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્રિમિયાનો રૂટ
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટેજિક સ્ટડીઝના બેન બેરીના જણાવ્યા મુજબ, રશિયા આક્રમણ કરશે તો તે ક્રિમિયા રૂટનો ઉપયોગ કરશે તે "લગભગ નક્કી છે."
બેન બેરીએ ઉમેર્યું હતું કે જમીન પરની લડાઈમાં "યુક્રેનની અંદરના ભાગમાં ઝડપથી પહોંચવા માટે સંકેન્દ્રીત આર્ટિલરીના ટેકા સાથેની શક્તિશાળી સૈન્ય ટુકડીઓનો ઉપયોગ કરવામાં આવશે."
બેન બેરીએ એમ પણ જણાવ્યું હતું કે રશિયન દળો ક્રિમિયા તરફથી કિવની દિશામાં આગળ વધે ત્યારે ડિનીપર નદીના પૂર્વ હિસ્સામાં યુક્રેનના સૈનિકોનો જમાવડો થઈ શકે છે.
યુક્રેનનાં લશ્કરી દળો ચારે તરફથી ઘેરાઈ જશે, કારણ કે તેમની પશ્ચિમે, પૂર્વમાં અને ઉત્તરમાં તેમજ ક્રિમિયામાં એમ ચારેય તરફ રશિયાનું સૈન્ય હશે.
રશિયાનું સૈન્ય પશ્ચિમે ખેર્સોન તથા ઓડેસા રૂટનો કે પૂર્વમાં મેલિટોપોલ તથા મારિયુપોલ રૂટનો ઉપયોગ, ક્રિમિયાના અને રશિયન બળવાખોરોના અંકુશ હેઠળના વિસ્તારો વચ્ચે પુલ બનાવીને કરી શકે છે.
રશિયાનું નૌકાદળ હાલ કાળા સમુદ્રમાં પણ છે. આક્રમણમાં તેનો ઉપયોગ કરવામાં આવે તે પણ શક્ય છે.
એ વિસ્તારમાંની રશિયાની લૅન્ડિંગ શિપ સૈનિકો, બખ્તરબંધ વાહનો અને મુખ્ય યુદ્ધ ટૅન્કો જમીન પર ઉતારવા સમર્થ છે.
પૂર્વમાંથી આક્રમણ
રશિયાનું પીઠબળ ધરાવતા બળવાખોરોએ લુહાન્સ્ક તથા દોનતેસ્ક નામના બે મહત્વના પ્રદેશોનો મોટો હિસ્સો 2014માં કબજે કર્યો હતો.
લુહાન્સ્ક તથા દોનતેસ્કમાં હાલ આશરે 15,000 અલગતાવાદીઓ છે, જે રશિયાને આક્રમણમાં મદદ કરી શકે છે.
યુક્રેનનું કહેવું છે કે બળવાખોરોની સંખ્યા 15,000થી વધારે છે.
રોસ્તોવ પ્રદેશની સરહદે રશિયાના લગભગ 10,000 સૈનિકો કાયમ તહેનાત હોય છે અને તાજેતરમાં વધારે સૈનિકો ત્યાં મોકલવામાં આવ્યા છે.
એ સૈનિકો બેલ્ગોરોડથી ખાર્કિવ અને ક્રેમેનચૂક તરફ આગળ વધી શકે છે.
બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારોમાંના રશિયા તરફીઓના રક્ષણના બહાના હેઠળ પૂર્વમાંથી આક્રમણ આરંભી શકાય તેમ છે.
બેન બેરીના જણાવ્યા મુજબ, દેશમાંના હવાઈ સંરક્ષણ તથા મહત્ત્વનાં અન્ય લશ્કરી મથકો પર બોમ્બમારો કરીને મર્યાદિત આક્રમણ કરવામાં આવે તે પણ શક્ય છે.
વિશ્લેષકો ભારપૂર્વક જણાવે છે કે રશિયા અનેક વિકલ્પ મારફત વારાફરતી આક્રમણ કરી શકે છે. તેમાં સાયબર અટેક, ઇરાદાપૂર્વક ખોટી વાતો ફેલાવવાનો અને મિસાઇલ આક્રમણનો સમાવેશ છે.
વિશ્લેષકોના જણાવ્યા મુજબ, રશિયાનો સૌથી મર્યાદિત વિકલ્પ, યુક્રેનનો કોઈ પ્રદેશ કબજે કર્યા વિના તેના મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નકામું બનાવી દેવાના હેતુસરના જોરદાર સાયબર આક્રમણનો છે.
માઇકલ કોફમૅને જણાવ્યું હતું કે કોઈ પણ સંભવિત આક્રમણ વિશેની ચોક્કસ વિગતનો આધાર મૉસ્કોના રાજકીય લક્ષ્યાંક પર હશે.
જોકે, મૉસ્કોનો રાજકીય લક્ષ્યાંક શું છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો