You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુક્રેન-રશિયા સંઘર્ષ : જો યુક્રેન પર હુમલો થાય તો ભારત પર શી અસર થશે?
- લેેખક, રજનીશકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
જર્મનીના નૅવી પ્રમુખ કાઈ આખન સોનબરે પાછલા અઠવાડિયે નવી દિલ્હીસ્થિત ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટડીઝ ઍન્ડ એનાલિસીસમાં અપાયેલા નિવેદનના કારણે રાજીનામું આપવું પડ્યું હતું.
પરંતુ જર્મન નૅવી પ્રમુખે જે વાતો જણાવી હતી, તેમાં એવું કહ્યું હતું કે રશિયા એક મહત્ત્વનો દેશ છે અને ચીન વિરુદ્ધ જર્મની સાથે ભારત માટે પણ જરૂરી છે.
જર્મન નૅવી પ્રમુખના નિવેદનને હવે ભારતના સંદર્ભમાં રશિયાના મહત્ત્વને યુક્રેન સંકટના અરિસામાં જોવામાં આવી રહ્યું છે.
કહેવાઈ રહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન યુક્રેન પર ગમે ત્યારે હુમલાના આદેશ આપી શકે છે. પુતિનને અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયનના દેશો પાસેથી સતત ચેતવણી મળી રહી છે. પરંતુ પુતિન છે કે માનવાને તૈયાર નથી. અને હુમલાના આદેશ જારી કરી દેવાતાં જ તેનાથી ન માત્ર યુરોપ પરંતુ ભારત પણ પ્રભાવિત થશે.
અમેરિકાએ યુક્રેન સાથે પોતાના રાજદ્વારીના પરિવારોને પાછા આવવા માટે જણાવ્યું છે.
બ્રિટનનું કહેવું છે કે પુતિન જો આવું કરે છે તો તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે. યુરોપિયન યુનિયનના દેશો પણ આ પ્રકારની ચેતવણી ઉચ્ચારી રહ્યા છે.
આ બધા વચ્ચે જર્મન નૅવી પ્રમુખે એવું કહેવું કે પશ્ચિમે ચીનને કાબૂમાં રાખવા માટે રશિયાની જરૂર પડશે, તે મહત્ત્વપૂર્ણ છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે પશ્ચિમના દેશ યુક્રેન પર હુમલાની સ્થિતિમાં રશિયાને એકલું પાડીને તેના પર કડક પ્રતિબંધ લાદશે. અમેરિકન રાષ્ટ્રપતિ બાડઇને તેના સંકેત પણ આપી દીધા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માનવામાં આવી રહ્યું છે કે પશ્ચિમના દેશો રશિયા પર પ્રતિબંધ લાદશે તો તેની ભરપાઈ ચીન જ કરી શકે છે અને આવી સ્થિતિમાં ચીન-રશિયાની નિકટતા વધશે. આવી પરિસ્થિતિમાં ભારત સાથે રશિયાની મિત્રતા પર પણ અસર પડવાની આશંકા છે.
ભારતની ચિંતા
સ્વિડિશ થિંક ટૅન્ક સ્ટૉકહોમ ઇન્ટરનેશન પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના રિપોર્ટ અનુસાર, ભારતની લગભગ 60 ટકા સૈન્ય જરૂરિયાતો રશિયા પાસેથી પૂરી થાય છે અને આ અત્યંત મહત્ત્વપૂર્ણ પક્ષ છે. જ્યારે પૂર્વ લદ્દાખમાં ચીન અને ભારતના સૈનિક હાલ સામસામે છે, આવી પરિસ્થિતિમાં યુક્રેનના મામલે ભારત, રશિયાને નારાજ કરવાનું જોખમ ન લઈ શકે.
બીજી તરફ યુરોપ અને અમેરિકા પણ ભારતના મહત્ત્વપૂર્ણ સાથીદારો છે. ભારત-ચીન સીમા પર નજર રાખવામાં ભારતીય સેનાને અમેરિકન પેટ્રોલ ઍરક્રાફ્ટ પાસેથી મદદ મળે છે.
સૈનિકો માટે ઠંડી માટેનાં કપડાં ભારત અમેરિકા અને યુરોપ પાસેથી ખરીદે છે. આવી પરિસ્થિતિમાં ભારત ન રશિયાને છોડી શકે છે અને ના પશ્ચિમ સાથે છેડો ફાડી શકે છે. યુક્રેન-રશિયા સંકટ ભારત માટે પણ કોઈ સંકટ કરતાં ઓછું નથી.
યુક્રેન સંકટ વચ્ચે જો રશિયા પર ચીન દબાણ કરે તો ભારત માટે સૈન્ય પુરવઠો રોકવામાં આવે ત્યારે રશિયા શું કરશે?
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રશિયન અને મધ્ય એશિયા અધ્યયન કેન્દ્રમાં ઍસોસિયેટ પ્રોફેસર રાજનકુમાર કહે છે કે, "મને નથી લાગતું કે રશિયા યુક્રેન પર હુમલો કરે. પુતિન માટે હુમલો કરવો સરળ નથી. રશિયાનું અર્થતંત્ર યુરોપમાં ગૅસ પુરવઠો પૂરો પાડવા પર ઘણુંખરું નિર્ભર છે."
"જો તેઓ હુમલો કરે છે તો ચીન સાથે રશિયાની નિકટતા વધશે અને તે ભારત માટે સારું નહીં કહેવાય. રશિયા સૈન્ય પુરવઠો નહીં રોકે પરંતુ ઇન્ડો-પૅસિફિકમાં અમેરિકા સાથે વ્યૂહરચનાત્મક ભાગીદારી પ્રભાવિત થશે."
રાજનકુમાર કહે છે કે, "2014માં જ્યારે પુતિને ક્રિમિયાને રશિયામાં ભેળવી લીધું હતું ત્યારે ભારતની પ્રતિક્રિયા કંઈક આવી હતી – રશિયાનું યુક્રેન અને ક્રિમિયામાં તાર્કિક હિત જોડાયેલું છે. ભારતે ‘એનેક્સેશન’ શબ્દનો ઉપયોગ પણ કર્યો હતો."
"આ વખત પણ ભારતનું વલણ કંઈક આવું જ રહેશે. જેથી તે બંને શક્તિઓની અથડામણ વચ્ચે નહીં પડે. પરંતુ ઘણી વાર વચ્ચે ન આવવા છતાં પણ આપ પ્રભાવિત થઈ જાઓ છો. 1962માં ક્યૂબા મિસાઇલ સંકટ અને ભારત પર ચીનનો હુમલો, બંને એકસાથે થયા હતા. સોવિયેત યુનિયનને ચીનના સમર્થનની જરૂરિયાત હતી. આવી પરિસ્થિતિમાં ભારતને મુશ્કેલ સમયમાં સમર્થન નહોતું મળ્યું."
કહેવાઈ રહ્યું છે કે હાલ એક વાર ફરીથી રશિયાને ચીનની જરૂરિયાત હશે અને આવી પરિસ્થિતિમાં રશિયા પોતાના હિતને જોતાં ભારત સાથે સંબંધોની ચિંતા નહીં કરે.
રાજનકુમાર કહે છે કે, "ભારત માટે મુશ્કેલીભર્યો સમય છે. જે રીતે અમેરિકા એક સાથે મૅનેજ નથી કરી શકતું, એવી જ રીતે ભારત એક સાથે રશિયા અને અમેરિકા બંનેને દરેક પરિસ્થિતિમાં સાચવી નહીં શકે.”
રાજનકુમાર કહે છે કે, "જર્મન નેવી પ્રમુખને જે વાતને કારણે રાજીનામું આવું પડ્યું, રશિયાને લઈને યુરોપમાં આ જ ભાવના છે કે પુતિન સાથેના સંબંધ સારા હોવા જોઈએ,. પરંતુ અમેરિકા યુરોપમાં પુતિનનો ભય જળવાઈ રહે તેવું ઇચ્છે છે. જેથી નેટોની ભૂમિકા પ્રાસંગિક રહે."
રશિયા તરફ ઢળ્યું ભારત
ખાડીના દેશો બાદ અમેરિકાનું સૈન્ય હસ્તક્ષેપ સમગ્ર વિશ્વમાં વધ્યું છે. તેમાં બોસ્નિયા અને કોસોવોમાં 1990ના દાયકાના સૈન્ય હસ્તક્ષેપ પણ સામેલ છે.
1999માં સર્બિયાના પાટનગર બેલગ્રેડમાં નેટોએ બૉમ્બધડાકા કર્યા હતા. આ જ આધારે રશિયા કહેતું રહ્યું છે કે નેટો ગઠબંધન માત્ર પોતાની સુરક્ષા માટે નથી. બેલગ્રેડમાં જ્યારે નેટોએ બૉમ્બધડાકા કર્યા હતા ત્યારે ચીનનું દૂતાવાસ પણ પ્રભાવિત થયું હતું અને ચીન તેને ભૂલ્યું નથી.
9/11ના આંતકવાદી હુમલા બાદ નેટોએ અનુચ્છેદ પાંચનો ઉપયોગ કરતાં અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. પરંતુ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેના પરત ફરી અને તેના સમર્થનવાળી સરકારના રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ મૂકીને ભાગી ગયા.
વિશેષજ્ઞોનું માનવું છે કે અમેરિકાના અફઘાનિસ્તાનાંથી પાછા હઠ્યા બાદ એક સંદેશ ગયો કે અમેરિકન ઑર્ડરવાળી દુનિયા કમજોરી પડી રહી છે. હાલ પુતિને કઝાખસ્તાનમાં સફળતાપૂર્વક સૈન્ય હસ્તક્ષેપને અંજામ દીધો અને હવે યુક્રેન પર આશંકા મજબૂત બનતી જઈ રહી છે.
નવેમ્બર 2020માં સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેને ક્રિમિયામાં માનવાધિકારોના કથિત ઉલ્લંઘનને લઈને પસ્તાવ લાવ્યો. અને ભારતે તેના વિરુદ્ધમાં વોટ કર્યો હતો. અમેરિકાએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. સ્પષ્ટ છે કે ભારતે અમેરિકા બદલે રશિયાનો સાથ આપવાનું પસંદ કર્યું હતું.
માર્ચ, 2014માં જ્યારે રશિયાએ ક્રિમિયાને પોતાનામાં સામેલ કરી લીધું ત્યારે ભારતની તત્કાલીન મનમોહનસિંહની સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કામ કરનાર શિવશંકર મેનને કહ્યું હતું કે, "રશિયા બિલકુલ ન્યાયસંગત હિતમાં ક્રિમિયામાં છે."
એટલે કે ભારતે ક્રિમિયાને સામેલ કરવાનું પણ સમર્થન કર્યું જ્યારે અમેરિકા સહિત યુરોપના દેશે આજે પણ આ વાતને ગેરકાયદેસર માને છે.
તે સમયે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારતના સમર્થન માટે આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "હું એ તમામનો આભાર વ્યક્ત કરું છું, જેમણે ક્રિમિયામાં રશિયન કાર્યવાહીનું સમર્થન કર્યું. ચીનનો હું આભારી છું, જ્યાંના નેતૃત્વે ક્રિમિયામાં રશિયાના પગલાનું સમર્થન કર્યું. અમે ભારતના સંયમ અને નિષ્પક્ષતાની અત્યંત સરાહના કરીએ છીએ."
ભારત પર શી અસર થશે?
રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ સૈન્ય અથડામણ થઈ તો રશિયા પર પશ્ચિમ દેશ પ્રતિબંધ લાદશે. આવી પરિસ્થિતિમાં રશિયા યુરોપમાં ગૅસનો પુરવઠો પૂરો પાડવામાં ઘટાડો કરી શકે છે.
તેની અસર ઑઇલની કિંમતો પર પડશે. યુક્રેનનો ડોનબાસ વિસ્તાર, જે રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદમાં સૌથી મહત્ત્વનો છે અનો ત્યાંનો સૌથી મોટો રિઝર્વ છે.
આવી સ્થિતિમાં રશિયા ચીન સાથે ઑઇલ અને ગૅસ વેચાણ અંગે વાત કરશે. વૈશ્વિક ઊર્જા બજાર પ્રભાવિત થસે અને ઑઇલની કિંમતો વધી શકે છે. આવી પરિસ્થિતિમાં ભારત પર પણ અસર થશે.
બીજિંગમાં ચાર ફેબ્રુઆરીથી વિંટર ઑલિમ્પિકની શરૂઆત થવાની છે અને તેના ઉદ્ઘાટન સમારોહમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન પણ જવાના છે. આ પ્રવાસમાં પુતિન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે.
ડિસેમ્બરમાં થયેલી ફોન પરની વાતચીમાં ચીનના નેતાએ પુતિનની એ માગનું સમર્થન કર્યું હતું કે યુક્રેને નાટોમાં સામેલ ન થવું જોઈએ.
હવે પાકિસ્તાન પણ રશિયા સાથે દ્વિપક્ષીય સંબંધ વધારવાની કોશિશ કરી રહ્યું છે. અમેરિકા સાથે વ્યૂહરચનાત્મક ભાગીદારી ખતમ કર્યા બાદથી જ પાકિસ્તાન રશિયા સાથે દ્વિપક્ષીય ભાગીદારી વધારવામાં લાગેલું છે.
યુક્રેન સંકટના કારણે ભારત અને રશિયાના સંબંધો પ્રભાવિત થાય છે તો એ બાબત પાકિસ્તાન માટે તક માનવામાં આવી રહી છે.
હાલમાં જ પાકિસ્તાનના વડા પ્રધાને ફોન કરીને રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું છે. પુતિન જો હવે પાકિસ્તાન જશે તો તેઓ પહેલી વખત આવું કરશે.
- ભૂપેન્દ્ર પટેલની સરકારનો 'સુશાસનના 121 દિવસ'નો દાવો કેટલો સાચો અને કેટલો ખોટો?
- એ ત્રણ બંગાળી જેમણે મોદી સરકારનો પદ્મ પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કરી દીધો
- ભારત-ચીન તણાવની વચ્ચે અરુણાચલ પ્રદેશનાં ગામડાંમાં કેવી સ્થિતિ છે?
- ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવવા માટે અનામત બેઠકોને 'ગેઇમ ચેન્જર' કેમ ગણવામાં આવે છે?
- યુક્રેનના જે શહેરમાં રશિયા તરફી વિદ્રોહીઓએ કબજો જમાવ્યો એ ડૉનેસ્કમાં કેવી સ્થિતિ છે?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો