You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પદ્મ પુરસ્કાર : એ ત્રણ બંગાળી જેમણે મોદી સરકારનો પદ્મ પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કરી દીધો
- લેેખક, પ્રભાકરમણિ તિવારી
- પદ, કોલકાતાથી, બીબીસી માટે
વૃદ્ધ સામ્યવાદી નેતા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યે ગણતંત્રદિવસ નિમિત્તે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરાયેલા પદ્મભૂષણ સન્માન લેવાથી ઇનકાર કરી દીધો છે.
લાંબા સમયથી બીમારી સામે ઝૂઝી રહેલા બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ મંગળવારે મોડી સાંજે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું, "પદ્મભૂષણ પુરસ્કાર અંગે મને કોઈ જાણકારી નથી. મને પહેલાં કોઈએ આ વિશે જણાવ્યું નહોતું."
" જો મને પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી હોય તો હું તેને લેવાનો ઇનકાર કરું છું."
પૂર્વ સીએમનાં પત્ની મીરા ભટ્ટાચાર્યે એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "બુદ્ધદેવ શારીરિક રીતે અશક્ત હોવા છતાં નિર્ણયો લેવામાં પહેલાંની જેમ જ સશક્ત અને દૃઢ છે. તેમણે પુરસ્કાર નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે."
આ સાથે જ જાણીતાં ગાયિકા સંધ્યા મુખરજીએ અને તબલાવાદક અનિંદ્ય ચેટરજીએ પણ પદ્મશ્રી પુરસ્કાર લેવાથી ઇનકાર કર્યો છે.
બુદ્ધદેવનાં પારિવારિક સૂત્રોએ જણાવ્યું કે મંગળવારે બપોરે કેન્દ્રીય ગૃહમંત્રાલયના એક અધિકારીએ ફોન પર તેમને પદ્મભૂષણ પુરસ્કાર આપવાનો હોવાની સૂચના આપી હતી. ત્યાર બાદ સાંજે સરકારે તેમના નામની જાહેરાત કરી હતી.
જોકે, ત્યાં સુધી પૂર્વ સીએમને આ અંગે કોઈ જાણકારી નહોતી. આ વિશે જાણકારી મળતાં જ તેમણે પુરસ્કાર ન લેવાનો નિર્ણય કર્યો છે. બુદ્ધદેવને રાજનીતિમાં તેમના યોગદાનને લઈને સન્માન આપવામાં આવ્યું હતું.
સીપીએમનો પક્ષ
બુદ્ધદેવના નિવેદન બાદ સીપીએમે નિવેદન જારી કરીને કહ્યું કે 'પદ્મભૂષણ પુરસ્કાર માટે માનનીય કૉમરેડ બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નામ જાહેર કરાયું હતું. તેમણે આ પુરસ્કાર લેવાનો ઇનકાર કર્યો છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સીપીએમ શરૂઆતથી જ આવા પુરસ્કારનો અસ્વીકાર કરતી આવી છે. અમારું કામ સામાન્ય લોકો માટે છે, ઍવોર્ડ માટે નહીં."
આ પહેલાં ઈએમએસ નંબૂદરીપાદે પણ ઍવોર્ડ લેવાનો ઇનકાર કર્યો હતો.
પદ્મ પુરસ્કાર માટે પૂર્વ સીએમના નામની જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું કે શું બંગાળનાં અંતિમ વામપંથી મુખ્ય મંત્રી આ પુરસ્કાર સ્વીકારશે?
આ અંગે જાતભાતની અટકળો લગાવવામાં આવી. પૂછવામાં આવ્યું કે બુદ્ધદેવે આજીવન જે ભાજપના કથિત જોખમ અંગે બંગાળની જનતાને ચેતવી, એ જ ભાજપ દ્વારા આપવામાં આવનાર સન્માન સ્વીકારશે?
જોકે, થોડા સમય બાદ જ વામપંથી નેતાએ એક સંક્ષિપ્ત નિવેદન જારી કરીને આ અટકળો પર વિરામ લગાવી દીધો.
સીપીએમની કેન્દ્રીય સમિતિના સભ્ય સુજન ચક્રવર્તી કહે છે, "સામ્યવાદીઓ ઍવોર્ડ માટે કામ કરતા નથી. યુપીએ સરકાર દરમિયાન પણ પશ્ચિમ બંગાળના અન્ય એક પૂર્વ મુખ્ય મંત્રી જ્યોતિ બસુને ભારતરત્ન આપવાની વાત હતી, જેનો પણ પાર્ટીએ અસ્વીકાર કર્યો હતો."
"બુદ્ધદેવ ભટ્ટાચાર્યે પણ પાર્ટીની લાઇનને અનુરૂપ જ આ પુરસ્કાર ન સ્વીકાર ન નિર્ણય લીધો છે."
બુદ્ધદેવનાં પારિવારક સૂત્રોએ જણાવ્યું કે દિલ્હીથી લૅન્ડલાઇન પર આવેલા ફોન પર માત્ર પૂર્વ સીએમને પુરસ્કાર આપવાની વાત કહીને ફોન કાપી દેવામાં આવ્યો હતો.
એ ફોન અન્ય કોઈ વ્યક્તિએ ઉપાડ્યો હતો. અસ્વસ્થતાના કારણે બુદ્ધદેવ જાતે ફોન ઉઠાવતા નથી. પરંપરા અનુસાર પુરસ્કાર માટે નામ જાહેર કરતાં પહેલાં બુદ્ધદેવ પાસેથી સહમતિ લેવાઈ નહોતી.
જોકે, પીટીઆઈએ મોડી રાત્રે સૂત્રોને ટાંકીને લખ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રાલયમાંથી ઉચ્ચ અધિકારીએ ભટ્ટાચાર્યના ઘરે ફોન કરીને તેમને પદ્મભૂષણ ઍવોર્ડ આપવાની જાણ કરી હતી.
અંગ્રેજી અખબાર 'હિન્દુસ્તાન ટાઇમ્સે' ગૃહમંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને લખ્યું હતું કે મંગળવારે ફોન પર બુદ્ધદેવના પરિવારને પદ્મભૂષણ પુરસ્કાર અંગેની જાણકારી આપવામાં આવી હતી અને પદ્મ પુરસ્કાર આપવા માટે સહમતિ લેવાનો કોઈ નિયમ નથી.
આ દાવાની પુષ્ટિ માટે મોડી રાત સુધી પ્રયાસો કરવા છતા પૂર્વ સીએમનાં પત્ની અથવા તો પરિવારના કોઈ પણ સભ્ય સાથે વાત થઈ શકી નહોતી.
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષ કહે છે કે, "પદ્મ પુરસ્કાર સ્વીકાર ન કરવો એ બુદ્ધદેવનો પોતાનો નિર્ણય છે. દેશે તેમને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. હવે એનો સ્વીકાર કરવો કે નહીં, એ તેમનો પોતાનો નિર્ણય છે."
બીજી તરફ તૃણમૂલ કૉંગ્રેસે દાવો કર્યો છે કે બુદ્ધદેવ ભટ્ટાચાર્યને પદ્મ સન્માન આપવાના નિર્ણયમાં સીપીએમ અને ભાજપની સાઠગાંઠ સામે આવી છે.
પાર્ટીના મહાસચિવ કુણાલ ઘોષે કહ્યું કે, "બુદ્ધદેવને નંદીગ્રામ અને સિંગૂરમાં જબરદસ્તી જમીન અધિગ્રહણ માટે યાદ રાખવામાં આવશે, પરંતુ તેમને પદ્મ સન્માન આપવાના નિર્ણયથી બંગાળમાં સીપીએમ અને ભાજપ વચ્ચેની સાઠગાંઠ સામે આવી છે."
સંધ્યા અને અનિંદ્યે પણ કર્યો ઇનકાર
જાણીતાં ગાયિકા સંધ્યા મુખરજી પાસેથી ફોન પર તેમની સહમતિ માગવામાં આવી હતી.
સંધ્યા કહે છે કે, "કોઈ આ રીતે પદ્મશ્રી આપે છે? શું તેમને મારા વિશે કોઈ જાણકારી નથી? 90 વર્ષની ઉંમરમાં મારે પદ્મશ્રી પુરસ્કાર લેવો હશે? હવે કલાકારોની કોઈ ઇજ્જત જ નથી રહી."
વર્ષ 1971માં 'જયજયંતી' અને 'નિશિપદ્મ' ફિલ્મોમાં પોતાનાં ગીતોનાં કારણે શ્રેષ્ઠ ગાયિકાનો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનારાં સંધ્યાને વર્ષ 2011માં રાજ્ય સરકારે 'બંગવિભૂષણ સન્માન'થી સન્માનિત કર્યાં હતાં.
સંધ્યા કહે છે, "મેં હિંદીમાં ફોન પર કહી દીધું કે મને કોઈ પદ્મશ્રીની જરૂર નથી. શ્રોતા જ મારા માટે બધું છે."
67 વર્ષીય તબલાવાદક પંડિત અનિંદ્ય ચેટરજીએ પણ પદ્મશ્રી પુરસ્કાર લેવાથી ઇનકાર કરી દીધો છે.
એક સ્થાનિક ટીવી ચેનલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, "હવે આ ઉંમરે પદ્મશ્રી મળવો એ સન્માનજનક નથી. મને પહેલાં જ આ પુરસ્કાર મળી જવો જોઈતો હતો."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો