You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રશિયા-યુક્રેન સંકટ : રશિયાના છેલ્લા ઝારને જ્યારે ક્રાંતિકારીઓએ પરિવાર સહિત રહેંસી નાખ્યા
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
સાઈબેરિયામાં બૈકાલ સરોવરની દક્ષિણે આવેલા ઈરસ્કુક નામના એક નગરમાં 1916માં એક મોટા સમારંભ યોજવામાં આવ્યો હતો. તેના આયોજનનો હેતુ દુર્ગમ વિસ્તારોમાં વિશ્વ યુદ્ધની ભયાનકતાનો સામનો કરી રહેલા લોકોનું મનોબળ વધારવાનો હતો. રશિયાના ઝાર એટલે કે મહારાજા નિકોલસ દ્વિતીય એ સમારંભના મુખ્ય અતિથિ હતા.
તેઓ એક જ વર્ષમાં ફરી સાઈબેરિયા આવશે અને એ પણ રશિયાના ઝારના સ્વરૂપમાં નહીં, પરંતુ એક કેદીના સ્વરૂપમાં, સામાન્ય નાગરિક તરીકે આવશે એવી કલ્પના કોઈએ કરી ન હતી.
હજારો રાજકીય કેદીઓને સાઈબેરિયામાં બળજબરીથી મજૂરી કરાવવાની કે દેશનિકાલની સજા આપનારા નિકોલસ દ્વિતીય પોતે એક કેદીના સ્વરૂપમાં ત્યાં જશે એવું કોઈએ ક્યારેય વિચાર્યું સુદ્ધાં ન હતું.
1917ના ફેબ્રુઆરીમાં રશિયન ક્રાંતિ બાદ સત્તા પરથી પદભ્રષ્ટ થયા બાદ નિકોલસ દ્વિતીય અને તેમના આખા પરિવારને પહેલાં તબોલ્સ્ક મોકલવામાં આવ્યો હતો.
તબોલ્સ્કમાં સાઈબેરિયાની સૌથી મોટી જેલ હતી, પરંતુ તેમને ક્ષેત્રીય ગવર્નરના આલિશાન બંગલામાં રાખવામાં આવ્યા હતા એ સંયોગની વાત હતી. થોડા દિવસ પછી તેમને એકાટેરિનબર્ગ મોકલી આપવામાં આવ્યા હતા. 1918ના જુલાઈમાં રશિયાના નેતૃત્વએ નિકોલસ દ્વિતીયને તેમના પરિવાર સાથે ખતમ કરી નાખવાનો નિર્ણય લીધો હતો.
અડધી રાત્રે જગાડ્યો આખા રાજવી પરિવારને
1918ના 16-17 જુલાઈની રાતે એક વાગ્યા સુધી યાકોવ યુરોસ્કી પક્ષના નેતૃત્વ તરફથી 'ચિમની સ્વીપ' એવા કોડની રાહ જોતા હતા.
રાતે દોઢ વાગ્યે તેમની પાસે એ કોડ પહોંચ્યો. એ પછી તરત જ હત્યારાઓના નેતા યુરોસ્કીએ પગથિયાં ચડીને આખા રાજવી પરિવારના જગાડ્યો હતો. યુરોસ્કીના ગજવામાં એક કોલ્ટ પિસ્તોલ અને સાત ગોળીવાળી એક કાર્ટ્રિજ ક્લિપ હતી.
યુરોસ્કીએ તેમના ઓવર કોટમાં લાકડીના હાથાવાળી લાંબી નળીવાળી માઉઝર પિસ્તોલ અને દસ કારતૂસોની સ્ટ્રીપ પણ સંતાડી રાખી હતી. તેમણે ઓરડાનો દરવાજો ખખડાવ્યો ત્યારે રાજવી પરિવારના ડૉક્ટર યગીન બોટકિને દરવાજો ખોલ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુરોસ્કીએ તેમને કહ્યું હતું, "શહેરમાં અશાંતિ ફેલાઈ ગઈ છે. તેથી સમગ્ર રાજવી પરિવારના નીચેના ભોંયરામાં લઈ જવો જરૂરી છે."
ડૉ. બોટકિન તરત સમજી ગયા, કારણ કે બોલ્શેવિક વિરોધી સેનાના હજારો લોકો એકાટેરિનબર્ગ શહેર તરફ આગળ ધપી રહ્યા હોવાનું તેઓ જાણતા હતા. એકોટેરિનબર્ગમાં રાજવી પરિવાર છેલ્લા 78 દિવસથી રહેતો હતો.
યુરોસ્કીએ તેમને જણાવ્યું હતું કે રાજવી પરિવારના સભ્યો ઝડપથી કપડાં પહેલી લે, જેથી તેમને ઝડપભેર ભોંયરામાં લઈ જઈ શકાય. ડૉ. બોટકિન રાજવી પરિવારના સભ્યોને જગાડવા ચાલ્યા ગયા હતા.
ઝાર નિકોલસે તેમના પુત્ર એલેક્સિસને તેડી લીધો
રાજવી પરિવારના બધા સભ્યોને તૈયાર થવામાં 40 મિનિટ થઈ હતી. 'ધ રોમાનોવ્સઃ ઘ ફાઇનલ ચૅપ્ટર' નામના પુસ્તકમાં રોબર્ટ કે મેસીએ લખ્યું છે, '50 વર્ષના નિકોલસ અને તેમના 13 વર્ષના પુત્ર એલેક્સિસે સૈનિક જેવાં શર્ટ, પેન્ટ અને બૂટ પહેર્યાં હતાં. 46 વર્ષનાં ભૂતપૂર્વ સામ્રાજ્ઞી એલેક્ઝેન્ડ્રા તથા તેમની ચાર દીકરીઓ - ઓલ્ગા, તારિયાના, મેરી અને અનાસ્તિસિયાએ પણ પોતપોતાનાં વસ્ત્રો પહેરી લીધાં હતાં. તેમણે કોઈ ટોપી કે બહારનાં વસ્ત્રો પહેર્યાં ન હતાં. યુરોસ્કીએ આગળ ચાલતાં તેમને ભોંયરામાં જવાનો માર્ગ દેખાડ્યો હતો. ઝાર નિકોલસ દ્વિતીય તેમની પાછળ ચાલી રહ્યા હતા. તેમણે તેમના પુત્ર એલેક્સિસને તેડી રાખ્યો હતો, કારણ કે તે હીમોફીલિયાથી પીડાતો હતો અને ચાલી શકતો ન હતો.'
'એલેક્સિસનું વજન લગભગ 40 કિલો હતું, પરંતુ ઝાર નિકોલસ દ્વિતીય તેને તેડીને જરાય અસ્થિર થયા વિના ચાલી રહ્યા હતા. તેમની પાછળ રાણી ચાલતાં હતાં. તેઓ તેમના પતિ કરતાં લાંબા હતાં. તેમની પાછળ તેમની દીકરીઓ હતી, જેમનાં હાથમાં બે કુશન હતાં. સૌથી છેલ્લે તેમની સૌથી નાની દીકરી અનાસ્તાસિયા ચાલી રહી હતી અને તેનાં હાથમાં તેમનો પાળેલો કોકર સ્પેનિયલ પ્રજાતિનો કૂતરો જેમી હતો.'
ઓરડામાંથી બધું ફર્નિચર હઠાવી દેવામાં આવ્યું
યુરોસ્કીએ નોંધ્યું હતું કે રાજવી પરિવારની ચાલમાં કોઈ ખચકાટ ન હતો કે તેમને કોઈ શંકા પણ ન હતી.
યુરોસ્કી આખા રાજવી પરિવારને ભંડકિયામાં છેક ખૂણે આવેલા ઓરડામાં લઈ ગયા હતા. તે 11 X 13 ફૂટનો ઓરડો હતો. તેમાંથી બધું ફર્નિચર હઠાવી દેવામાં આવ્યું હતું. યુરોસ્કીએ રાજવી પરિવારને ત્યાં રાહ જોવા જણાવ્યું હતું.
ફર્નિચર વિનાના ઓરડામાં નજર કરતાં રાણી એલેક્ઝેન્ડ્રાએ કહ્યું હતું કે અહીં કોઈ ખુરશી કેમ નથી? અમે બેસી પણ ન શકીએ?
રોબર્ટ સર્વિસે તેમના પુસ્તક 'ધ લાસ્ટ ઑફ ધ ઝાર્સ નિકોલસ-ટુ ઍન્ડ ધ રશિયન રિવોલ્યુશન'માં લખ્યું છે કે રાણીનો સવાલ સાંભળીને યુરોસ્કીએ ઓરડામાં બે ખુરશી લાવવાનો આદેશ આપ્યો હતો. યુરોસ્કીના દળના એક સભ્યએ બીજા સભ્યના કાનમાં ધીમેથી કહ્યું, 'રાજાને ખુરશી જોઈએ છે. એ ખુરશી પર બેસીને મરવા ઇચ્છતો હોય એવું લાગે છે.'
બે ખુરશીઓ લાવવામાં આવી. એ ખુરશી પર રાણી એલેકઝેન્ડ્રા બેઠાં અને બીજી પર ઝાર નિકોલસ દ્વિતીયએ તેમના પુત્ર એલેક્સિસને બેસાડી દીધો હતો.
દીકરીઓએ તેમની માતા અને ભાઈની પીઠ પાછળ એક-એક કુશન મૂકી દીધું હતું. એ પછી યુરોસ્કી બધાને સૂચના આપવા લાગ્યા કે 'તમે અહીં ઊભાં રહો. તમે ત્યાં ઊભાં રહો.'
પછી યુરોસ્કીએ તેમને જણાવ્યું હતું કે એ રાજવી પરિવારની એક તસવીર ઝડપી લેવા ઇચ્છે છે, કારણ કે એ લોકો બચી તો નથી ગયાને એ વાતની ચિંતા મોસ્કોમાં છે.
ઝારને મોતની સજા વાંચી સંભળાવવામાં આવી
એ પછી યુરોસ્કીએ રાજવી પરિવારના સભ્યોને બે લાઇનમાં ઉભા રાખ્યા. નિકોલસ દ્વિતીય વચ્ચે તેમના પુત્રની ખુરશી પાસે ઊભા રહ્યા. એ વખતે યુરોસ્કીએ ફોટોગ્રાફરને બદલે રિવોલ્વર્સથી સજ્જ પોતાના 11 સાથીઓને ઓરડામાં બોલાવ્યા.
રોબર્ટ કે મેસી લખે છે, 'યુરોસ્કીએ પોતાના ડાબા હાથમાં એક કાગળ પકડીને તેમાંનું લખાણ વાંચવાનું શરૂ કરી દીધુઃ 'તમારા સંબંધીઓએ સોવિયત રશિયા પર હુમલા ચાલુ રાખ્યા છે તેને ધ્યાનમાં લેતાં યૂરાલ એક્ઝિક્યૂટિવ કમિટીએ તમને મૃત્યુદંડ આપવાનો નિર્ણય કર્યો છે.'
એ સાંભળીને નિકોલસ દ્વિતીયએ મોં ફેરવીને તેમના પરિવાર તરફ નજર કરી અને યુરોસ્કીની આંખમાં આંખ મેળવીને સવાલ કર્યો, 'શું? શું?'
એ સવાલના જવાબમાં યુરોસ્કીએ, તેમણે વાંચ્યું હતું એ ફરી કહી સંભળાવ્યું. એ સાથે જ તેમણે ગજવામાંથી કોલ્ટ પિસ્તોલ કાઢી અને નિકોલસ દ્વિતીય પર પૉઇન્ટ બ્લેન્ક ગોળીબાર કર્યો. નિકોલસ સામેની તરફ મોંઢાભેર પટકાઈ પડ્યા હતા.
સમગ્ર પરિવાર પર કરવામાં આવ્યો ગોળીબાર
ગોળીબારનો અવાજ સાંભળીને અંદર ઘસી આવેલા લોકોએ પણ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
દરેક વ્યક્તિને પહેલાંથી જ જણાવી દેવામાં આવ્યું હતું કે કોણે ગોળીબાર કરવાનો છે. એ બધાને સૂચના આપવામાં આવી હતી કે તેમણે સામેની વ્યક્તિના હ્રદય પર ગોળીબાર કરવો જોઈએ, જેથી લોહી ઓછું નીકળે અને વ્યક્તિનું મોત ઝડપથી થાય.
12 લોકો ગોળીબાર કરી રહ્યા હતા. એ પૈકીના કેટલાક તો સામેની વ્યક્તિના ખભા ઉપર ગોળીબાર કરી રહ્યા હતા. તેના પરિણામે એવું થયું કે હત્યારાઓના ખભા વિસ્ફોટકોને કારણે દાઝી ગયા હતા અને કેટલાક લોકો ગોળીબારના અવાજને કારણે આંશિક રીતે, થોડી વાર માટે બહેરા થઈ ગયા હતા.
યુરોસ્કીએ એક ટ્રક અગાઉથી જ અંદર બોલાવી રાખ્યો હતો. તેના ડ્રાઇવરને સૂચના આપવામાં આવી હતી કે તેણે ટ્રકનું એન્જિન ચાલુ રાખવાનું છે, જેથી ગોળીબારનો અવાજ બહાર કોઈ સાંભળી ન શકે.
બાદમાં એ હત્યાકાંડની વિગત આપતાં યુરોસ્કીએ લખ્યું હતું, 'રાણી અને તેની દીકરીએ ક્રોસનું નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમને સમય મળ્યો ન હતો. એલેક્ઝેન્ડ્રાનો જીવ ખુરશી પર નીકળી ગયો હતો. ઓલ્ગા તેનાં મસ્તકમાં મારવામાં આવેલી એક ગોળીથી જ મૃત્યુ પામી હતી. એલેક્સિસ અને તેની ત્રણ બહેનોને મરવામાં થોડા સમય લાગ્યો હતો. ધુમાડો એટલો થયો હતો કે લોકોના ચહેરા સ્પષ્ટ રીતે જોઈ શકાતા ન હતા અને હત્યારાઓને ઉધરસ આવતી હતી.'
'અનાસ્તીસિયાએ દીવાલનો સહારો લઈને પોતાનું માથું ઢાંકવાનો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ થોડીક જ ક્ષણોમાં તે ધરાશાયી થઈ ગઈ હતી. જમીન પર પડેલી અનાસ્તીસિયાએ તેના પિતાનું ખમીસ પકડવાનો પ્રયાસ કર્યો હતો. એ જ સમયે એક હત્યારાએ બૂટ વડે અનાસ્તીસિયાનાં માથા પર લાત મારી હતી અને મેં આગળ વધીને બન્ને બાળકોનાં કાન પર માઉઝરમાંથી બે ગોળી મારી હતી.'
જીવતી રહી ગયેલી નોકરાણી દેમીદોવાને તલવાર ભોંકવામાં આવી
છેલ્લે રાણીની નોકરાણી દેમીદોવા જીવતી બચી ગઈ હતી.
યુરોસ્કીના સાથીઓ તેમની રિવોલ્વર ફરીથી લોડ કરવાને બદલે બાજુના રૂમમાં દોડી ગયા હતા અને ત્યાંથી રાઇફલો ઉઠાવી લાવ્યા હતા. તેમણે, જીવતા રહી ગયાની શંકા હોય એવા લોકોના શરીરમાં રાઇફલો પરની તલવાર ભોંકવાનું શરૂ કર્યું હતું.
દેમીદોવાએ છેલ્લી ક્ષણ સુધી કુશન વડે પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ થોડીક વારમાં જ કુશન તેનાં હાથમાંથી છટકી ગયું હતું. તેણે પોતાના બન્ને હાથ વડે તલવારથી બચવાના પ્રયાસ કર્યા હતા, પણ તેનાં પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. તે નીચે પડી કે તરત જ હત્યારાઓએ તેના શરીર પર સંગીન વડે કમસેકમ 30 ઘા કર્યા હતા.
રોબર્ટ કે મેસીએ લખ્યું છે, 'ઓરડામાં ચારેય બાજુ લોહી જ લોહી હતું. યુરોસ્કી દોડીને ઢળી પડતી દરેક વ્યક્તિની નસના ધબકારા ચકાસતો હતો. ચારેય રાજકુમારીઓનાં મૃતદેહોને, તેમના જ પલંગની ચાદરોમાં લપેટવામાં આવ્યા હતા અને બહાર ઊભી રાખવામાં આવેલી ટ્રકમાં લઈ જવામાં આવ્યા હતા. સૌથી પહેલાં નિકોલસ દ્વિતીયનું શબ ઉઠાવવામાં આવ્યું હતું. ટ્રકમાંના ટાર્પોલિન વડે મૃતદેહોને ઢાંકી દેવામાં આવ્યા હતા. એ વખતે કોઈની નજર અનાસ્તીસિયાના પાળેલા કુતરાના શબ પર પડી હતી. કુતરાના મસ્તકને રાઇફલના બટ વડે છૂંદી નાખવામાં આવ્યું હતું અને તેને પણ ઉઠાવીને ટ્રકમાં ફેંકવામાં આવ્યું હતું. યુરોસ્કીએ બાદમાં જણાવ્યું હતું કે મૃતકોની નસના ધબકારા ચકાસવાથી માંડીને મૃતદેહોને ટ્રકમાં લાદવાની પ્રક્રિયામાં કુલ 20 મિનિટ થઈ હતી.'
મૃતદેહોમાંથી હીરા અને ઝવેરાત મળ્યું
યુરોસ્કીએ ભંડકિયાની ફર્શ તથા દીવાલોને ધોવાને આદેશ આપ્યો હતો. એ કામ માટે લોકોને બાલદીઓ, ઝાડું અને પોતું મારવા માટે કપડાં આપવામાં આવ્યાં હતાં. એ કામ પૂર્ણ થયા બાદ ગાર્ડ્ઝ પોપોવ હાઉસ જઈને પોતપોતાના ઓરડામાં આરામ કરવા ઇચ્છતા હતા, પરંતુ ગાર્ડ્ઝ બહાર જઈને ક્યાંક ઘટસ્ફોટ ન કરી દે એવા ડરથી મેડવેડેવે તેમની પોપોવ હાઉસ જવાની પરવાનગી આપી ન હતી.
તેમણે ગાર્ડ્ઝને એ જ ઘરમાં આરામ કરવા મજબૂર કર્યા હતા. એ દરમિયાન પીટર ઈરમાકોવની દેખરેખમાં રોમાનોવ પરિવારના મૃતદેહોને એકાટેરિનબર્ગ શહેરની બહાર લઈ જવામાં આવ્યાં હતાં. જંગલમાં જે સ્થળે શબોની દફનવિધિ કરવાની હતી એ જગ્યા યુરોસ્કી અને ઈરમાકોવ બે દિવસ પહેલાં જ જોઈ આવ્યા હતા.
રોબર્ટ કે મેસી લખે છે, 'યુરોસ્કીએ બધાં શબને ઘાસ પર મુકી દીધાં હતાં. એક પછી એક બધા મૃતદેહના કપડાં ઉતારી લેવામાં આવ્યા હતા. છોકરીઓનાં વસ્ત્રો ઉતારવામાં આવ્યાં ત્યારે તેમનાં વસ્ત્રોમાં સિવેલી કોથળીમાં સંઘરવામાં આવેલાં રત્નો મળી આવ્યાં હતાં. મહારાણીએ મોતીની માળાવાળો બેલ્ટ પહેરી રાખ્યો હતો. એ બધાં હીરા-ઝવેરાત અને બહુમૂલ્ય ચીજોને એક મોટા થેલામાં એકઠી કરવામાં આવી હતી, જ્યારે રાજવી પરિવારના સભ્યોના વસ્ત્રોને આગ ચાંપી દેવામાં આવી હતી. પછી યુરોસ્કીએ ડેડ બોડીને ઊંડા ખાડાઓમાં ફેંકવાનો આદેશ આપ્યો હતો. ખાડાઓ વધુ ઊંડા કરવા માટે તેમાં કેટલાક હૅન્ડ ગ્રેનેડ્ઝ પણ ફેંકવામાં આવ્યા હતા. સવારે દસ વાગ્યા સુધીમાં બધું કામ પૂર્ણ થઈ ગયું હતું. યુરોસ્કીએ એકાટેરિનબર્ગમાં આવીને યૂરાલ રિજનલ સોવિયેતને પોતાનું મિશન સફળ થયાની જાણકારી આપી હતી.'
નિકોલસ સોલોકોવને સોંપવામાં આવી તપાસની જવાબદારી
રાજવી પરિવારના તમામ સભ્યોની હત્યાના આઠ દિવસ પછી એકાટેરિનબર્ગને બોલ્શેવિક વિરોધીઓએ કબ્જે કર્યું હતું. રાજવી પરિવારને જ્યાં રાખવામાં આવ્યો હતો એ સ્થળે બોલ્શેવિક વિરોધીઓ પહોંચ્યા ત્યારે એ જગ્યા ખાલી હતી.
ફર્શ પર કેટલાક દાંત, પિન, દાંતિયા અને હેર બ્રશ પડ્યાં હતાં. કબાટોમાં ખાલી હેંગર લટકતાં હતાં. રાણી એલેક્ઝેન્ડ્રાનું બાઇબલ પણ ત્યાં હતું. એ બાઇબલના મોટાભાગના પાનાંઓ પર રાણીએ અન્ડરલાઇન કરેલી હતી. તેના કેટલાક પાનાંની વચ્ચે સૂકાયેલાં ફૂલો તથા પાંદડાં પણ રાખવામાં આવ્યાં હતાં. ઘણાં ધાર્મિક પુસ્તકો, 'વૉર ઍન્ડ પીસ' નવલકથાની એક કોપી, ચેખોવની રચનાઓના ત્રણ પુસ્તકો, પીટર ધ ગ્રેટની આત્મકથા અને 'ટેલ્સ ફ્રોમ શેક્સપિયર'ની એક કોપી પણ ત્યાં રાખવામાં આવી હતી.
ભંડકિયાની પીળી ફર્શને ધોવામાં આવી હોવા છતાં તેના પર લોહીના સૂકાયેલા ધાબાં જોવા મળતાં હતાં. ફર્શ પર ગોળીઓ અને સંગીનના નિશાન સ્પષ્ટ જોવા મળતાં હતાં. દીવાલો પર પણ ગોળીઓના નિશાન હતાં. જે જગ્યાએ રાજવી પરિવારના સભ્યોને ઊભા રાખવામાં આવ્યા હતા, એ જગ્યાની પાછળની દીવાલ પરનું પ્લાસ્ટર તૂટીને ધરાશાયી થઈ ગયું હતું.
રાજવી પરિવારની હત્યાના છ મહિના પછી જાન્યુઆરી-1919માં બોલ્શેવિક વિરોધી સરકારે સમગ્ર ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો અને તેની જવાબદારી 36 વર્ષના નિકોલસ સોલોકોવને સોંપી હતી.
મૃતદેહોને પેટ્રોલ તથા સલ્યૂરિક એસિડથી સળગાવવામાં આવ્યા
રોબર્ટ સર્વિસે લખ્યું છે, 'જે ખાડાઓમાં મૃતદેહો ફેંકવામાં આવ્યા હતા તેમાં ભરાઈ ગયેલું પાણી સોલોકોવે પમ્પ મારફત બહાર કઢાવ્યું ત્યારે તેમાંથી ઝારનો કમર પટ્ટાનું બકલ, રાણી એલેકઝેન્ડ્રાનો આગમાં બળેલો પન્નાનો ક્રોસ, જેમાં નિકોલસ દ્વિતીય તેમનાં પત્નીનો ફોટોગ્રાફ રાખતા હતા એ ધાતુનું એક પોકેટ કેસ, રાણીના ચશ્માનું ઘરું અને તેમના નકલી દાંતની ઉપરની પ્લેટ મળી આવી હતી. તેમાંથી એસિડને કારણે સળગેલાં કેટલાંક હાડકાં, રિવોલ્વરની ગોળીઓ અને માણસની એક કપાયેલી આંગળી પણ મળી આવી હતી. એ બધાની નીચેથી અનાસ્તીસિયાના પાળેલા કોકર સ્પેનિયલ કુતરા જેમીનું શબ પણ મળી આવ્યું હતું.'
જોકે, સોલોકોવને એ સિવાય ત્યાંથી કોઈ માનવ અવશેષ કે હાડકાં મળ્યાં ન હતાં. સોલોકોવે હત્યાકાંડના સાક્ષીઓને અને હત્યારાઓને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે 1918ની 17 જુલાઈની રાતે ઈપાતિએવ હાઉસમાં કૂલ 11 લોકોની હત્યા કરવામાં આવી હતી.
અવશેષોને રાજકીય સન્માન સાથે ફરી દફનાવવામાં આવ્યા
હત્યાના એક દિવસ પછી પેટ્રોલના બે અને સલ્ફ્યૂરિક એસિડનું એક એમ ત્રણ બેરલ, મૃતદેહોને દફનાવવામાં આવ્યા હતા એ સ્થળે લઈ જવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. સોલોકોવની તપાસમાં જાણવા મળ્યું હતું કે હત્યાના એક દિવસ પછી તમામ મૃતદેહોના કુહાડી વડે ટૂકડા કરીને, તેમને પેટ્રોલ તથા સલ્યૂરિક એસિડ વડે સળગાવીને રાખ કરી દેવાયા હતા.
નિકોલસ સોલોકોવે ઘટનાસ્થળેથી મળેલા તમામ પુરાવા એકઠા કરીને એક નાનકડા બોક્સમાં રાખ્યા હતા. 1919ના ઉનાળામાં કૉમ્યુનિસ્ટોએ એકાટેરિનબર્ગ ફરી કબજે કર્યું ત્યારે સોલોકોવે એક વહાણમાં બેસીને યુરોપ તરફ પ્રયાસ કર્યું હતું.
તેમણે તેમની તપાસના તારણોનું પ્રકાશન 1924માં કર્યું ત્યારે કેટલાક લોકોએ સવાલ કર્યા હતા કે 11 મૃતદેહોને સંપૂર્ણપણે સળગાવી દેવાનું શક્ય ન હતું, પરંતુ ઘટનાસ્થળેથી પોતાને કોઈ મૃતદેહ ન મળ્યાની વાતને સોલોકોવ વળગી રહ્યા હતા.
વીસમી સદીના મોટાભાગના સમય સુધી આખી દુનિયાએ સોલોકોવની વાતનો ભરોસો કર્યો હતો. રાજવી પરિવારના મારી નાખવામાં આવેલા સભ્યોના શરીરોના અવશેષો 1979માં લોકોએ શોધી કાઢ્યા હતા. તેનો ફોરેન્સિક તથા ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. એ પછી 1991ની 17 જુલાઈએ રાજવી પરિવારના હત્યાકાંડની 80મી વરસી નિમિત્તે તે અવેશેષોને સેન્ટ પિટર્સબર્ગના પીટર એન્ડ પોલ કેથેડ્રલમાં જે સ્થળે રશિયાના અન્ય તમામ સમ્રાટોના શબ દફનાવવામાં આવેલાં છે એ જ સ્થળે રાજકીય સન્માન સાથે દફનાવવામાં આવ્યા હતા.
એ દફનવિધિ સમારંભમાં રામાનોવના 30 સગાં અને તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ બોરિસ યેલ્તસિન તથા તેમનાં પત્નીએ પણ ભાગ લીધો હતો. બોરિસ યેલ્તસિને જાહેરાત કરી હતી કે 'રશિયા માટે આ ઐતિહાસિક દિવસ છે. એ જઘન્ય હત્યાકાંડ બાબતે આપણે લાંબા સમય સુધી ખામોશ રહ્યા હતા. એ આપણા પોતાના ઇતિહાસનો અત્યંત શરમજનક અધ્યાય હતો. અમારા પૂર્વજોની ભૂલ માટે અમે માફી માગીએ છીએ.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો