છત્રપતિ શિવાજીનાં પત્ની સોયરાબાઈની હત્યા એમના સાવકા પુત્ર સંભાજી મહારાજે કરી હતી?

    • લેેખક, પ્રાજક્તા ધુલપ
    • પદ, બીબીસી મરાઠી

સંભાજી મહારાજ અને સોયરાબાઈ વચ્ચે કેવો સંબંધ હતો?

શિવાજી મહારાજના મૃત્યુ પછી રાયગઢમાં શું થયું હતું? સોયરાબાઈએ સંભાજી મહારાજ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું?

આ સંબંધે ઇતિહાસમાં શું પુરાવા છે? આ મુદ્દાઓ વિશે ઇતિહાસકારોનું શું કહેવું છે? આ મામલે ગિરીશ કુબેરનું કહેવાનું શું છે?

બીબીસીએ આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

પટરાણી સોયરાબાઈ વિરુદ્ધ યુવરાજ સંભાજી

સોયરાબાઈને શિવાજી મહારાજનાં પટરાણી તરીકેનું સન્માન મળ્યું હતું.

સોયરાબાઈ મોહિતે પરિવારનાં હતાં. શાહાજી રાજેની સેનામાં ધારાજી મોહિતે અને સંભાજી મોહિતે વીર યોદ્ધા હતા.

સોયરાબાઈ, સંભાજી મોહિતેનાં પુત્રી હતાં. તેમનાં લગ્ન શિવાજી મહારાજ સાથે કઈ તારીખે થયાં હતાં એ વિશે કોઈ વિશ્વાસપાત્ર માહિતી ઉપલબ્ધ નથી.

તેમને બે સંતાન થયાં હતાં. તેમનાં નામ દીપાબાઈ અને રાજારામ હતાં.

સોયરાબાઈને રાયગઢમાં 1674ની છઠ્ઠી જૂને યોજાયેલા એક ભવ્ય સમારંભમાં પટરાણીનો ખિતાબ આપવામાં આવ્યો હતો. એ સમયે શિવાજી મહારાજની ત્રણેય પત્નીઓ જીવંત હતી.

સંભાજી બે વર્ષના હતા ત્યારે તેમના માતા સાઈબાઈનું અવસાન થયું હતું.

જે સમારંભમાં સોયરાબાઈને પટરાણી તરીકેનું સન્માન મળ્યું હતું, એ જ સમારંભમાં સંભાજીને યુવરાજનો ખિતાબ મળ્યો હતો. શિવાજી મહારાજના ઉત્તરાધિકારી સંભાજી મહારાજ બનશે એવું વિચારીને અંગ્રેજોએ સંભાજીને એ ભેટ આપી હતી.

ઇતિહાસ સંશોધક ડૉ. કમલ ગોખલેના જણાવ્યા અનુસાર, બ્રિટિશ દસ્તાવેજોમાં રાજારામને ઉપહાર આપવામાં આવ્યાની કોઈ વાત વાંચવા મળતી નથી.

મહારાષ્ટ્રના અનેક ઇતિહાસકારોએ સોયરાબાઈ તથા તેમનાં સાવકા પુત્ર સંભાજી મહારાજ વિશે સંશોધન કર્યું છે. સોયરાબાઈને પટરાણી બનાવવામાં આવ્યાં ત્યારે તેમનાં પોતાના પુત્ર રાજારામ ચાર વર્ષની વયના હતા.

ડૉ. કમલ ગોખલેએ લખ્યું છે કે "સંભાજી જેટલી પ્રતિષ્ઠા પોતાનાં પુત્રને ન મળવાને કારણે સોયરાબાઈ ઉદાસ થઈ ગયાં હોય એ શક્ય છે. એ માનવીય સ્વભાવ છે."

સંભાજીને શિવાજી મહારાજના ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા એ પછી શિવાજીના ભોસલે પરિવારમાં કલહ શરૂ થઈ ગયો હતો.

એ કલહ શિવાજી મહારાજ, સોયરાબાઈ અને સંભાજી વચ્ચે થયો હોવાનું કહેવાય છે. તેનો સંદર્ભ શિવદિગ્વિજય નામના દસ્તાવેજમાં આપવામાં આવ્યો છે.

એ દસ્તાવેજો મુજબ, સોયરાબાઈનો આગ્રહ હતો કે રાજારામને જ ઉત્તરાધિકારી બનાવવા જોઈએ.

મરાઠા ઇતિહાસકાર વી કે રાજવાડેના જણાવ્યા મુજબ, શિવદિગ્વિજયનું પ્રકાશન 1810માં વડોદરામાં કરવામાં આવ્યું હતું.

એ દસ્તાવેજોમાં શિવાજી મહારાજની સોયરાબાઈ સાથેની એક મુલાકાતનો ઉલ્લેખ છે.

એ મુલાકાતમાં સોયરાબાઈએ શિવાજી મહારાજને રાજારામને ઉત્તરાધિકારી બનાવવા જણાવ્યું હતું. જોકે, દસ્તાવેજમાં આગળ એવું પણ લખ્યું છે કે શિવાજી મહારાજને સોયરાબાઈ પર સંપૂર્ણ ભરોસો ન હતો.

આ દસ્તાવેજોને રોજનીશી કહી શકાય. તેમાંથી મરાઠા ઇતિહાસની ઘણી માહિતી મળે છે, પણ મોટાભાગની માહિતી અતિશયોક્તિથી ભરપૂર અને એકપક્ષીય છે. તેથી તેને ભરોસાપાત્ર ગણવામાં આવતી નથી.

ડૉ. જયસિંહરાવ પવારે લખ્યું છે કે "રાયગઢમાં એ વખતે પરિસ્થિતિ તંગ થઈ ગઈ હતી અને તેનું કારણ પટરાણી સોયરાબાઈ અને તેમનાં ખાસ માણસો હતા."

વાસ્તવમાં એ વખતે સંભાજી મહારાજને રાયગઢથી ઘણે દૂર તહેનાત કરવામાં આવ્યા હતા. એ કારણે રાજધાનીમાં સોયરાબાઈનો પ્રભાવ ઘણો વધારે હતો.

ડૉ. જયસિંહરાવ પવારે 'છત્રપતિ સંભાજી - એક ચિકિત્સા' પુસ્તકમાં લખ્યું છે કે "ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા પછીના બે અથવા ત્રણ વર્ષ સુધી એટલે કે 1676ના ઑક્ટોબર મહિના સુધી સંભાજી રાયગઢમાં રહ્યા હતા."

"1678માં શિવાજી મહારાજે સંભાજી મહારાજને સાથે લઈને કર્ણાટક પર હુમલો કર્યો હતો. એ પછી શિવાજી મહારાજના મૃત્યુ સુધી સંભાજી રાયગઢમાં ન હતા."

"જોકે, શિવાજી મહારાજ રાયગઢમાં જ રહેતા હતા, પરંતુ સંભાજી મહારાજ સાડા ત્રણ વર્ષ સુધી રાયગઢ પાછા ફર્યા ન હતા. સાડા ત્રણ વર્ષ જેવા લાંબા સમયગાળાને કારણે રાજ્યના રાજકારણમાં સોયરાબાઈ અને તેમનાં સાથીઓની વગ મોટા પ્રમાણમાં વધી ગઈ હતી."

સંભાજી મહારાજના જીવન વિશેની કવિતાનું એક પુસ્તક છેઃ અનુપુરાણ. ઇતિહાસકારોએ જણાવ્યા મુજબ, એ પુસ્તકમાં સંભાજીનો પક્ષ રજૂ કરવામાં આવ્યો છે અને કવિ પરમાનંદના પુત્ર દેવદત્તે અનુપુરાણની રચના કરી હતી.

અનુપુરાણમાં એક નાટકીય ઘટનાક્રમનો ઉલ્લેખ છે. તેમાં શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ વચ્ચે રાજ્યના વિભાજનની વાત કરવામાં આવી છે.

એ પુસ્તકમાં જણાવ્યા અનુસાર, શિવાજી મહારાજ સંભાજીને કહે છે કે "મારા રાજ્યની રક્ષા કરવાનું હવે મારા માટે મુશ્કેલ બનતું જાય છે. હું આ સામ્રાજ્ય તમને સોંપવા ઇચ્છું છું."

"સામ્રાજ્યનો એક પણ હિસ્સો તમારા સાવકા ભાઈને મળશે નહીં. તેના માટે હું નવો પ્રદેશ જીતીશ. રાજારામ યુવાન છે અને હજુ રાજ્યનો કારભાર ચલાવી શકે તેમ નથી."

"તમારામાં શાસકના ગુણ છે. હું તમને સામ્રાજ્ય સોંપવા તૈયાર છું. જે રીતે શરીરનું વિભાજન ન થઈ શકે, એવી જ રીતે સામ્રાજ્યનું વિભાજન પણ કરી શકાય નહીં."

"હું બીજો પ્રદેશ જીતી ન લઉં ત્યાં સુધી તમે શ્રીનગરપુરમાં રહો. તમારે રાયગઢમાં સોયરાબાઈ સાથે રહેવાનું નથી."

સંભાજી શિવાજી મહારાજને કહે છે કે "આપણી નિયતિ આપણાં સુખ અને દુઃખનું કારણ છે. તમારા વિના મારું મન આનંદમાં નહીં રહે. આપ અહીં જ રહો. વિભાજનની વાત પણ ખોટી છે. હું વિભાજિત રાજ્ય સ્વીકારીશ નહીં."

ઇતિહાસકારોના જણાવ્યા મુજબ, રાયગઢના વિભાજનની દરખાસ્તની ચર્ચા 1675-76માં થઈ હતી. શિવાજી મહારાજના અષ્ટપ્રધાન મંડળના કેટલાક સભ્યો યુવરાજ સંભાજીની તરફેણમાં ન હતા. તેથી તેમની વચ્ચે પણ વિવાદ સર્જાયો હતો.

સંભાજી મહારાજના વ્યક્તિત્વ બાબતે ઇતિહાસકારોમાં બે દૃષ્ટિકોણ જોવા મળે છે.

કેટલાક ઐતિહાસિક દસ્તાવેજોમાં સંભાજીને બેજવાબદાર, બિનભરોસાપાત્ર અને વિચારહીન ગણાવવામાં આવ્યા છે.

સંભાજી મહારાજ ખરેખર કેવા હતા અને ક્યા ઐતિહાસિક દસ્તાવેજોને ભરોસાપાત્ર ગણવા જોઈએ એ વિશે મહારાષ્ટ્રમાં પાછલી સાડાત્રણ સદીથી ચર્ચા ચાલી રહી છે.

ડૉ. જયસિંહરાવ પવાર કહે છે કે "સંભાજી મહારાજના વ્યવહારને કારણે રાયગઢમાં કલહ સર્જાયો ન હતો, પરંતુ સોયરાબાઈ અને પ્રધાનમંડળમાં સામેલ તેમના સાથીઓની મહત્વકાંક્ષાને કારણે કલહ સર્જાયો હતો.

રાયગઢમાં એ સમયે સંભાજીના વિરોધનું વાતાવરણ હતું. તેનો લાભ લઈને સોયરાબાઈએ તેમનાં સાથીઓ જોડે મળીને ષડયંત્ર રચ્યું હતું. સંભાજીને ખરાબ વ્યક્તિ દર્શાવવાના પ્રયાસ પણ એક ષડયંત્રનો જ એક હિસ્સો હતા."

શિવાજી મહારાજનું ઉત્તરાધિકારી કોણ બન્યું?

એ સમયગાળામાં સંભાજીએ મુઘલોના જૂથના દિલેર ખાન સાથે હાથ મિલાવી લીધા હતા.

કેટલાક ઇતિહાસકારોના મતાનુસાર, એ કારણસર રાયગઢમાં ગૃહયુદ્ધ છેડાયું હતું. અન્ય ઇતિહાસકારોના મતાનુસાર, મુઘલો સાથેની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ સંભાજી મહારાજ તેમના રાજ્યમાં પાછા આવી ગયા હતા.

ડૉ. કમલ ગોખલેએ લખ્યું છે કે "સાંભાજી 1678માં મુઘલોને મળ્યા ત્યારે અષ્ટ પ્રધાન મંડળમાં તેમના પ્રત્યેનો અવિશ્વાસ વધ્યો અને કડવાશ પણ વધી હતી. "

"એ પરિસ્થિતિમાં પોતાના ઉત્તરાધિકારી બાબતે કોઈ નિર્ણય કરવાનું શિવાજી મહારાજ માટે મુશ્કેલ બની ગયું હતું."

એક એવો મરાઠા દસ્તાવેજ પણ ઉપલબ્ધ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શિવાજી મહારાજે તેમના નિધન પહેલાં તેમના પ્રધાન પંતને એક પત્ર લખ્યો હતો.

એ પત્રમાં શિવાજી મહારાજે સંભાજીને બદલે રાજારામની તરફેણ કરી હતી. 1697માં લખાયેલા દસ્તાવેજમાં જણાવ્યા અનુસાર, સંભાજી રાજા માટે કડવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે રાજારામના વખાણ કરવામાં આવ્યા હતા.

રાજારામના લગ્ન અને શિવાજી મહારાજનું મૃત્યુ

શિવાજી મહારાજ અને સોયરાબાઈના પુત્ર રાજારામના લગ્ન 1680ની 15 માર્ચે કરવામાં આવ્યા હતા. એ વખતે રાજારામ માત્ર 10 વર્ષની વયના હતા.

રાજારામના લગ્ન શિવાજી મહારાજના નિધનના બે સપ્તાહ પહેલાં કરવામાં આવ્યાં હતાં.

પોતાના સાવકા ભાઈના લગ્નમાં સંભાજીએ હાજરી આપી ન હતી. મુઘલો સાથે એક વર્ષ ગાળવાને કારણે સંભાજીને એ સમયે મરાઠા સામ્રાજ્યમાં શંકાની નજરે જોવામાં આવતા હતા.

એ સમયગાળાના દસ્તાવેજોનો વી સી બેન્દ્રેએ ચાર દાયકા સુધી અભ્યાસ કર્યો હતો. વી સી બેન્દ્રેએ તે વિશે એક પુસ્તક પણ લખ્યું છે.

પુસ્તકનું નામ છેઃ છત્રપતિ સંભાજી મહારાજ. એ પુસ્તક લખવાનું કામ 1958માં પૂર્ણ થયું હતું.

વી સી બેન્દ્રેએ થોડા સમય સુધી ભારત ઇતિહાસ સંશોધન કેન્દ્રમાં કામ પણ કર્યું હતું. તેમણે તેમના પુસ્તક માટે મરાઠા ઇતિહાસની માહિતી લંડનના ઇન્ડિયા હાઉસ અને બ્રિટિશ લાઇબ્રેરીમાંથી પણ મેળવી હતી.

જોકે, જયસિંહરાવ પવારના જણાવ્યા મુજબ, સચ્ચાઈ અલગ હતી. સંભાજી રાજા વાસ્તવમાં સોયરાબાઈ અને તેમના સહયોગી પ્રધાનોથી નારાજ ન હતા.

રાજારામના વિવાહ બાદ શિવાજી મહારાજ બીમાર પડ્યા હતા અને 1680ની ત્રીજી એપ્રિલે તેમનું દેહાવસાન થયું હતું. શિવાજી મહારાજના મૃત્યુ વિશે પણ ઇતિહાસકારોમાં મતભેદ પ્રવર્તે છે.

શિવાજી મહારાજને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હોવાનું પણ કહેવામાં આવે છે.

વી સી બેન્દ્રેએ લખ્યું છે કે "સોયરાબાઈએ શિવાજીને ઝેર આપ્યું હોવાનો દાવો કેટલીક જગ્યાએ કરવામાં આવ્યો છે, પણ તેમાં કોઈ સચ્ચાઈ હોય એવું મને નથી લાગતું."

શિવાજી મહારાજના નિધન પછી શું થયું?

છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ પછી રાયગઢમાં ઘટનાક્રમ ઝડપભેર બદલાયો હતો અને રાજારામને ગાદી પર બેસાડવાના પ્રયાસ શરૂ થઈ ગયા હતા.

થોડા દિવસમાં તો રાજારામનો રાજ્યાભિષેક પણ કરી નાખવામાં આવ્યો હતો.

રાજારામ સમ્રાટ બન્યા એ પછી સંભાજીને કેદ કરવાની યોજના બનાવવામાં આવી હોવાનો ઉલ્લેખ મરાઠી દસ્તાવેજોમાં મળે છે.

વી સી બેન્દ્રેએ લખ્યું છે કે "એ ષડયંત્રમાં અન્નાજીનો હાથ હતો. તેમણે એ કાવતરામાં સોયરાબાઈ તથા પેશવાને સામેલ કરી લીધાં હતાં. અન્નાજી તો શક્તિશાળી હતા અને પેશવાની સ્થિતિ આમ પણ નબળી હતી. બીજી તરફ સોયરાબાઈ તેમનાં દીકરાને રાજગાદીએ બેસાડવા ઇચ્છતાં હતાં."

એ કાવતરાંનો ઉલ્લેખ કરતાં વી સી બેન્દ્રેએ સોયરાબાઈના ભાઈ હામ્બીરાવ મોહિતેની વાત પણ કરી છે.

હામ્બીરાવ મોહિતે છત્રપતિ શિવાજીના ભરોસાપાત્ર સેનાપતિ હતા અને રાયગઢમાં જ હતા. તેઓ છેલ્લે સુધી સંભાજી મહારાજના વફાદાર બની રહ્યા હતા.

જયસિંહરાવ પવારે લખ્યું છે કે સોયરાબાઈએ તેમના દીકરાને મહારાજા બનાવતા પહેલાં તેમના ભાઈ સાથે વાતચીત કરી ન હતી.

સંભાજી રાયગઢ પહોંચ્યા ત્યારે

પ્રધાનોએ રાયગઢથી પન્હાલાગઢ જઈને સંભાજી રાજાની ધરપકડ કરવાની યોજના ઘડી હતી, પરંતુ શિવાજી મહારાજના સેનાપતિ હામ્બીરાવ મોહિતે સંભાજીના પક્ષે હતા.

તેમણે પહેલાં જ પેશવાઓની ધરપકડ કરીને તેમને સંભાજી મહારાજ સામે હાજર કરી દીધા હતા. પછી એ દેશદ્રોહીઓને રાયગઢ લાવવામાં આવ્યા હતા.

એ સમયની ઘટનાઓ પર આધારિત દસ્તાવેજોમાં મલ્હાર રામરાવ ચિટનીસે લખ્યું છે કે સંભાજી રાજા રાયગઢ પહોંચ્યા કે તરત જ તેમના આદેશ અનુસાર સોયરાબાઈની ઝેર આપીને હત્યા કરવામાં આવી હતી.

એ દસ્તાવેજ 1732માં લખવામાં આવ્યો હતો. સંભાજી રાજાના મોતના ઘણા વર્ષો પછી મલ્હાર રામરાવ ચિટનીસે ઉપરોક્ત વાત લખી હોવાથી એ વિશે અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

ઇતિહાસકાર જયસિંહરાવ પવારે લખ્યું છે કે મલ્હાર રામરાવ ચિટનીસના પરદાદાના પિતાને સંભાજી મહારાજે હાથીના પગ તળે કચડાવી નાખ્યા હતા. તેની નારાજગી મલ્હાર રામરાવ ચિટનીસના લેખનમાં પણ જોવા મળે છે.

બીજી તરફ પ્રસિદ્ધ ઇતિહાસકાર વી કે રાજવાડેના જણાવ્યા મુજબ, આ દસ્તાવેજોનો, ઇતિહાસ વિશેનું સંશોધન કરતા લોકો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે.

સંભાજી મહારાજ રાયગઢ પહોંચ્યા પછીની ઘટનાઓનો ઉલ્લેખ અનુપુરાણમાં પણ જોવા મળે છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે સંભાજી મહારાજ સોયરાબાઈ સહિતની તેમની સાવકી માતાઓને મળ્યા હતા અને તેમને સાંત્વન આપ્યું હતું.

વી સી બેન્દ્રેએ તેમના પુસ્તક 'છત્રપતિ સંભાજી મહારાજ'માં લખ્યું છે કે શિવાજી મહારાજના અવસાન પછીના દોઢ વર્ષ સુધી સોયરાબાઈ જીવતાં રહ્યાં હતાં.

વિખ્યાત ઇતિહાસકાર યદુનાથ સરકારે 1919માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક 'શિવાજી ઍન્ડ હિઝ ટાઇમ'માં પણ આ પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે.

ઇતિહાસકાર ઇંદ્રજીત સાવંત મુજબ, એ વિવરણોના આધારે સંભાજી મહારાજના ચરિત્ર વિશે અનેક નાટકો લખવામાં આવ્યાં છે. તેને કારણે લોકોનાં દિમાગમાં સંભાજી મહારાજની ખરાબ છાપ પણ સર્જાઈ હતી.

સંભાજી બન્યા મહારાજ

શિવાજી મહારાજના નિધનના નવ મહિના પછી સંભાજીએ રાજગાદી સંભાળી હતી. જયસિંહરાવ પવારે લખ્યું છે કે રાજગાદી સંભાળતાની સાથે જ સંભાજીએ જેલમાં કેદ તમામ અધિકારીઓને મુક્ત કરીને તેમના પદે પુનર્સ્થાપિત કર્યા હતા, પણ પ્રધાન પંત કેદમાં જ મૃત્યુ પામ્યા હતા.

સંભાજીએ રાજગાદી સંભાળતાની સાથે જ રાયગઢમાં વિદ્રોહ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, પણ બળવાના પ્રયાસને બે વખત નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.

સંભાજી મહારાજ બન્યાના છથી સાત મહિનામાં જ આ બધી ઘટનાઓ બની હતી.

એક વખત સંભાજીને ઝેર આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. બીજી વખત સંભાજીએ કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. એ વખતે મુંબઈમાં કાર્યરત બ્રિટિશરોએ પણ તે ષડયંત્રો વિશે લખ્યું હતું.

ડૉ. જયસિંહરાવ પવારે તેમના પુસ્તક 'છત્રપતિ સંભાજી - એક ચિકિત્સા' પુસ્તકમાં લખ્યું છે કે "અન્નાજી, સોયરાબાઈ અને હિરોજી ફરજંદે 1681ની આઠમી સપ્ટેમ્બરે સંભાજી રાવ વિરુદ્ધ કાવતરું રચ્યું હતું."

"તેમણે સુલતાન અકબરનો સાથ લેવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ સુલતાન સંભાજીના વિશ્વાસપાત્ર બની રહ્યા હતા અને તેમણે કાવતરાની જાણ સંભાજીને તત્કાળ કરી હતી."

આ ઘટનાનો ઉલ્લેખ મરાઠી ઇતિહાસના દસ્તાવેજોમાં પણ મળે છે. તે અનુસાર, એ કાવતરામાં સામેલ લોકોને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યાં હતાં, પણ સોયરાબાઈએ લોકલાજને કારણે ઝેર ખાઈને જીવનનો અંત આણ્યો હતો.

ઇતિહાસકાર જી સી સરદેસાઈનું પુસ્તક 'સ્ટેટ ઑફ મરાઠેશાહી' 1935માં પ્રકાશિત થયું હતું.

એ પુસ્તકમાં સરદેસાઈએ લખ્યું છે કે "હીરોજી રાયગઢ પાછા ફર્યા પછી તેમણે સોયરાબાઈ તથા અન્નાજી પંત સાથે વાત કરીને એક-બે મહિનામાં જ સંભાજીને હઠાવીને રાજારામને ગાદી પર બેસાડવાની યોજના બનાવી હતી."

"અકબર મારફત સંભાજીને તેની જાણકારી મળી ત્યારે સંભાજી આશ્ચર્યચકિત થઈ ગયા હતા."

સોયરાબાઈનું મૃત્યુ ક્યારે થયું હતું?

સત્તાવાર દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ, સોયરાબાઈનું મૃત્યુ 1681ની 27 ઑક્ટોબરે થયું હતું, પણ તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું એ બાબતે કોઈ સ્પષ્ટ માહિતી મળતી નથી.

કોલ્હાપુરમાં રહેતા ઇતિહાસકાર ઇંદ્રજીત સાવંતના જણાવ્યા મુજબ, અન્નાજી અને બાલાજીને ફાંસી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ તો છે, પણ સોયરાબાઈનું મોત કેવી રીતે થયું એ વિશે કોઈ માહિતી મળતી નથી.

ઇંદ્રજીત સાવંતે ખુદ પણ ગિરીશ કુબેરના પુસ્તકના વિવાદાસ્પદ હિસ્સા સામે વાંધો લીધો છે. તેમણે જણાવ્યું હતું કે આ તો કલ્પનાના આધારે સંભાજીના ચરિત્રને નુકસાન કરવાનો પ્રયાસ છે.

બીબીસી મરાઠીએ પુસ્તકના લેખક ગિરીશ કુબેર સાથે આ સમગ્ર વિવાદ વિશે વાત કરી હતી.

ગિરીશ કુબેરે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે "મારા પુસ્તક રેનેસાં સ્ટેટમાં સતવાહન સામ્રાજ્યથી માંડીને આધુનિક સમયના મહારાષ્ટ્રની આખી કથા છે."

"આવું પુસ્તક છત્રપતિ શિવાજી અને તેમના ઉત્તરાધિકારી વિશેની ચર્ચા વિના પૂર્ણ થઈ શકે નહીં. પુસ્તકમાં મેં જે કંઇ લખ્યું છે એ પ્રસિદ્ધ ઇતિહાસકારોના સંદર્ભ સાથે લખ્યું છે."

"પુસ્તકમાંની તમામ સામગ્રીના સ્રોતની વિગત પુસ્તકના અંતે આપવામાં આવી છે."

અનેક ઇતિહાસકારો સાથે વાત કર્યા પછી અને અનેક દસ્તાવેજોના અભ્યાસ બાદ એ સ્પષ્ટ થાય છે કે સોયરાબાઈ અને સંભાજી મહારાજ વચ્ચે રાજગાદી બાબતે સંઘર્ષ થયો હતો.

તેના ઐતિહાસિક પુરાવા પણ છે, પરંતુ ભરોસાપાત્ર અને વાસ્તવદર્શી માહિતીના અભાવે કેટલીક બાબતો વિશે સ્પષ્ટતાપૂર્વક કોઈ દાવો કરી શકાય તેમ નથી. સોયરાબાઈનું મોત પણ આવી જ એક બાબત છે.

મરાઠાઓની વર્તમાન ઓળખ અને મહારાષ્ટ્રનું રાજકારણ એક હદ સુધી છત્રપતિ શિવાજી મહારાજની આસપાસ જ ફરતું રહે છે ત્યારે ઇતિહાસને સમજવાના પ્રયાસ કરતાં લોકો સામેની મુશ્કેલીમાં વધારો થયો છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો