You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે બાદશાહ ઔરંગઝેબ માંસાહાર છોડીને શાકાહારી બની ગયા
- લેેખક, સલમા હુસૈન
- પદ, બીબીસી ગુજરાતી માટે
સામાન્ય ધારણા એવી છે કે મુગલ બાદશાહો ગોશ્ત (માંસ) ખાવાના બહુ શોખીન હતા.
મુઘલ કાળના ભોજનની વાત થાય ત્યારે ગોશ્ત, ચિકન અને માછલીથી બનેલાં ભોજનની વાતનો ઉલ્લેખ થયા વગર રહેતો નથી.
ઇતિહાસનાં પૃષ્ઠોમાં નજર કરીએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે મુગલ બાદશાહ અકબર, જહાંગીર અને ઔરંગઝેબ શાકભાજીના પણ એટલા જ શોખીન હતા.
અકબર સારા શિકારી હતા, પણ તેમને માંસાહાર માટે કોઈ વિશેષ લગાવ નહોતો.
હા, વિશાળ સામ્રાજ્યને સંભાળવા માટે અને પોતાની શારીરિક તાકાતને જાળવી રાખવા માટે તેઓ સમયાંતરે માંસાહાર પણ કરતા રહેતા હતા.
પોતાના શાસનના પ્રારંભના દિવસોમાં તેઓ દર શુક્રવારે માંસથી દૂર રહેતા હતા. ધીમે ધીમે રવિવારનો દિવસ પણ તેમાં ઉમેરાયો હતો.
ત્યારબાદ દર મહિનાની પહેલી તારીખે, માર્ચનો આખો મહિનો અને પછી ઑક્ટોબર મહિનામાં પણ તેમણે માંસાહારનો ત્યાગ કરવાનું શરૂ કરી દીધું હતું.
સુફિયાના ભોજન
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ પોતાના ભોજનની શરૂઆત દહીં ભાતથી કરતા હતા.
અબુલ ફઝલ અકબરના નવરત્નોમાંના એક હતા. તેમણે પોતાના પુસ્તક 'આઈન-એ-અકબરી'માં લખ્યું છે કે અકબરની ખાણીપીણી ત્રણ પ્રકારની રહેતી હતી.
પ્રથમ પ્રકારનું ભોજન એ હતું, જેમાં માંસ રાખવામાં આવતું નહોતું. તેને સુફિયાના ભોજન કહેવાતું હતું.
બીજા પ્રકારના ભોજનમાં માંસ અને અનાજ એક સાથે પકવવામાં આવતાં હતાં.
ત્રીજામાં માંસ, ઘી અને મસાલા સાથે ભોજન તૈયાર કરાતું હતું.
આ વર્ણન પરથી ખ્યાલ આવે છે કે રાજાની પ્રથમ પસંદગીના ભોજનમાં દાળ, ઋતુનાં લીલા શાકભાજી અને પુલાવનો સમાવેશ થતો હતો.
અકબરની જેમ જહાંગીરને પણ માંસાહાર માટે ખાસ કોઈ રુચિ નહોતી. તેઓ દર રવિવાર અને ગુરુવારે માંસાહાર કરતા નહોતા.
માત્ર માંસાહાર ન કરવો એટલું જ નહીં, આ બે દિવસોમાં તેમણે પશુઓની કતલ પર પણ પ્રતિબંધ મુકાવ્યો હતો.
ખેડૂતો પરની મહેસૂલ માફ કરી
આ એક એવી વાત છે, જે મુગલ બાદશાહોની ધાર્મિક સહિષ્ણુતા દર્શાવે છે. રાજાનો સ્વભાવ જાણીને રસોઈયા શાકભાજી સાથે ઉત્તમ પકવાન તૈયાર કરતા હતા.
તેઓ માંસ ન હોય તેવો પુલાવ જ તૈયાર કરતા હતા.
ફળોની ખેતી વધે તે માટે ખેડૂતો પરની મહેસૂલ માફ કરવામાં આવતી હતી.
એ વાત પણ રસપ્રદ છે કે પોતાના પૂર્વજોના પગલે ચાલીને ઔરંગઝેબ તેમનાથી પણ ખૂબ આગળ નીકળી ગયા હતા.
યુવાવસ્થામાં તેઓ 'મુર્ગ-મસલમ' અને સ્વાદિષ્ટ ભોજનના શોખીન હતા.
ખાવાના શોખીન બાદશાહ
આ બાબત સાથે સંબંધિત દસ્તાવેજો અનુસાર ઔરંગઝેબ ખાવાના ખૂબ શોખીન હતા.
પોતાના પુત્રને લખેલા એક પત્રમાં તેમણે લખ્યું હતું કે "તમારે ત્યાંની ખીચડી અને બિરયાનીનો સ્વાદ મને હજુ પણ યાદ છે. જેમણે બિરયાની બનાવી હતી તે સુલેમાન રસોઇયાને મારી પાસે મોકલી દેવા મેં લખ્યું હતું."
"જોકે તેને શાહી રસોઈમાં ભોજન બનાવવાની મંજૂરી મળી નથી. તેનો કોઈ શિષ્ય હોય અને તેના જેવું જ ભોજન બનાવતો હોય તો તેને મારી પાસે મોકલી આપો. આજે પણ સારું ખાવાનું મને શોખ છે."
જોકે, ઔરંગઝેબ તાજ પહેર્યા પછી સતત યુદ્ધમાં અટવાઈ ગયા હતા એટલે સારા ભોજનની વાત જૂના જમાનાની વાત રહી ગઈ હતી.
બાદમાં માંસ ન ખાવાની ઔરંગઝેબને આદત પડી ગઈ. તેમના ટેબલ પર સાદું ભોજન જ રાખવામાં આવતું હતું. શાહી રસોઈયા શાકભાજીમાંથી ઉત્તમ પકવાન બનાવવાનો પ્રયાસ કરતા રહેતા હતા.
તાજાં ફળ ઔરંગઝેબને ખૂબ જ ભાવતાં હતાં અને તેઓ કેરીના પણ શોખીન હતા.
શિકારને 'બેકાર લોકોનું મનોરંજન' ગણાવ્યું
ઔરંગઝેબ ભારતના શક્તિશાળી શાસક હતા. તેમનું સામ્રાજ્ય કાશ્મીરથી દક્ષિણના છેડા સુધી ફેલાયું હતું. પશ્ચિમમાં કાબુલથી લઈને પૂર્વમાં ચિત્તગોંગ સુધી તેમનું શાસન ફેલાયું હતું.
આ બધું હાંસલ કરવા માટે તેમણે અનેક યુદ્ધ કરવા પડ્યાં હતાં.
મુગલોનાં સાહસ અને બહાદુરી તેમનામાં ભરેલાં હતાં. તેમને જવાનીમાં શિકારનો શોખ હતો. જોકે, વૃદ્ધ થયા પછી તેમણે શિકારને 'બેકાર લોકોનું મનોરંજન' ગણાવ્યું હતું.
બાદશાહ માંસ ખાવાથી દૂર રહે તે વાત ખરેખર અચરજ પમાડે તેવી છે. ઘઉંમાંથી બનતા કબાબ અને ચણાની દાળનો પુલાવ ઔરંગઝેબને વધુ ભાવતા હતા.
પનીરમાંથી બનતા કોફ્તા અને ફળોમાંથી બનતા આહાર ઔરંગઝેબની દેન છે.
(સલમા હુસૈન ભોજન વિશેષજ્ઞ અને ઇતિહાસકાર છે. પ્રસિદ્ધ હોટલ્સમાં ફૂડ એક્સપર્ટ તરીકે કામ કરતા સલમા હુસૈને પુસ્તકો પણ લખ્યા છે.)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો