અમદાવાદ: થેલેસેમિયાગ્રસ્ત મુસ્લિમ બાળકને હિંદુ દંપતીએ ધોધમાર વરસાદમાં મધરાતે કેવી રીતે બચાવી લીધું?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આ કહાણી છે અમદાવાદની જ્યારે વર્ષ 2022માં પાણીમાં તરબતર શહેરમાં એક દંપતીએ દરિયાદિલીનો એવો દાખલો બેસાડ્યો કે તેનાથી પ્રેરણા લઈ શકાય.

થેલેસેમિયાથી પીડિત મુસ્લિમ બાળકોને સિંગલ ડૉનેટ પ્લેટલેટ્નીસ જરૂર હતી, ત્યારે એક હિન્દુ દંપતીએ ભારે વરસાદમાં મધરાતે 'સિંગલ ડોનર પ્લેટલેટ' પહોંચાડી દીધા હતા.અમદાવાદ શહેરમાં રવિવારે ખાબકેલા વરસાદમાં ચોતરફ પાણી ભરાઈ ગયાં હતાં. શહેરના પશ્ચિમ વિસ્તારમાં તો સ્થિતિ એટલી ખરાબ હતી કે મોટા ભાગના રોડ પર એક ફૂટ જેટલાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.

સોસાયટીઓના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ સંજોગોમાં મહારાષ્ટ્રથી આવેલા એક થેલેસેમિયાગ્રસ્ત મુસ્લિમ બાળકને સાયન્સ સિટી રોડની એક ખાનગી હૉસ્પિટલમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પછી તાકીદે 'સિંગલ ડૉનેટ પ્લેટનેટ (બ્લડ કૉમ્પોનેટ)'ની જરૂર હતી.

જો થોડું મોડું થાય તો બાળકની સ્થિતિ વધુ બગડે તેમ હતું. પણ એક હિન્દુ દંપતીએ તેમને ભારે વરસાદ વચ્ચે મધરાતે 'સિંગલ ડોનર પ્લેટનેટ' પહોંચાડી દીધા હતા.

આ દંપતી બાઇક પર નારણપુરા પોતાના ઘરેથી વાસણા બ્લડ બૅન્ક જવા નીકળ્યું હતું. જેમ તેમ કરીને શિવરંજની પહોંચ્યું. વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હોવાથી બાઈક પર આગળ જઈ શકાય તેમ ન હતું. પછી તેમણે પોલીસની મદદ માગી હતી.

'અમે દુખ વેઠ્યું એટલે અમને ખબર છે'

આ કાર્ય કરનાર દંપતીનું નામ મુકેશ જોશી અને કૃતિ જોશી છે. નારણપુરામાં રહેતા 45 વર્ષીય મુકેશ જોશીએ જણાવ્યું હતું કે, "મારા બાળકને પણ થેલેસેમિયા હતો. જેથી થેલેસેમિયાવાળા બાળકોની તકલીફ અમે વધારે સમજીએ છીએ. મારા દીકરાને વારંવાર બ્લડ ચડાવવું પડતું હતું. જેની બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ અમે વર્ષ 2015માં કરાવી હતી."

તેઓ કહે છે, "હવે અમારો દીકરો સ્વસ્થ્ય છે. હું અને મારી પત્ની થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સ્વેચ્છાએ કાર્ય કરી રહ્યા છીએ."

મુકેશ જોશી બિઝનેસમૅન છે અને તેમનાં પત્ની થેલેસેમિયા માટે કામ કરતી સંસ્થા સાથે જોડાયેલાં છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "થેલેસેમિયાવાળાં બાળકો માટે બે જ ઑપ્શન હોય છે. એક જેમાં દર્દીને સમયાંતરે બ્લડ ચડાવવામાં આવે છે. બીજામાં બોર્નમેરો ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ બંને પદ્ધતિ ખર્ચાળ તેમજ દુઃખદાયક પણ હોય છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "અમે દંપતી થેલેસેમિયા બાળકોને માટે બ્લડ, પ્લેટલેટ કે બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ અંગે ફંડ એકઠું કરવા માટે કામ કરીએ છીએ. અમે અમારું કામ પડતું મૂકીને પણ આ કામ કરીએ છીએ."

"2015માં અમે અમારા દીકરાનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. અમારી દીકરી છે. જે અઢી વર્ષની થઈ બાદમાં તેના બોનમેરો લઈને અમારા દીકરામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. હાલ અમારો દીકરો સ્વસ્થ્ય છે."

વરસતો વરસાદ અને પોલીસની મદદ

થેલેસેમિયા માટે કામ કરતી સંકલ્પ ઇન્ડિયા સંસ્થામાં કૉ-ઓર્ડિનેટર તરીકે કામ કરતાં કૃતિ જોશીએ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "5 વર્ષના મહારાષ્ટ્રના થેલેસેમિયા ધરાવતાં બાળકનું એક દિવસ પહેલાં જ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન કરવામાં આવ્યું હતું."

"બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના ઑપરેશન બાદ બાળકના શરીરમાં જે ખરાબ લોહીના સેલ હોય છે, તેને બાળી નાખવામાં આવે છે. જેથી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનો ઑપરેશન કરાયેલા દર્દીના વાઇટ બ્લડ સેલ તેમજ પ્લેટલેટ ઘટી જતાં હોય છે. બાળક ઑપરેશન બાદ બાથરૂમમાં પડી ગયો હતો. બાદમાં તેના યુરીનમાં બ્લડ આવતું હતું. આ સંજોગોમાં બાળકને તાત્કાલિક પ્લેટનેટની જરૂર પડે છે. જો સમયસર બાળકને પ્લેટનેટ ન ચડાવવામાં આવે તો તેને હેમરેજ થવાનું જોખમ રહે છે."

"ડૉક્ટર દ્વારા બ્લડ બૅન્કમાં પ્લેટનેટ માટે નોંધણી કરવી હતી, પરંતુ ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ જતા બ્લડ બૅન્કના કર્મચારીઓ હૉસ્પિટલ પહોંચી શક્યા ન હતા. ઇમરજન્સી સ્થિતિ હોવાને કારણે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર હું અને મારા પતિ પ્લેટનેટ પહોંચાડવા માટે નીકળ્યાં હતાં."

કૃતિ જોશી કહે છે, "અમે રાતે 10 વાગ્યે અમારા ઘરે નારણપુરાથી બાઇક લઈને નીકળ્યા હતા. અમારે વાસણા ખાતે આવેલી પ્રથમા બ્લડ બૅન્કમાં જવાનું હતું પરંતુ ધોધમાર વરસાદના કારણે શહેરના દરેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. અમે ફરતા ફરતા નહેરુનગર થઈને શિવરંજની પહોંચ્યા હતા, પરંતુ ત્યાંથી આગળ બાઇક લઈને જઈ શકાય તેમ ન હતું. જેથી અમે સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ દીપક મહેતાનો સંપર્ક કર્યો હતો." "સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દીપક મહેતાએ અમને ગણતરીની મિનિટોમાં પીસીઆર વાનની મદદ મોકલી હતી. પોલીસની ટીમ સાથે અમે પ્રાર્થના બ્લડ બૅન્ક તરફ જવા નીકળ્યા હતા. પરંતુ ત્યાં પાણી હોવાથી અમે પ્રથમા બ્લડ બૅન્કના કર્મચારીઓનો સંપર્ક કર્યો હતો. અમે પાણીમાં ચાલીને જવા નીકળ્યા હતા."

"બીજી તરફ બ્લડ બૅન્કનો સ્ટાફ પણ પ્લેટલેટ લઈને એક કિ.મી. જેટલું પાણીમાં ચાલીને સામે આવ્યો હતો. ત્યાર બાદ અમે પોલીસની ટીમ સાથે લગભગ 1.30 વાગ્યાની આસપાસ સીમ્સ હૉસ્પિટલ પહોંચ્યા હતા. પછી બાળકની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી. સમયસર મદદ પહોંચવાની અમને ખુશી છે."

સેટેલાઇટ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર દીપક મહેતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દંપતી વરસાદમાં બાઇક લઈને બ્લડ બૅન્ક જઈ રહ્યું હતું પરંતુ વધુ વરસાદના કારણે પાણીમાં બાઇક જઈ શકે તેમ ન હતું. અમારો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસની ટીમ અને દંપતી બ્લડ બૅન્ક ગયાં અને ત્યાંથી સૅમ્પલ કલેક્ટ કરીને હૉસ્પિટલ ગયાં હતાં. જેથી સમયસર બાળકની સારવાર શરૂ થઈ શકી."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આવી ઇમર્જન્સીની પરિસ્થિતિમાં પોલીસના સંપર્ક કરવામાં આવે તો પોલીસ હંમેશાં નાગરિક મદદ કરવા માટે તૈયાર હોય છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો