અમદાવાદ : 'અમે કગરતા રહ્યા, પોલીસ મારતી રહી', આદિવાસી યુવાનના થેલામાંથી દાડમ કાપવાની કાતર નીકળી, પોલીસે ઢોરમાર માર્યો

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમે કચ્છથી મજૂરી કરીને બે પૈસા કમાઈને પાછા અમારા વતન ડાંગ જઈ રહ્યા હતા. હું અને મારો મિત્ર અમદાવાદના બસ સ્ટૅન્ડ પર નાસ્તો કરવા ગયા. અચનાક પોલીસવાળાઓએ અમને રોક્યા અને તલાશી લીધી. બૅગમાંથી દાડમ કાપવાની કાતર મળતાં પોલીસ સ્ટેશન લઈ ગયા અને બહુ માર્યા. હવે મજૂરી કરવા અમદાવાદ જતા બીક લાગે છે."

આ શબ્દો છે ડાંગ જિલ્લાના આહવાની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા આદિવાસી શ્રમિક રણજિત જાદવના.

બારમાં ધોરણ સુધી ભણેલા રણજિત જાદવ ખેતીમાં સારી આવક ન થતાં મે અને જૂન મહિનામાં દાડમની ખેતીના સમયે બનાસકાંઠા તેમજ કચ્છ તરફ મજૂરીએ જાય છે.

રણજિત પોતે મુકાદમ હોવાથી ગામના બીજા યુવાનોને કામ માટે લઈ જાય છે અને મહિને 12થી 15 હજાર રૂપિયા કમાઈને ચોમાસું બેસે ત્યાર સુધીમાં પાછા ગામે આવીને પોતાના નાનકડા ખેતરમાં ખેતી કરવા લાગે છે.

રણજિતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "હું બનાસકાંઠા અને કચ્છમાં મજૂરી માટેનો કૉન્ટ્રેક્ટ લઉં છું. આ વર્ષે પણ હું અમારા ગામના અને આસપાસના આઠ યુવાનોને લઇને કચ્છના ભચાઉમાં દાડમની લણણી માટે ગયો હતો. બે મહિનામાં અમે જુદાજુદા ખેતરમાલિકોને ત્યાં કામ કરીને તેમને દાડમ કાપીને પૅક કરી આપ્યાં હતાં."

'પહેલાં સિક્યૉરિટીએ ન રોક્યા, બાદમાં પોલીસે આવીને મારવાનું શરૂ કર્યું'

રણજિત કહે છે, "ચોમાસું નજીક આવતાં અમે પાછા ઘરે આવી રહ્યા હતા. સાત જુલાઈની રાત્રે અમે અમદાવાદ પહોંચ્યા હતા. ગીતામંદિર બસ સ્ટૅન્ડ પર અમે ડાંગની બસ આવવાની રાહ જોઈ રહ્યા હતા. "

"ભૂખ લાગતાં હું મારા મિત્ર ગણેશ સાથે બહાર જમવા માટે ગયો. અમે પાછા જઈ રહ્યા હતા ત્યારે બસ સ્ટૅન્ડની સિક્યૉરિટીએ અમને ઊભા રાખ્યા અને બૅગ તપાસી. બૅગમાં અમારાં કપડાં અને દાડમ કાપવાની કાતર મળ્યાં હતાં."

રણજિતનો આરોપ છે કે સિક્યૉરિટીએ બૅગ તપાસીને તેમને અંદર જવા દીધા હતા અને તેઓ પ્લૅટફૉર્મ પર જ્યારે બસ આવવાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક સફેદ શર્ટ પહેરેલો માણસ આવ્યો અને તેમને મારવાનું શરૂ કર્યું હતું.

આ ઘટના વિશે રણજિત કહે છે, "મેં પૂછ્યું કે કેમ મારો છો તો તે મને બૅગ સાથે ઢસડીને ગીતામંદિર બસ સ્ટૅન્ડમાં આવેલી પોલીસચોકીમાં લઈ ગયા. ત્યાં ગળામાં આઈકાર્ડ નાખીને સાદાં કપડાંમાં એક વ્યક્તિ આવી. તેણે પણ બૅગમાં દાડમ કાપવાની કાતર જોઈને મારવાનું શરૂ કર્યું."

રણજિત માટે તેમના મિત્ર ગણેશ પોલીસચોકીમાં ગયા તો ત્યાં તેમની પણ બૅગ તપાસવામાં આવી હતી અને તેમાંથી દાડમ કાપવાની કાતર મળતાં તેમને પણ માર મારવામાં આવ્યો હતો.

પોલીસ પર આરોપ લગાવતાં રણજિત કહે છે કે ત્યાર બાદ એક પછી એક તેમના તમામ આઠ સાથીઓને બોલાવવામાં આવ્યા અને તમામ લોકોને નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો હતો.

તેઓ કહે છે, "અમે એ લોકોને અમારાં આધારકાર્ડ બતાવ્યાં, કચ્છમાં જેમને ત્યાં કામ કરીને આવ્યા હતા, એ લોકો સાથે વાત કરાવી પણ પોલીસવાળા અમારી વાત માની જ રહ્યા નહોતા. એ લોકો સતત અમને જાનવરની જેમ મારી રહ્યા હતા."

ગુજરાતમાં પોલીસનિર્દયતાના કેટલાક કિસ્સા

  • લૉકડાઉન દરમિયાન આઠ દલિત યુવાનોને માર્ચ 2020માંપોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા પોલીસને આ યુવાનોને વળતર આપવા આદેશ કર્યો હતો.
  • ફેબ્રુઆરી 2022માં પોલીસ અધિકારીની દીકરી સાથે આંતરધર્મ લગ્ન કરનારા યુવકને માર મારવામાં આવ્યો હોવાની હાકોર્ટમાં અરજી થઈ. કોર્ટે તમામ પોલીસસ્ટેશનમાં ફરજિયાત સીસીટીવી કૅમેરા લગાવવાનો આદેશ આપ્યો હતો. આ કેસ હાલમાં સુનાવણી હેઠળ છે.
  • જુલાઈ 2021માં દક્ષિણ ગુજરાતના ચીખલીમાં બે આદિવાસી યુવકોનાં પોલીસસ્ટેશનમાં મૃત્યુ થતાં છ પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો. આ કેસ હાલમાં સુનાવણી હેઠળ છે.
  • સપ્ટેમ્બર 2019માં વડોદરાના ફતેગંજ પોલીસસ્ટેશનમાં ચોરીના આરોપસર પકડાયેલા યુવાનનું પોલીસસ્ટેશનમાં મૃત્યુ થતાં છ પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો.
  • જાન્યુઆરી 2021માં કચ્છના મુન્દ્રામાં પોલીસસ્ટેશનમાં મૃત્યુના કેસમાં ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.
  • 2020માં અમદાવાદના બોપલ પોલીસસ્ટેશનમાં એક યુવકનું મૃત્યુ થતાં બે પોલીસકર્મીવિરુદ્ધ ગુનો નોંધાયો.
  • ગુજરાત વિધાનસભામાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના એક પ્રશ્નના ઉત્તરમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે 'ગુજરાતમાં 2020માં 88 અને 2021માં 100 કસ્ટોડિયલ ડેથ નોંધાયાં.'

'ડર છે કે મારે કામ છોડવું પડશે'

રણજિતના કહેવા પ્રમાણે, તેમના સાથીઓમાંથી એક વ્યક્તિએ બહાર જઈને કોઈક ઓળખીતાને ફોન કર્યો હતો અને બાદમાં મોડેથી આવેલા એક પોલીસકર્મીએ તેમના પુરાવાઓ તપાસ્યા અને મોડી રાત્રે તેમને છોડી દેવાયા.

જોકે, તેમને છોડી દીધા બાદ આ ઘટના પૂર્ણ થતી નથી.

તેમના મુજબ, પોલીસે તેમને ધમકી આપી હતી કે જો તેઓ આ બાબતે કોઈને કંઈ પણ કહેશે તો ફરી વખત તેમને માર મારવામાં આવશે.

તેઓ જણાવે છે, "જેમ તેમ કરીને અમે ડાંગ પહોંચ્યા. અમને લોકોને માર એટલો પડ્યો હતો કે સારવાર કરાવ્યા વગર ચાલે એમ નહોતું. અમે સારવાર કરાવવા ગયા અને ત્યાં નિયમ મુજબ આહવા પોલીસસ્ટેશનમાં અમને અમદાવાદ પોલીસે માર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. હવે જોવું રહ્યું કે પોલીસ શું કરે છે."

આ વિશે બીબીસી ગુજરાતીએ આહવા અને અમદાવાદના કાગડાપીઠ પોલીસસ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

પોલીસે આ મામલે રણજિતની ફરિયાદ નોંધી લીધી છે અને તપાસ આરંભી છે.

આહવા પોલીસસ્ટેશનના એએસઆઈ એસ. એમ. પવાર જણાવે છે, "રણજિતની ફરિયાદ નોંધીને આ અંગે અમદાવાદ પોલીસને જાણ કરી છે. "

અમદાવાદના કાગડાપીઠ પોલીસસ્ટેશનમાં આ મામલાની તપાસ કરાઈ રહી છે.

આ કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર એચ. સી. ઝાલા જણાવે છે, "ફરિયાદ મળતાં જ અમે તપાસ આરંભી છે. જે પૂર્ણ થયા બાદ દોષિતો સામે પગલાં લેવાશે."

આ ઘટના બાદ હવે રણજિતને અમદાવાદ જતાં ભય લાગી રહ્યો છે. એમને ભય છે કે કદાચ હવે તેઓ પહેલાની માફક કામ કરતાં પણ ડરશે.

તેઓ જણાવે છે, "વગર કારણે માર પડતાં હવે ગામના છોકરાઓ પણ મજૂરી કરવા આવતા ડરશે. આવતા વર્ષે પણ દાડમની સિઝનમાં કેટલા યુવકો આવશે તેની મને ખબર નથી. મને લાગે છે કદાચ મારે આ કામ છોડી દેવું પડશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો