અમદાવાદ : 'સગી મા વેશ્યાવૃત્તિમાં ધકેલતી, 12 લાખમાં મને વેચવાની હતી', માતાપિતાના ત્રાસની પીડિતાની આપવીતી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મને પહેલાં ખબર નહોતી કે આ ખરાબ કામ કહેવાય. મારી મા ખુદ મને રોજ નવાનવા માણસો પાસે મોકલતી હતી. તેણે જ મારો 12 લાખ રૂપિયામાં સોદો કરી નાખ્યો હતો. એ ખાલી રાહ જોઈ રહી હતી કે હું પુખ્ત વયની થઈ જઉં."

હિંમતનગરમાં આવેલા સરકારી શૅલ્ટર હૉમમાં રહેતી 15 વર્ષીય મનીષા પોતાના કાઉન્સેલરની હાજરીમાં રડમસ અવાજે પોતાની આપવીતી સંભળાવે છે.

પીડિતા સગીર વયની હોવાથી નામ બદલવામાં આવ્યું છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી મનીષાના પિતા રિક્ષા ચલાવતા હતા. કોરોનામાં તેમનું કામ છૂટી જતાં ઘરમાં પૈસાની અછત સર્જાવા લાગી હતી.

એક તો પિતાને નશાની આદત અને ઉપરથી પૈસાની તંગી થતાં તેઓ મનીષા અને તેમનાં માતાને મારતા હતા. માર મારીને પણ પૈસા નીકળતા ન હોવાથી ધીરેધીરે ઘરમાંથી દાગીના અને વાસણો પણ વેચાવા લાગ્યાં હતાં.

તૂટતા અવાજે વાત કરતાં મનીષા કહે છે,"પિતાની નશાની લતથી અને નશો કર્યા બાદ અમને પડતા મારથી અમે કંટાળી ગયા હતા. મારી માતા મને લઈને બહાર જતી રહેતી હતી. એ શું કામ કરતી હતી, તેની મને ખબર નહોતી."

તેઓ આગળ કહે છે, "એક દિવસ માતાએ તેના માનેલા ભાઈ મનોજ સાથે મુલાકાત કરાવી. મનોજ મને સારું જમાડતો, નવાં કપડાં અને ચીજવસ્તુઓ લઈ આપતો. "

આ દરમિયાન મનીષાના પિતા ત્રાસ ચાલુ જ હતો. એવામાં એક દિવસ માતાએ મનીષાને 'મનોજ મામા' સાથે ભાગી જવાની વાત કરી, જેના માટે તે તાત્કાલિક તૈયાર થઈ ગઈ.

'એક દિવસ મને ફરવા લઈ ગયો અને બળાત્કાર કર્યો'

મનીષા, તેમના માતા અને મનોજ અમદાવાદથી ભાગીને હિંમતનગર પહોંચ્યાં. જ્યાં થોડો સમય રહ્યા બાદ તેને ખબર પડી કે જેને તે 'મનોજ મામા' સમજતી હતી, તે હકીકતમાં તેની માતાનો પ્રેમી હતો.

મનીષા કહે છે, "મારા સિવાય અન્ય એક મહિલા પણ હતી, જેને આ વાતની ખબર હતી. સમય જતાં મનોજને પણ ખબર પડી ગઈ કે મને તેમની વચ્ચેના સંબંધોની જાણ છે."

મનીષાના અવાજમાં ખચકાટ જોવા મળતો હતો પણ આ ખચકાટ વચ્ચે તેણે કહ્યું, "એક દિવસ મનોજ મને ફરવાના બહાને વિજાપુર લઈ ગયો. ત્યાં અમે એક હોટલમાં રોકાયાં હતાં. હોટલમાં જ તેણે મારી સાથે મરજી વગર શરીરસંબંધ બાંધ્યો. મને અસહ્ય પીડા થઈ."

ગભરાયેલી મનીષા સંકોચાતાં કહે છે, "મેં જ્યારે આ વિશે મારી માતાને વાત કરી તો તેણે માત્ર એટલું જ કહીને વાત ટાળી દીધી કે,'એકાદ દિવસમાં મટી જશે.'"

પિતાનો માર અને અસહ્ય ત્રાસ સહન કર્યા બાદ સારા જીવનની શોધમાં દુષ્કર્મનો ભોગ બની ગયા બાદ પણ મનીષાને આશા હતી કે હવે આગળ તેની સાથે વધારે કંઈ ખરાબ નહીં થાય.

પણ આશા તેના માટે નિરાશા બનીને આવી.

'મારાથી બમણી ઉંમરના વ્યક્તિને 12 લાખમાં વેચી દેવાઈ'

પોતાની કહાણીના સૌથી કમનસીબ વળાંક વિશે વાત કરતાં મનીષા કહે છે, "એ વાત (વિજાપુરની હોટલમાં દુષ્કર્મ)ને હજુ ચારેક દિવસ જ થયા હતા ત્યાં મનોજ ઘરે આવ્યો અને મારી માતા સાથે વાત કરીને મને ક્યાંક બહાર લઈ ગયો."

"બહાર લઈ ગયા બાદ મને એક વ્યક્તિ સાથે શારિરીક સંબંધ બાંધવા મજબૂર કરી અને ઘરે આવ્યા બાદ મારી માતાને બે હજાર રૂપિયા આપ્યા."

મનીષા જણાવે છે, "આવી ઘટના હવે રોજની થઈ ગઈ હતી. હું જેવી ઘરે આવું તેના હાથમાં બે હજાર રૂપિયા રોકડા મળી જતા હતા. ઘેરબેઠા સારા એવા પૈસા મળી જતાં મા ખુશ હતી. દર મહિને તે મને વીસેક લોકો પાસે મોકલતી હતી."

"એક દિવસ હું ઘરે આવી તો મને ખબર પડી કે મારા ઘરે મધ્ય પ્રદેશથી કોઈ માણસ આવ્યો હતો અને તેને હું પસંદ આવી ગઈ હતી."

"તેણે મારી માતા સાથે સોદો કર્યો હતો કે હું 18 વર્ષની થાઉં ત્યારે તે મને 12 લાખમાં ખરીદીને તેની સાથે લઈ જશે."

એક તો પિતાનો અત્યાચાર, જેને નજીકનો સંબંધી માન્યો તેના દ્વારા દુષ્કર્મ અને માતાએ જ દેહવ્યાપારમાં ધકેલ્યા બાદ હવે પોતાનાથી બમણીથી વધુ ઉંમરની વ્યક્તિને વેચી દેવાની વાતથી તે હચમચી ગઈ હતી.

માતા અને પ્રેમીની ધરપકડ, અન્યોને પણ જલદી પકડી લેવાશે

હવે શું કરવું તેનાથી સાવ અજાણ મનીષાએ છેલ્લે પોલીસનો સહારો લેવાનું નક્કી કર્યું અને તે તક શોધીને તે પોલીસમથક પહોંચી.

સાબરકાંઠાના ડીવાયએસપી કે. એચ. સૂર્યવંશી કહે છે, "જ્યારે આ છોકરી પોલીસ સ્ટેશનમાં આવી, ત્યારે ખૂબ ડરેલી હતી. જેથી તેની સાથે મહિલા પોલીસને રાખવામાં આવી."

"થોડી વાર પછી મહિલા પોલીસ સામે સગીરાએ પોતાની આપવીતી રજૂ કરી. તેણીએ કહ્યું કે તેની માતા દ્વારા જ તેનું શારિરીક શોષણ કરવામાં આવતું હતું અને 12 લાખમાં સોદો કરવામાં આવ્યો હતો."

સગીરાની કહાણી સાંભળીને તાત્કાલિક પોલીસે તેની માતા અને પ્રેમીની ધરપકડ કરી હતી.

ડીવાયએસપી સૂર્યવંશીના જણાવ્યા પ્રમાણે, હાલમાં બંને પોલીસ રિમાન્ડમાં છે અને તેમણે અન્ય કોઈ છોકરીઓ વેચી છે કે કેમ? તેની તપાસ ચાલી રહી છે.

તેઓ ઉમેરે છે, "રિમાન્ડ દરમિયાન સગીરાને 12 લાખમાં ખરીદવાની તૈયારી દર્શાવનારા મધ્ય પ્રદેશના શખ્સ અંગે પણ ઘણી વિગતો મળી છે. એને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો