Parenting Tips: 'મા ઉદાસ હોય તો પરેશાન લાગે, પણ પાપા ઉદાસ હોય તો ગુસ્સે થઈ જાય', ખુશીની ચાવી અને બાળપણના જાદુઈ કિસ્સા

    • લેેખક, નતાશા બધવાર
    • પદ, બીબીસી હિન્દી માટે

હું મારાં માતાપિતાની એકમાત્ર દીકરી છું. બે ભાઈઓ સાથે મોટી થઈ છું અને બાળપણમાં એક બહેન માટે ખૂબ આતુર હતી. પરંતુ મોટા થઈને જાણે લૉટરી લાગી ગઈ, જ્યારે હું પોતે ત્રણ દીકરીની મા બની. આ મારા માટે એક જાદુઈ સફર જેવું છે.

આસપાસના લોકોની જેમ જ, બાળકોના ઉછેર બાબતે શરૂઆતમાં મારી પણ ઘણી બધી ગેરસમજ હતી. પછી જેમ જેમ વરસો વીતતાં ગયાં, મારો બધો આત્મવિશ્વાસ અને જ્ઞાન, જે મને લાગતું હતું કે કુદરત તરફથી વરદાનમાં મળ્યાં છે તે બધાં ધીમે ધીમે ખતમ થતાં ગયાં.

અત્યારે હું પહેલાં કરતાં હળવાશ અનુભવું છું અને કદાચ પહેલાં કરતાં વધારે સમજદાર પણ થઈ ગઈ છું.

પરંતુ આ દરમિયાન હું જે પાઠ શીખી તે કોઈ નક્કર પરિણામ સુધી નથી પહોંચતા, તે એકબીજા સાથે ટકરાય પણ છે અને હંમેશા અસરકારક પણ નથી રહેતા. આ બધું બાળકો જેવું જ છે, જેમાંથી મેં ખુદ વ્યક્તિગત અનુભવ દ્વારા દરેક વસ્તુ શીખી છે.

જ્યારે પણ હું કશી મૂંઝવણ અનુભવું છું ત્યારે જાતને એ જ સમજાવું છું કે હમણાં થોડી વાર માટે શાંત રહે. પેલું પ્રખ્યાત ગીત પણ છે ને, અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ-ની જેમ.

લગ્ન પછી અમારાં ત્રણ બાળકો હશે એવું અમારું કોઈ પ્લાનિંગ નહોતું. તમે કહી શકો કે આ એક રીતે અમારી નિયતિ હતી. જો તમે વિચારતા હો કે, આ તે કેવા માણસો છે! તો મને બિલકુલ ખોટું નહીં લાગે. વ્યવહારુ તો અમે બિલકુલ નથી.

હું પહેલાંથી જ આ વાત કહી દઉં છું કે વધારે સમજી-વિચારીને અમે કોઈ કામ નથી કરતાં. પોતાના નિર્ણયો પણ એવી રીતે કરી લઈએ છીએ અને તમે કહી શકો કે આ બધું જોતાં આ લોકો ખાસ્સાં બેવકૂફ છે.

શરૂઆતનાં વર્ષોમાં જ્યારે અમારી દીકરીઓ ખૂબ જ ક્યૂટ હતી, પરંતુ ઘણી ધમાલ પણ કરતી હતી, ત્યારે અમારાં મોટા ભાગનાં મિત્રોએ અમારાથી એક અંતર ઊભું કરી લીધું હતું. અમારાં વડીલો અને સગાંઓ, જેમ કે અમારી ફોઈઓ, કાકીઓ, માસીઓ, નાનીઓ અને દાદીઓએ, અમારા જીવનના ખાલીપાને ભરી દેવા માટે એક રીતે અમને દત્તક લઈ લીધાં અને અમારા જીવનમાં ખાસ રસ લેવા લાગ્યાં.

દેખીતું છે કે એ સમયે અમને આ કંઈ ફાયદાનો સોદો નહોતો લાગતો. પરંતુ સમય વીતવા સાથે હું શીખી કે તમે જ્યારે સામા પ્રવાહમાં હાથ-પગ પછાડો છો ત્યારે ડૂબવા લાગો છો. આ પ્રવાસમાં આપણે બહુ બધી વસ્તુઓ ભૂલી જવાની હોય છે.

બાળપણના જાદુઈ કિસ્સા

આ જ રીતે અણધાર્યાં ઇનામો માટે પણ તમારે તૈયાર રહેવું પડે છે. જીવનમાં થઈ રહેલા બદલાવો પ્રમાણે પોતાને ઢાળો. તમારી પહેલાં ઘણા બધા લોકોએ જીવનની આ ફિલ્મ જોઈ લીધી છે, તમે એમને રસ્તો સુઝાડવાની તક તો આપો.

આ તો થવાનું જ હતું, બાળકો ખૂબ જલદી મોટાં થઈ જાય છે. પાછા વળીને જોઈએ તો વર્ષો દિવસો જેવા લાગે છે, જોકે, ક્યારેક એવું પણ લાગે છે કે દિવસ પૂરો જ નથી થતો.

દોસ્તો તમને ફરીથી શોધી કાઢે છે. એમાંના કેટલાક એવા હોય છે જે ક્યારેય નથી બદલાતા. તેથી હું હવે સમજી ગઈ છું કે વર્ષોવર્ષ ઘરમાં બેસી રહું તોયે મારા કેટલાક પ્યારા દોસ્ત એ જ કૅફેમાં એ જ ચૉકલેટ ડ્રિન્કની ચુસ્કી લેતા, એવી જ વાતો કરતા મળી આવશે. હું 16 વર્ષ સુધી એમનાથી દૂર રહું તોપણ તેઓ મારું સ્વાગત એ જ રીતે કરશે જાણે કે હું માત્ર 16 દિવસ ગાયબ રહી હોઉં.

શરૂઆતનાં વરસોમાં અમે જ્યારે બે પ્રેમાળ દીકરીઓનાં યુવાન મા-બાપ હતાં ત્યારે એક ટેલિવિઝન ચૅનલમાં મારી નોકરી હતી, જે મને ઘણી ગમતી હતી. મારાં બાળકો અને મારી નોકરી પણ મને પસંદ કરતાં હતાં. તોપણ, મનમાં એક ખટકો અનુભવાતો હતો.

એવું લાગતું હતું જાણે કોઈ વસ્તુ પોતાની યોગ્ય જગ્યાએ ન હોય. મારા મનમાં શંકાનાં વાદળો ઘેરાવા લાગ્યાં. હું નક્કી નહોતી કરી શકતી કે મારા જીવનની બધી સારી વસ્તુઓ સાથે તાલમેળ કઈ રીતે કરું.

આની પહેલાં મેં મારા જીવનમાં ખાલીપાનો અનુભવ નહોતો કર્યો પરંતુ આ એકાકીપણું જ સંપૂર્ણ સત્ય નહોતું. અમારા જીવનમાં ઘણો ઘોંઘાટ હતો.

પાર્ટીનો ઘોંઘાટ, કામની જગ્યાનો ઘોંઘાટ, ટ્રાફિકનો ઘોંઘાટ. અને હું જેવી મારી દીકરીઓ સાથે હોઉં, માથામાં વાગતો સાઉન્ડ ટ્રેક બદલાઈ જતો.

સુપર મૉમ હોવાની શહેરી માયાજાળે મને એટલી બધી જકડી લીધી હતી, જાણે હું ગરમ હવાના ફુગ્ગામાં કેદ હોઉં. જોવામાં તો બધું ખૂબ સારું લાગતું હતું પરંતુ હું મહેસૂસ કરવા લાગી જાણે કે કોઈ પણ મારા મનનો અવાજ સાંભળી નથી શકતું. આ એક શાનદાર અનુભવ હોવો જોઈતો હતો, પરંતુ વાસ્તવમાં આ એક ખરાબ અનુભૂતિ થઈ રહી હતી.

પૅરેન્ટિંગ મારી વફાદારીની પરીક્ષા સાબિત થઈ. શું હું પોતાની જાત પ્રત્યે વફાદાર થવા માગતી હતી? એ વિશેનો મારો વધારે કશો અભ્યાસ નહોતો. દોસ્તો, ટ્રેન્ડ્સ, ટીવી શોઝ અને ગૅજેટ્સ પ્રતિ વફાદાર થવું તો હંમેશાં ઘણું વધારે આસાન હતું.

હું એ પણ જાણતી હતી કે દરેક બાબતમાં કઈ રીતે ધૈર્ય રાખવામાં આવે છે. બીજાની નજરમાં સારું દેખાવું મને સારું આવડતું હતું. પરંતુ હવે જરૂર એ વાતની હતી કે હવે હું પોતાના તરફ પાછી ફરું, પોતાને નીરખું.

બાળકોનો ઉછેર

સૌથી પહેલાં હું પોતાનો અવાજ સાંભળું - શરૂઆત મારે અહીંથી કરવાની હતી.

આપણે આપણાં બાળકોનો સારો ઉછેર ત્યારે જ કરી શકીએ છીએ જ્યારે આપણે ખુદ આપણને સારી રીતે ઉછેરીએ. આ પાયાના નિયમ મોટાં અને બાળકો, બંને પર સમાન રીતે લાગુ પડે છે. સમયસર સૂઈએ, સરખું ભોજન કરીએ, દરરોજ હળવી કસરત કરીએ. પીક-ઓવર ટ્રાફિકમાં ફસાઈ જવાને પોતાની આદત ના બનાવી લઈએ.

પોતાના માંહ્યલા બાળકને જીવંત રાખીએ. એને પ્રેમ કરીએ, એનાં વખાણ કરીએ, એને ખુશ રાખીએ. મા-બાપ જ્યારે બાળકોની જેમ ખુશ રહે ત્યારે એમનાં બાળકો પણ ખુશ રહે છે. અને જો બાળકો ખુશ, તો દેખીતું છે, મા-બાપ પણ ખુશ રહેશે. મેં જોયું છે કે મારાં બાળકો કોઈ વાતે પરેશાન દેખાય છે, ત્યારે ચોક્કસ હું પોતે કોઈ પરેશાની સામે ઝૂઝી રહી છું. મારે મારી લાગણીઓને ઓળખતાં શીખવું પડશે.

બાળકોને જ્યારે કોઈ વાતની ખબર પડે છે ત્યારે તેઓ સૌથી પહેલાં પોતાનાં મા-બાપ સાથે એ શેર કરે છે.

અમારી પહેલી દીકરી સહર એક દિવસ પોતાના પાપાને કહેતી હતી, "મા ઉદાસ હોય છે તો પરેશાન લાગે છે, પરંતુ પાપા ઉદાસ થાય છે તો ગુસ્સે થઈ જાય છે."

એની આ વાતથી એમના પાપા એટલા બધા ખુશ થયા કે એમણે પોતાની દીકરીની આ વાત પોતાના બધા મિત્રોને કહી. એમાંના કેટલાક તો માસૂમ બાળકીની આ સમજથી ચિડાયેલા લાગ્યા.

એ દરમિયાન વચલી દીકરી અલીઝાએ તો જાણે ખુશીની એક ચાવી શોધી કાઢી હોય એમ કૂદકો મારીને મારી પાછળ આવી જતી અને મારી પીઠમાં એક કાલ્પનિક ચાવી ભર્યા પછી કહેતી, "ચાલો, મેં તમારી ચાવી ભરી દીધી, હવે ખુશ થઈ જાઓ."

પરિણામ એ આવતું કે એ વખતે મેં ભલે જેવું મહોરું પહેરી રાખ્યું હોય, તે બધું ઊતરી જતું. એના આ ભોળપણની સામે હથિયાર હેઠાં ન મૂકવાં અશક્ય હતું.

હું હંમેશાં કહું છું, મા-બાપ હોવું એક જાદુઈ બાબત છે, પરંતુ આપણને બધાને ખબર છે કે જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવી કેટલું મુશ્કેલ કામ છે. જીવનમાં ઊથલપાથલ તો આસાનીથી થઈ જાય છે, પરંતુ શાંતિ મેળવવા માટે ઘણી વાર તમારે મુશ્કેલ અને આડાઅવળા રસ્તે પસાર થવાનું હોય છે.

દરેક પરિવારનો માર્ગ અલગ હોય છે. જ્યાં આપણે આરામ કરી શકીએ અને શાંતિનો શ્વાસ લઈ શકીએ, એવા કોઈ પડાવે પહોંચવા માટે આપણી પાસે ઘણી બધી શક્તિ હોવી જોઈએ.

પૅરેન્ટિંગની માગ એવી છે કે આપણે દરેક સમયે આપણાં બાળકોની પાસે હાજર રહીએ. કામ કરવા માટે ઘરથી દૂર રહેવું આસાન છે, રોજ ટ્રાફિકમાં ફસાયેલા રહેવું એનાથી પણ વધારે આસાન છે. મા-બાપને સોમવાર સૌથી વધુ સારો લાગે છે.

જો તમે ઘરેથી કામ કરતા હો તો તમારાં બાળકોને સ્કૂલે મોકલવાનાં હોય છે, પરંતુ જો તમે ઘરથી બહાર કામ કરતા હોવ તો તમારે પોતાને પણ બહાર મોકલવાના હોય છે. નાનાં બાળકોનાં માતા-પિતા માટે સોમવારમાં શનિવાર સંતાયેલો હોય છે.

વાસ્તવિકતા એ છે કે આપણાં બાળકો એકબીજાને એ જ આપશે જે તેઓ આપણી પાસેથી મેળવશે. મેં મારી ખામીઓનો સ્વીકાર કરવાનું શીખી લીધું છે અને જે કામમાં હું નિષ્ણાત છું એનો ઉત્સવ ઊજવતાં પણ શીખી લીધું છે. રોજરોજ સંતુલિત આહાર બનાવવો મને કંટાળો આપે છે, પરંતુ હું ખૂબ સારા ફોટા પાડું છું. તેથી હું ખૂબ ફોટા પાડું છું.

જ્યારે અમને બહાર જઈને કશુંક સરસ ખાવાનું મન થાય ત્યારે અમે નજીકના માર્કેટમાં જઈને ઢોસા ખાઈ લઈએ છીએ. કોઈક દિવસ અમે મોમોઝ અને ચાટ-પાપડીની દુકાને જઈ ચડીએ છીએ. પરંતુ ફોટો હું જાતે પાડું છું, મારા પોતાના પ્રેમાળ હાથે. એનાથી એટલી જ સુંદર પળો અને યાદોનો જાદુઈ દાબડો ભરાઈ જાય છે, જેટલો સ્વાદિષ્ટ ભોજનની યાદોથી ભરાઈ શકે છે.

અમારી મોટી દીકરી સહર જ્યારે નાની હતી ત્યારે કહ્યા કરતી હતી, "મને નાનીના રાજમા ભાવે છે, કાંતામાસીની રોટલી અને મમાની મેગી."

હું વખાણ અને પ્રેમનો સ્વીકાર કરતાં શીખી રહી છું. એમનાં પ્રશંસા અને આભારને પણ. હું મારાં બાળકોની વાતો પર ભરોસો કરવા લાગી છું. હું મને પોતાને પણ મહત્ત્વ આપવા લાગી છું. હું મને પોતાને કહું છું, "તું ખાસ છે, તારું હોવું મહત્ત્વનું છે."

આ એક રીત છે જેનાથી હું મારી દીકરીઓને ખાતરી આપી શકું છું કે તેઓ કેટલી ખાસ છે. હું મારું પોતાનું સાંભળું છું, બાળકોનું સાંભળું છું. ફોનની ઘંટડી વાગે છે, વાગતી રહે, હું જવાબ નથી આપતી. અમારી જરૂરિયાતો જ્યારે ટકરાય છે ત્યારે અમે સાથે બેસીને એનો હલ શોધી કાઢીએ છીએ.

બાળકો પણ આ બાબતમાં કશી જબરજસ્તી નથી કરતાં. અમારાં બાળકો અમને અમારા બાળપણની યાદ અપાવે છે કે જ્યારે અમે આ સફર શરૂ કરી હતી ત્યારે અમે કેવાં હતાં. અમે કેવાં થઈ શકીએ છીએ, શું શું અમે ફરીથી મેળવી શકીએ છીએ.

શિશુ, ઠુમક ઠુમક ચાલનારાં, સ્કૂલી બાળકો. જેમ કે, અમારી વચલી દીકરી અલીઝાએ એક વાર ધીમેથી કહેલું, "મને તો બધી જ ખબર છે, પરંતુ તમે કેટલીક વાતો ભૂલી ગયાં છો, મમ્મા."

(નતાશા બધવાર 'માય ડૉટર્સ મૉમ' અને 'ઇમ્મૉર્ટલ ફૉર અ મોમેન્ટ'નાં લેખિકા છે. તેઓ ફિલ્મ મેકર, ટીચર અને ત્રણ પુત્રીનાં મા છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો