You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નૂપુર શર્મા : ભાજપે મુસ્લિમ દેશોના હોબાળા બાદ જેનું સભ્યપદ રદ કરી નાખ્યું એ નૂપુર શર્મા કોણ?
ભારતીય જનતા પાર્ટીનાં નેતા નૂપુર શર્મા પોતાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. વિશ્વભરના મુસ્લિમ દેશો તેમની ટિપ્પણીને લઈને ભારત અને ભાજપ બંનેનો વિરોધ કરી રહ્યા છે.
1985માં 23 એપ્રિલના રોજ જન્મેલાં નૂપુર શર્મા વ્યવસાયિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે શાળાકીય અભ્યાસ દિલ્હીના મથુરા રોડ પર આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી કર્યો છે.
જ્યારે દિલ્હીના હિંદુ કૉલેજમાંથી ઇકોનૉમિક ઑનર્સમાં ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યું છે.
વર્ષ 2010માં તેમણે દિલ્હી યુનિવર્સિટીની લૉ-ફૅકલ્ટીમાંથી એલએલબીની પદવી મેળવી હતી. ત્યાર બાદ યુકેમાંથી એલએલએમનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
તેઓ કૉલેજકાળથી રાજનીતિમાં સક્રિય રહ્યાં છે. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનનાં પ્રેસિડન્ટ પણ રહ્યાં છે.
નૂપુર શર્માએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપથી કરી હતી અને અત્યાર સુધી તેઓ ઘણાં મહત્ત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યાં છે.
તેઓ ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાનો એક જાણીતો ચહેરો પણ છે.
ભાજપે વર્ષ 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમને નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સામે ટિકિટ આપી હતી. જોકે, કેજરીવાલે તેમને જંગી સરસાઈ હરાવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નૂપુર શર્મા દિલ્હી ભાજપમાં સ્ટેટ ઍક્ઝિક્યુટિવ કમિટીનાં સભ્ય છે અને તેમને સસ્પેન્ડ કરાયાં તે પહેલાં તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાં હતાં.
શું છે સમગ્ર મામલો?
નૂપુર શર્માએ 'ટાઇમ્સ નાઉ ચૅનલ'ની એક ડિબેટમાં ભાગ લીધો હતો.
આ ચર્ચા જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને યોજવામાં આવી હતી. પોતાનો વારો આવતાં તેમણે એક એવી ટિપ્પણી કરી કે જેને લઈને સમગ્ર વિવાદ ઊભો થયો.
નૂપુર પર આરોપ લગાવવામાં આવ્યો કે તેમણે પયગંબર મહમદ પર આપત્તિજનક ટિપ્પણી કરી.
જોકે, નૂપુરનો દાવો હતો કે તેમના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.
તેમણે દાવો કર્યો હતો કે તેમના પરિવારને ઇસ્લામિક કટ્ટરવાદીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.
આ અંગે તેમણે ટ્વીટર દ્વારા દિલ્હી પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદથી આ મામલો ઉગ્ર બન્યો હતો અને આરબ દેશો સુધી પહોંચ્યો હતો.
કતાર, કુવૈત જેવા દેશોએ ભારતીય રાજદૂતોને સમન્સ પાઠવવાની સાથેસાથે સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર ભારતના બહિષ્કાર અને નૂપુર શર્માની ધરપકડને લઈને પોસ્ટ પણ કરી હતી.
કુવૈતની પ્રતિક્રિયા
આ વચ્ચે કુવૈતના વિદેશ મંત્રાલયે પણ નૂપુર શર્મા મામલે રવિવારે ભારતીય રાજદૂતને સમન્સ પાઠવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો.
કુવૈતના વિદેશ મંત્રાલયના એશિયા મામલાના સહાયક સચિવે પણ સંબંધિત નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
જોકે, નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાના નિર્ણયને તેમણે આવકાર્યો છે.
ભારતે કુવૈતની નારાજગી પર પણ એવી જ પ્રતિક્રિયા આપી જેવી દોહામાં ભારતીય દૂતાવાસ દ્વારા આપવામાં આવી હતી.
કતારની પ્રતિક્રિયા
રવિવારે આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કતારના વિદેશ મંત્રાલયે દોહાસ્થિત ભારતીય રાજદૂત દીપક મિત્તલને સમન્સ મોકલ્યા હતા. કતારના વિદેશમંત્રી સુલતાન બિન સાદ અલ-મુરાઇઝીએ ભારતીય રાજદૂતને આ બાબતે કતારની પ્રતિક્રિયાની આધિકારીક નૉટ પણ સોંપી હતી.
મંત્રાલયે પોતાના એક નિવેદનમાં આ અંગે જાણકારી આપી છે. આ સાથે જ ભારતમાં સત્તારૂઢ ભાજપ દ્વારા કરાયેલી કાર્યવાહીનું સ્વાગત કર્યું છે, જેમાં વિવાદાસ્પદ નિવેદન આપનારાં નેતાઓનાં નિલંબનની વાત કરાઈ છે.
આ સાથે જ એવું પણ કહ્યું કે કતાર ભારત સરકાર તરફથી આ મામલે જાહેર માફી અને આ વિવાદાસ્પદ ટિપ્પણીઓની નિંદાની અપેક્ષા રાખે છે.
અહીં એ વાત પણ નોંધનીય છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ હાલ કતારના પ્રવાસે છે.
રવિવારે તેમણે કતારના વડા પ્રધાન અને ગૃહમંત્રી શેખ ખાલિદ બિન અબ્દુલઅજિઝ અલ-થાની સાથે મુલાકાત કરી.
કતારમાં ભારતીય દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું કે "અપમાનજનક ટિપ્પણી કરનારા વિરુદ્ધ પહેલેથી કાર્યવાહી કરી દેવામાં આવી છે."
એક ટેલિવિઝન શો દરમિયાન પયગંબર મહમદ પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ વિવાદોમાં આવેલાં નેતા નૂપુર શર્માને ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે.
સાઉદી અરેબિયામાં લોકોમાં શું કહી રહ્યાં છે લોકો?
નૂપુર શર્માના આ નિવેદનને પોતાના ટ્વિટર હૅન્ડલ પર શૅર કરનારા મહમદ ઝુબૈરે રવિવારે ફરી એક ટ્વીટ શૅર કરીને જણાવ્યું કે મધ્યપૂર્વના દેશો કતાર, ઓમાન, સાઉદી અરેબિયા અને ઇજિપ્તમાં આ વિવાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
એક ટ્વિટર યુઝર મહમદ મક્કીએ લખ્યું, "પયગંબર મહમદનું વધુ એક અપમાન. અલ્લા શાંતિ કાયમ રાખે. જો આટલા બધા લોકો તરફથી કડક પ્રતિક્રિયા મળી હોત તો આવી હિંમત ના થાત. દુર્ભાગ્યથી પ્રતિક્રિયાઓ પૂરતી નથી."
જ્યારે રેહાન નામના એક યુઝરે લખ્યું, "કેટલાક કલાકોથી ભાજપના પ્રવક્તાનાં ટ્વીટ અને નિવેદન સાઉદી અરેબિયામાં ટૉપ ટ્રેન્ડમાં છે. વિશ્વને ભારતીય મુસલમાનો અને ઇસ્લામ વિરુદ્ધ થઈ રહેલા અપરાધો પર ધ્યાન આપવું જોઈએ."
જહાંજેબ નામના ટ્વિટર યુઝરે લખ્યું કે મોદીના ભારતમાં મુસલમાનો વિરુદ્ધ નફરત અને હિંસા એક જરૂરી વસ્તુ છે. હવે તેમની સરકાર તરફથી આ વિષય પર આકરી પ્રતિક્રિયાની જરૂર છે. મુસ્લિમ જગતે તરત તેમનો બહિષ્કાર કરવો જોઈએ.
ખુદને ડૉક્ટર કહેનારા સફીઉલ્લા સિદ્દિકીએ લખ્યું,"આરબ દેશોના મુસ્લિમોમાં તાકાત છે કે તેઓ એ તમામ લોકો પર સ્થાયી રીતે પૂર્ણવિરામ લગાવી શકે છે, જે અમારા સન્માનીય અલ્લાના અંતિમ પયગંબરનું અપમાન કરી શકે."
ભાજપની સ્પષ્ટતા
નૂપુર શર્માના નિવેદનને લઈને થયેલા વિવાદે અતિઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં તેમણે ટ્વિટર માફી માગી હતી. તો ભાજપે સ્પષ્ટતા આપતાં કહ્યું, "પાર્ટી દરેક ધર્મનું સન્માન કરે છે અને કોઈ પણ ધાર્મિક મહાપુરુષના અપમાનની આકરી નિંદા કરે છે."
ભાજપના મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે તેમની પાર્ટી એવી તમામ વિચારધારા વિરુદ્ધ છે, જે કોઈ સંપ્રદાય કે ધર્મનું અપમાન કરે.
જોકે, ભાજપે નૂપુર શર્માના નિવેદનથી સર્જાયેલા વિવાદનો સીધો ઉલ્લેખ કર્યો નહોતો.
ચોતરફથી મુસ્લિમ સંગઠનોએ નૂપુર શર્માના નિવેદનનો ભરપૂર વિરોધ કર્યો છે.
અરુણ સિંહે કહ્યું, "ભારતમાં હજારો વર્ષના ઇતિહાસમાં ઘણા ધર્મો રહ્યા છે. ભાજપ દરેક ધર્મનું સન્માન કરે છે. ભારતીય સંવિધાન નાગરિકોને કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપે છે. સાથે જ તમામ ધર્મોનું સન્માન પણ કરે છે."
પાકિસ્તાનમાં પણ હોબાળો
પાકિસ્તાનમાં પણ નૂપુર શર્માની ધરપકડ કરવાની માગ ઊઠી છે.
પાકિસ્તાનમાં લોકો #ArrestNupurSharma હૅશટેગ સાથે સતત ટ્વીટ કરી રહ્યા છે અને ત્યાં બે દિવસથી તે ટોપ ટ્રેન્ડિંગ ટૅગ્સમાં સામેલ છે.
જહાંગીર ખાન નામક ટ્વિટર યુઝરે લખ્યું,"આ ઇસ્લામોબિક મહિલાની ધરપકડ થવી જોઈએ. તેમણે અમારા પયગંબરનું અપમાન કર્યું છે. તમામ મુસ્લિમ દેશોએ ભારતનો બહિષ્કાર કરવો જોઈએ."
જ્યારે આસિફ નામના એક યુઝરે ટ્વિટ કર્યું કે, "આ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર નથી. ભારતની સત્તાધારી પાર્ટીની પ્રવક્તાએ સીધી રીતે પયગંબર મહમદનું અપમાન કર્યું છે. તેમણે આ નિવેદન આપીને વિશ્વભરના મુસ્લમાનોની ભાવનાઓ અને સન્માનને ઠેસ પહોંચાડી છે."
ભારતમાં ધરપકડની માગ
નૂપુર શર્માની વિવાસ્પદ ટિપ્પણી પર મુસ્લિમ સામાજિક સંસ્થા રઝા ઍકેડમીએ 28 મે 2022ના રોજ #ArrestNupurSharma ટૅગ સાથે તેમની ધરપકડ કરવાની મુહિમ ચલાવી હતી અને લોકોને પણ અપીલ કરી હતી કે તેઓ આ ટૅગ સાથે પોતાનો વિરોધ દર્શાવે.
આ સિવાય રઝા ઍકેડમીએ મુંબઈમાં તેમના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી અને ટ્વીટ કરીને તેની પુષ્ટિ પણ કરી હતી.
આ સિવાય મહારાષ્ટ્રની ટીપૂ સુલતાન પાર્ટી તરફથી પણ ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું કે નૂપુર શર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે "ટીપૂ સુલતાન પાર્ટીએ મહારાષ્ટ્રના અંબાજોગાઈ પોલીસ સ્ટેશનમાં નૂપુર શર્મા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો