You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક એવી મહામારી જેમાં લોકો નાચી નાચીને મૃત્યુ પામ્યાં
- લેેખક, રોસાલિન્ડ જાના
- પદ, બીબીસી કલ્ચર
- ફ્રાઉ ટ્રોફિયા નામના મહિલા લગભગ એક અઠવાડિયા સુધી સતત નાચતાં રહ્યાં. દરમિયાન ક્યારેય થાકીને ફસડાઈ પડ્યાં હતાં. એ નાચતાં હતાં ત્યારે કોઈ સંગીત વાગતું ન હતું.
- 400 કે તેથી વધુ વર્ષ પહેલાં સ્ટ્રાસબર્ગમાં બનેલી વિચિત્ર ઘટનાને 'ડાન્સ પ્લેગ' એવું નામ આપવામાં આવ્યું હતું. પણ એવું ખરેખર શા માટે થયું હતું?
- જોનાથન ગ્લેઝરે જુલાઈ-2020માં 10 મિનિટની એક ફિલ્મ બનાવી હતી. સ્ટ્રાસબર્ગ 1518 નામની ફિલ્મમાં કળાકારો ઢળી ન પડે ત્યાં સુધી નાચતા દર્શાવવામાં આવ્યા હતા.
ફ્રાન્સના સ્ટ્રાસબર્ગ શહેરમાં 1518માં 'ફેલાયેલા ડાન્સ પ્લેગ'માં સંખ્યાબંધ નાગરિકો દિવસો સુધી નિરંકુશ, જીવલેણ નૃત્ય કરતા રહ્યા હતા. આ વિચિત્ર ઘટના કળાકારો અને લેખકોને આજે પણ આકર્ષિત કરી રહી છે.
પ્લેગની બધી કથાઓની માફક આ કથાની શરૂઆત પણ શુકન સાથે થાય છે. આકાશમાં લહેરાતો તારો. ખેતરોમાં પૂર, જોરદાર ઠંડી પછી જોરદાર ગરમી અને એ પછી કડકડતી ભૂખ. 1518ના જુલાઈના એક દિવસે ફ્રાઉ ટ્રોફિયા નામનાં એક મહિલા સ્ટ્રાસબર્ગના ચોકમાં આવે છે અને નાચવાનું શરૂ કરે છે. પહેલાં તો આજુબાજુના લોકો તેમને જોતા રહે છે. પછી આ અસાધારણ જાહેર પ્રદર્શન પ્રત્યેની ઉત્સુકતામાં વધારો થાય છે. તેઓ થાક્યા વિના સતત નાચતાં સ્ત્રીને જોયા કરે છે. ફ્રાઉ ટ્રોફિયા લગભગ એક અઠવાડિયા સુધી સતત નાચતાં રહ્યાં હતાં. એ દરમિયાન ક્યારેય થાકીને ફસડાઈ પડ્યાં હતાં, પણ તેમણે પીડા, ભૂખ અને શરમ જેવા તેમના શરીરે આપેલા સંકેતોને ગણકાર્યા ન હતા. એ નાચતાં હતાં ત્યારે કોઈ સંગીત વાગતું ન હતું. ફ્રાઉ ટ્રોફિયાના હૃદયે ટેમ્પો જાળવી રાખ્યો હતો અને નૃત્યની ગતિ જાળવી રાખવા માટે તેણે સખત મહેનત કરી હતી.
ફ્રાઉને ત્યાંથી લઈ જવામાં આવ્યાં ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. ચોકમાં નાચવામાં અન્ય લોકો જોડાયા હતા. ઑગસ્ટના અંત સુધીમાં તો હજારો લોકો નાચવા લાગ્યા હતા. ફ્રાઉની માફક આ લોકો પાસે કોઈ સ્પષ્ટતા ન હતી. તેઓ નાચતા હતા, જાણે કે કોઈએ તેમને નાચવાની ફરજ પાડી હોય. તેમના પગ લોહીલુહાણ થઈ ગયા હતા અને અંગો ખેંચાઈ રહ્યાં હતાં. એ દૃશ્યનું એક કવિતામાં આ શબ્દોમાં વર્ણન કરવામાં આવ્યું હતુઃ "મહિલાઓ અને પુરુષો, જાહેર માર્કેટમાં, ગલીઓ અને શેરીઓમાં, દિવસ અને રાત બીમારીનો અંત ન આવ્યો ત્યાં સુધી નાચતા રહ્યાં હતાં.
સત્તાવાળાઓએ આ કૃત્યના પ્રતિસાદમાં લીધેલાં પગલાંની નોંધ એ પછીના ઇતિહાસમાં છે. એક લેખકે નોંધ્યું છે કે નાચતા લોકોને શહેરની બહાર આવેલા સેન્ટ વિટ્સના ચર્ચમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને નાનકડા લાલ ક્રોસ અને લાલ બૂટ આપવામાં આવ્યાં હતાં. અન્ય એક નોંધમાં નાચતા લોકોને થકાવવા માટેની સીધી વ્યવસ્થાનો ઉલ્લેખ છે. જેમાં આ નિરંકુશ નાચતા લોકો સાથે નાચવા માટે ખાસ લોકોની, ડ્રમની અને બીજાં વાદ્યોની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ કરવા છતાં લોકો તેમના જીવનનો અંત ન આવ્યો ત્યાં સુધી નાચતા રહ્યા હતા.
400 કે તેથી વધુ વર્ષ પહેલાં સ્ટ્રાસબર્ગમાં બનેલી આ વિચિત્ર ઘટનાને 'ડાન્સ પ્લેગ' એવું નામ આપવામાં આવ્યું હતું. એવું ખરેખર શા માટે થયું હતું તેની સ્પષ્ટતા કરતી અને થિયરી ફૂટી નીકળી હતી. તે એક એવી ઘટના હતી, જે આજે પણ આપણી કલ્પનાને જકડી લે છે. એ વિચિત્ર ઘટનાના વર્ણનમાં કળાકારો અને સર્જકોને પોતપોતાનો મસાલો ઉમેરતા રહે છે.
આ ડાન્સ પ્લેગ આધારિત બે કૃતિ મેમાં રજૂ કરવામાં આવી હતી. તેમાં બ્રિટિશ પોપસ્ટાર 'ફ્લૉરેન્સ પ્લસ ધ મશીન'ના આલ્બમ ડાન્સ ફીવર અને બેસ્ટસેલિંગ લેખિકા કિરણ મિલવૂડ હરગ્રેવના પુસ્તક ધ ડાન્સ ટ્રીનો સમાવેશ થાય છે. ડાન્સ પ્લેગની ઘટનાને બાદમાં કોરિયોમેનિયા એવું નામ આપવામાં આવ્યું હતું અને પોપ સ્ટારના આલ્બમ તથા કિરણના પુસ્તક બન્નેમાં કોરિયોમેનિયાના આઇડિયાનો ઉપયોગ તેમની કૃતિઓને વધુ રસપ્રદ બનાવવા માટે કરવામાં આવ્યો છે.
સ્ટ્રાસબર્ગનો ડાન્સ પ્લેગ હવે સૌથી વધુ વિખ્યાત ઉદાહરણ છે, પરંતુ તે મધ્યકાલીન અને આધુનિક યુગના પ્રારંભે યુરોપમાં ફેલાયો હોય તેવો એકમાત્ર ડાન્સ પ્લેગ નથી. જર્મની, ફ્રાન્સ, અને રોમન સામ્રાજ્યના અન્ય પ્રદેશોમાં પણ નિરંકુશ કે જીવલેણ ડાન્સની અનેક ઘટના નોંધાઈ હતી. અગાઉની સદીઓમાં આવી ઘટનાઓને દૈવી દંડ કે વળગાડ ગણાવવામાં આવી હતી અને સરઘસ, સામૂહિક પૂજા અથવા પાદરીઓના સીધા હસ્તક્ષેપ વડે તેનું ધાર્મિક નિરાકરણ કરવામાં આવ્યું હતું. સ્ટ્રાસબર્ગમાં રહેતા સેબાસ્ટિયન બ્રાન્ટ નામના એક પાદરીએ 1518ના ઉનાળાના બે દાયકા પહેલાં ધ શિપ ઑફ ફૂલ્સ નામની વ્યંગાત્મક કૃતિમાં લખ્યું હતું કે "પાપ અને નૃત્ય એક અર્થમાં સમાન જ છે." સેબાસ્ટિયન આવા ડાન્સ માટે શેતાનને જવાબદાર ઠરાવ્યો હતો.
સ્ટ્રાસબર્ગની ઘટનાઓનાં અનેક વર્ષ પછી ચિકિત્સક પેરાસેલસસે કોરિયોમેનિયા વિશે અનેક પુસ્તકો લખ્યાં હતાં. પેરાસેલસસ હવે ચિકિત્સામાં રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે તેમણે કરેલા કામ માટે વિખ્યાત છે. પેરાસેલસસે એવી દલીલ કરી હતી કે નિરંકુશ નાચતા રહેવાની આ ઘટના દૈવી કરતાં સાંસારિક વધારે છે. તેમણે સૂચવ્યું હતું કે માનવ દેહમાંની કેટલીક નસોથી શરીરમાં ગલગલિયાની લાગણી ઉદભવે છે અને તેને કારણે માણસના ચિત્તમાં પ્રચંડ ઉન્માદ ઊઠે છે. એ ઉન્માદ શાંત ન થાય ત્યાં સુધી માણસ નાચતો રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ નિશ્ચિત રીતે પાપ ન હતું અને પેરાસેલસસે લખ્યું હતું કે ડાન્સ પ્લેગનો ભોગ બનેલા લોકોમાં વેશ્યાઓ તથા બદમાશોનો સમાવેશ થાય છે, જેઓ ગિટાર તથા ફ્લ્યુટ વગાડવામાં આનંદ અનુભવે છે અને નિરંકુશ નૃત્ય કરીને તેમની કામુકતા, શારીરિક ઇચ્છાઓ તેમજ કલ્પનાઓને સંતુષ્ટ કરે છે. ડાન્સ પ્લેગનાં તેમણે આપેલાં સંભવિત કારણો બોદાં હતાં. તેમણે એવી દલીલ કરી હતી કે ભગવાન કે શેતાન કરતાં કલ્પના અહીં વધારે દોષી છે. પેરાસેલસસે કહ્યું હતું કે "કલ્પના જ જવાબદાર છે, કારણ તે એક ઘરેથી ઊડીને માત્ર બીજા ઘરે જ નહીં, પરંતુ એક દેશમાંથી ઊડીને બીજા દેશમાં પણ ઝડપથી પહોંચી જાય છે. આમ એક વ્યક્તિની કલ્પના માત્રથી સમગ્ર શહેર કે દેશમાં નિરંકુશ નાચવાની બીમારી ફેલાય છે."
આ અર્થઘટન રાજકીય અને સામાજિક પરિસ્થિતિથી પ્રેરિત વ્યાપક સાયકોજૅનિક બીમારીઓ વિશેના વર્તમાન સિદ્ધાંતોની વધારે નજીક છે. આ વિષય પરની સૌથી વધુ લોકપ્રિય નોન-ફિક્શન બુક 'અ ટાઈમ ટુ ડાન્સ, અ ટાઈમ ટુ ડાઈઃ ધ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટોરી ઓફ ધ ડાન્સિંગ પ્લે ઑફ 1518'ના લેખક જોન વેલ્લર, કોરિયોમેનિયાને 'માનસિક મહામારી' ગણાવે છે, જે હસવા અને બેહોશ થવા જેવી શારીરિક પ્રતિક્રિયા જેવી છે.
આધુનિક કોરિયોમેનિયા
સ્ટ્રેસબર્ગના અતિવાસ્તવિક ઉનાળાની કથા આખરે તો એક કથા જ છે. અમુક સ્વરૂપના સામૂહિક નૃત્યનું કમસેકમ છ જુદા-જુદા ઐતિહાસિક સંદર્ભમાં દસ્તાવેજીકરણ થયું છે. જેમાં નર્તકોનું નૃત્ય સપ્તાહો સુધી ચાલતું રહ્યું છે. ફ્રાઉ ટ્રોફિયાને એ પૈકીના ઘણાની પ્રેરણા ગણવામાં આવે છે. એ પછી તેના વિવરણમાં વિવિધતા જોવા મળે છે. શરૂઆતમાં તારીખો આપવામાં આવી છે. આ ઘટના સામે કામ પાર પાડવાની વિવિધ રીતો વિગતવાર જણાવવામાં આવ્યું છે. અન્ય સંખ્યાબંધ ઐતિહાસિક ઘટનાઓની માફક અહીં પણ કલ્પનાના તંતુઓને આધારે ચોક્કસ ચિત્રો રચવામાં આવ્યાં છે.
વાસ્તવિકતા અલગ હોવા છતાં એક વ્યક્તિ જંગી ચળવળની ચિનગારી બને છે એ કલ્પના આપણને જકડી રાખે છે. એ વ્યક્તિનું નૃત્ય મનમોહક છે અને તે વ્યક્તિગત ઇચ્છા તથા શારીરિક મર્યાદાને પાર કરી જાય છે. તેનું પરિણામ ક્યારેક જીવલેણ બને છે. તે એક એવી ઘટના છે જે તેના વિશે આજે લખતા અમારા જેવા લોકોને પણ જકડી લે છે. અમારું ગદ્ય ફ્રાઉ ટ્રોફિયાના હૃદયના ધબકારા અને તેના પગના ફાટેલા અંગૂઠાની વિગતથી છલકાઈ જાય છે.
નિરંકુશ નૃત્યની તેના વિશે વિચારતા લોકો પર મોહક અસર થાય છે. આ સંદર્ભમાં ડેનિશ કવિ-લેખક હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસનની પરીકથા ધ રેડ શૂઝનો વિચાર કરવો પડે. એ કથા ભયાનક છે, પણ લોકોને બહુ ગમે છે. તેના નૈતિક સૂચિતાર્થો પ્રમાણમાં સ્પષ્ટ છે, પરંતુ એ પુસ્તકમાંના ગર્ભિત સંકેતો પોવેલ એન્ડ પ્રેસબર્ગરની એક ફિલ્મ, કેટ બુશના આલબમ અને સંખ્યાબંધ નૃત્યનાટિકાઓ સહિતની સંખ્યાબંધ કૃતિઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.
લેખિકા કિરણ મિલવૂડ હરગાવેની નવીનતમ નવલકથા ધ ડાન્સ ટ્રી 1518ની સ્ટ્રાસબર્ગની ઘટનામાં મહિલાઓના જીવન મારફત ડોકિયું કરે છે. મિલવૂડ હરગાવેની આ નવલકથામાં ડાન્સ પ્લેગ માત્ર મહિલાઓ પૂરતો રોગચાળો બની જાય છે. 'શેતાની દોરડા વડે સામસામે ખેંચવામાં આવી રહી હોય એમ નાચતી' ફ્રાઉ ટ્રોફિયાથી નવલકથાની શરૂઆત થાય છે. મધમાખીનો ઉછેર કરતી અને પોતાના સાસરિયાના રહસ્યોને ઉકેલવા મથતી લિસ્બેટ નામની એક ગર્ભવતી મહિલા મારફતે આ કથા કહેવામાં આવી છે. અહીં લિસ્બેટ ઘટનાઓની સાક્ષી છે, તેમાં ભાગીદાર નથી, પરંતુ નૃત્ય જેમ શહેરનો મિજાજ બદલી નાખે છે તેમ લિસ્બેટને પણ બદલી નાખે છે. રહસ્યો ખૂલતાં જાય છે. ઇચ્છાઓ પ્રગટ થાય છે. આ વર્ણનમાં નૃત્યમાં જોડાયેલી મહિલાઓનાં, પોતાના પિતા, પુત્રો તથા ખુદ પરનો અંકુશ ગુમાવી ચૂકેલી સ્ત્રીઓનાં, પોતાની ઇચ્છાને જાણતી પણ તરસી રહેલી સ્ત્રીઓનાં અને નૃત્યના ઉન્માદમાં ઝૂલતાં ટોળામાં જોડાવાની ઇચ્છાને દબાવીને માત્ર પ્રેક્ષક બની રહેલી સ્ત્રીઓનાં શબ્દચિત્રોને ગૂંથવામાં આવ્યાં છે.
પરમાનંદ અને ઉન્માદ
ડાન્સ પ્લેગ ફરીથી લોકપ્રિયતા પ્રાપ્ત કરે તે હવે કદાચ અનિવાર્ય છે. પાછલાં બે વર્ષમાં બ્લેક ડેથથી માંડીને સ્પેનિશ ફ્લુ સુધીની ઘણી મહામારી વિશ્વમાં ફરી વળી છે. આપણે માત્ર સરખામણીના હેતુસર જ નહીં, પરંતુ તમામ મહામારીનો આખરે અંત આવી ગયાની ખાતરી જાતને કરાવવા તેને ધ્યાનમાં લીધી છે. લૉકડાઉનમાં ખોવાઈ ગયેલી ઘણી વસ્તુઓ પૈકીની એક છે સામૂહિક નૃત્યનો આનંદ, શારીરિક રીતે અન્ય સેંકડો લોકોની નજીક હોવાની ઉત્કૃષ્ટ લાગણી. સંગીત દરેકનું પ્રેરક બને અને અજાણ્યા લોકો વચ્ચે સહપ્રવાસનો સમુદ્ર રચાય.
આ એક સંક્રામક મોહિની છે. જોનાથન ગ્લેઝરે જુલાઈ-2020માં 10 મિનિટની એક ફિલ્મની બનાવી હતી. સ્ટ્રાસબર્ગ 1518 નામની ફિલ્મમાં એકલ કળાકારોને, તેઓ ઢળી ન પડે ત્યાં સુધી નાચતા દર્શાવવામાં આવ્યા હતા. આ વર્ષે થિયેટરની પ્રવૃત્તિ ફરી જોરશોરથી શરૂ થઈ ગઈ છે ત્યારે લંડન સહિતનાં બ્રિટનનાં વિવિધ થિયેટરોમાં સ્ટ્રાસબર્ગની ઘટનાકેન્દ્રી ઘણાં નાટકો ભજવાઈ રહ્યાં છે.
આ બધાની સંવેદના કોરોનાવાઇરસકેન્દ્રી નથી. તેમાં બીજી સમકાલીન ચિંતાઓની વાત પણ કરવામાં આવી છે. કોરિયોમેનિયાઃ ડાન્સ ઍન્ડ ડિસૉર્ડર પુસ્તકનાં લેખક કેલિના ગોટમેન કહે છે કે "મને લાગે છે કે આપણા જીવન પર જેટલું દબાણ વધે, તેને જેટલું નિયંત્રિત કરવામાં આવે તેટલું વધારે કાર્યક્ષમ આપણે બનવું પડે. જાહેર સ્થળો પર જેટલી વધારે ચોકીદારી કરવામાં આવે તેટલી બળકટ આપણી ઇચ્છાઓ-આકાંક્ષાઓ બને."
ગોટમેનનું પુસ્તક મોટાભાગે કોરિયોમેનિયાની વિકૃતિ પર કેન્દ્રીત છે. તેને નૃત્યના ઊભરાના મૂળમાં બહુ ઓછો રસ છે. તેમને એ ક્ષણોના વર્ણન, અર્થઘટનમાં અને વિવિધ વિચારધારાઓને ન્યાયોચિત ઠરાવવા માટે તેનો ઉપયોગ કઈ રીતે કરાયો છે તેમાં વધારે રસ છે.
મોકળા મનથી નૃત્ય કરવું એ ડાન્સ ફીવર અને ધ ડાન્સ ટ્રી બન્નેનો કેન્દ્રીય વિચાર છે. મિલવૂડ હરગ્રેવના પુસ્તકમાં ડાન્સ પ્લેગનું જે સ્વરૂપ છે તે અવ્યવસ્થાની પરિસ્થિતિ હોવાની સાથે આનંદદાયક આશ્રય પણ છે. તેમણે કહ્યું હતું કે "હું આટલી અવિશ્વસનીય, ઉત્કૃષ્ટ અને અજબ ચીજમાં વહી જવાની ભાવના અનુભવવા ઇચ્છતી હતી. આખરે તો આ સંપૂર્ણ સામૂહિક પરમાનંદ છે."
ઉત્સાહપ્રચુર અવકાશના સ્વરૂપમાં ડાન્સના આઇડિયાનું પ્રતિબિંબ ડાન્સ ફીવરમાં જોવા મળે છે. બ્રિટિશ ગાયિકા ફ્લોરેન્સ વેલ્ચ એક ગીતમાં ગાય છે કે "હું સંગીત સાંભળું છું, મને મારા હૃદયના ધબકારા સંભળાય છે... હું નૃત્ય કરું છું ત્યારે એકદમ મુક્ત હોઉં છું" દારૂ પીને, ડ્રગ્ઝ લઈને કે ખુદને ખોરાકથી વંચિત રાખીને જાતને ભૂલવાના પ્રયાસો હોય કે પછી પ્રેમની પ્રચુર પૂર્ણતા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું હોય, ફ્લોરેન્સ વેલ્ચનાં ગીતોમાં ઉત્કૃષ્ટતા વિવિધ સ્વરૂપોમાં જોવા મળતી રહે છે.
સ્વતંત્રતાનું મૂલ્ય ક્યારેય ઓછું આંકી શકાય નહીં. ધ ડાન્સ ટ્રીમાં મહિલાઓની સ્વાયત્તતા બાબતે સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે. 'સ્ત્રીનો આવેગ અને સ્ત્રીની ઇચ્છા' મિલવૂડ હરગ્રેવની નવલકથાનો કેન્દ્રીય વિચાર દર્શાવે છે. નૃત્ય હંમેશાં સુંદર હોતું નથી. એ બિહામણું, ડરામણું, પરસેવાથી તરબતર, અંગોના ભરપૂર લટકાઝટકાવાળું અને વિચિત્ર અભિવ્યક્તિ પણ હોઈ શકે છે. તેઓ કહે છે કે જુઓ, તમે મને ડાન્સ કરતા રોકી શકશો નહીં.
ધ ડાન્સ ટ્રીના અત્યંત રૂઢિચુસ્ત પરિવેશમાં નૃત્ય પણ પરંપરાવિરોધી ગણાય છે. પરેસેલસસે જણાવ્યું હતું તેમ શંકા સિવાયનું બીજું કંઈ પણ હોય તો આનંદદાયક છે. મિલવૂડ હરગ્રેવે કહ્યું હતું કે "વિશ્વની અનેક સંસ્કૃતિઓમાં અને ખાસ કરીને ભારતમાં નૃત્યની બહુ મોટી ભૂમિકા છે. શ્રદ્ધા અને ગતિના સંદર્ભમાં તે એકમેકના પાકા સાથી છે, કારણ કે ભક્તિની શુદ્ધ અભિવ્યક્તિ આપણા શરીરમાં હોય છે."
જોકે, પ્રચુર ધર્મનિષ્ઠાનો આગ્રહ રાખતી ધાર્મિક સંસ્થાઓમાં આવું કૃત્ય ખતરનાક બની જાય છે. મિલવૂડ હરગ્રેવે કહ્યું હતું કે "મારા માટે રસપ્રદ વાત એ છે કે આ મહિલાઓને આગળ વધવા માટે ક્યારેય પ્રોત્સાહિત કરવામાં આવશે નહીં. આ ચર્ચ, સુગંધ, ધૂપ વેક્સ અને વસ્ત્રો સહિતનું બધું નાટકીય છે. તમે એક વખત તેની અંદર પ્રવેશો પછી તમારે સ્થિર થઈ જવું પડે છે, મૌન થવું પડે છે. એ ઉષ્માવિહોણું, લોકો વચ્ચેના વાસ્તવિક શારીરિક સંપર્કવિહોણું નાટક છે."
તમામ લોકો માટે ડાન્સ પ્લેગ
સામુહિક અવ્યવસ્થાની ઘટનાઓ પ્રત્યે કળાકારોનું ધ્યાન હંમેશાં આકર્ષાયું છે. સામાજિક પોત તૂટતું હોય, પરંપરાનું સ્થાન વિચિત્ર તથા ગૂંચવણભરી ઘટનાઓએ લીધું હોય એવી ક્ષણો કલાકારો માટે મૂળભૂત રીતે આકર્ષક હોય છે. કોરિઓમેનિયાના કિસ્સામાં જે બહાર આવે છે તે પ્રવેશ કે આત્મવિનાશની ભાવના માત્ર નથી, એ શારીરિક વિરોધ પણ છે. ડાન્સ પ્લેગનો વિચાર અત્યારે માત્ર વિલક્ષણતાના સ્વરૂપમાં નથી. એ કશુંક વધારે મુક્તિદાયક છે. નિરંકુશ નૃત્ય ડરામણું હોઈ શકે છે, પરંતુ તેમાંય આકર્ષણ હોય છે. આપણે આપણી જાતને નૃત્યમાં વહેવા દઈએ તો શું થાય? આપણી આજુબાજુમાં નાચતાં હજારો શરીરમાં એકસરખી લાગણી પ્રતિબિંબિત થાય તો શું હાંસલ કરી શકાય?
પ્રવર્તમાન મિજાજ બદલાઈ ગયો છે. ડાન્સિંગ પ્લેગનું નારીત્વ અને અનન્યપણું તેને વધારે રસપ્રદ બનાવે છે. આજના કળાકારો કે વિચારકો માટે તે ઐતિહાસિક કળાકૃતિ અને પ્રતીક બન્ને છે. તેના કેન્દ્રમાં એકદમ સાદો વિચાર છેઃ લોકોનું એક જૂથ નાચવાનું શરૂ કરે અને સતત નાચતા રહે. તેઓ શા માટે નાચી રહ્યાં છે અને તેનો અંત ક્યારે આવશે એ નિરૂત્તર સવાલ બની રહ્યા છે. એવા સવાલ જે વારંવાર પુછાતા રહે અને તેના જવાબ દર વખતે અપેક્ષા કરતાં અલગ મળે. ગાંડપણ, ભૂખ, વિરોધ, સ્વાતંત્ર્ય, રાજીપો અને પરમાનંદ. અલબત્ત, નૃત્ય કરનારાઓના પગ તેમની આગવી ગતિમાં સતત થીરકતા રહે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો