થાઇરૉઇડની બીમારી શું હોય છે અને તે કેટલી ઘાતક છે?

    • લેેખક, રવિ કુમાર પેનાન્ગીપલ્લી
    • પદ, બીબીસી તેલુગુ

ભારતમાં દર દસમાંથી એક વ્યક્તિ થાઇરૉઇડથી પીડાય છે. 2021ના આંકડા અનુસાર, ભારતમાં થાઇરૉઇડના આશરે 4.2 કરોડ દર્દીઓ છે.

થાઇરૉઇડની મુશ્કેલી એ છે કે જેઓ તેમાં સપડાયા હોય છે એ પૈકીની એક-તૃતિયાંશ લોકોને ખબર નથી હોતી કે તેમને થાઇરૉઇડ છે. ખાસ કરીને મહિલાઓને થાઇરૉઇડ વધારે થાય છે.

સગર્ભા મહિલાઓમાં અને પ્રસૂતિ પછીના પ્રથમ ત્રણ મહિનામાં થાઇરૉઇડની સમસ્યા આશરે 44.2 ટકા મહિલાઓમાં ઉદ્ભવે છે.

થાઇરૉઇડએ પતંગિયા જેવા આકારની એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, જે માનવશરીરમાં ગળામાં આવેલી હોય છે.

આંધ્રપ્રદેશના ગૂંટુરસ્થિત વિખ્યાત ઍન્ડોક્રાઈનોલોજિસ્ટ ડૉ. બેલ્લમ ભારાણી કહે છે કે "આ ગ્રંથિ મગજ, હૃદય, સ્નાયુઓ અને શરીરનાં બીજાં અંગો યોગ્ય રીતે કાર્ય કરતાં રહે એ માટે જરૂરી હોર્મોન્સનો સ્રાવ કરે છે. તે શરીરને ઊર્જાનો ઉપયોગ કરવામાં અને હુંફાળું રાખવામાં પણ મદદ કરે છે. એક રીતે જોઈએ તો થાઇરૉઇડગ્રંથિ શરીર માટે બૅટરી જેવું કામ કરે છે. તેના સ્ત્રાવમાં વધારો કે ઘટાડો થાય ત્યારે થાઇરૉઇડનાં લક્ષણ જોવા મળે છે."

થાઇરૉઇડ ગ્રંથિ શરીર માટે પૂરતા પ્રમાણમાં હોર્મોન્સનો સ્રાવ ન કરી શકે તે અવસ્થાને હાઈપો-થાઈ થાઇરૉડિઝમ કહેવામાં આવે છે. એ સ્થિતિ કોઈ રમકડાની બૅટરીનો પાવર તદ્દન ખતમ થઈ જાય તેવી હોય છે.

તેને લીધે શરીર તેની ક્ષમતા કરતાં ઓછું કામ કરે છે. હાઈપો- થાઇરૉડિઝમના દર્દીઓ ઝડપથી થાકી જતા હોય છે.

થાઇરૉઇડગ્રંથિ હોર્મોન્સનો વધુ પડતો સ્રાવ કરે ત્યારે હાઈપર- થાઇરૉડિઝમની સ્થિતિ સર્જાય છે. તેના દર્દીઓની હાલત વધુ પડતું કૅફિન લેતા લોકો જેવી હોય છે.

આ સમસ્યાના ત્રીજા પ્રકારમાં થાઇરૉઇડ ગ્રંથિમાં સોજો આવે છે. તેને ગૉઈટર કહેવામાં આવે છે. આ સમસ્યાનું નિરાકરણ દવાઓ મારફત ન થાય તો તેના માટે સર્જરી કરવી પડે છે.

થાઇરૉઇડનાં લક્ષણો

હાઈપો- થાઇરૉઇડ : આ સમસ્યામાં વ્યક્તિના વજનમાં મોટો વધારો થાય છે. તેનો ચહેરા, પગમાં સોજો જોવા મળે છે. તે આળસ અનુભવે છે. તેને ભૂખ લાગતી નથી. તે વધારે પડતું ઊંઘે છે. તેને વધારે પડતી ઠંડી લાગે છે. તે મહિલા હોય તો તેના માસિક ચક્રમાં ફેરફાર થાય છે. તેના વાળ ખરવા લાગે છે અને આ સમસ્યાનો ભોગ બનેલી મહિલાને ગર્ભધારણ કરવામાં તકલીફ થાય છે.

હાઈપર- થાઇરૉઇડ : ડૉ. ભારાણી કહે છે કે "થાઇરૉઇડ ગ્રંથિ આ સ્થિતિમાં શરીરને જરૂર હોય તેના કરતાં વધારે પ્રમાણમાં હોર્મોન્સનો સ્રાવ કરે છે. તેના દર્દીને સામાન્ય ભૂખ લાગતી હોય છે અને તે સારા એવા પ્રમાણમાં ખોરાક લેવા છતાં હોર્મોન્સના વધારે સ્ત્રાવને કારણે વજન ઘટે છે. તેને ઝાડા થાય છે. તે બેચેની અનુભવે છે. તેના હાથ-પગ ધ્રૂજવા લાગે છે. તેને વધારે પડતી ગરમી લાગે છે. તેના વર્તનમાં અસાધારણ ફેરફાર થયા કરે છે. તે પૂરતી ઊંઘ લઈ શકતો નથી. હૃદય અનિયમિત રીતે ધબકે છે. તેની દૃષ્ટિ ધૂંધળી થઈ જાય છે."

થાઇરૉઇડમાંની ખામીને જાણવાનાં કોઈ ખાસ લક્ષણો નથી. સ્પેનિશ સોસાયટી ઑફ ઍન્ડોક્રાઈનોલોજીના ડૉ. ફ્રાન્સિસ્કો ઝેવિયર સાન્તામારિયાએ બીબીસીને અગાઉ જણાવ્યું હતું કે આ એક વાસ્તવિક સમસ્યા છે. દાખલા તરીકે, હાઈપો- થાઇરૉડિઝમને તીવ્ર માનસિક હતાશાની સ્થિતિ ગણવાની ભૂલ થઈ શકે છે.

તેમણે કહ્યું હતું કે "મોટા ભાગના લોકોને હાઈપો- થાઇરૉડિઝમ તકલીફ હોય છે. એ પૈકીના ઘણા લોકો આ સમસ્યાની સારવાર લેવાનું મોડેથી શરૂ કરે છે. હાઈપો- થાઇરૉડિઝમથી પીડાતા કુલ પૈકીના અડધોઅડધ લોકો આ સમસ્યાથી અજાણ હોય છે. પુરુષો અને મહિલાઓમાં તેનાં લક્ષણો એકસમાન હોવા છતાં મહિલાઓમાં તેનું નિદાન વહેલું થાય છે. લગભગ 80 ટકા મહિલાઓ થાઇરૉઇડથી પીડાતી હોય છે."

ડૉ. સાન્તામારિયાએ ઉમેર્યું હતું કે "થાઇરૉઇડના કુલ પૈકીના 80થી 90 ટકા દર્દીઓ સામાન્ય રીતે સારવારથી સાજા થઈ જતા હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ શકતા નથી. કેટલાક કેસ બહુ જટિલ હોય છે. હાઈપો- થાઈરૉડિઝમમાં મોટા ભાગે ઑટો-ઇમ્યુન સિસ્ટમ જેવું કંઈક સતત કાર્યરત્ રહે છે અને સારવાર પછી પણ શરીરના બીજાં અંગો પર ઑટો-ઇમ્યુનિટીની અસર જોવા મળે છે."

T3, T4 અને TSH: એ વળી શું છે?

ડૉ. ભારાણીના જણાવ્યા મુજબ, ડાયાબિટીસની માફક થાઇરૉઇડનું સ્તર નક્કી કરી શકાતું નથી. હાઈપો- થાઈરૉડિઝમનો અર્થ T3 તથા T4ના સ્તરમાં ઘટાડો એવો થાય. એવી જ રીતે થાઇરૉઇડ ઉત્તેજક હોર્મોનનું સ્તર વધે છે. હાઈપર- થાઇરૉડિઝમમાં T3 તથા T4ના સ્તરમાં વધારો થાય છે. સામાન્ય કેસમાં TSHના સ્તરમાં ઘટાડો થાય છે.

TSHની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ, પ્રતિ એક લિટર લોહીમાં થાઇરૉઇડ યુનિટની માત્રા 0.5થી 5 મિલ લિટર હોવી જરૂરી છે. TSHનુ પ્રમાણ થાઇરૉઇડ ગ્રંથિ બરાબર કામ કરે છે કે નહીં તે દર્શાવે છે. જોકે, બાળકો, પુખ્ત વયના લોકો અને ગર્ભવતી મહિલાઓમાં આ પ્રમાણ અલગ-અલગ હોય છે. તેનો અર્થ એ થાય કે તેના પ્રમાણમાં વય અનુસાર ફેરફાર થતો રહે છે.

ડૉ. ભારાણીના જણાવ્યા મુજબ, પરિવારના કોઈ સભ્યને થાઇરૉઇડની તકલીફ હોય તો તેનાં સંતાનો પણ આ સમસ્યાનો ભોગ બને તેવી શક્યતા હોય છે. કમનસીબે, આ સંબંધે તકેદારીનાં કોઈ પગલાં લઈ શકાતાં નથી. સમસ્યા દેખાય ત્યારે જ તેના નિરાકરણનાં પગલાં લેવાં પડે છે.

આ સમસ્યા જીવલેણ છે?

શરીરની જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં હોર્મોન્સનો સ્રાવ થાય એ સ્થિતિ હાઇપર- થાઇરૉડિઝમની છે.

તેનાથી હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે. પરિણામે હૃદય સંબંધી સમસ્યાઓ ઉદ્ભવી શકે.

એવી જ રીતે હાઇપો- થાઇરૉડિઝમનું સમયસર નિદાન ન થાય તો તેનાથી ક્યારેય મગજમાં તકલીફ થઈ શકે. સોડિયમના પ્રમાણમાં ઘટાડો થાય અને દર્દી કોમામાં સરી પડે એવું પણ બની શકે.

આ સમસ્યાનું નિદાન ખાસ કરીને બાળકોમાં જન્મ પછી ન થાય તો બાળકનો માનસિક વિકાસ ખોડંગાઈ શકે છે. તેમના આઈક્યૂનું સ્તર ઘટી શકે.

આ સમસ્યાનું નિરાકરણ સારવાર વડે આસાન છે. આ સમસ્યા પ્રત્યે બેદરકારી ન રાખવી જોઈએ, કારણ કે બેદરકારી રાખવાથી બાળકનું ભાવિ ડામાડોળ થઈ શકે છે.

શાળાએ જતાં બાળકોમાં આવી તકલીફ સર્જાઈ શકે છે અને તેમનો વિકાસ રૂંધાઈ શકે છે.

આ બન્ને પ્રકારની સમસ્યાનું નિદાન સમયસર ન થાય તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો