You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચેતના રાજ : વજન ઘટાડવાના ઑપરેશન બાદ અભિનેત્રીનું મૃત્યુ, શું છે મામલો?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બૅંગલુરુથી, બીબીસી હિંદી માટે
કન્નડ ટેલિવિઝન અભિનેત્રી ચેતના રાજનું બૅંગલુરુની એક ખાનગી હૉસ્પિટલમાં મૃત્યુ થયું છે. તેમણે વજન ઘટાડવા માટે એક સર્જરી કરાવી હતી. ત્યાર બાદ તેમની તબિયત બગડી હતી.
સોમવારે તેમનું ઑપરેશન થયું હતું. બાદમાં તેમનાં ફેફસાંમાં પાણી ભરાઈ ગયું અને તબિયત લથડવા લાગી હતી.
બૅંગલુરુ પોલીસ (ઉત્તર)ના અવિનાશ પાટીલે બીબીસીને જણાવ્યું, "તકલીફ વધ્યા બાદ તેમને એક હૉસ્પિટલથી બીજા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. તેમના પરિવારે ફરિયાદ દાખલ કરાવી અને અમે તપાસ કરી રહ્યા છે."
"ફરિયાદ અનુસાર, આ મેડિકલ બેદરકારીનો મામલો છે. જેથી આઈપીસીની કલમ 174 અંતર્ગત આ મામલાની તપાસ કરી રહ્યા છે."
પોલીસ ફરિયાદ
ચેતના રાજ કન્નડ ટેલિવિઝનની 'ગીતા' અને 'દોરસ્વામી' જેવી લોકપ્રિય ધારાવાહિકોમાં કામ કરી ચૂક્યાં છે.
પોલીસને ચેતના રાજની સ્થિતિ વિશે એક ડૉક્ટરે પહેલાં જાણકારી આપી હતી.
આ ડૉક્ટરે પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે તેમના હૉસ્પિટલમાં અન્ય એક હૉસ્પિટલના ઍનેસ્થેસિયા સ્પેશિયાલિસ્ટ સાથે ચેતના રાજને 'બેભાન હાલત'માં લાવવામાં આવ્યાં હતાં.
ફરિયાદ પ્રમાણે, ઍનેસ્થેસિયા સ્પેશિયાલિસ્ટે હૉસ્પિટલમાં પહોંચ્યા બાદ માત્ર એટલું જ કહ્યું કે તેમને હાર્ટઍટેક આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, "અમે નિર્ધારિત પ્રક્રિયા અનુસાર કાર્યવાહી શરૂ કરી, કારણ કે તેમની તબિયતમાં કોઈ સુધારો નહોતો. એમ લાગતું હતું કે તેમને અહીં લાવવામાં આવ્યાં ત્યારે જ તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું."
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચેતનાએ સોમવારે એક કૉસ્મેટિક સર્જરી હૉસ્પિટલમાં લિપોસક્શનનું ઑપરેશન કરાવ્યું હતું.
લિપોસક્શન શું છે?
મેદસ્વિતા ઘટાડવા માટે કે બીજા શબ્દોમાં કહીએ તો શરીરમાંથી ચરબી ઘટાડવા માટે કરવામાં આવતી સર્જરીને લિપોસક્શન કહેવામાં આવે છે.
ડૉક્ટરોએ લિપોસક્શનને લઈને કેટલીક ગંભીર ચિંતાઓ પણ જાહેર કરી છે.
ડૉક્ટરોનું કહેવું છે કે લિપોસક્શનના કારણે મેદસ્વિતાવાળા ગ્લોબ્યૂલ્સ ફેફસામાં દાખલ થઈ શકે છે.
ખરેખર લિપોસક્શન એક એવો મેડિકલ નુસખો છે જેના દ્વારા ડૉક્ટર શરીરના એ ભાગોમાંથી ચરબી ઓછી કરી દે છે, જ્યાં તેમને શિફ્ટ કરી શકાતી નથી.
આ ભાગોમાં જાંઘ, નિતંબ અને પેટનો સમાવેશ થાય છે. આ રીત એ લોકો માટે સૌથી વધુ યોગ્ય છે, જેમની ત્વચા ખૂબ ટાઇટ અને વજન સામાન્ય હોય છે.
તેનું પરિણામ ઘણા સમય સુધી રહે છે પરંતુ હવે તેના સાઇડ ઇફૅક્ટ્સને જોઈને એમ કહેવાઈ રહ્યું છે લિપોસક્શનના ઘણી વખત ખોટાં પરિણામ પણ આવી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો