તાપી: પતિએ ઑફિસમાં કામ કરતી પત્નીને જીવતી સળગાવી, ભેટીને પોતે પણ આત્મહત્યા કરી લીધી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

તાપી જિલ્લાની વાલોડ તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક દિવસથી શોકમય વાતાવરણ છે. જો કોઈ પ્લાસ્ટિકની બૉટલ પણ લઈને આવે તો ઑફિસનો સમગ્ર સ્ટાફ ગભરાઈ જાય છે. તેનું કારણ છે તાજેતરમાં બનેલી એક ઘટના...

વાલોડ તાલુકા પંચાયતમાં મયૂરિકા ગામિત નામનાં મહિલા કમ્પ્યુટર ઑપરેટર તરીકે કામ કરતાં હતાં. સ્વભાવે હસમુખ એવાં મયૂરિકા ઑફિસમાં પોતાના કામમાં વ્યસ્ત રહેતાં હતાં.

તેમના સહકર્મીઓને ખ્યાલ હતો કે તેઓ કમ્પ્યુટર એન્જિનિયર છે, તેમના પતિ અમિત શિક્ષક છે અને બન્ને એક દીકરા સાથે સુખી લગ્નજીવન વિતાવી રહ્યાં છે.

પરંતુ તેમને જોઈને ઑફિસ સ્ટાફના કોઈ પણ વ્યક્તિને ખ્યાલ નહોતો કે તેમના પર અંગત જીવનમાં શું વીતી રહ્યું છે.

તાજેતરમાં તેમના પતિ અમિત ઑફિસમાં મયૂરિકાને મળવા આવ્યા હતા અને પ્લાસ્ટિકની બૉટલમાંથી પ્રવાહી છાંટીને મયૂરિકાને સળગાવી દીધાં અને તેમને ભેટીને ખુદ પણ મૃત્યુ પામ્યા હતા.

શું હતી ઘટના?

વાલોડના તાલુકા વિકાસ અધિકારી છત્રસિંહ ધારિયાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "રોજની જેમ મયૂરિકાબહેન નિયત સમયે કામ પર આવ્યાં હતાં અને પોતાના ટેબલ પર કામ કરી રહ્યાં હતાં."

"તે સમયે તેમના પતિ અમિત પટેલ આવ્યા અને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન તેમણે અચાનક પ્લાસ્ટિકની એક બૉટલ કાઢીને તેમાંનું પ્રવાહી મયૂરિકા અને ખુદ પર છાંટવા લાગ્યા હતા."

"આ દરમિયાન મયૂરિકાએ બૂમો પાડતા ઑફિસમાં હાજર તમામ લોકો ચોંકી ઊઠ્યા હતા અને કોઈને કંઈ ખ્યાલ આવે તે પહેલાં મયૂરિકા ઑફિસની લૉબીમાં ભાગતાં દેખાયાં અને ગણતરીની સેકંડોમાં પતિ અમિતે પહેલાં તેમના પર અને બાદમાં ખુદ પર આગ લગાવી દીધી હતી."

તેઓ કહે છે, "અમારા સ્ટાફે તરત જ ફાયર ઍક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કરીને આગ બુઝાવી અને એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો પણ ડૉક્ટરે બન્નેને મૃત જાહેર કર્યાં."

'અનૈતિક સંબંધોની શંકા'

મયૂરિકા અને અમિતનાં લગ્ન વર્ષ 2003માં થયાં હતાં અને તેમનો પુત્ર હાલ 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. અમિતભાઈ વ્યવસાયે શિક્ષક હતા અને મયૂરિકાબહેન મનરેગામાં કમ્પ્યુટર ઑપરેટર તરીકે કામ કરતાં હતાં.

તાપી જિલ્લાના પોલીસવડા રાહુલ પટેલના જણાવ્યા અનુસાર, તેમના લગ્નજીવનમાં ખટરાગ ચાલતો રહેતો હતો. પતિ અમિતભાઈને શંકા હતી કે મયૂરિકાના કોઈકની સાથે અનૈતિક સંબંધો છે.

મયૂરિકાના ભાઈ અમૂલ ગામિત કહે છે કે, "બન્ને વચ્ચે છેલ્લાં બે વર્ષથી આ મામલાને લઈને ઝઘડા થતા હતા અને વડીલોની મધ્યસ્થી દ્વારા સમાધાન પણ થયું હતું. વચ્ચે ત્રાસ એ હદ સુધી વધી ગયો કે બહેન પાછાં પિયર આવી ગયાં હતાં."

એસ.પી. રાહુલ પટેલ કહે છે, "પતિએ જ્વલનશીલ પ્રવાહી નાંખતા પત્ની પ્રતિકારરૂપે ત્યાંથી ભાગ્યાં હતાં. જેથી તે પાછળ દોડ્યો હતો અને પહેલાં તેણી પર અને બાદમાં ખુદ પર આગ ચાંપી દીધી હતી. આસપાસના લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં તેઓ બચી શક્યા નહીં."

તેઓ આગળ કહે છે, "તેમનો પુત્ર હાલ ઘેરા શોકમાં છે. તેને ટ્રૉમામાંથી બહાર કાઢવા માટે અમે તબીબી સહાય પણ લઈ રહ્યા છીએ."

બીબીસી દ્વારા અમિત પટેલના પિતા અનિલભાઈનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તે થઈ શક્યો ન હતો.

શા માટે બને છે આવી ઘટના?

ચારિત્ર્ય પર શંકા રાખીને પત્ની સાથે ખુદ સળગી જવાની ઘટના પાછળના તથ્ય વિશે વાત કરતા જાણીતા મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોક્સી કહે છે, "ગ્રામીણ વિસ્તારમાં આ પ્રકારના કિસ્સા વધુ જોવા મળે છે અને તે પણ ઓછી આવક ધરાવતા અને અશિક્ષિત પરિવારોમાં, પણ જ્યારે ભણેલા ગણેલા શિક્ષક દ્વારા આ પ્રકારનું પગલું ભરવામાં આવે તો તે ચોંકાવનારી બાબત કહેવાય."

તેઓ આગળ કહે છે, "આ પાછળ મૉર્બિડ જૅલેસી અથવા તો ઑથેલો સિન્ડ્રોમ જવાબદાર હોઈ શકે છે. આ લાંબા સમયથી ચાલતું આવતું હોવું જોઈએ. જેના કારણે 'ઈલ્યુઝન ઑફ ઇન્ફૅડાલિટી' નામક માનસિક રોગનો શિકાર બની ગયો હોય."

'ઈલ્યુઝન ઑફ ઇન્ફૅડાલિટી' વિશે વાત કરતા તેઓ જણાવે છે કે આ બીમારીથી પીડાતા લોકો વાસ્તવિક્તાથી દૂર જતા રહે છે અને તેમનામાં સતત બદલો લેવાની ભાવના રહે છે. તેઓ સાચા, ખોટા, સારા કે ખરાબ વચ્ચેના ભેદભાવને સમજી શક્તા નથી અને મર્ડર વિથ સ્યુસાઇડ સુધી પહોંચી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો