ગુજરાત પોલીસ : એ પોલીસ ઇન્સ્પેક્ટર જે પ્લેનમાં બેસી લાખો રૂપિયાની લાંચ લેવા ગયા

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમેરિકાથી રાજપીપળાની બિરસા મુંડા યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રૅજ્યુએટની ડિગ્રીની ખરાઈ માટે કેટલાંક કાગળિયાં આવ્યાં અને પરબીડિયું ખોલતાં જ યુનિવર્સિટીના સત્તાવાળા ચોંકી ગયા.

વાત એમ હતી કે યુનિવર્સિટીમાં જે કોર્સ ભણાવાતો જ નહોતો, એની જ ડિગ્રી યુનિવર્સિટીના નામે આપવામાં આવી હતી.

યુનિવર્સિટીની નકલી ડિગ્રીઓ જોઈને ચોંકી ઊઠેલા બિરસા મુંડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે રજિસ્ટ્રારને પોલીસ ફરિયાદ કરવા કહ્યું અને નકલી ડિગ્રીનું મોટું રૅકેટ બહાર આવ્યું.

નકલી ડિગ્રીના આ કૌભાંડમાં દેશના વિવિધ ભાગોમાંથી 10 લોકોની ધરપકડ કરવામાં આવી અને કેસની ચાર્જશીટ પણ દાખલ કરાઈ.

નર્મદા જિલ્લાના એસ.પી. પ્રસાદ સુંબેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "10 ડિસેમ્બર 2021ના રોજ અમારી પાસે બિરસા મુંડા યુનિવર્સિટીમાંથી નકલી માર્કશીટ અંગેની ફરિયાદ આવી હતી. મામલો ગંભીર હતો એટલે અમે તપાસ હાથ ધરી. સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી અને તપાસ અધિકારી તરીકે લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની નિમણૂક કરી."

"સ્પેશિયલ ટાસ્ક ફોર્સે તત્કાલ કાર્યવાહી શરૂ કરી અને ગણતરીના દિવસોમાં જ નકલી માર્કશીટની મુખ્ય સૂત્રધાર એવી 30 વર્ષની કમ્પ્યુટર ઑપરેટર નંદ રેવી બીસી નામની યુવતીની ધરપકડ કરી."

કેટલા રૂપિયામાં મળતી હતી ડિગ્રી?

આ કેસમાં કોર્ટમાં મુકાયેલી રિમાન્ડ અરજી અને ચાર્જશીટમાં જણાવાયું છે કે આરોપી યુવતી મૂળ છત્તીસગઢની છે અને હાલમાં દિલ્હીમાં રહે છે.

યુવતી પર વર્ષ 2020થી અલગઅલગ યુનિવર્સિટીની નકલી વેબસાઇટ બનાવવાનો આરોપ છે. આઈ.પી. ઍડ્રેસના આધારે રાજપીપળા પોલીસ દિલ્હી ગઈ હતી અને આરોપી યુવતીની ધરપકડ કરી હતી.

પોલીસે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરેલાં કારણો પણ ઘણાં ચોંકાવનારાં હતાં. રાજપીપળા પોલીસે જ્યારે આરોપી યુવતીના ઘરે દરોડા પાડ્યા ત્યારે જાણવા મળ્યું કે યુવતીએ 73 અલગઅલગ વેબસાઇટનાં ડૉમેઇન રજિસ્ટર કરાવ્યાં હતાં.

આ ડૉમેઇનમાં નકલી ઍજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ બનાવી, ગ્રૅજ્યુએશનથી માંડીને પીએચ.ડી. સુધીની ડિગ્રીઓ ઑફર કરાઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવતીના ઘરેથી માર્કશીટ છાપવાનું કલર પ્રિન્ટર, 35 અલગઅલગ યુનિવર્સિટીનાં નકલી સર્ટિફિકેટ, 30 ઉચ્ચ ડિગ્રીનાં નકલી સર્ટિફિકેટ, 510 માર્કશીટ, અલગઅલગ માર્કશીટ પર લગાવાના હૉલમાર્ક અને 94 રબરસ્ટેમ્પ મળ્યા હતા.

આ કેસમાં રાજપીપળા ખાતેની નર્મદા ડિસ્ટ્રિકટ કોર્ટમાં રજૂ કરાયેલી ચાર્જશીટમાં જણાવાયું છે કે આરોપી અને તેની સાથે કામ કરતા 31 એજન્ટોએ 2020થી 2021 સુધીમાં એક હજાર લોકોને નકલી ડિગ્રીઓ વેચી હતી. એમાં ગ્રૅજ્યુએશનની ડિગ્રી 82 હજારમાં, જ્યારે ત્રણ લાખમાં પીએચ.ડીની ડિગ્રી મળતી હતી.

આ મામલે ધરપકડ કરાયેલા દસ લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 465, 467, 491 અને 500 ઉપરાંત આઈટી ઍક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નકલી ડિગ્રીમાંથી લાંચના મામલા સુધી

જોકે, આ મામલે વળાંક ત્યારે આવ્યો જ્યારે રાજપીપળાના તપાસ અધિકારી પર આરોપીના પરિવાર પાસેથી લાંચ માગવાનો આરોપ લાગ્યો.

હરિયાણાના સ્ટેટ વિજિલન્સના ડિવાય એસ. પી. સુમિતકુમારે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ કેસમાં ફરીદાબાદમાંથી અમરિન્દર પુરી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરુદ્ધ નબળી કલમ લગાવવા મામલે રાજપીપળાના તપાસ અધિકારીએ ત્રણ લાખ રુપિયાની લાંચ માગી હતી. જેમાંથી એક લાખ રૂપિયા અમરિન્દરના મામા સંદીપ પુરીએ આપ્યા હતા."

"આ મામલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. એ બાદ સપ્લિમૅન્ટરી ચાર્જશીટ દાખલ નહીં કરવા માટે બે લાખ રૂપિયા માગવામાં આવ્યા હતા. પૈસાની વારંવાર માગ કરાતાં સંદીપ પુરીએ અમને જાણ કરી હતી."

તેમણે એવું પણ જણાવ્યું, "ગુજરાતથી આ પોલીસ અધિકારી રવિવારે ફ્લાઇટમાં દિલ્હી આવ્યો હતો અને ગુરુગ્રામના સેક્ટર 49માં એક ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. અમે ગોઠવેલી ટ્રેપ પ્રમાણે જગદીશ ચૌધરીએ બે લાખ રૂપિયાની લાંચ લીધી અને અમે એને ઝડપી લીધો."

આરોપી જગદીશ ચૌધરી મૂળ બનાસકાંઠાના છે અને બે વર્ષ કરતાં વધુ સમયથી રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર તરીકે કામ કરે છે.

આ કેસ અંગે વધુ વિગતો આપતાં નર્મદાના એસ.પી. પ્રસાદ સુંબેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "નકલી માર્કશીટના કેસની ચાર્જશીટ 15 એપ્રિલે કોર્ટમાં રજૂ કરાઈ એટલે હવે પોલીસની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ ગણાય. હવે કોર્ટમાં કેસ ચાલે છે અને આખોય મામલો કોર્ટમાં છે. "

આરોપી ઇન્સ્પેક્ટર અંગે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું, "જગદીશ ચૌધરી પોતાના અંગ કામ માટે રજા પર ઊતર્યા હતા અને અહીં જાણ કર્યા વગર દિલ્હી ગયા હતા. રિયાણા પોલીસે લાંચ લેવાના કેસમાં એમની ધરપકડ કરી છે. ત્યાંની પોલીસે તેમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે."

તેમણે એવું પણ ઉમેર્યું, "આ બાબત ગંભીર છે અને ચલાવી ના લેવાય. એટલે મેં જગદીશ ચૌધરીને સસ્પેન્ડ કરવાનો રિપોર્ટ બનાવીને ડી.જી.પી.ને મોકલી આપ્યો છે, જેના પર ટૂંક સમયમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો