ગુજરાતમાં કુંવારી માતાએ તેમના પર જ બળાત્કાર કરનાર આરોપીને કોર્ટમાંથી જામીન કેમ અપાવ્યા?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અઠવાડિયામાં લગ્ન કરી લઈશું એવું કહીને તેમણે મને કુંવારી માતા બનાવી દીધી. પાંચ મહિનાના ગર્ભ સમયે મેં તેમને કહ્યું કે હવે લગ્ન કરી લઈએ, તો તેઓ ગુજરાત બહાર ભાગી ગયા. ના છૂટકે મારે પોલીસ ફરિયાદ નોંધાવવી પડી. પોલીસે એને પકડીને જેલમાં બંધ કર્યા. હું દીકરીની માતા બની ગઈ. એને પસ્તાવો થયો અને લગ્નની હા પાડી એટલે મેં કોર્ટમાં એમના જામીન માટે અરજી કરી છે."

આ શબ્દો છે અમદાવાદના ઇસનપુરમાં રહેતી અને બળાત્કારનો ભોગ બનેલી એક યુવતીના.

પીડિતા માતા-પિતા સાથે શાકભાજીનો ધંધો કરતાં હતાં ત્યારે એમના ઘર પાસે રહેતા અને શાકભાજીનો ધંધો કરતા રાજેશ (નામ બદલેલું છે) સાથે પરિચય થયો હતો.

પીડિતા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "હું એ સમયે 19 વર્ષની હતી, અબુધ હતી. રાજેશ મારા ઘરની આસ-પાસ આંટા મારતા હતા. અમારો પરિચય થયો. તેમણે મને વીડિયો-કૉલ થઈ શકે એવો ફોન આપ્યો. મારા ઘરના લોકો સૂઈ જાય ત્યારે અમે ફોન પર વાતો કરતાં હતાં. એ મને કહેતા કે મારે તારી સાથે લગ્ન કરવા છે. હું એની વાતોમાં ભોળવાઈ ગઈ હતી."

અને એ રીતે પીડિતા પરિવારની જાણ બહાર રાજેશને મળવાં લાગ્યાં હતાં. તેઓ કહે છે, "એ પ્રેમના નામે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો અને હું લગ્નની વાત કરું ત્યારે કાયમ કહેતો કે થોડા વધુ પૈસા ભેગા થાય એટલે ભાગીને લગ્ન કરીશું."

ભોળપણનો ઉપયોગ કરીને પલાયન

પીડિતા યુવતી કહે છે કે, "મને છેક સુધી ખબર જ ન પડી કે એ મને પ્રેમ નહોતા કરતા."

તેઓ કહે છે, "હું ગર્ભવતી થઈ ગઈ. મેં રાજેશને જાણ કરી અને લગ્ન કરી લેવા કહ્યું, તો એમણે આવતા અઠવાડિયે લગ્ન કરીશ એમ કહીને વાત ટાળી દીધી. સમય વીતતો ગયો, મને ગર્ભ રહ્યાના પાંચ મહિના થયા તો મેં લગ્ન કરી લેવાની જીદ્દ કરી તો એ ગુજરાત છોડીને ભાગી ગયા."

અસહાય પીડિતા માટે હવે ચારેકોરથી મુશ્કેલીઓ આવવા લાગી હતી. તેઓ કહે છે, "મારા વધતા પેટને કારણે મારાં માતાપિતા મારાથી નારાજ હતાં, મને મહેણાં ટોણાં મારતાં હતાં. મારી આ ભૂલને મારા ફોઈએ માફ કરી અને મારાં માતાપિતાનું ઘર છોડીને હું ફોઈ સાથે રહેવા ગઈ."

તેઓ ઉમેરે છે, "ફોઈ મને ગર્ભપાત માટે ડૉક્ટર પાસે લઈ ગયાં. પાંચ મહિના ઉપરનો ગર્ભ હતો એટલે ડૉક્ટરે ગર્ભપાત કરવાની ના પાડી દીધી."

છેવટે પીડિતાએ રાજેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસ રાજેશને હૈદરાબાદથી પકડીને લઈ આવી. પીડિતા કહે છે, "બીજી બાજુ મારા પેટમાં રાજેશનું બાળક ઉછરતું હતું અને મને કોઈ રાખવા તૈયાર નહોતું. આ સ્થિતિમાં 15 દિવસ પહેલાં મેં બાળકીને જન્મ આપ્યો."

બળાત્કારીને છોડાવવા પોલીસની મદદ

પીડિતા કહે છે કે "હું મારી નાની બાળકી સાથે રેનબસેરામાં રહું છું. મને મારું કે મારી દીકરીનું ભવિષ્ય દેખાતું નહોતું."

દરમિયાન એક એવી ઘટના બની કે જેને પગલે પીડિતા ખુદ આરોપી રાજેશના જામીનમુક્તિ માટે આગળ આવ્યાં.

પીડિતા કહે છે, "રાજેશને ખબર પડી કે હું એના સંતાનની માતા બની છું તો એમણે જેલમાંથી સંદેશો કહેવડાવ્યો કે માતા-પિતાની નારાજગીને કારણે હું લગ્ન કરી શક્યો નહોતો. હવે દીકરીને અપનાવવા અને પરણવા તૈયાર છું."

"રાજેશનાં માતાપિતા પણ દીકરીને જોઈને અમારાં લગ્ન કરાવવાં રાજી થઈ ગયાં. એટલે મેં રાજેશને છોડાવવા માટે પોલીસની મદદ માગી."

પોલીસ અને કોર્ટ

ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પીડિતાએ પોતાની સ્થિતિ અને રાજેશના જામીન માટેની સમગ્ર હકીકતની જાણ કરી.

ઇસનપુરના પીએસઆઈ વિજય પરમારે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "પીડિતા અમારી પાસે આવ્યાં ત્યારે અમને ખબર પડી કે તેઓ નાની બાળકી સાથે રેનબસેરામાં રહે છે."

તેઓ કહે છે, "રાજેશ એમને ફરીથી ભોળવી તો નથી રહ્યોને એની ખાતરી કરી તો તેમનાં માતાપિતાએ પણ બંનેનાં લગ્ન કરાવી આપવાની તૈયારી દર્શાવી. અમે સરકારી વકીલનો સંપર્ક સાધ્યો. વકીલની પણ સલાહ હતી કે રાજેશ લગ્ન કરવાં રાજી હોય તો સમાધાનકારી રસ્તો કાઢી શકાય."

સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પીડિતા તેમની બાળકી સાથે રેનબસેરામાં રહે છે એ જાણીને અમે માનવતાના ધોરણે મદદ કરવા તૈયાર થયા. પીડિતા પર બળાત્કાર કરનાર આરોપી પોતાની ભૂલ સ્વીકારીને લગ્ન કરવા રાજી હોવાથી બાળકી અને તેની માતાનું જીવન બગડશે નહીં."

"બાળકી અને તેની માતાને રેનબસેરા છોડીને પરિવારનો આશ્રય અને પ્રેમ મળશે. બાળકીનો ઉછેર સારી રીતે થઈ શકશે. એમ વિચારીને અમે સેશન્સ જજ સમક્ષ રાજેશ લગ્ન કરવા માગતા હોઈ માનવતાના ધોરણે લગ્ન માટે જામીન આપવાની અરજી ફરિયાદી પીડિતા દ્વારા દાખલ કરાવી હતી."

સુધીર બ્રહ્મભટ્ટ કહે છે, "આ જામીનથી આરોપી કોઈ પુરાવા સાથે છેડછાડ કરી શકે તેમ નથી. ઉપરાંત આરોપીએ ગુનાની કબૂલાત કરી હોવાથી તેની કસ્ટોડિયલ ટ્રાયલની જરૂર નથી. વળી જામીન ખુદ ફરિયાદી માગી રહ્યાં હોવાથી દલીલોને માન્ય રાખી કોર્ટે જામીન મંજૂર કર્યા છે."

સેશન્સ જજ ડીડી ઠક્કરે 15 હજારના જાતમુચરકા પર જામીન મંજૂર કરતા શરત મૂકી છે કે આરોપી રાજેશે પોતાના રહેઠાણનું સરનામું અને મોબાઇલ નંબર કોર્ટને આપવા અને જ્યાં સુધી કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી કોર્ટની મંજૂરી વગર આરોપી ગુજરાત બહાર જઈ શકશે નહીં.

સુધીર બ્રહ્મભટ્ટ કહે છે, "કોર્ટે માનવતાના ધોરણે જામીન મંજૂર કરવા ઉપરાંત આરોપી પીડિતાની દીકરીને સ્વીકારી લગ્ન કરવા તૈયાર હોય તો સોલ્વન્સી માટે આરોપી કે અરજદાર સમય માગે તો સમય આપવાની પણ તૈયારી બતાવી છે."

તો જાણીતા મહિલા કાર્યકર અને મહિલા સંગઠનો સાથે સંકળાયેલાં રૂપા મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "કોર્ટના નિર્ણય પર ટિપ્પણી ના થઈ શકે. કોર્ટે ભલે આ કેસમાં માનવીય અભિગમ દાખવ્યો હોય પણ આ પ્રણાલી યોગ્ય નથી, કારણ કે આવી રીતે બળાત્કારી લોકોને પ્રોત્સાહન મળી શકે છે."

તેઓ કહે છે, "અલબત્ત, કોર્ટે હજુ એના પરનો બળાત્કારનો કેસ પાછો નથી ખેંચ્યો એ સારું છે. જેથી એ પીડિતા સાથે પાછળથી દગો ના કરી શકે. આવા બળાત્કારના કેસમાં નારીના અધિકારોનું હનન થાય છે. મહિલાઓની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ ઊભો થશે, કારણ કે બળાત્કાર કર્યા પછી લગ્ન કરી લેવા એ કોઈ સોલ્યુશન નથી. બીજા કિસ્સાઓમાં બળાત્કાર કરનારની હિંમત ખૂલી ના જાય તે જોવું રહ્યું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો