કલોલ હત્યા કેસ : 'મારી દીકરીએ પતિના ઘરે જવા ના પાડી, તો એના પતિએ ભરબજાર મારી નાખી'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારી દીકરીને લગ્ન પહેલાં ઘણી રીતે લલચાવી. નવરાત્રિમાં તે દરરોજ નવું બાઇક લઈને તેને લેવા માટે આવતો. મારી દીકરીને એણે ઘણી ભરમાવી. અંતે તે અમારી ઇચ્છા વિરુદ્ધ તેના સાથે પરણી ગઈ, તેનું નામ ભાવેશ છે."

"તે અમારા ગામનો છોકરો હતો. લગ્ન બાદ ખબર પડી કે તે પરણેલો છે અને તેણે મારઝૂડ કરવાનું શરૂ કર્યું. આ સહન ન થતાં મારી દીકરી પિયર આવી ગઈ. તેણે પરચ જવાની ના પાડી, તેને ભરબજારમાં મારી નાખી."

20 વર્ષીય દીકરીને ગુમાવનાર પરમાનંદ લવાણાના આ શબ્દો છે. ગાંધીનગરના કલોલનિવાસી પરમાનંદ લવાણા બરફનો ગોળો વેચવાનો ધંધો કરે છે. તેમની સૌથી નાની દીકરીની હત્યા પતિ ભાવેશે શહેરના મુખ્ય બજારમાં છરીના ઘા મારી જાહેરમાં કરી હતી.

આ સમગ્ર ઘટના બાદ ફેબ્રુઆરી માસમાં બનેલા ગ્રીષ્મા હત્યા કેસને લોકો યાદ કરી રહ્યા છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને તેમને રિમાન્ડ માટે મોકલી દીધા છે.

'મારી દીકરીને પ્રેમજાળમાં ફસાવી'

યુવાન પુત્રીના મોતથી શોકગ્રસ્ત પિતા પરમાનંદ લવાણાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, "હેમા પરિવારને આર્થિક મદદ કરવા મહેંદી મૂકવાનું અને સિલાઈનું કામ કરતી હતી. અમારા ગામનો ભાવેશ કેશવાણી દરરોજ નવાં કપડાં પહેરીને બાઇક લઈને મારી દીકરીને આકર્ષવા પ્રયાસ કરતો હતો."

"તે અમારા ઘરની બહાર જ આંટા મારતો રહેતો. મારી દીકરી જ્યાં જતી, ત્યાં તે તેનો પીછો કરતો હતો. આખરે તે બહેકી ગઈ અને તેઓ બંને પરણી ગયાં."

પરમાનંદે કહ્યું કે, "લગ્ન બાદ અચાનક મારી દીકરીને ભાવેશના પરણેલ હોવાની વાત ખબર પડી."

"ભાવેશની પહેલી પત્ની પોતાનો હક માગી રહી હતી. તે આ વાતની દાઝ મારી દીકરી પર ઉતારતો હતો. તેને જાનવરની માફક મારતો હતો."

"ભાવેશ તેને કાયમ ડરાવતો કે તેણે જો પોલીસ ફરિયાદ કરી તો તેના ભાઈ અને માતાને મારી નાખશે. એક દિવસ તેણે હિંમત કરીને અમને વાત કરી અને અમે તેને ઘરે લઈ આવ્યા."

હેમાનાં મોટાં બહેન સાથેની વાતચીતમાંથી પણ કંઈક આવી જ હકીકત પ્રગટ થાય છે.

તેઓ કહે છે કે, "અમે બહેનને ઘરે લઈ આવ્યાં અને છૂટાછેડાની માગણી કરી તો ભાવેશે તેનો ઇન્કાર કરી દીધો. તે વારંવાર મારી બહેનને ફોન કરીને હેરાન કરતો, ઘરની બહાર ઊભો રહીને પરેશાન કરતો હતો."

"એક વખત બહેન બજારમાં ગઈ તો તેણે બજારમાં ઝઘડવાનું શરૂ કર્યું. અમે તેની ફરિયાદ કરવા ગયાં, પરંતુ તેના બનેવીએ સમાધાન કરાવીને મામલો થાળે પાડ્યો હતો. તેથી અમે ફરિયાદ કરવાનું માંડી વાળ્યું."

'મારી દીકરીને જાહેરમાં રહેંસી નાખી'

પરમાનંદે તાજેતરમાં બનેલી ઘટના વિશે વાત કરતાં કહ્યું, "તે ગત અઠવાડિયે અમારા ઘર પાસે આવીને બેઠો હતો. અમે તેમના બનેવીને ફરિયાદ કરી અને તેમણે ભાવેશને ફોન કરીને ત્યાંથી જતા રહેવા કહ્યું."

"તે પછી પણ મારી દીકરીને ફોન કરીને ધમકાવતો. કહેતો કે મારી દીકરી તેની પાસે પાછી નહીં જાય તો તે પરિવારને મારી નાખશે. તેણે ધમકી આપી પણ અમે ધ્યાન ન આપ્યું."

"ગુરુવારે મારી દીકરી સિલાઈકામ પતાવીને મહેંદીના ઑર્ડર માટે જઈ રહી હતી. ત્યાં ભાવેશે તેને રસ્તમાં રોકીને તેની સાથે જાહેરમાં ઝઘડો કર્યો, અને ભરબજાર ચપ્પુના ઘા ઝીંકીને મારી નાખી."

ઘટનાના બે કલાકમાં જ ભાવેશની ધરપકડ થઈ ગઈ હતી.

ધરપકડ કરનાર ગાંધીનગર એલ.સી.બી.ના ઇન્સ્પેક્ટર એચ. પી. ઝાલાએ આરોપીને પકડવાની કાર્યવાહી અંગે વાત કરતાં કહ્યું: "આરોપી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો. અમે એમના ગ્રૂપના લોકોને રાઉન્ડ-અપ કર્યા."

"આરોપીને પકડવા પાંચ ટીમ બનાવી અને કલોલની આસપાસના વિસ્તારની ઘેરાબંધી કરીને તેને ગામ છોડતાં પહેલાં જ પકડી પાડ્યો. હાલ તેને રિમાન્ડમાં મોકલી આવ્યો છે. જેમાં તે ચપ્પુ ક્યાંથી લાવ્યો અને મૃતકની જેમ અન્ય છોકરીઓને તેણે છેતરી હોય તો તેની માહિતી મેળવવામાં આવશે."

મનોચિકિત્સક શું કહે છે?

મનોચિકિત્સક ડૉક્ટર મહેશ પટેલ કહે છે કે, "આવા લોકો વધુ પડતી શંકા કરતા હોય છે. આ બાબતમાં આરોપી પીડિતાના પરિવારની આર્થિક સ્થિતિ જાણતો હતો."

"તેથી તેને ફસાવવા પહેલાં મોંઘી ભેંટ આપીને લલચાવી અને લગ્ન બાદ પત્ની કોઈ અન્યની સાથે મિત્રતા ન કેળવે તે માટે મારઝૂડ પણ કરી હતી."

"શરૂઆતમાં છોકરીએ અવાજ ન ઉઠાવતાં તેનું મનોબળ વધ્યું હશે. તેથી તેના અત્યાચારોની તીવ્રતા વધી હશે. તેમજ જો છોકરી પોતાનાથી દૂર થવાનો પ્રયાસ કરે તો તેને પરત મેળવવાના પ્રયાસમાં આવા લોકો ગમે તે કરી છૂટવા તૈયાર થઈ જાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો