ચાઇલ્ડ ગ્રૂમિંગ : '12 વર્ષની એ છોકરીને નિર્વસ્ત્ર થઈને કૅમેરા સામે પોઝ આપવાનું કહેવાતું'

    • લેેખક, વિક્ટોરિયા પ્રાઈસેડ્સ્કાયા
    • પદ, બીબીસી યુક્રેન

કોરોના મહામારી દરમિયાન ઑનલાઇન ચાઇલ્ડ ગ્રૂમિંગ અને સતામણીના પ્રમાણમાં મોટો ઉછાળો આવ્યો હોવાની ચેતવણી દુનિયામાં બાળકો માટે કામ કરતી સખાવતી સંસ્થાઓએ આપી છે.

યુક્રેનમાં કાર્યરત ચાઇલ્ડ રેસ્ક્યૂ સર્વિસ નામના એક સ્વૈચ્છિક સંગઠનના જણાવ્યા મુજબ, એક સંશોધનમાં બહાર આવ્યું છે કે કોવિડ-19 કટોકટી દરમિયાન 6થી 17 વર્ષની વયનાં ચાર બાળકોને તેમનાં શરીર વિશે અંગત સવાલો પૂછવામાં આવ્યા હોવાનું અથવા વસ્ત્રવિહીન અવસ્થામાં તેમના ફોટોગ્રાફ ક્લિક કરવાનું કહેવામાં આવ્યું હતું.

ઈલોના 12 વર્ષનાં હતાં ત્યારે ચિંતાતુર થઈ ગયાં હતાં. ઘણી વખત એ દિવસો સુધી રૂમમાં પૂરાઈ રહેતાં હતાં. જમતાં ન હતાં અને તેઓ પરિવાર સાથે વાત સુદ્ધાં કરતાં ન હતાં.

ઈલોનાનાં મમ્મી ઓક્સાના કહે છે કે "ક્યારેક ઈલોના ખૂબ ઍક્સાઇટ થઈ જતી હતી અથવા જોરજોરથી હસવા લાગતી હતી અને મને વારંવાર આલિંગન કર્યા કરતી હતી."

માતા અને પુત્રીનાં નામ, તેમની ઓળખ ગુપ્ત રાખવા માટે બદલવામાં આવ્યાં છે.

ઈલોનાનાં મમ્મીએ, તેમની પુત્રીના ઑનલાઇન ગ્રૂમિંગ અને અજાણ્યા લોકો અથવા એક ઑનલાઈન જૂથ દ્વારા ઈલોનાની કઈ રીતે સતામણી કરવામાં આવી હતી તેની વાત કરી હતી, તેમણે કહ્યું કે 'આ છ મહિના લાંબું દુઃસ્વપ્ન હતું.'

યુક્રેનમાં કોવિડ-19ની પહેલી લહેરના આગમનના થોડા સમય પહેલાં તેની શરૂઆત થઈ હતી.

ઓક્સાના કહે છે કે "ટીનેજર લોકો તેમની સ્વતંત્રતા અને અંગત મોકળાશ માટે કેટલાં ઉગ્ર હોય છે એ તમે જાણો છે. તેથી અમે ઈલોનાને મોકળાશ આપી હતી."

"ઈલોના અભ્યાસમાં મહેનતુ, મદદગાર હતી અને અમારી સાથે નિખાલસ હતી. તેથી તેના પર અવિશ્વાસ કરવાનું અમારા માટે કોઈ કારણ ન હતું."

પણ ઓક્સાનાના ધ્યાને આવ્યું કે સદા ખુશખુશાલ અને મૈત્રીપૂર્ણ ઈલોનાનું વર્તન બદલાઈ રહ્યું હતું.

ઈલોનાનું તેમના મોબાઇલ ફોન પ્રત્યેનું આકર્ષણ વ્યસનની હદે પહોંચી ગયું હતું.

ઓક્સાના મોબાઇલ સાથે ઓછો ટાઇમ પસાર કરવાનું સૂચન કરતાં ત્યારે ઈલોના તેનો આકરો પ્રતિભાવ આપતી હતી.

ઓક્સાના કહે છે કે "ઈલોના તેનો ફોન સતત ચેક કર્યા કરતી. દિવસ-રાત કોઈને સતત ટેક્સ્ટ મેસેજ મોકલ્યાં કરતી હતી. એ હું જાણતી હતી."

માનસિક હાલત કથડવા લાગી

થોડા દિવસ પછી ઈલોનાના માનસિક હાલત અચાનક વણસવા લાગી હતી.

બહાર જવાની ઈચ્છા નથી એવું કહીને ઈલોના પોતાના રૂમમાં જ રહેવાં લાગ્યાં હતાં. ઈલોના સતત માતાને કહેતાં કે તેમની તબિયત સારી નથી, પણ તેમને શું તકલીફ છે એ ક્યારેય જણાવતાં નહીં.

ઓક્સાના કહે છે કે "યુક્રેનમાં લૉકડાઉનના શરૂઆતના કેટલાક સપ્તાહોમાં જ બધું એકસાથે બન્યું હતું."

"મેં અને મારા પતિએ નોકરી ગુમાવી હતી અને અમે કદાચ અમારી દીકરી પ્રત્યે ઓછું ધ્યાન આપ્યું હતું."

"એક રાતે ઈલોના હીબકાં ભરતી મારી પાસે આવી હતી. તને કોઈએ શારીરિક ઈજા કરી છે કે કેમ, એવું મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે મમ્મી એવું થયું નથી, પણ કદાચ એવું થશે."

વાસ્તવમાં શું થયું હતું એ જાણવા માટે ઈલોનાને ઘણા દિવસો સુધી રાજી રાખવાં પડ્યાં હતાં.

ઈલોનાને ઇન્સ્ટાગ્રામ પર 15 વર્ષના એક છોકરા સાથે દોસ્તી થઈ ગઈ હતી. કમસેકમ એ છોકરાનું પ્રોફાઇલ જોઈને તો ઈલોના એવું માનતાં થઈ ગયાં હતાં.

એ છોકરો હૅન્ડસમ તથા મોહક હતો અને ઈલોનાના બહુ વખાણ કરતો હતો.

એ વારંવાર કહેતો હતો કે ઈલોના આસાનીથી મૉડલ બની શકે. એ બન્નેની વચ્ચે થોડા સપ્તાહો સુધી વીડિયો લિન્ક્સ અને મ્યુઝિકની આપ-લે થતી રહી હતી. તેઓ મોડી રાત સુધી ચૅટિંગ કરતા હતા.

ઈલોનાએ પોતાનાં માતાને કહ્યું હતું કે બન્ને વચ્ચે એટલી સમાનતા હતી કે તેમને એમ લાગતું હતું કે પોતાની બધી વાતો એ છોકરાને જણાવવી જોઈએ.

એ પછી પેલા છોકરાના મૅસેજ આવતા અચાનક બંધ થઈ ગયા. ઈલોના તેમની વચ્ચેના સંબંધમાં વિકસેલી હૂંફને બહુ મિસ કરતાં. તેથી તેને સતત ટૅક્સ્ટ મૅસેજ કરતાં હતાં અને પૂછતાં હતાં કે શું ખોટું થયું છે.

આખરે એક દિવસ પેલા છોકરાનો જવાબ આવ્યો.

તેણે લખ્યું હતું કે "તું મને પ્રેમ કરતી હોય એવું લાગતું નથી. તું મને સાચો પ્રેમ કરતી હોય તો તારે મારી સાથે વધારે મોકળા થવું પડશે. તું પ્રેમ પુરવાર કરવા તૈયાર છે?"

એ છોકરાએ પહેલાં તો ઈલોનાને તેના ફોટોગ્રાફ્સ અને વીડિયો શૅર કરવા જણાવ્યું હતું.

એ પછી તેણે પૂછ્યું હતું કે "તને બર્થ-ડે વખતે ગિફ્ટ મળેલા નવા પાયજામા દેખાડીશ? તું ઍક્સરસાઈઝ પહેલાં વૉર્મ-અપ કઈ રીતે કરે છે તેનો વીડિયો મોકલીશ?"

સમય પસાર થતો ગયો તેમ એ છોકરો વધારેને વધારે માગણી કરવા લાગ્યો હતો.

તેણે ઈલોનાને માત્ર અંડરવૅર પહેરીને અને પછી અંડરવૅર પહેર્યા વિના કૅમેરા સામે પોઝ કરવા કહ્યું હતું.

એ પછી તેણે ઈલોનાને, તે સ્નાન કરતી હોય, પોતાના શરીરને સ્પર્શતી એવી અવસ્થામાં લાઈવ સ્ટ્રીમિંગ કરવાનું કહ્યું હતું.

ઈલોનાએ એવું કરવાની ના કહી ત્યારથી તેમની વચ્ચેની વાતચીતનો મૂડ ધરમૂળથી બદલાઈ ગયો હતો.

ઈલોનાને ધમકીભર્યા મૅસેજીસ મળવા લાગ્યા હતા. તેને ધમકી આપવામાં આવતી હતી કે તેણે તેનાં જે પિક્ચર્સ શૅર કર્યાં છે એ બધા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવશે અને તેના માતા-પિતાને મોકલવામાં આવશે.

ઈલોનાને એવા મૅસેજ પણ મોકલવામાં આવ્યા હતા કે તેણે અત્યાર સુધીમાં જે શૅર કર્યું છે તે યુક્રેનમાં પ્રતિબંધિત છે. તેની જાણ પોલીસને કરવામાં આવશે.

સંખ્યાબંધ એકાઉન્ટ્સ મારફત કરવામાં આવતા ધમકીભર્યા મૅસેજીસના બૉમ્બમારાને કારણે ઈલોના દિગ્મૂઢ થઈ ગયાં હતાં.

મૅસેજીસમાં જણાવવામાં આવ્યું હતું કે તું ક્યાં રહે છે અને કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે એ અમે જાણીએ છીએ.

ઈલોનાનાં માતાને શંકા છે કે આ બધા મૅસેજીસ કોઈ એક વ્યક્તિએ નહીં, પણ લોકોના જૂથે મોકલ્યા હતા.

ઈલોનાને આખરે જણાવવામાં આવ્યું હતું કે આ બધું બંધ કરાવવું હોય તો તેમણે જાતે ડેટ પર જવું પડશે. ઈલોનાને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે કોઈ તેમને ઈજા કરશે નહીં તેથી તેમણે ડરવાની જરૂર નથી.

ઓક્સાના કહે છે કે "ભગવાનનો આભાર કે એ ક્ષણે ઈલોનાએ મારી સાથે બધી વાત કરી. ઈલોના એ લોકોને ખરેખર મળી હોત તો શું થયું હોત તેના વિચાર મને સતત આવ્યા કરે છે."

"ખતરનાક તોફાન"

ઈલોના ઑનલાઇન ગ્રૂમિંગનો ભોગ બની હતી. ઑનલાઈન ગ્રૂમિંગ શોષણની પ્રક્રિયા છે.

ઑનલાઇન ગ્રૂમિંગ કરતા લોકો તેમના સંભવિત શિકાર સાથે પહેલાં સોશિયલ મીડિયા મારફત વિશ્વાસભર્યો સંબંધ બાંધે છે. એ પછી તેમની જાળમાં ફસાયેલી વ્યક્તિની ઑનલાઇન કે ઑફલાઇન જાતીય સતામણી તથા દુર્વ્યવહાર કરે છે.

ઇન્ટાગ્રામ, ફેસબુક, લાઇકી અને ટિકટૉક જેવાં સોશિયલ નેટવર્ક્સની અલ્ગૉરિધમ લોકોને તેમની વય, જાતિ, લોકેશન અને સમાન રસના વિષયોને આધારે આસાનીથી વધારે દોસ્તો મેળવવામાં મદદ કરે છે.

અલબત, આ અલ્ગૉરિધમ યુવા છોકરા-છોકરીઓને પોતાની જાળમાં ફસાવવામાં ઑનલાઈન શિકારીઓને પણ મદદ કરે છે.

આવાં કૃત્યો કરતા લોકો અનેક એકાઉન્ટ્સમાંથી મોટા પ્રમાણમાં અંગત માહિતી એકઠી કરે છે. પછી એ માહિતીનો ઉપયોગ, સમાન રસ તથા શોખ ધરાવતા લોકોને શિકાર બનાવી શકાય એવું પ્રોફાઇલ બનાવવા માટે કરે છે.

બાળકોના અધિકારના રક્ષણ માટે કામ કરતા જૂથો પણ કહે છે કે સંવાદની શરૂઆત માટે તમારી મનોસ્થિતિ અથવા તમારી લાગણી જાણવા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ દ્વારા કરવામાં આવતા સવાલ(જેમ કે, ફેસબુક પૂછે છે, "વૉટ્સ ઑન યૉર માઇન્ડ?")નો દુરુપયોગ થઈ શકે છે, કારણ કે ભાવનાત્મક રીતે અત્યંત નાજુક તબક્કામાં હોય એવા લોકોને ઓળખવામાં એ સવાલ ઑનલાઇન શિકારીઓને મદદરૂપ થાય છે.

કોવિડ-19 મહામારી દરમિયાન વિશ્વના અબજો યુવા લોકોએ અગાઉ કરતાં અનેકગણો વધુ સમય ઑનલાઈન રહે છે.

તેઓ વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં અભ્યાસ કરતા હતા, ગેઇમિંગમાં વ્યસ્ત હતા અને અન્ય સ્થળે બેઠેલા તેમના દોસ્તો સાથે ગપ્પાં મારતા હતા.

ઇન્ટરનેટ વૉચ ઑર્ગેનાઇઝેશન નામની એક સ્વૈચ્છિક સંસ્થાના જણાવ્યા મુજબ, આ સ્થિતિને કારણે બાળકોની ઑનલાઇન સતામણી અને તેમની સાથેના દુર્વ્યવહારમાં વધારો થયો છે.

લૉકડાઉન દરમિયાન ઘણા બાળકો ઘરમાં એકલતા અનુભવતા હતા અને તેથી તેઓ ઑનલાઇન વધારે સમય પસાર કરતા હતા.

એ કારણે સર્જાયેલા 'ભયંકર તોફાન'ની વાત આંતરરાષ્ટ્રીય સાઇબર ક્રાઈમ પોલીસે પણ કરી છે.

લૉકડાઉનના સમયગાળામાં બાળકોને આપવામાં આવતી ઑનલાઇન ધમકીઓ સંબંધી માહિતી મેળવવા યુક્રેનના ચાઇલ્ડ રેસ્ક્યુ સર્વિસ નામના સ્વૈચ્છિક સંગઠનને છથી 17 વર્ષ સુધીની વયનાં 7,000થી વધુ બાળકોના ઇન્ટરવ્યૂ કર્યા હતા.

એ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે મહામારી દરમિયાન પ્રત્યેક ચારમાંથી એક બાળકને તેના શરીર વિશે અંગત સવાલ પૂછવામાં આવ્યા હતા અથવા તેમના અનાવૃત ફૉટોગ્રાફ્સ ક્લિક કરવા કહેવામાં આવ્યું હતું.

લીડ રિસર્ચર ડૉ. ઓલેના કાપ્રાલ્સ્કાએ તેમના સંશોધનના તારણને "હૃદયદ્રાવક" ગણાવ્યા હતા.

સંશોધનમાં જાણવા મળ્યું હતું કે 10થી 17 વર્ષની વયનાં બાળકો સાથે ગંભીર દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. એ પૈકીના કેટલાકને પોતાના શરીરના ચોક્કસ હિસ્સાને સ્પર્શવાનું કહેવામાં આવ્યું હતું, જ્યારે અન્યોને વાસ્તવિક જીવનમાં અજાણી વ્યક્તિને મળવાનું જણાવવામાં આવ્યું હતું.

ડૉ. ઓલેના કાપ્રાલ્સ્કા કહે છે કે "સંશોધન હેઠળનાં લગભગ 50 ટકા બાળકોએ આવી ઘટનાઓ વિશે કોઈને વાત કરી ન હતી, કારણ કે તેઓ બહુ શરમ અનુભવતા હતા, જે વધારે ચિંતાજનક છે. હું માનું છું કે માતા-પિતા, કારકિર્દી અને શિક્ષણ માટે આ અત્યંત મહત્વનો સંકેત છે, કારણ કે બાળકો જોખમી પરિસ્થિતિનો મોટેભાગે તાગ મેળવી શકતા નથી અને આવા ઑનલાઇન જોખમને કારણે વાસ્તવિક જીવનમાં તેમની જાતીય સતામણી થઈ શકે છે."

ઝૂમ મીટિંગમાં ઘૂસણખોરી

લૉકડાઉન દરમિયાન ઑનલાઇન અભ્યાસ તરફના ઝુકાવને કારણે યુક્રેનના યુવા લોકો પર વધુ એક જોખમ સર્જાયું છે.

યુક્રેનના સાઇબર પોલીસ દળના ચીફ ઈન્સ્પેક્ટર કૅપ્ટન રોમન સોચ્કા કહે છે કે "ઝૂમ મીટિંગ્ઝમાં ઘૂસણખોરીના પ્રમાણમાં પારાવાર વધારો થયો છે, પણ એ પ્રકારના કેસમાં સ્ક્રીનશૉટ્સ કે વધારાના પુરાવા વિના તપાસ કરવી મુશ્કેલ છે."

મારિયાનો પુત્ર ક્યિવની લોગોસ સેકન્ડરી સ્કૂલમાં પાંચમાં ધોરણનો વિદ્યાર્થી છે. એક જ મહિનાના સમયગાળામાં વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં યોજાયેલી સંખ્યાબંધ ઝૂમ મીટિંગ્ઝમાં એ હાજર રહ્યો હતો.

પહેલી ઘટનામાં ત્રણ અજાણ્યા લોકો તેમના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ઘૂસી ગયા હતા અને તેમણે ક્લાસરૂમમાંના બાળકોના નામ લઈને ગાળાગાળી તથા બૂમાબૂમ કરી હતી. અજાણ્યા લોકોના વર્તનથી શિક્ષિકાને પણ આંચકો લાગ્યો હતો.

શિક્ષિકા વીડિયો મીટિંગમાં થોડો સમય ગેરહાજર હતાં ત્યારે અજાણ્યા લોકોએ બાળકો સાથે ગેરવર્તન કર્યું હતું.

આ પ્રકારની બીજી ઘટનાની વાત મારિયાના 11 વર્ષના પુત્રના ક્લાસરૂમમાં બની હતી. પોતાનો આખો ક્લાસ કેવા પૉર્નોગ્રાફિક વીડિયો જુએ છે તેની અને એક નગ્ન પુરુષ કૅમેરા સામે હસ્તમૈથુન કરતો હોવાની વાત તેણે મારિયાને કરી હતી.

સ્કૂલના હૅડટીચર ઍન્દ્રિવ પ્રુતાસે જણાવ્યુ હતું કે તેના વિદ્યાર્થીઓ પૈકીના એક વિદ્યાર્થીએ વર્ચ્યુઅલ ક્લાસરૂમનો પાસવર્ડ ભૂંડા કામ કરતા લોકો સાથે શેર કર્યો હોવાની શક્યતા છે.

તેમણે આવા બધા નહીં, પણ કેટલાક કિસ્સાની જ જાણ સાઇબર પોલીસને કરી હતી, કારણ કે "ઑનલાઇન ડિસ્ટન્સ શિક્ષણ આપતી તમામ શાળાઓમાં ઝૂમ મીટિંગ્ઝમાં આ પ્રકારની ઘૂસણખોરી સામાન્ય વાત બની ગઈ છે,"એવું ઍન્દ્રિવ પ્રુતાસે કહ્યું હતું.

મારિયાએ ઉમેર્યું હતું કે ઘણા બાળકોના માતા-પિતા પોલીસને ફરિયાદ કરવાની ઉત્સુકતા દેખાડતાં નથી.

સોશિયલ મીડિયા પર સલામતી

જે ઘટના બની એ મારિયાના પુત્ર અને તેના સહાધ્યાયીઓ માટે "અભદ્ર કૃત્ય અને અત્યંત ગંભીર ગુનો હતી." (અલબત, એ બાબતે કોઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી)

ઈલોનાના કિસ્સામાં બન્યું તેમ ચાઇલ્ડ પૉર્નોગ્રાફી નિહાળવા અને તેનું વિતરણ કરવાના હેતુસર કોઈ બાળકનું ઑનલાઇન ગ્રૂમિંગ યુક્રેનમાં આ વર્ષના ફેબ્રુઆરીથી ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું છે.

તેથી ઈલોના સાથે ઑનલાઇન અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો ત્યારે ટેક્નીકલી એક ગુનાહિત કૃત્ય ન હતું.

ઈલોનાનાં માતા કહે છે કે "અમે ઈલોનાનો ફોન નંબર બદલાવી નાખ્યો છે. તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરી નાખ્યાં છે, પણ ઈલોના હજુય ઘરની બહાર જતાં કે ઘરમાં એકલી રહેતાં ડરે છે."

"પોતાના જીવનમાં બનેલી એ ઘટનાથી ઈલોના પારાવાર શરમ અનુભવે છે અને એ ઘટનાનો ઓછાયો તેના ભાવિ સંબંધ અને લોકોનો ભરોસો કરવાની તેની ક્ષમતા પર પણ પડશે, એવો મને ભય છે."

ઑનલાઇન દુર્વ્યવહારનું સ્વરૂપ એવું છે કે ફોટોગ્રાફ્સ ઇન્ટરનેટ પર સતત ફરતા રહે છે.

ચાઇલ્ડ થૅરપિસ્ટ ડો. ઓલેના નાગુલા કહે છે કે "ઑનલાઇન સતામણીનો ભોગ બનેલી વ્યક્તિ જોરદાર ચિંતામાં રહે છે. તે કારણે તેમની ઊંઘ હરામ થઈ જાય છે, તેમને પૅનિક અટેક્સ આવે છે, તેઓ આપઘાતના વિચાર કરે છે અને ખુદને ઈજા પણ કરતા રહે છે."

જવાબદાર કોણ?

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટૉક અને યુટ્યૂબ સહિતનાં તમામ મોખરાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ જણાવે છે કે તેઓ તેમની ઍપ્સ યુવા લોકો માટે સલામત બનાવવાના પ્રયાસ સતત કરી રહ્યા છે.

દુષ્ટ સામગ્રી અને યુઝર્સને શોધીને હટાવે તેવાં ટૂલ્સ બનાવવાના અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

તેમ છતાં આ પ્રકારની સામગ્રીને અપલોડ થતી અને તેને શૅર થતી અટકાવવાની દિશામાં ખાસ કશું કરવામાં આવ્યું નથી એવું બાળકોના અધિકારનું રક્ષણ કરતા જૂથો કહે છે.

યુઝરની વયની ચકાસણી એ વિવાદાસ્પદ મુદ્દાઓ પૈકીનો એક મુદ્દો છે.

યુઝર 13 વર્ષથી મોટી વયની વ્યક્તિ જ હોય એવું મોટાભાગના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સે અનિવાર્ય બનાવ્યું છે, કારણ કે કંપનીઓ તેનાથી નાની વયના લોકોની અંગત માહિતી, તેમના પાલકની સંમતિ વિના કાયદેસર એકત્ર કે પ્રસારિત કરી શકતી નથી.

અલબત, યુક્રેનની ચાઇલ્ડ રેસ્ક્યૂ સર્વિસનો અહેવાલ જણાવે છે કે યુક્રેનના છથી 11 વર્ષની વયના લગભગ 33 ટકા બાળકો ઇન્સ્ટાગ્રામ કે ટિકટૉક અકાઉન્ટ્સ ધરાવે છે.

આ બાળકોએ ખોટી વય દર્શાવીને પોતાના એકાઉન્ટ્સ બનાવ્યાં હતાં અથવા તો પુખ્ત વયની વ્યક્તિને તેમના માટે એકાઉન્ટ બનાવવા કહ્યું હતું.

માતા-પિતા શું કરી શકે?

કોરોનાવાઈરસ લૉકડાઉન દરમિયાન બાળકો સોશિયલ મીડિયા પર વધારે સમય પસાર કરતાં હોય એ શક્ય છે.

બાળકો માટે એ તેમના દોસ્તો સાથે સંપર્કમાં રહેવાનો સારો વિકલ્પ છે, પણ આ બાળકો સાથે કંઈ અઘટિત બને ત્યારે બાળકો એ વિશે પુખ્ત વયની વ્યક્તિને વાત કરી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ.

માતા-પિતાએ તેમના સંતાનો પાસેથી એ જાણવું જોઈએ કે તેઓ ઑનલાઇન કઈ ગેઇમ્સ રમે છે અને તેમને સોશિયલ મીડિયા પર શું કરવું ગમે છે.

બાળકો કેવા ફોટોગ્રાફ્સ જુએ છે અને શું શેર કરે છે તેની ચર્ચા થઈ શકે તો સારું. યુવા સંતાનના ઑનલાઇન પ્રત્યેનો ભરોસો અને ખરી ખેવના તેમને સલામત રાખવાના રામબાણ ઉપાય છે.

(ઇલસ્ટ્રેશન ઓલેસ્યા વોલોકોવા દ્વારા બનાવવામાં આવેલા છે / Getty)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો