કેનેડામાં ઐતિહાસિક ગરમી : હિટવેવમાં ડઝનેક લોકોનાં મૃત્યુ, 84 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો

કેનેડામાં કાળઝાળ ગરમીએ ડઝનેક લોકોનો જીવ લીધો છે. બ્રિટિશ કોલંબિયાની પોલીસ અનુસાર સોમવારથી અત્યાર સુધી 70 આકસ્મિક મૃત્યુના કેસ નોંધવામાં આવ્યા છે જેમાં વૃદ્ધોની સંખ્યા મોટી છે. પોલીસનું કહેવું છે કે આની પાછળ હિટવેવ પણ કારણભૂત છે.

અમેરિકા અને કેનેડા હાલ ભૂતકાળમાં ક્યારેય ના પડી હોય તેવી અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યાં છે. કેનેડામાં અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે. જેણે ગરમીના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે. મગળવારે બ્રિટિશ કોલંબિયામાં આવેલા લેયટ્ટોનમાં કેનેડામાં 49.5 સેલ્સિયસ તાપમાન હતું જે સતત ત્રીજા દિવસે વિક્રમજનક છે. અહીં ગરમીએ 84 વર્ષનો જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. અહીં રવિવારે 46.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

બીજા અનેક વિસ્તારોમાં પણ ભયંકર ગરમી પડી રહી છે. જેના કારણે લોકો માટે કૂલિંગ સ્ટેશન શરૂ કરવાની ફરજ પડી છે. જ્યાં આવી લોકો ગરમીથી રાહત મેળવી શકે.

અમેરિકાના વૉશિંગ્ટન અને ઓરેગન રાજ્યમાં પણ ગરમીએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધાં છે.

અમેરિકાની નેશનલ વેધર સર્વિસે આ ગરમીને ઐતિહાસિક ગણાવી છે. તેમની ધારણા છે કે આ અઠવાડિયામાં રેકૉર્ડબ્રેક ગરમી પડવાની શક્યતા છે.

અમેરિકા અને કેનેડા બંનેએ તેમના નાગરિકોને ભયંકર ગરમી સામે ચેતવણી આપી છે અને કદાચ આવી ગરમી સમગ્ર અઠવાડિયા દરમિયાન પડી શકે છે.

નિષ્ણાતોના મતે ક્લાઇમેટ ચેન્જના કારણે હિટવેવની જેમ વાતાવરણમાં હદ બહારના ફેરફારો થવાની ઘટનાઓ વધવાની શક્યતા છે. જોકે, આવી કોઈ એકાદ ઘટનાને વૈશ્વિક ફેરફારો સાથે સાંકળવી થોડી જટિલ છે.

ઍર કન્ડિશનર અને પંખાના વેચાણમાં વધારો જોવા મળ્યો છે અને કૂલિંગ શેલ્ટર એટલે કે ઠંડક આપવા માટે ખાસ તૈયાર કરાયેલી જગ્યાઓ પણ વધી રહી છે.

કેનેડાના લેયટ્ટોનમાં છેલ્લે જુલાઈ 1937માં 45 ડિગ્રી સેલ્સિય તાપમાન નોંધાયું હતું. જે બાદ ફરી તેનાથી વધારે 2021માં નોંધાયું છે.

બ્રિટિશ કોલંબિયાના 40થી વધારે સ્થળોએ તાપમાનના નવા રેકૉર્ડ બનાવ્યા છે.

કેનેડાના સિનિયર ક્લાઇમેટોલૉજિસ્ટ ડેવિડ ફિલિપ્સના કહેવા પ્રમાણે કેનેડાના કેટલાક ભાગો તો દુબઈ કરતાં પણ વધારે ગરમ બની ગયા છે.

ગરમીને લઈને અનેક વિસ્તારોને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે ઍર-કન્ડિશનરને ચાલુ રાખવા અને ગરમીથી રાહત મેળવવા માટે વીજળીની માગમાં પણ વધારો થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો