કોરોના વાઇરસના એ ચાર નવા વૅરિયન્ટ જેનાથી ચેતવાની જરૂર છે

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી

કોરોના વાઇરસના ડેલ્ટા પ્લસ વૅરિયન્ટ અંગે ગુજરાત સહિત દેશભરમાં આરોગ્યતંત્ર સાબદું થયું છે, ત્યારે ચાર નવા વૅરિયન્ટ વિશે ચેતવણી આપવામાં આવી રહી છે.

અહેવાલો મુજબ દેશમાં B.1.617.3, ડેલ્ટા વૅરિયન્ટના બે સ્વરૂપ B.1.1.318 અને B.1.617.1 અને C.37 આરોગ્યવ્યવસ્થાની ચિંતા વધારી શકે છે.

B.1.617.3 અને B.1.1.318 ભારતમાં મૌજુદ છે, જ્યારે C.37 (આ વૅરિયન્ટને લૅમ્ડા કહેવામાં આવે છે) હજુ સુધી ભારતમાં દેખા દીધી નથી.

C.37 વૅરિયન્ટ વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેથી નિષ્ણતોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ મારફત આ વૅરિયન્ટ ભારત આવી શકે છે.

AIIMS (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ)ના ડૉ. રણદીપ ગુલેરિયાના કહેવા પ્રમાણે, "ત્રીજી લહેર અને ડેલ્ટા પ્લસના સંભવિત વૅરિયન્ટ સામે તૈયારીના ભાગરૂપે આગળનો વિચાર કરવાની જરૂર છે અને આરોગ્યવ્યવસ્થાને કઈ રીતે વધુ મજબૂત કરી શકાય તે માટેના પ્રયાસ હાથ ધરવા જોઈએ."

કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ કેટલા જોખમી?

નિષ્ણાતો માને છે કે જો લોકોમાં વાઇરસ મુક્ત રીતે ફેલાય તો ભવિષ્યમાં ડેલ્ટા વૅરિયન્ટ જેવાં અન્ય સ્વરૂપો પણ જોવા મળી શકે છે.

ભારતમાં B.1.617એ સૌપ્રથમ મહારાષ્ટ્રમાં દેખા દીધી હતી. B.1.617માંથી ત્રણ વૅરિયન્ટ આવ્યા છે, B.1.617.1, B.1.617.2 અને B.1.617.3.

અમેરિકાની આરોગ્ય સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન - CDC પ્રમાણે B.1.617 અને B.1.617.1 એટલા જોખમી નથી.

B.1.617.2ને ખૂબ જ ચેપી માનવામાં આવે છે. તેમાં પણ K417N વૅરિયન્ટ શરીરની સુરક્ષા પ્રણાલીથી બચી નીકળે છે અને તે વૅક્સિન કે અન્ય કોઈ સારવાર પ્રણાલીને બિનઅસરકારક બનાવી શકે છે.

B.1.617.2ના નવા વૅરિયન્ટ B.1.617.2.1ને ભારત સરકારે ડેલ્ટા પ્લસ એવું નામ આપ્યું છે અને તેને 'ચિંતાજનક વૅરિયન્ટ' ગણાવ્યો છે, પરંતુ હાલના તબક્કે આ અંગે પૂરતો ડેટા ઉપલબ્ધ નથી.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ અનુસાર ડેલ્ટા વૅરિયન્ટ સામે કોવૅક્સિન અસરકારક છે, પરંતુ રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. કોવિશિલ્ડ લીધા બાદ પણ ઘટાડો જોવા મળે છે.

તેઓ કહે છે કે આમ છતાં એક વાત ચોક્કસ છે કે કોવિશિલ્ડ અને કોવૅક્સિન કોરોના વાઇરસના આલ્ફા, બિટા, ગામા અને ડેલ્ટા સામે રક્ષણ આપે છે.

બીજી તરફ અમેરિકાની ટોચની સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થનો દાવો છે કે કોવૅક્સિન આલ્ફા અને ડેલ્ટા વૅરિયન્ટ સામે અસરકારક છે.

ભારતમાં કોરોનાના નવા વૅરિયન્ટ

માઇક્રોબાયૉલૉજીના પ્રોફેસર ડૉ. ઉર્વેશ શાહ બીબીસીને જણાવે છે: "B.1.617.3 વૅરિયન્ટે પૂર્વના દેશોમાં દેખા દીધી છે અને ભારતમાં હાલ એટલા વધારે કેસ નથી. બીજા ત્રણ વૅરિયન્ટ પણ એટલા ચેપી નથી અને એટલી ઝડપથી ફેલાતા નથી, આ વૅરિયન્ટમાં મ્યુટેશન પણ એટલી ઝડપથી થતું નથી."

"કપ્પા અને લૅમ્ડાના કેટલાક કેસ ભારતમાં અગાઉ પણ નોંધાયા છે, પરંતુ ચેપ જોઈએ એટલી તીવ્રતાથી ફેલાયો નથી. પશ્ચિમ બંગાળ, હૈદરાબાદ અને તેલંગાણામાં છુટાછવાયા કેસ સામે આવ્યા છે."

તેઓ વધુમાં જણાવે છે કે હાલમાં ડેલ્ટા પ્લસ વૅરિયન્ટથી ચિંતા કરવાની જરૂર છે, કેમ કે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે કે ડેલ્ટા પ્લસ એ 'વૅરિયન્ટ ઑફ કન્સર્ન' છે. આ વૅરિયન્ટ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને બાયપાસ કરે છે અને બહુ ચેપી છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરમાં ઍસોસિયેટ પ્રોફેસર તરીકે કાર્યરત્ ડૉ. અનીશ સિન્હા કહે છે, "મ્યુટેશન એ વાઇરસની એક પ્રાકૃતિક પ્રક્રિયા છે અને એક વાઇરસ ઘણી વખત મ્યુટેટ થાય છે, એટલે આ પ્રકારના મ્યુટેશન આવતા જ રહેશે. આ ચાર વૅરિયન્ટ સિવાય પણ નવા વૅરિયન્ટ જોવા મળશે"

"જે ચાર વૅરિયન્ટ વિશે આગાહી કરવામાં આવી છે તે હાલ એટલા ગંભીર નથી. આ વૅરિયન્ટ કેટલી ઝડપથી ફેલાશે તે વિશે અત્યારે બહુ ચોક્કસ રીતે કહી ન શકાય. દેશમાં કેટલાક કેસ સામે આવ્યા છે, પરંતુ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસના પ્રમાણમાં ઓછા છે."

અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના ડૉ. મુકેશ મહેશ્વરીએ બીબીસીને જણાવ્યું કે, "આ વૅરિયન્ટ ભારતમાં છે અને સ્થિતિ જોખમાઈ પણ શકે છે. વાઇરસના જિનોમ સિક્વન્સિંગમાં મોડું થયું એટલે વૅરિયન્ટ વિશે માહિતી મેળવવામાં સમય લાગ્યો. જો સરકાર જિનોમ સિક્વન્સિંગ વધારે તો હજુ નવા વૅરિયન્ટ વિશે માહિતી મળી શકે તેમ છે."

ડેલ્ટા પ્લસમાં પણ મ્યુટેશન આવી શકે છે?

નિષ્ણાતો મુજબ કોરોના વાઇરસમાં સતત મ્યુટેશન થાય છે અને ડેલ્ટા પ્લસમાં પણ આમ થવાની પૂરી શક્યતા છે.

ડૉ. ઉર્વેશ શાહ કહે છે, "ડેલ્ટા પ્લસમાં મ્યુટેશન આવશે કારણ કે વાઇરસ મ્યુટેટ થતો રહે છે. જો ગંભીર મ્યુટેશન થશે તો લોકોને ચેપ લાગશે અને ગંભીર નહીં હોય તો વધારે લોકોને અસર નહીં થાય."

"જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને તેમના શરીરની અંદર કોરોના વાઇરસ લાંબા સમય સુધી રહે તો વાઇરસ મ્યુટેટ થઈ શકે છે. હવે જો વ્યક્તિ વૅક્સિન લે તો સૌપ્રથમ વૅક્સિન મૂળ વાઇરસ પર ઝાઝી અસર કરશે અને મ્યુટેટ થયેલા વાઇરસ પર ઓછી અસર કરશે."

"તેના કારણે મ્યુટેટ થયેલા વાઇરસથી વ્યક્તિને ચેપ લાગશે. દરેક મ્યુટેશન કોઈ દરદીના શરીરમાં ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ બીજા લોકોમાં ફેલાય છે. વાઇરસ આ રીતે જ ફેલાય છે."

ડૉ. અનીશ સિન્હા પણ સ્વીકારે છે કે ડેલ્ટા પ્લસમાં મ્યુટેશન આવી શકે છે.

"તમે વાઇરસને મ્યુટેટ થતા નહીં અટકાવી શકો કારણકે તે આપોઆપ થાય છે. જો તેને અટકાવવો હોય તો એક જ રસ્તો છે કે વસતીનું વહેલી તકે રસીકરણ કરવું. જો ટ્રાન્સમિશન ઓછું હશે તો મ્યુટેશન ઓછું થશે."

"બની શકે કે મ્યુટેશન એટલું ગંભીર ન પણ હોય પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર આવી હતી, તે મુખ્યત્વે ડેલ્ટા વૅરિયન્ટના કારણે હતી. મ્યુટેશન બાદ વાઇરસ વધુ ઘાતક બની ગયો હતો."

કોરોના વાઇરસનો પરિવાર

કોરોના વાઇરસ પરિવારના તમામ પ્રકારોમાં એક લાક્ષણિકતા સર્વસામાન્ય હોય છે અને એ છે કોરોના. તમે વાઇરસની અણીવાળા દડા જેવી તસવીર જોઈ હોય તો આ અણીવાળા (સ્પાઇક) પ્રોટીનને કોરોના તરીકે ઓળખવામાં આવે છે.

નાગરિકોને વારંવાર 20 સેકંડ સુધી સાબુથી હાથ ધોવાની કે આલ્કૉહૉલવાળા સૅનિટાઇઝરથી હાથ સાફ કરવાની સૂચના આપવામાં આવે છે કે જેથી વાઇરસ પરની અણી બુઠ્ઠી થઈ જાય અને તે માનવકોષ સાથે જોડાણ પ્રસ્થાપિત ન કરી શકે.

તે માનવકોષ સાથે સંપર્કમાં આવવા માટે તથા તેમાં પ્રવેશવા માટે આ અણીવાળા ભાગનો ઉપયોગ કરે છે. ગ્રીક મૂળાક્ષર મુજબ, આલ્ફા, બિટા, ગૅમા અને ડેલ્ટા એમ ચાર પ્રકારના કોરોના વાઇરસ જોવા મળે છે.

અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝના મતે કોરોના વાઇરસના સાત એવા સ્વરૂપોને ઓળખી શકાયાં છે કે જે માનવશરીરને ચેપ લગાડી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો