'નારીવાદી વર જોઈએ છે' - લગ્નની આ જાહેરાત સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ?

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

અખબારોમાં 'લગ્ન માટે વર-કન્યા જોઈએ છે'ની જાહેરાતો પ્રકાશિત થતી હોય છે. જોકે ભારતની નારીવાદી વ્યક્તિ સામાન્યપણે તેમાં રસ નથી લેતી.

જાહેરાતોમાં જાતિ અને ધર્મના આધારે વર્ગીકરણ હોય છે. તેમાં ઘણી વાર ત્વચાનો રંગ, ઊંચાઈ-કદ અને ચહેરા સંબંધિત વિગતો પણ સામેલ હોય છે.

વળી કેટલાક તો તેમની વધુ આવક અને સંપત્તિ વિશે પણ લખતા જોવા મળે છે.

ગત સપ્તાહે જ્યારે એક જાહેરાત પ્રકાશિત થઈ તો તેણે સૌનું ધ્યાન ખેંચ્યું.

જાહેરાતમાં લખ્યું હતું, "(વારંવાર) ઓડકાર-વાછૂટ ન થતાં હોય તેવો, દેખાવડો, શ્રીમંત અને નારીવાદમાં માનનારો વર જોઈએ છે. ટૂંકા વાળ અને છૂંદણાં કરાવેલી નારીવાદી છોકરી માટે વર જોઈએ છે."

ભારતમાં વ્યાપકપણે વંચાતા અખબારમાં આ જાહેરખબર છપાઈ હતી.

કૉમેડિયન અદિતી મિત્તલે ટ્વિટર પર આ જાહેરાત વિશે લખ્યું,"શું કોઈએ આ મારા વતી છપાવ્યું છે?"

તેમાં બોલીવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પણ પ્રત્યુત્તર આપ્યો.

આથી ઘણાને આ જાહેરખબરની સત્યતા પર શંકા ગઈ અને ચર્ચા શરૂ થઈ કે જાહેરાત સાચી છે કે બનાવટી.

શું હતી જાહેરાતની હકીકત?

જોકે વાસ્તવિકતા એ છે કે ભાઈ-બહેન અને તેમના મિત્ર વચ્ચેની મજાકના પરિણામે આ જાહેરાત છપાઈ હતી.

જાહેરાતમાં આપવામાં આવેલા ઇમેલ ઍડ્રેસ પર બીબીસીએ સંપર્ક કર્યો.

બાદમાં જાણવા મળ્યું કે સાક્ષી, તેમના ભાઈ શ્રીજન અને મિત્ર દમયંતિ આ જાહેરાતના પાછળની વ્યક્તિઓ છે. તેમની વિનંતીને પગલે તેમના નામ અહીં બદલવામાં આવ્યાં છે.

સાક્ષીએ કહ્યું,"અમે સ્થાયી કારકિર્દી સાથેનાં પ્રૉફેશનલ્સ છીએ આથી સોશિયલ મીડિયા પર ટ્રોલ નથી થવા માગતાં."

શ્રીજને કહ્યું,"સાક્ષીના 30મા જન્મદિવસ નિમિત્તે અમે એક મજાક કરી હતી."

"કેમ કે 30ની ઉંમર થાય એટલે લગ્ન માટે ખૂબ દબાણ વધી જાય છે. સમાજ અને પરિવાર બંને લગ્ન માટે દબાણ વધારી દે છે."

સાક્ષીએ કહ્યું કે તેમના વાળ ટૂંકા છે અને તેમણે છૂંદણાં પણ કરાવ્યાં છે. તેઓ સામાજિક ક્ષેત્રમાં કામ કરે છે અને તેઓ કેટલાક અભિપ્રાય પણ ધરાવે છે. તથા ઓડકાર અને વાછૂટની વાત માત્ર રમૂજ હતી.

અત્રે નોંધવું કે આ જાહેરાત ઉત્તર ભારતના વિવિધ શહેરોમાં છપાઈ અને તેના માટે 13 હજાર રૂપિયા ખર્ચ કરાયા હતા.

શ્રીજને કહ્યું,"જો લૉકડાઉન ન હોત તો અમે આ નાણાં માતાપિતા અને ઉજવણી પાછળ ખર્ચ્યાં હોત."

જન્મદિવસની રાત્રિ પહેલાં સાક્ષીના ભાઈએ તેમને એક પેપર સ્ક્રૉલ ગિફ્ટ કર્યું હતું.

"મેં તે જોયું તો તેમાં ઇમેલ એડ્રેસ હતું - [email protected] - અને પાસવર્ડ પણ હતો. મને નહોતી ખબર કે આનું શું કરવાનું છે."

"સવારે શ્રીજન મારા માટે એક અખબાર લાવ્યો અને તેમાં લગ્નની જાહેરાતોનું પાનું ખોલ્યું અને પછી જાહેરાત બતાવી. ત્યાર બાદ અમે સૌ ખૂબ હસવા લાગ્યાં હતાં."

પરંતુ મિત્ર-ભાઈ-બહેન વચ્ચેની એક રમૂજે સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા શરૂ કરી દીધી હતી. સેલિબ્રિટીઓએ જાહેરાત શૅર કરી એટલે લોકો કૉમેન્ટ કરવા લાગ્યા અને ઇમેલ આઇડી પર ઇમેલ આવવા લાગ્યા.

સાક્ષીએ કહ્યું,"મને અત્યાર સુધી 60 ઇમેલ મળ્યા. ઘણાએ લખ્યું કે આ જોક હતી અને કહ્યું સારી રમૂજ છે."

એક પુરુષે લખ્યું કે તે યોગ્ય ઉમેદવાર છે કેમ કે તેઓ મહિલાઓ પ્રત્યે જરાય અભિપ્રાયો નથી બાંધતા. એક મહિલાએ લખ્યું "જાહેરાત માટે આભાર, હું પણ આવી જ છું."

ભારતમાં પિતૃસત્તાનાં મૂળ ઊંડાં છે તથા નારીવાદને એક ખરાબ શબ્દ તરીકે જોવામાં આવે છે. વળી આવાં સ્ત્રીઓ માત્ર પુરુષોને નફરત કરતાં હોય છે તેવી ગેરમાન્યતા બાંધી લેવાય છે.

ટીકાનો પણ કરવો પડ્યો સામનો

આ જાહેરાતને પગલે તેમાં આપેલા ઇમેલ પર કેટલાકે ટીકાયુક્ત સંદેશાઓ પણ મોકલ્યા.

તેમાં સાક્ષીને દંભી કહેવાયાં કેમ કે તેઓ મૂડીવાદના વિરોધી હોવા છતાં શ્રીમંત પતિ ઇચ્છે છે.

તેમને કાઉગર (અમેરિકન દીપડો) સાથે પણ સરખાવવામાં આવ્યાં કેમ કે તેમની ઉંમર 30 વર્ષ હોવા છતાં તેમને 25-28ની ઉંમરની વ્યક્તિ જોઈએ છે.

ઘણાએ તેમને પોતાના નાણાં જાતે જ કમાવવા માટેની પણ સલાહ આપી. કેટલાકે કહ્યું કે જાહેરાત યોગ્ય નથી અને તમામ નારીવાદીઓ મૂરખ હોવાનું પણ કહેવામાં આવ્યું.

પિતૃસત્તાને પડકાર

દમયંતિનું કહેવું છે કે ભારતમાં 90 ટકા લગ્નો પરિવાર દ્વારા નક્કી થતાં હોય છે. તમામને એક સ્થાયી વર જોઈએ છે. પણ તેમ છતાં જાહેરાતે કેટલાકની દુખતી નસ દાબી છે. તેમનાં મનમાં રોષ ભરાયો છે.

સાક્ષીએ કહ્યું જાહેરાતને લીધે ઘણાનો અભિમાન ઘવાયો છે.

"તમે આવી વાત જાહેરમાં ન કહી શકો. પુરુષો ઊંચી, પાતળી, સુંદર પત્ની માટે જાહેરાત આપી શકે છે. સંપત્તિ વિશે લખી શકે છે. પણ જ્યારે મહિલા આવું કરે છે તો સહન નથી થતું. તેમને એમ થાય છે કે મહિલાઓ આવા માપદંડ કેવી રીતે રાખી શકે?"

"જાહેરાત માત્ર એક કટાક્ષ હતો. લોકોને તે સ્પર્શ્યો છે. જેઓ પાતળી, સુંદર કન્યા જોઈએ એવી જાહેરાતો આપે છે એમને આનાથી જબરદસ્ત વાંધો છે."

વળી કટાક્ષવાળી જાહેરાત માટે તેમને જે ઇમેલ આવ્યા તેના મામલે તેઓ વળતા સવાલ પણ પૂછે છે.

તેઓ કહે છે, "શું જેઓ કન્યા મામલે શારીરિક, જાતીય જાહેરાતો આપે છે તેમને આવા કોઈ ઇમેલ કરવામાં આવે છે? જો આવું

નથી થતું તો પછી તમારે તમારી પિતૃસત્તાને ઉખાડી ફેંકવાની જરૂર છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો