Pride Month : 'છોકરી થઈને છોકરી સાથે લગ્ન કરી લીધાં તો શું થઈ ગયું?'

    • લેેખક, સુશીલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમે બંનેએ જો લગ્ન કરી લીધાં તો શું કોઈ છોકરા સાથે કર્યાં છે?

લોકો કેમ અમારાથી નારાજ છે? છોકરી-છોકરીએ જ તો લગ્ન કર્યાં છે (પછી ગાળ આપતાં) , આ વાતથી ગામના લોકોને શું તકલીફ છે?

આટલું બોલીને પ્રિયા (બદલાવેલું નામ) મને પૂછે છે કે શું તમે અમારી મદદ કરશો?

મેં થોડું થોભીને કહ્યું, તમારાં લગ્ન જ ગેરમાન્ય છે પ્રિયા.

ફોન પર અમુક સમય માટે મૌન પથરાઈ ગયું. પછી મેં તેમને અનેક સવાલ કર્યા બાદ તેમણે કહ્યું કે, અમે પ્રેમ શું કર્યો, જીવન જ બરબાદ થઈ ગયું.

પ્રિયા, લતા (બદલાવેલું નામ)ને પ્રેમ કરે છે. જે તેમનાં ગામથી થોડી દૂર જ રહે છે.

પ્રિયા મનરેગા યોજના હેઠળ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

પ્રિયાનાં માતા-પિતાનું નિધન થઈ ચુક્યું છે અને તેઓ તેમના ભાઈ, ભાભી અને બહેન સાથે રહે છે.

પ્રિયા કહે છે કે, "મને તેની સાથે પ્રથમ નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. અમે પહેલા ધોરણમાં સાથે ભણતાં. સ્કૂલમાં પણ જ્યારે કોઈ છોકરી કે છોકરો તેને હેરાન કરે ત્યારે હું તેમની સાથે બાઝી પડતી."

પ્રિયા વાતચીતમાં પોતાની જાતને છોકરા તરીકે જ સંબોધિત કરે છે. બંને સાથેની વાતચીતમાં પ્રિયા જેટલાં દબંગ લાગે છે લતા એટલાં જ ગભરાયેલાં જોવા મળે છે.

લતા ફોન પર એકદમ દબાયેલા અવાજમાં મારી સાથે વાત કરતાં મને કહે છે કે મારી આસપાસ ઘરના લોકો છે, હું મોકળાશથી વાત નહીં કરી શકું.

'બાળપણથી એકબીજાને પ્રેમ કરીએ છીએ'

તેઓ કહે છે કે, "અમે એકબીજા સાથે પહેલા ધોરણમાં ભણતાં ત્યારથી જ પ્રેમ કરીએ છીએ. પરંતુ સાતમા ધોરણ બાદથી જ્યારે અમે સમજણાં થયાં ત્યારથી અમે એકબીજા માટે અલગ પ્રકારનો પ્રેમ મહેસૂસ કરવા લાગ્યાં. સ્કૂલમાં સાથે રહેવું, આસપાસ કે બજારમાં સાથે જવું."

"પ્રિયા આઠમા ધોરણથી ક્યારેક ક્યારેક મજૂરી કરતી ત્યારે તે પૈસાથી મારા માટે કપડાં, નોટબુક અને મીઠાઈ લઈ આવતી."

"તે ક્યાંય પણ જતી ત્યારે મને હંમેશાં સાથે રાખતી. અમે એકબીજાથી દૂર નહોતાં રહી શકતાં. અમે જેટલાં એકબીજાથી દૂર રહેતાં તેટલું જ એકબીજાને મળવાનું મન થતું. કોઈને અમારા પ્રેમ વિશે કશી જ ખબર નહોતી. અમે સ્કૂલ બાદ પણ એકબીજાને રોજ મળતાં હતાં."

પ્રિયા જણાવે છે કે આઠમા ધોરણ સુધી તો બધું ઠીક ચાલી રહ્યું હતું પરંતુ આઠમા ધોરણ બાદ અમારી સ્કૂલો બદલાઈ ગઈ.

આ દરમિયાન પ્રિયા, લતાથી નારાજ થઈ ગયાં, એ વાતને લઈને કે તેમણે તેમનાં માતાપિતાને એ જ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે કેમ ન કહ્યું. થોડા દિવસ સુધી એકબીજા સાથે વાતચીત પણ બંધ થઈ ગઈ અને આ દરમિયાન પ્રિયાના જણાવ્યાનુસાર એક છોકરો લતાની છેડતી કરવા લાગ્યો.

પ્રિયાને આ વિશે ખબર પડી અને ફરિયાદ કરી પરંતુ ઊલટાના લતા પર આરોપ લગાવાયાં અને તેમના ચારિત્ર્ય પર પ્રશ્ન ઉઠાવાયો.

બીજી તરફ ઘરમાં લતાનાં લગ્નની વાત પણ થવા લાગી હતી.

બંને બે વર્ષ સુધી અલગ-અલગ સ્કૂલમાં ભણ્યાં, પરંતુ લતા દસમા ધોરણમાં નાપાસ થયાં.

પ્રિયા જણાવે છે કે તે દરમિયાન અમે એકબીજા સાથે વધુ ઝઘડતાં. પરંતુ પછી તેમણે ઘરના લોકને મનાવ્યા અને લતાને આગળ ભણાવવાનું કહ્યું.

પ્રિયાએ લતાનો દસમા ધોરણમાં પ્રવેશ કરાવ્યો અને પોતે 12મા ધોરણમાં તે જ સ્કૂલમાં પ્રવેશ મેળવી લીધો. પરંતુ દસમા બાદ પ્રિયાએ લતાને આગળ ભણવા ન દીધાં.

તેમનું કહેવું હતું કે માહોલ ઠીક નહોતો. હું તેના માટે કોની-કોની સાથે લડતો.

લતાનું કહેવું હતું કે, "ઘરમાં તેના લગ્નની વાતો ફરીથી થવા લાગી. આ વિશે મેં પ્રિયાને પણ વાત કરી. ત્યાર બાદ અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો. મને કોઈ પ્રકારનો ભય નહોતો. તે જે કહેશે તે કરવા હું તૈયાર છું."

જ્યારે ઘરના લોકોને ખબર પડી

લતા કહે છે કે, "મેં ઘરનાં જ કપડાં, સલવાર-કમીઝ પહેર્યાં અને તેણે શર્ટ-પાટલૂન પહેર્યાં હતાં. અમે મંદિરમાં લગ્ન કરી લીધાં પરંતુ ઘરમાં કંઈ ન કહ્યું. અને પોતપોતાના ઘરે પાછાં આવી ગયાં."

આગળ વાત કરતાં પ્રિયા કહે છે કે ખબર નહીં ક્યાંથી આ સમાચાર અખબારમાં છપાયા અને તે સમગ્ર ગામમાં ફેલાઈ ગયા.

લતા અનુસાર, "જ્યારે ઘરના લોકોને ખબર પડી તો તેઓ ઘણા નારાજ થયા. મમ્મી સાથે બાઝવાનું પણ થયું.

તેમનું કહેવું હતું કે છોકરી-છોકરીનાં લગ્ન થોડાં થઈ શકે, તેણે (પ્રિયા) આના પર કંઈક જાદુટોણું કરાવ્યું છે, આનું દિમાગ બગડી ગયું છે."

પ્રિયાના ઘરમાં પણ આ જ પ્રશ્ન પુછાયો કે શું છોકરી-છોકરી વચ્ચે લગ્ન થાય છે? તેઓ કહે છે કે ત્રણ દિવસ બાદ ઘરે પોલીસવાળા આવ્યા અને મારા જે દસેય ભાઈ-બહેનો એવું વર્તન કરી રહ્યાં હતાં કે જાણે તેમને કશી જ ખબર ન હોય અને પછી પોલીસવાળાઓએ પણ મને સમજાવી.

લતા જણાવે છે કે તેમને બીક લાગી રહી હતી. ત્યાર બાદ પ્રિયાએ પૂછપરછ કરી અને એક વકીલની મદદથી કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા. તેનો તમામ ખર્ચ પ્રિયાએ જાતે જ ઉઠાવ્યો.

"હું જે કહીશ લતા એ કરશે"

તેમના વકીલ ભીમ સેનનું કહેવું છે કે પ્રિયા અને લતાએ લિવ-ઇન-રિલેશનશિપનું એક સોગંદનામું રજૂ કર્યું હતું અને જયપુર હાઈકોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે તેઓ બંનેએ 20 ડિસેમ્બર, 2018ના રોજ મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં.

તેમનું કહેવું હતું કે અમે લગ્નની વાત ઘરના લોકોને નહોતી જણાવી પરંતુ તેમને આ વાતની જાણ થયા બાદ તેઓ અમને મારી નાખવાની ધમકી આપવા લાગ્યા હતા.

કોર્ટે કહ્યું હતું કે બંને અરજદારો એક જ લિંગનાં છે અને એક સાથે રહેવા માગે છે. હાઈકોર્ટે આ યુગલને સુરક્ષા આપવાની સૂચના આપી જેથી તેમને કોઈ શારીરિક નુકસાન ન પહોંચાડી શકાય.

પરંતુ કોર્ટે તેમનાં લગ્ન પર કોઈ ટિપ્પણી નહોતી કરી. ભારતની સુપ્રીમ કોર્ટ સમલૈંગિક સંબંધોને ગેરકાયદેસર ગણાવનારી કલમ 377 રદ કરી ચૂકી છે.

પ્રિયા હસીને જણાવે છે કે, "જો હું લતાને કહું કે કૂવામાં પડી જા તો તે પડી જશે. તેને ગુલાબજાંબુ અને બરફી વધુ પસંદ છે. હું તેને ખર્ચ માટે પૈસા પણ આપું છું. હું તેના પપ્પાને જણાવી ચુક્યો છું કે છોકરીને હાથ પણ અડાડ્યો તો જોઈ લેજો."

મેં પુછ્યું કે હવે આગળ શું કરશો એ જણાવો. તેનો જવાબ હતો, "હવે હું થાકી ગયો છું, હું લતાનાં લગ્ન કરાવી રહ્યો છું. હું તેના માટે છોકરો શોધીને લગ્ન કરાવી દઈશ."

આટલું બોલીને પ્રિયા અમુક સમય સુધી શાંત થઈ ગયાં.

"લગ્નમાં દહેજ બનીને જતી રહીશ"

વારંવાર ફોન પર તેમનું નામ પોકાર્યા બાદ તેમણે કહ્યું કે, હું જો તેને મારા ઘરે લઈ આવું છું તો ઘરના લોકો ધમકી આપે છે કે તેઓ ફાંસી લગાવી લેશે. હું શું કરી શકું?

મેં પુછ્યું કે લતાનાં લગ્ન બાદ તમે શું કરશો અને તમારા પ્રેમનું શું થશે? તેઓ કહે છે કે, "હું તેની સાથે દહેજમાં જતો રહીશ. કહીશ કે કમાવું તો છું બસ બે ટંકનું ભોજન જોઈએ."

જ્યારે મેં લતાને પુછ્યું કે તમે શું કરશો, તેઓ બોલ્યાં જે પ્રિયા કહેશે એ હું કરીશ.

જૂન માસને પ્રાઇડ મંથ તરીકે ઊજવવામાં આવે છે. પ્રાઇડ મંથ એટલે સમલૈંગિક લોકોનાં અધિકારો અને તેમના અસ્તિત્વને ઓળખ આપવાનો, ઉત્સવ મનાવવાનો મહિનો.

રાજસ્થાનમાં રહેનારા એ બે દલિત છોકરીઓ આ પ્રાઇડ મંથ વિશે કશું નથી જાણતી અને તેમના માટે તેનો કોઈ અર્થ પણ નથી, કારણ કે તેઓ માત્ર પોતાનાં જીવન એકસાથે વીતાવવા માગે છે, જેની શક્યતા જોજનો દૂર છે.

ગુજરાતમાં 30 સમલૈંગિક કપનો ત્રણ દાયકાનો સંગાથ

પરંતુ ગુજરાતના અમદાવાદમાં પાછલા ત્રણ દાયકાથી સાથે રહેલા દિબ્યેંદુ ગાંગુલી અને સમીર સેઠ પોતાની 30 વર્ષની સફરને બેમિસાલ ગણાવે છે.

તેઓ કહે છે કે આટલાં વર્ષોમાં ન જાણે કેટલા લોકોનાં લગ્નો તૂટી જાય છે. સંબંધોમાં કડવાશ કે ઉદાસીનતા આવી જાય છે, પરંતુ અમે એકબીજાની સાથે છીએ. દિબ્યેંદુ જણાવે છે કે તેમનામાં અને સમીરમાં ઉંમરનો ફેર છે, પરંતુ તે ક્યારે તેમની વચ્ચે મુદ્દો નથી બન્યો.

દિબ્યેંદુ કોલકાતાના છે અને સમીર ગુજરાતના છે. નોકરી અર્થે દિબ્યેંદુ અમદાવાદ આવ્યા અને પછી ત્યાં જ વસી ગયા. બંને પોતાની પ્રથમ મુલાકાત, પ્રથમ નજરના પ્રેમ વિશે જણાવે છે અને એ તારીખને યાદ કરતી વખતે બંનેના અવાજમાં મધુરતાનો અહેસાસ થાય છે.

ઓળખને લઈને સમસ્યા

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને તેમની ઓળખને લઈને કોઈ પરેશાની છે કે કેમ?

દિબ્યેંદુ કહે છે કે, "હું 12મા ધોરણનું ભણતર પૂરું કર્યા બાદ કોલકાતાથી નીકળી ગયો. 14-15 વર્ષનો હોઈશ ત્યારે મને મારી ઇચ્છાઓ વિશે ખબર પડી રહી હતી પરંતુ હું અવઢવમાં હતો. એ જમાનામાં ન ઇન્ટરનેટ હતું, ન સેક્સ ઍજ્યુકેશન વિશે જાણકારી હતી. તેથી તમે એક પ્રકારે અંધકારમાં જ બાણ છોડી રહ્યા હો એવી સ્થિતિ."

તેઓ જણાવે છે કે, "મારા સંબંધ ફીમેલ પાર્ટનર સાથે બન્યા પરંતુ તેના પછી મને સમજાયું કે હું માત્ર પુરુષો સાથે જ સંબંધ બનાવવા માગું છું. કારણ કે 12મા ધોરણ બાદ જ આગળના ભણતર માટે કોલકાતાથી બહાર નીકળી ગયો તેથી માતાપિતા સાથે આ વિશે વાત નહોતી થઈ."

"સમીર સાથે અમદાવાદમાં મુલાકાત થઈ. અમે એકસાથે રહેવા લાગ્યા. એ દરમિયાન પિતાનું મૃત્યુ થઈ ગયું. મા મને મળવા અમદાવાદ આવ્યાં. તેઓ સમજી ગયાં અને કહ્યું કે સમીર ઠીક છે તારું ધ્યાન રાખે છે. કોઈએ મારી મસ્તી કરી હોય કે ટોણો માર્યો હોય તેવું કંઈ મેં ક્યારેય મહેસૂસ નથી કર્યું."

સમીરનો અનુભવ પણ કંઈક આવો જ છે. તેઓ કહે છે કે મને મમ્મી-પપ્પાને મનાવવામાં થોડો સમય લાગ્યો. પપ્પાએ કંઈ ન કહ્યું, મા પણ કંઈ નહોતાં બોલતાં પરંતુ હું તેમનું મૌન સમજતો હતો.

હું તેમને માત્ર એટલું જ કહેતો, "મા વિચારો જરા જો હું તમારી દીકરી હોત અને તેનાં લગ્ન મારા જેવા પુરુષ સાથે થયા હોત તો શું તે ખુશ રહી શકી હોત કે પછી તમે શાંતિથી રહી શક્યાં હોત? હું છોકરા સાથે જ ખુશ રહી શકું છું અને છોકરી સાથે લગ્ન નથી કરી શકતો જો તમે આવું કરશો તો બે જિંદગીઓ બરબાદ કરશો. તેઓ ધીરે-ધીરે મારી વાતને સમજ્યાં અને હવે આટલાં વર્ષોથી અમે એક સાથે રહી રહ્યા છીએ અને મારાં માતાપિતા પણ અમારી પાસે આવતાં-જતાં રહે છે."

દિબ્યેંદુ અને સમીર કહે છે કે તેમને સમાજ શું કહે છે તેનાથી કોઈ ફેર પડતો નથી. અમે એ જાણીએ છીએ કે અમે એક સાથે છીએ, ખુશ છીએ અને આગળ પણ આવું જ રહેશે.

દિબ્યેંદુ અને સમીર જેવી કહાણીઓ પોતાના મુકામ સુધી પહોંચી છે પરંતુ લતા અને પ્રિયા જેવી કહાણીઓ હજુ સુધી પોતાની મંજિલ શોધી રહી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો