એચઆઈવીગ્રસ્ત મુસ્લિમ યુવતી અને ગુજરાતના હિન્દુ યુવાનની સંઘર્ષભરી પ્રેમકહાણી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમે તો પ્રેમ કર્યો હતો. હું હિન્દુ અને એ મુસ્લિમ હોવાથી લગ્ન શક્ય નહતાં, આથી અમે ભાગીને લગ્ન કર્યાં. પોલીસે અમને પકડ્યાં પછી મારી પત્નીનું મેડિકલ ચેકઅપ થયું ત્યારે મને ખબર પડી કે એને એચઆઈવી છે. પણ મેં પ્રેમ કર્યો છે સોદો નહીં એટલે હું લગ્ન કર્યાં પછી છોડી ના શકું."

આ શબ્દો છે કે પ્રેમ ખાતર પોતે સ્વસ્થ હોવા છતાં એચઆઈવીગ્રસ્ત પત્નીને દુનિયા સામે લડીને પાછી લાવનાર બનાસકાંઠાના નાનકડા ગામના મનુજી ઠાકોર (નામ બદલેલ છે)ના.

ગુજરાત સરકારનો કથિત 'લવ જેહાદ' વિરુદ્ધ કડક સજાની જોગવાઈ ધરાવતો કાયદો 15 જૂન 2021થી અમલમાં આવી રહ્યો છે. આ કાયદાનું સત્તાવાર નામ 'ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિયન (સુધારા) ઍક્ટ, 2021' છે.

રાજ્યમાં ઘણાં સંગઠનો, નિષ્ણાતો અને યુવાનો આ કાયદા મામલે સવાલ ઉઠાવી રહ્યા છે.

એક યુગલ સાથે આંતરધર્મ લગ્નમાં પડતી મુશ્કેલીઓ અને તેમના સફરની કઠણાઈઓ જાણવા માટે બીબીસી ગુજરાતીએ વાત કરી.

હિંદુ યુવક અને મુસ્લિમ યુવતીની પ્રેમકહાણી

મનુજી બહુ ભણેલા નથી. એ ગામમાં કડિયાકામ કરતા. નાની ઉંમરથી કડિયાકામ કરતા મનુજી પાસે બહુ પૈસા નહોતા પણ થોડી બચત હતી.

ગામડાંઓનાં ખેતરોમાં મકાનો બાંધવાં અને બાકીના સમયમાં તેઓ પોતાના ઘરના ખેતીકામમાં ભાઈઓને મદદ કરતા.

મનુજી કહે છે કે તેમને ઉત્તરપ્રદેશથી મજૂરીએ આવેલા એક મુસ્લિમ પરિવારના ઘરના બાંધકામનું કામ મળ્યું.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "ગામના એક જમીનદારને ત્યાં આ પરિવારને ખેતમજૂર તરીકે રાખેલો અને એમને મકાન બનાવી આપવાનું હતું."

"કામ કરતી વખતે મુસ્લિમ પરિવારની સોળ વર્ષની દીકરી રુખસાના (નામ બદલેલ છે) જમવાનું અને ચા-નાસ્તો આપતી. એને ગુજરાતી આવડતું નહોતું. ગામમાં મોટા ભાગના લોકોને હિન્દી આવડતું નહોતું, પણ મને હિન્દી આવડતું હતું એટલે બધાની સાથે ઝડપથી ઘરોબો થઈ ગયો."

તેઓ કહે છે, "આ કુટુંબને નાનીમોટી ખરીદી કરવી હોય તો રુખસાનાને મારી સાથે રાધનપુર મોકલતા. ધીમેધીમે અમારો પરિચય વધતો ગયો. રાધનપુરમાં ફિલ્મ જોતા અને હોટલમાં નાસ્તો-પાણી કરતાં."

"અમને બંનેને પ્રેમ એટલે શું એ ખબર નહતી, અને અમે ક્યારે પ્રેમમાં પડી ગયાં એની અમને ખબર ના પડી."

પ્રેમ બાદ સંઘર્ષની શરૂઆત

રુખસાનાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મને ખબર જ નહોતી કે મને પ્રેમ થયો છે. હું 17 વર્ષની થઈ ત્યારે ઈદના દિવસે મનુજી મારા માટે કપડાં લઈ આવ્યો અને એણે મને ખાનગીમાં નવાં કપડાં, ચૂડી અને જૂતાં આપ્યાં."

"ખાનગીમાં મેં કપડાં પહેર્યા, મનુજીએ મોબાઇલમાં મારા ફોટા પાડ્યા. અમે ખૂબ ખુશ હતાં. એ દિવસે હું જૂનાં કપડાં એક થેલીમાં ભરીને મનુજીએ આપેલાં નવાં કપડાં પહેરીને ભૂલથી ઘરે જતી રહી. અને મારા પિતાએ સવાલોની ઝડી વરસાવી, મને ઢોરમાર માર્યો."

"મેં કહી દીધું કે મને મનુજીએ કપડાં આપ્યાં છે. બસ, એ દિવસથી મારી જિંદગી નર્ક બની ગઈ."

રુખસાનાનો આરોપ છે કે તેમને વાતવાતમાં માર મારવામાં આવતો, મનુજી તેમના બાજુના ખેતરમાં આવે તો પણ તેમને માર પડતો.

તેઓ કહે છે, "એક રાત્રે ઘરમાં બધા સૂઈ ગયા હતા અને મનુજી મને મળવા આવ્યો. એને મારા શરીર પર મારનાં નિશાન જોયાં અને એનાથી રહેવાયું નહીં. એણે મને કહ્યું કે શાદી કરેગી. મેં હા પાડી."

મનુજી કહે છે કે "મને એમ લાગ્યું કે આ છોકરી મારા લીધે નર્કની યાતના ભોગવી રહી છે. આથી હું એને નર્કમાંથી છોડાવીશ. મેં રાત્રે મારા ઘરે વાત કરી તો ઘરના લોકો વિરોધમાં હતા કે હિન્દુ છોકરો મુસ્લિમ છોકરી જોડે કેવી રીતે પરણી શકે?"

"જોકે મારા ભાઈએ મને પૈસાની મદદ કરી. અમે ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું. વકીલની સલાહ લીધી. રુખસાના 18 વર્ષ અને એક મહિનાની થઈ એટલે એનું બર્થ સર્ટિફિકેટ અને આધારકાર્ડ સાથે પહેરે કપડે મારી સાથે આવી ગઈ. ઑક્ટોબર 2019માં અમે ગામ છોડીને ભાગ્યાં અને કોર્ટમાં લગ્ન કરી લીધાં."

લગ્ન કર્યાં પછી મુસીબતનો મારો

મનુજી કહે છે કે "બસ, મુસીબતની શરૂઆત અહીંથી થઈ. રુખસાનાના પિતા અને સગાં અમારી પાછળ પડી ગયાં. મારા ભાઈ-બનેવી બધા સાથે ઝઘડ્યા. ગામમાં હંગામો થયો. મેં મારો ફોન બંધ કરી દીધો."

"અમે ગામેગામ સંતાતાં ફરતાં. અમને એમ કે મામલો થાળે પડે પછી પછી અમે ઘરે જઈશું, પણ મામલો ગરમ થવા લાગ્યો."

"અમે એ વખતે ખુશીથી દિવાળી અને ઈદ પણ મનાવી. એક દિવસ મેં ભાઈને ફોન કર્યો તો ખબર પડી કે એના (છોકરી) પિતાએ મારી વિરુદ્ધ સગીર છોકરીને ભગાડી જવાની ફરિયાદ નોંધાવી હતી. મારી સામે પોસ્કો હેઠળ ગુનો નોંધાયો હતો."

તેઓ કહે છે કે "પોલીસ મારા કુટુંબીઓને મને હાજર કરવા પરેશાન કરતી. અમે ઘરે જઈ શકીએ એમ નહોતાં અને પૈસા પણ ખૂટી ગયા હતા. અમે અલગઅલગ ગામમાં જઈને રહેવાં લાગ્યાં. હું કડિયાકામ ન મળે તો ખેતમજૂરી કરતો. અનેક દિવસો અમે રોટલો ને ડુંગળી ખાઈને કાઢ્યા."

રુખસાના કહે છે કે "એ સમયે ઉતરાયણ આવવાની હતી. મનુજીએ ઘરખર્ચ માટે આપેલા પૈસા બચાવીને હું પતંગ-દોરી લઈ આવી. ઊંધિયું અને જલેબી જમી. ઘણા દિવસે અમે ઉજવણી કરી, પણ પૈસા ખૂટતા જતા હતા. ઘરના લોકોનું દબાણ વધતું જતું હતું."

"એવામાં લૉકડાઉન આવ્યું અને અમને કામ મળતું બંધ થઈ ગયું, પણ પ્રેમ સામે પેટનો ખાડો નાનો હતો. અમે અલગઅલગ ગામ જતાં. છાપરામાં રહીને છૂટક મજૂરી કરીને પૈસા કમાતા. પણ મનુજીના ઘરના લોકો પર દબાણ વધી ગયું હતું."

"છેવટે મારાથી મનુજીની પરિસ્થિતિ ના જોવાઈ. એ મારા પેટનો ખાડો પૂરવા કોરોનામાં પણ મજૂરીએ જતો હતો."

"છેવટે મેં પોલીસ પાસે હાજર થઈ જવાનું નક્કી કર્યું. મનુજીની ના હોવા છતાં હું પોલીસ સ્ટેશન જતી રહી. હું પુખ્તવયની હતી એટલે અમારાં લગ્ન માન્ય હતાં અને મનુજીના ઘરના લોકો મને સ્વીકારવા તૈયાર હતા એટલે મને ચિંતા નહોતી."

એચઆઈવી હોવાનું નિદાન થયું

રુખસાના કહે છે કે "જેવી હું પોલીસ સ્ટેશનમાં હાજર થઈ એટલે મનુજીને ખબર પડી. એ પણ સામેથી પોલીસમાં હાજર થયો. અને અહીંથી અમારા કરમની કઠણાઈ શરૂ થઈ ગઈ."

"મને નારી સંરક્ષણગૃહમાં રાખી અને પોલીસે મારા મેડિકલ ટેસ્ટ કરાવ્યા તો ખબર પડી કે મને એચઆઈવી છે. મારા માથે આભ તૂટી પડ્યું."

"મને ડર લાગવા મંડ્યો કે મને મારા કારણે મનુજીને તો એચઆઈવી તો નહીં થયો હોય ને? પણ મનુજીનો ટેસ્ટ કરાવ્યો તો એ સ્વસ્થ હતો. એને એચઆઈવીનો ચેપ નહોતો લાગ્યો એટલે મને રાહત થઈ."

મનુજી કહે છે કે, "મારી પાસે પુરાવા હતા કે મેં સગીર નહીં પુખ્તવયની રુખસાના સાથે એની સહમતીથી લગ્ન કર્યાં છે, પણ મારી વાત માનવા કોઈ તૈયાર નહોતું."

"કોર્ટમાં કેસ ચાલ્યો. મને જામીન મળતા નહોતા, બે મહિના જેલમાં રહ્યો પછી મને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા. પણ ડૉક્ટરી તપાસમાં અટવાયેલો રહ્યો."

છોકરી એચઆઈવી હોવા છતાં લગ્ન માટે છોકરો રાજી

ગુજરાત હાઈકોર્ટમાં મનુજીનો કેસ લડનારા વકીલ અપૂર્વ કાપડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ કેસ અજીબોગરીબ હતો. છોકરો એચઆઈવી નૅગેટિવ હતો, પણ એને છ મહિના પછી એચઆઈવી થઈ શકે એવી સંભાવના એક મેડિકલ ઑફિસરે વ્યક્ત કરી હતી.

તેઓ કહે છે, "એ છોકરાનો છ મહિના પછી અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ફરી એચઆઈવી ટેસ્ટ થયો અને એમાં એ નૅગેટિવ આવ્યો."

"આ દરમિયાન એને છોકરીને નારી સંરક્ષણગૃહમાં મળવાની છૂટ આપવામાં આવી. મહત્ત્વની બાબત એ સામે આવી કે છોકરીના પિતાએ છોકરી સગીરવય વયની હોવાનું ખોટું સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કર્યું હતું એટલે પુખ્તવયના બંને જણાને કાનૂની રીતે લગ્ન કરવાની મંજૂરી મળી ગઈ હતી."

"દરમિયાન કોર્ટની મદદથી છોકરાનું કાઉન્સિલિંગ પણ થયું કે છોકરીને એચઆઈવી છે તો ભવિષ્યમાં એને પણ થવાની સંભાવના છે માટે લગ્ન માટે એ પુનર્વિચાર કરવા માગે છે કે નહીં? પરંતુ છોકરો લગ્ન કરવા માટે રાજી હતો."

'જીવીશું અને મરીશું તો સાથે જ'

આ અંગે રુખસાનાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમારાં લગ્ન થયાં ત્યારે મને ખબર નહોતી કે મને એચઆઈવી થયો છે."

"મેં મનુજીને લગ્ન નહીં કરવા કહ્યું હતું કે એ જો મારી સાથે લગ્ન કરે તો એને પણ ચેપ લાગે અને એને એચઆઈવી થાય, પણ એ મારી વાત માનવા તૈયાર નહોતો."

"એણે નક્કી કર્યું હતું કે એ મારી સાથે જ લગ્ન કરશે. મેં એને લગ્નની વાત ભૂલી જવા કહ્યું. પહેલા તો એ નિરાશ થઈને પરત ગયો, પણ બીજી વખત મળવા આવ્યો ત્યારે એ દેવદાસ જેવો થઈ ગયો હતો. ત્રીજી વાર એ કરગરી પડ્યો."

"એને મારા માટે જે તકલીફો ઉઠાવી હતી એ કોઈ ના ઉઠાવે. એ મારો મુસ્લિમ ધર્મ સ્વીકારવા તૈયાર હતો અને એણે કહ્યું કે એ મારી સાથે લગ્ન નહીં કરે તો બીજા કોઈની સાથે લગ્ન નહીં કરે."

"આ વાત મને સ્પર્શી ગઈ. મેં લગ્નની હા પાડી અને એનો ચહેરો ખીલી ઊઠ્યો. કોર્ટમાં પણ મેં લગ્નની હા પાડી. પણ હું હવે હિન્દુ ધર્મ સ્વીકારીને એની સાથે જ જીવન ગુજારીશ."

"કોર્ટમાં પણ મેં આ વાત કરી છે. અમે બાળક પેદા નહીં કરીએ પણ જરૂર પડશે તો દત્તક લઈશું, પણ જીવીશું અને મરીશું તો સાથે જ."

'પ્રેમ સામે એચઆઈવીની કોઈ વિસાત નથી'

તો મનુજી ઠાકોર બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, "એ 12 વર્ષની હતી ત્યારે એને લોહીના બાટલા ચઢાવવામાં આવ્યા હતા. એમાં એને એચઆઈવી થયો એમાં એનો શું વાંક?"

"મારાં લગ્ન થયાં પછી મને અકસ્માત થયો હોત તો શું થાત? મેં એનો હાથ પકડ્યો છે. હવે નસીબની રેખા એક થઈ ગઈ છે. એને બીમારીમાં હું કેવી રીતે છોડી દઉં?"

"સૌદાગર થવું એ મારા હાથની વાત નથી, દિલની વાત દિમાગથી કેમ થાય? બસ પ્રેમ છે, પછી એની સામે એચઆઈવીની કોઈ વિસાત નથી."

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકાણીએ આ બંને પ્રેમીઓને સાંભળીને એમને સાથે રહેવાની અને પરિણીત જીવન ગુજારવાની મંજૂરી આપતા બંનેને પોલીસ રક્ષણ આપવાનો આદેશ આપ્યો છે.

એટલું જ નહીં એક એચઆઈવી પીડિત છોકરીની સરકારી હૉસ્પિટલમાં સારવાર કરવાનો આદેશ આપ્યો છે.

તેમજ ખોટા જન્મનો દાખલો રજૂ કરવા બાદલ રુખસાનાના પિતાની સામે કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે.

કોર્ટમાંથી રુખસાનાને લઈ જતા મનુજીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "હું બહુ ભણેલો નથી પણ ક્યાંક વાંચ્યું હતું કે 'હાથમાં લખ્યું હોય એ જ મળે છે', એટલે જેલમાં હતો ત્યારથી રુખસાનાનું નામ હથેળીમાં રોજ લખીને ઘૂંટતો હતો એટલે આજે રુખસાના મળી છે."

(લેખમાં પ્રેમીયુગલનાં નામ બદલેલાં છે)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો