ઉત્તરાખંડ હોનારત : 'હું સાત કલાક અંધારી ટનલમાં મોત સામે લડ્યો'

    • લેેખક, ધ્રુવ મિશ્રા
    • પદ, જોશીમઠ, ઉત્તરાખંડથી બીબીસી માટે

ઉત્તરાખંડમાં થયેલી દુર્ઘટનામાં બાર લોકોની ટીમ તપોવનના અપર સ્ટ્રીમ સુરંગમાં ફસાઈ હતી. આઈટીબીપીની મદદથી અંદર ફસાયેલી વ્યક્તિઓ બહાર આવી ગઈ છે. ત્રણ વ્યક્તિઓએ બીબીસી સાથેની વાતચીતમાં પોતાના અનુભવો જણાવ્યા હતા.

ઉત્તરાખંડની હોનારતમાં અત્યાર સુધીમાં 32 મૃતદેહો મળી આવ્યા છે.

બસંત બહાદુર

બસંત બહાદુર તપોવન હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં મજૂર તરીકે કામ કરે છે, તેઓ અહીં આઉટ ફૉલમાં કામ કરતા હતા. તેઓ નેપાળના છે.

જ્યારે પૂર આવ્યું ત્યારે તેઓ પણ ટનલમાં ફસાઈ ગયા હતા. ઘટના વખતે તેઓ ટનલમાં 300 મીટર અંદર સુધી 7 કલાક માટે ફસાઈ ગયા હતા.

સુરંગની અંદરનાં દૃશ્યો કેટલાં ભયજનક હતાં તે વિશે તેમણે બીબીસીને જણાવ્યું. "અમે પણ ટનલમાં કામ કરી રહ્યા હતા અને ત્યાં જ ફસાઈ ગયા. અમે ટનલની નીચેની બાજુએ હતા. ત્યાંથી અમે બાંધકામના માટે ઉપયોગમાં લેવાતા સળિયાની મદદથી ધીમે-ધીમે બહાર આવી ગયા."

"હું અને મારા સહકર્મચારી ટનલમાં આશરે 300 મીટર અંદર હતા. અમે બહારથી લોકોનો અવાજ સંભળાયો, જે અમને બહાર આવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા હતા."

'ટનલમાં 7 કલાક પસાર કરવા બહુ મુશ્કેલ હતા'

બસંત કહે છે કે મોટેથી બોલાવીને લોકો તેમને બહાર આવવા માટે કહી રહ્યા હતા.

પરંતુ મજૂરોને બહાર જાય તો બીજી મુશ્કેલીમાં ફસાઈ જવાનો ડર હતો. મજૂરોને હજુ સુધી માહિતી પણ નહોતી કે ખરેખર શું થયું છે.

તેમને લાગ્યું કે સિલિન્ડર ફાટવાના કારણે કોઈ વિસ્ફોટ થયો છે અને જો તેઓ બહાર નીકળવાનો પ્રયત્ન કરશે તો તેમને વીજળીના ઝાટકા લાગી શકે છે.

હોનારત બાદ બસંત બહાદુર અને તેમના સાથીઓને કેવો અનુભવ થયો એ અંગે પૂછતા બસંત કહે છે કે, "અમે જે જગ્યાએ કામ કરી રહ્યા હતા ત્યાંથી અમે પાછળ જોયું તો ભયંકર ધુમાડો દેખાયો અને અમારા કાન સુન્ન થઈ ગયા. અમે સમજી ગયા હતા કે કંઈક તો ગરબડ છે."

"ત્યારબાદ અચાનક પાણીનો રેલો અમારી નજીક આવ્યો. અમે બહુ ગભરાઈ ગયા હતા. અમે બધા નજીકમાં ઊભેલી જેસીબીમાં ચઢી ગયા અને તેની ઉપર બેસી ગયા."

બસંત વધુમાં જણાવે છે કે ટનલનું કામ સવારે આઠ વાગ્યે શરૂ થાય છે અને તેઓ જમવા માટે બપોરે 12:30 વાગ્યે ટનલની બહાર આવતા હતા.

પરંતુ તે દિવસે મજૂરો નવ કલાક પછી બહાર આવ્યા હતા. સવારે 10:30થી સાંજના 5:30 વાગ્યા સુધી બસંત અને તેમના સાથીઓ ત્યાં જ ફસાયેલા રહ્યા.

બસંત કહે છે કે ત્યારબાદ જે પણ રોકડ અથવા બાકી વસ્તુઓ હતી બધું બેકાર થઈ ગયું.

બીબીસી સાથે વાત કરતા બસંત કહે છે, "ટનલમાં 7 કલાક પસાર કરવા બહુ મુશ્કેલ હતા. પરંતુ અમે હાર્યા નહીં અને સતત એકબીજાને પ્રોત્સાહિત કરતા રહ્યા."

આઈટીબીપીના જવાનોએ બસંત અને તેમના સાથીદારોને ટનલમાંથી બહાર કાઢ્યા.

પરંતુ આઈટીબીપીના જવાનો તેમના સુધી કેવી રીતે પહોંચ્યા?

બસંત કહે છે કે, "આ મુશ્કેલ સમયમાં મોબાઇલ ફોને મારી મદદ કરી. હું એનટીપીસીના અધિકારીઓને સતત ફોન કરતો રહ્યો. અધિકારીઓએ માહિતી આઈટીબીપીને આપી. ત્યારબાદ અમને બધાને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા."

શ્રીનિવાસ રેડ્ડી

શ્રીનિવાસ રેડ્ડી એક જિયોલૉજિસ્ટ (ભૂસ્તરશાસ્ત્રી) છે જેઓ એનટીપીસી સાથે કામ કરે છે.

બીબીસી હિન્દી સાથેની વાતચીતમાં રેડ્ડીએ આ ઘટના વિશે જણાવ્યું હતું કે, "જે સમયે હોનારત થઈ તે વખતે અમે ટનલની અંદર જ હતા. અમે આશરે 350 મીટર અંદર કામ કરી રહ્યા હતા. એવામાં એક વ્યક્તિ બહારથી આવી અને બૂમ પાડીને જણાવ્યું કે બધા બહાર ચાલો, કારણ કે નદીમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે."

રેડ્ડી અને તેમના સાથીઓ કંઈક સમજે એ પહેલાં પરિસ્થિતિ બગડવા લાગી હતી.

તેઓ કહે છે, "અચાનક જ પાણી ટનલની અંદર આવી ગયું. પાણી અંદર આવતાંની સાથે જ અમે ઉપર લાગેલા લોખંડના સળિયા પકડી લીધા અને ઉપરની તરફ ચાલ્યા ગયા."

"સળિયાની મદદથી અમે ઉપર તરફ સરકતા રહ્યા. અમે આ રીતે રાહ જોવા લાગ્યા. થોડી વાર પછી પાણી બંધ થઈ ગયું."

પરંતુ ટનલમાં અંધારું હોવાના કારણે તેમના પ્રયત્નો બહુ ધીમી હતા, કારણ કે અચાનક આવેલા પૂરના કારણે વીજપુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો.

કેટલીક વ્યક્તિઓને અંદર શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. પરંતુ અચાનક ટનલની ટોચથી થોડી માટી પડી, જેના કારણે બહારનો પ્રકાશ અંદર આવવા લાગ્યો. એ પછી લોકો આજુબાજુમાં જોઈ શકતા હતા અને શ્વાસ લેવાની સમસ્યાનો પણ ઉકેલ આવી ગયો.

'પાણી ઠંડું હતું અને પગ થીજી રહ્યા હતા'

તેઓ જણાવે છે કે અમારી મુશ્કેલીઓ આટલેથી અટકી નહોતી.

"અમે ઠંડા પાણીમાં હતા. અમારા પગ થીજી રહ્યા હતા. પાણી અને કાટમાળ લોકોનાં પગરખાંમાં ઘૂસી ગયાં હતાં, જેના કારણે પગનું વજન ઘણું વધી ગયું હતું અને ધીમે-ધીમે પગમાં સોજા આવવા લાગ્યા હતા."

તમામ મુશ્કેલીઓ વચ્ચે લોકોને પ્રોત્સાહિત કરવા રેડ્ડીએ ઘણાં ગીતો પણ ગાયાં હતાં.

તેઓ કહે છે, "હું ગીતો ગાઈ રહ્યો હતો, શાયરીઓ સંભળાવી રહ્યા હતો. વચ્ચે-વચ્ચે કસરત પણ કરાવી રહ્યો હતો. મારી ઇચ્છા હતી કે બધાનો સમય સારી રીતે પસાર થાય અને તેઓ થોડા ચુસ્ત પણ રહે, જેથી બહાર જવા માટેના પ્રયત્નો કરી શકાય."

આ દરમિયાન ફોનથી સતત બહાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ ટનલમાં નેટવર્ક યોગ્ય રીતે મળતું નહોતું.

અને અંતે નેટવર્ક મળી ગયું અને આઈટીબીપીની ટીમે તેમને સુરક્ષિત બહાર કાઢી લીધા.

વીરેન્દ્રકુમાર ગૌતમ

જે 12 લોકો ટનલમાં ફસાયા હતા, તેમાં સૌથી છેલ્લે બહાર આવનારી વ્યક્તિ છે વીરેન્દ્રકુમાર ગૌતમ.

બહાર નીકળીને તેમણે જે રીતે પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો, તેનો વીડિયો પણ વાઇરલ થયો હતો.

વીરેન્દ્ર ગૌતમ કહે છે, "જેવું પાણી અંદર આવ્યું, વીજળી કપાઈ ગઈ અને બધે અંધકાર છવાઈ ગયો. બહારથી દૂરથી મોટેથી અવાજ આવી રહ્યો હતો. અંધકારમાં સુરંગ એકદમ ભયાનક લાગી રહી હતી."

ગૌતમને લાગ્યું કે કોઈ જગ્યાએ વાદળ ફાટ્યું છે અને તેનું પાણી ટનલમાં પ્રવેશી રહ્યું છે.

આશરે 15 મિનિટ સુધી ટનલની અંદર પાણીનું સ્તર સતત વધતું રહ્યું અને ત્યારબાદ અટકી ગયું.

તેઓ કહે છે, "જેમ-જેમ પાણીનો પ્રવાહ ધીમો થતો ગયો તેમ અમને મુશ્કેલી ટળી રહી હોવાની અનુભૂતિ થવા લાગી. મેં મારા બધા સાથીઓને હિંમત બંધાવી કે હવે આપણે બચીને નીકળી શકીએ છીએ."

ત્યારબાદ ગૌતમ અને તેમના સાથીઓ ટનલના કિનારા પર લગાવવામાં આવેલા સળિયાની મદદથી બહાર તરફ જવા લાગ્યા.

લાંબા સમય સુધી પ્રયાસ કર્યા પછી તેમના એક સહકર્મચારીને બીએસએનએલનું નેટવર્ક મળ્યું.

ગૌતમ બીબીસીને જણાવે છે કે, "મેં સહકર્મચારીને મારા પ્રોજેક્ટ ડિરેક્ટરનો નંબર આપ્યો અને ત્યારબાદ તેમણે તેમને ફોન કર્યો. અમારા પ્રોજેક્ટ ડિરેક્ટરે આઈટીબીપીને ફોન કર્યો અને ત્યારબાદ આઈટીબીપીની મદદથી અમે ત્યાંથી નીકળી શક્યા."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો