You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરાખંડમાં આ 'પ્રલય' આવવાનું સાચું કારણ શું છે?
- લેેખક, નવીનસિંઘ ખડકા
- પદ, પર્યાવરણ સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર (હિમશિલા) તૂટવાથી નદીમાં તોફાન આવ્યું છે. નદી પરના અનેક બંધો તૂટવાની સાથે પૂરનો ખતરો પણ તોળાયો છે.
જોકે એક પ્રશ્ન એવો ચર્ચાઈ રહ્યો છે કે ગ્લેશિયર તૂટતાં નદીમાં તોફાન કેમ આવ્યું?
ઘટના જે દૂરસ્થ વિસ્તારમાં ઘટી છે, એના પગલે આ પ્રશ્નનો સચોટ જવાબ કોઈની પાસે નથી.
ગ્લેશિયોલૉજિસ્ટના પ્રમાણે હિમાલયના આ ભાગમાં જ અંદાજે એક હજાર ગ્લેશિયરો છે.
તજજ્ઞોના પ્રમાણે પ્રબળ શક્યતા છે કે તાપમાનનો પારો ઉપર ચઢતાં હિમશીલા તૂટી હોય અને એના કારણે મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હોય.
વહેણ વધતાં ધોવાણને લીધે પથ્થરો અને માટીમાં નદીમાં તણાઈ આવ્યા હોવાની પણ શક્યતા છે.
વરિષ્ઠ ગ્લેશિયોલૉજિસ્ટ અને સરકારના દહેરાદૂનસ્થિત વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ હિમાલયન જિઓલૉજીમાંથી તાજેતરમાં જ નિવૃત્ત થયેલા ડીપી ડોભાલ કહે છે, "અમે તેને ડેડ આઇસ તરીકે ઓળખીએ છીએ કારણ કે તે અન્ય ગ્લેશિયરથી જુદા પડે છે અને સામાન્ય રીતે તે ખડકો,પથ્થરોના કાટમાળના આવરણથી બનેલા હોય છે."
"આ પ્રબળ સંભાવના છે કારણ કે મોટા પ્રમાણમાં કાંપ નીચે તરફ વહી રહ્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક તજજ્ઞોનું કહેવું છે કે હિમપ્રપાત ગ્લેશિયલ લેક સાથે અથડાયો હશે અને એના લીધે પૂરની સ્થિતિ સર્જાઈ હશે.
જોકે તેમનું એવું પણ કહેવું છે કે ત્યાં આ પ્રકારનો કોઈ પાણીના સંસાધન હોવાની માહિતી નથી.
ડોભાલ કહે છે, "આ દિવસોમાં ક્યાં ગ્લેશિયલ લેક બની જાય એ કહેવું મુશ્કેલ છે."
ગ્લોબલ વૉર્મિંગના કારણે હિમાલયના હિંદુ કુશ પ્રદેશમાં ઝડપથી ગ્લેશિયર પીગળી રહ્યા છે, જેના કારણ હિમતળાવો સર્જાયાં છે.
જ્યારે જળસ્તર જોખમી સપાટી પહોંચી જાય, ત્યારે તે હિમતળાવો ફાટે છે અને પાણી નીચે તરફ વહેવા લાગે છે અને ઘણી વખત માનવવસાહતોમાં થઈને વહેવા લાગે છે.
અન્ય એક શક્યતા એવી છે કે હિમપ્રપાત અથવા ભૂસ્ખલનને લીધે નદીમાં બંધ બની ગયો હોય, જેના પગલે જળસ્તર વધતાં પૂર આવ્યું હોઈ શકે.
હિમાલયના વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે નદીઓનું વહેણ અટકી જવાની ઘટનાઓ વધી રહી છે, જેના પગલે સર્જાયેલાં તળાવો ફાટે ત્યારે પાણી માનવવસાહતોમાં ધસી આવે છે. કેટલીક વખત પાણીના વહેણના કારણે પુલ, હાઇડ્રોપાવર પ્લાન્ટ્સ જેવાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થાય છે.
2013માં ઉત્તરાખંડમાં કેદારનાથ સહિતનાં સ્થળોએ આવેલા પૂર અંગે અનેક થિયરી ચર્ચામાં આવી હતી.
ડૉ. ડોભાલ કહે છે, "થોડા વખત પછી આપણે સમજી શક્યા કે છોરાબારી હિમતળાવ ફાટવાને લીધે પૂર આવ્યું હતું."
ઉત્તરાખંડના અધિકારીઓ જણાવે છે કે તજજ્ઞોને ધૌલીગંગા નદીમાં આવેલા પૂરનાં કારણો શોધવાની કામગીરી સોંપવામાં આવી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો