ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટતાં સર્જાયેલી તબાહીનાં દૃશ્યો

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટ્યા બાદ થયેલી તારાજીમાં પ્રભાવિત લોકો માટે તંત્રની બચાવકામગીરી ચાલી રહી છે.

આઈટીબીપી, એનડીઆરએફ, એસડીઆરએફ અને ભારતીય સેના મળીને આ કામગીરી કરી રહ્યાં છે.

માહિતી પ્રમાણે આઈટીબીપીના જવાનોએ તપોવન પાસે એક ટનલમાં ફસાયેલા 16 કામદારોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.

આ વચ્ચે ઉત્તરાખંડના મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતના કાર્યાલય તરફથી સંકેત આપવામાં આવ્યા છે કે ‘એક મોટી આપદા ટળી ગઈ છે અને સ્થિતિ હવે તંત્રના નિયંત્રણમાં છે.’

મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે આ વચ્ચે ટ્વિટર પર કર્ણપ્રયાગનો એક વીડિયો પોસ્ટ કર્યો છે.

વીડિયો સાથે તેમણે લખ્યું છે: “કર્ણપ્રયાગમાં આજે ત્રણ વાગીને 10 મિનિટે નદીમાં વહેણ જોતાં સ્પષ્ટ થાય છે કે પૂરની સંભાવના ઘણી ઓછી છે. અમારું વિશેષ ધ્યાન સુરંગોમાં ફસાયેલા શ્રમિકોને બચાવવા તરફ છે અને અમે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ.”

મુખ્ય મંત્રી રાવતે સહાયતા કેન્દ્રના નંબર પર જાહેર કર્યા છે. તેમણે લખ્યું છે કે ‘જો તમે પ્રભાવિત ક્ષેત્રમાં ફસાયેલા છો, તમને કોઈ પ્રકારની મદદની જરૂર છે, તો કૃપા કરીને આપદા પરિચાલન કેન્દ્રના નંબર 1070 અથવા 9557444486 પર સંપર્ક કરો. આ ઘટના અંગે જૂના વીડિયોથી અફવા ન ફેલાવો.’

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો