ઉત્તરાખંડ ચમોલી : ગ્લેશિયર શું હોય છે અને હિમસ્ખલન કેમ થાય છે?

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે સવારે દસ વાગે આસપાસની કેટલીક નદીઓમાં પાણી અચાનક વધી ગયું.

આ દુર્ઘટનામાં અનેક લોકો માર્યા ગયા હોવાની દહેશત છે અને સોમવાર બપોર સુધી 18 મૃતદેહો મળી આવ્યા છે.

મૂળે નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટી પડવાથી ભૂસ્ખલન થયું અને ધૌલી ગંગા, ઋષિ ગંગા અને અલકનંદા નદીઓમાં પાણીનું સ્તર તોફાની બની ગયું જેનાથી અફરાતફરી મચી અને લોકો-મકાનો તણાઈ ગયા.

આનાથી એનટીપીસીની બે પરિયોજનાઓ તપોવન વિષ્ણુગઢ પરિયોજના અને ઋષિ ગંગા પરિયોજનાને નુકસાન થયું.

આ પરિયોજનાઓ સાથે સંબંધિત સુરંગોમાં પાણી ભરાઈ ગયું અને ત્યાં અનેક મજૂરો ફસાઈ ગયા. લોકોને બચાવી લેવાની કોશિશ હજી ચાલી રહી છે અને બચાવ ટુકડીએ અત્યાર સુધી 18 મૃતદેહો ખોળી કાઢ્યા છે અને હજી 200 લોકો લાપતા છે.

ગ્લેશિયર શું હોય છે?

ગ્લેશિયર ખૂબ મોટો બરફનો ભાગ હોય છે જેને હિમખંડ પણ કહેવામાં આવે છે. આ એક નદી જેવો હોય છે અને ખૂબ ધીમી ગતિએ વહેતો રહે છે. આને ગુજરાતીમાં હિમનદી પણ કહે છે.

ગ્લેશિયર બનવામાં અનેક વર્ષો લાગે છે.

જે સ્થળોએ બરફ પડતો હોય પણ ઓગળી ન શકતો હોય ત્યાં ગ્લેશિયર બને છે. આ બરફ ધીમે ધીમે ઠોસ બની જાય છે અને ભારને કારણે તે આગળ જતાં પહાડોથી સરકવા લાગે છે.

કેટલાક ગ્લેશિયર ફૂટબૉલના એક મેદાન જેવાં નાનાં હોય પણ અમુક ખૂબ મોટાં પણ બની જાય છે જે ડઝનેક કિલોમિટરથી લઈને સેંકડો કિલોમિટર લાંબા હોઈ શકે છે.

અમેરિકાસ્થિત નેશનલ સ્નો ઍન્ડ આઇસ ડેટા સેન્ટર મુજબ અત્યારે દુનિયાના કૂલ ભૂભાગમાં 10 ટકા વિસ્તાર પર ગ્લેશિયર છે.

માનવામાં આવે છે કે આ ગ્લેશિયર બરફયુગના અંતિમ અવશેષો છે. બરફયુગમાં કુલ ભૂભાગનો 32 ટકા અને કુલ દરિયાઈ વિસ્તારનો 30 ટકા હિસ્સો બરફથી ઢંકાયેલો હતો.

અવાલાંચ કે હિમસ્ખલન શું હોય છે અને કેમ થાય છે?

અચાનક બરફ સપાટીથી નીચે સરકે તેને હિમસ્ખલન કહેવાય છે. આનાથી ગ્લેશિયરવાળા વિસ્તારોમાં લોકોને ખતરો ઊભો થઈ શકે છે.

તે પોતાના રસ્તામાં આવનારી દરેક ચીજને નષ્ટ કરી શકે છે. રસ્તાઓ બંધ કરી શકે છે. સમગ્ર વિસ્તારની વીજળી પણ ખોરવી શકે છે.

હિમસ્ખલન થવાના અનેક કારણો હોઈ શકે છે

  • ભારે બરફવર્ષા.
  • ભૂકંપ કે શોરથી ઊભા થયેલું કંપન
  • જેનાથી બરફ પહાડ પર જમા થાય છે એ હવાનો ઝોક
  • જામેલા બરફ પર નવો બરફ થવાથી તે સરકી શકે છે.

ઉત્તરાખંડમાં કેવી રીતે થઈ તબાહી?

નિષ્ણાતોનું માનવું છે કે તાપમાન વધવાને કારણે ગ્લેશિયરોનું અંદર પાણી ઓગળ્યું હશે અને તેનાથી બરફના વિશાળ ટુકડાઓ તૂટ્યાં હશે.

આનાથી હિમસ્ખલન શરૂ થયું હશે જેનાથી પથ્થરો અને માટીથી બનેલું કીચડ નીચે તરફ આવવા લાગ્યું.

દેહરાદૂનસ્થિત ભારત સરકારની વાડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ જિઓલૉજીમાંથી તાજેતરમાં જ નિવૃત્ત થનારા ડીપી ડોભાલ કહે છે કે "અમે તેને મૃત બરફ કહીએ છીએ. તે ગ્લેશિયરોના પાછળ હઠે એ દરમિયાન અલગ થઈ જાય છે અને તેમાં સામાન્યરીતે પથ્થરો અને કાંકરોનો ગારો હોય છે. આની સંભવના ખૂબ વધારે છે કેમ કે નીચેની તરફ મોટાં પ્રમાણમાં કીચડ વહી આવ્યો છે."

કેટલાક જાણકારોનું એમ પણ કહેવું છે કે કદાચ બરફના ટુકડાઓ ગ્લેશિયર પર બનેલા સરોવરોમાં પડ્યા હશે જેનાથી પાણી નીચે આવવા લાગ્યું હશે.

જોકે, કેટલાક જાણકારો એમ પણ કહે છે કે ત્યાં આવું કોઈ સરોવર હોવાની કોઈ જાણકારી નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો