ઉત્તરાખંડ ચમોલી : ભયાનક દૃશ્યો જોનારા હજુ પણ દહેશતમાં છે - એક ડૉક્ટરે નજરે જોયેલી કહાણી

    • લેેખક, શહબાઝ અનવર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ધસમસતા પ્રવાહના કારણે મૃતદેહ પર એક પણ કપડાં નથી. પૂરનાં પાણીનો પ્રવાહના એટલો તીવ્ર છે કે નદીમાં જે મૃતદેહ મળી આવ્યા છે તેમનાં કપડા પણ ગાયબ છે.

આ શબ્દો છે ડૉ. પ્રદીપ ભારદ્વાજના, જેઓ ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાની ઘટનામાં ચપેટમાં આવનાર લોકો વિશે જણાવી રહ્યા છે.

ડૉ. ભારદ્વાજ સિક્સ સિગ્મા સ્ટાર હેલ્થકેરના સીઈઓ છે અને રવિવારે તેઓ પોતાની ટીમ સાથે ચમોલી પહોંચ્યા હતા.

રવિવારે રાત્રે નવ વાગ્યે જ્યારે ડૉ. પ્રદીપ રૈણી પહોંચ્યા ત્યારે આંખ સામેનો નજારો ભયાનક હતો.

બીબીસી સાથેની વાતચીતમાં ડૉ. ભારદ્વાજ કહે છે, "રાત્રે નવ વાગ્યાની આસપાસ હું મેડિકલ ટીમ સાથે રૈણી ગામ પહોંચ્યો. એનડીઆરએફ, એસડીઆરએએફ, આઈટીબીપી સહિત રાહતદળની ટીમો બચાવકાર્યમાં જોડાઈ ચૂકી હતી. જે રીતે મોટા-મોટા પથ્થરના ટુકડા, કાદવ અને પાણી દેખાતું હતું, તે જોઈને કેદારનાથ હોનારતની તાજી થઈ ગઈ."

તેઓ વધુમાં જણાવે છે કે, "મેં 11 એવા મૃતદેહ જોયા છે જે કાદવમાં દબાયેલા હતા. મોટા ભાગના મૃતદેહમાં કપડાં ગાયબ હતાં. પાણીના દબાણના કારણે આવું થયું હશે."

"મૃતદેહ જોઈ પણ શકાતા નહોતા. મૃતદેહને ઓળખવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. મજૂરો પાસે કોઈ આઈકાર્ડ નહોતું અને એટલા માટે તેમની ઓળખ કરવી એક પડકાર છે. કદાચ આ માટે ડીએનએની જરૂર પડે."

દૃશ્યો જોનારા હજુ પણ દહેશતમાં

ચમોલીમાં ગ્લેશિયર તૂટવાની ઘટના દિવસે થઈ હતી. ખીણમાં જ્યારે પૂરનું પાણી ઝડપથી વધી રહ્યું હતું ત્યારે અસંખ્ય લોકોએ એ દૃશ્યોને પોતાની આંખે જોયાં છે.

પાણીનો તીવ્ર અવાજ અને પથ્થરો સાથે અથડાયા બાદ ધૂળ અને માટી ઊડવાથી વાતાવરણ વધુ ભયજનક બની ગયું હતું.

ડૉ. પ્રદીપ ભારદ્વાજ કહે છે કે પૂરનાં પાણી ઘટનાસ્થળની ફરતે 17 ગામોથી પસાર થયાં છે. આમાં જગજુ, તપોવન, મલારી, તોલમ જેવાં ગામો સામેલ છે.

તેઓ કહે છે કે, "આશરે 17 ગામોના લોકોએ આ ભયાનક દૃશ્ય પોતાની આંખે જોયાં છે. આ લોકો હજુ પણ દહેશતમાં છે. આ દૃશ્યો જોનારા અમુક ગામવાળા આઘાતમાં છે અને તેમને તબીબી સહાયની પણ જરૂર પડશે."

અમુક દર્દીઓ વિશે વાત તેઓ જણાવે છે કે, "આઘાત પામનાર એક મહિલાને ગામના લોકો મારી પાસે લઈને આવ્યાં હતાં. આ મહિલા હવે વાત પણ કરી શકતાં નથી."

"ગામલોકો કહી રહ્યા છે કે ઘટના પહેલાં તેઓ સારી રીતે બોલી શકતાં હતાં. તેમનું બલ્ડપ્રેશર પણ વધી ગયું છે, તેઓ સામાન્ય ભોજન લે છે. આવા બધા દરદીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે."

ઉપરાંત ગામના ઘણા વડીલો એવી જગ્યા પર બેઠા છે જ્યાંથી નદીના આખા વિસ્તાર પર નજર રાખી શકાય.

આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે ફરી વાર આવી ઘટના થાય તો રાહતકાર્યમાં સામેલ વ્યક્તિઓને બચાવી શકાય. રવિવાર અને સોમવારની રાતે લોકોએ વારાફરતી નદીઓ પર નજર રાખી હતી.

આજુબાજુનાં ગામોમાં કૅમ્પ લગાવાયાં

પૂરનાં ભયાનક દૃશ્યો જોયાં બાદ ઘણા લોકો બીમાર પડી ગયા છે અને ડૉ. પ્રદીપ ભારદ્વાજ અને તેમની ટીમ આવાં ગામોમાં કૅમ્પ લગાવીને દર્દીઓને સારવાર આપી રહ્યા છે.

તેઓ કહે છે, "અમે આજે (સોમવાર) આજુબાજુનાં ગામોમાં કૅમ્પ લગાવ્યાં છે. એવા લોકોની સારવાર કરવામાં આવી રહી છે જેઓ દહેશત અને ડિપ્રેશનની સ્થિતિમાં છે."

"રવિવારે નદી વિસ્તારમાંથી ઈજાગ્રસ્ત મળી આવેલા 11 લોકોની સારવાર કરવામાં આવી હતી. પરંતુ હવે કાદવમાં માત્ર મૃતદેહ હોવાની શક્યતા છે. ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે."

ડૉ. પ્રદીપ વધુમાં જણાવે છે કે દહેશતમાં હોય એવા દરેક ગામના લોકોની સારવાર કરવી જોઈએ. બહુ ખરાબ પરિસ્થિતિ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો