ઉત્તરાખંડ ચમોલી : 26 મૃતદેહો મળ્યા, હજી 171થી વધુ લોકો લાપતા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે ગ્લેશિયર તૂટવાની ઘટના બાદ અચાનક આવેલા પૂરના કારણે અનેક મજૂરો ફસાયા છે અને બચાવકાર્ય પણ ચાલુ છે. સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી 26 મૃતદેહો મળી આવ્યા છે અને 171 લોકો લાપતા છે. આ પૈકી 35 લોકો ટનલમાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

રવિવારે સવારે દસ વાગ્યા આસપાસ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં કેટલીક નદીઓમાં અચાનક પાણી વધી ગયું હતું.

નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાને કારણે ભૂસ્ખલન થયું અને ઘૌલીગંગા, ઋષિગંગા અને અલકનંદા નદીઓમાં જળસ્તર વધી ગયું હતું, જેના કારણે અફરાતફરી મચી ગઈ.

ત્યાં એનટીપીસીની બે પરિયોજનાઓ- તપોવન-વિષ્ણુગઢ પરિયોજના અને ઋષિગંગા પરિયોજનાને નુકસાન થયું હતું.

આ પરિયોજનાથી સાથે જોડાયેલી સુરંગમાં પાણી ભરાઈ ગયું અને ત્યાં મજૂરો ફસાઈ ગયા છે. પાણીના રસ્તે આવનારાં ઘણાં ઘરો પર વહેણમાં તણાઈ ગયા છે.

26 મૃતદેહો કાઢવામાં આવ્યા

ઉત્તરાખંડના પોલીસ મહાનિદેશક અશોક કુમારે એએનઆઈને કહ્યું કે "એટીપીસીની સુરંગોમાં બચાવકાર્ય ચાલુ છે. અત્યાર સુધીમાં 26 મૃતદેહો કાઢવામાં આવ્યા છે, જ્યારે 171 લોકોની શોધખોળ ચાલુ છે." આ સોમવારે રાત્રે 8 વાગ્યાની અપડેટ છે.

એનડીઆરએફના મહાનિદેશક એસએન પ્રધાને કહ્યું કે "ચમોલી જિલ્લામાં ગ્લેશિયર આફત બાદ ઘણા લોકો અઢી કિલોમીટર લાંબી સુરંગમાં ફસાયેલા છે. હાલમાં એક કિલોમીટર સુધીની માટીને દૂર કરાઈ છે અને જલદી એ જગ્યાએ પહોંચી જવાશે, જ્યાં લોકો ફસાયેલા હશે."

13 ગામ અલગ થયાં, પહાડો પર લોકો ફસાયા

ઉત્તરાખંડના ચમોલીના જિલાધિકારી સ્વાતિ ભદૌરિયાએ કહ્યું કે "ગ્લેશિયર તૂટવાને કારણે પુલો નષ્ટ થવાથી 13 ગામો અલગ થઈ ગયાં છે. તેમના માટે બચાવકાર્ય ચાલુ છે."

અશોક કુમારે કહ્યું કે "ગભરાવવાની જરૂર નથી. કાલે ગ્લેશિયર તૂટવાથી આવેલા પૂરને કારણે વીજળી પરિયોજના સંપૂર્ણ વહી ગઈ છે. તેનાથી તપોવનમાં ભારે તબાહી સર્જાઈ છે. પહેલા પ્રોજેક્ટની જગ્યાએથી 32 લોકો અને બીજા પ્રોજેક્ટ પરથી 121 લોકો ગૂમ છે."

વાયુસેનાએ જણાવ્યું કે ઉત્તરાખંડ ગ્લેશિયર દુર્ઘટના બાદ હવાઈ રાહત અને બચાવકાર્ય ફરી વાર શરૂ કરાયું છે. Mi-17 અને એડવાન્સ લાઇટ હેલિકૉપ્ટર (ALH)થી બચાવટીમોને દેહરાદૂનથી જોશીમઠ મોકલાઈ રહી છે.

આ હોનારતમાં તપોવન હાઈડ્રો-ઇલેક્ટ્રિક પાવર ડેમ (જેને ઋષિગંગા પ્રોજેક્ટથી પણ ઓળખવામાં આવે છે) સંપૂર્ણ તબાહ થઈ ગયો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો