You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'કોણ છે સચીન? હું નથી ઓળખતી!' કહેનારા ટૅનિસ પ્લૅયર શારાપોવા પર 'થેંક્યૂ-સોરી'ની વર્ષા કેમ થઈ રહી છે?
ખેડૂત આંદોલનને દેશમાં બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. સરકાર અને ખેડૂતો વચ્ચે હજુ મડાગાંઠ યથાવત છે. હવે વિદેશી સેલિબ્રિટિઝ-કાર્યકરો અને દેશના સેલિબ્રિટિઝ પણ આ મામલે એકબીજા સામે વાકયુદ્ધ છેડી રહ્યાં છે.
કેટલાક સોશિયલ મીડિયા તરફ સરકાર તરફી વલણમાં જોવા મળ્યા તો કેટલાક વિદેશી સેલિબ્રિટિઝ અને કાર્યકરના સમર્થનમાં ટ્વીટ કર્યાં છે.
આ સમગ્ર સોશિયલ મીડિયા સંવાદોમાં સ્પોર્ટ્સપર્સન પણ સામેલ છે. જેમાં સચીન તેંડુલકરે પણ એક ટ્વીટ કર્યું હતું.
તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે વિદેશી વ્યક્તિઓ ભારતની આંતરિક બાબતો મામલે પ્રેક્ષક બની શકે પરંતુ ભાગીદાર નહીં.
એનો અર્થ કે તેમણે ભારત સામે કુપ્રચાર ચલાવવામાં આવી રહ્યો હોવાની બાબતને સમર્થન આપી સરકારના બચાવમાં ટ્વીટ કર્યું હતું.
જેને પગલે તેમના જ કેટલાક ફૅન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ નારાજ થયા છે. પરંતુ આ નારાજગી દરમિયાન તેઓ રશિયાની ટૅનિસ પ્લૅયર મારિયા શારાપોવાને કેમ થેંક્યૂ કહી રહ્યાં છે?
ખરેખર વાત એમ છે કે વર્ષ 2014માં સચીન તેંડુલકર ટૅનિસની મૅચ જોવા ગયા હતા. ત્યારે મૅચ બાદ મારિયા શારાપોવાને પૂછાયું હતું કે શું તમને ખબર છે કે તમારી મૅચ જોવા માટે સચીન તેંડુલકર આવ્યા હતા.
ત્યારે મારિયા શારાપોવાએ જવાબ આપ્યો હતો કે, "ના હું નથી ઓળખતી. મને નથી ખબર."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર બાદ સોશિયલ મીડિયા પર 'શારાપોવા કોણ છે?' હૅશટૅગ સાથે ટ્વીટ્સનું રીતસરનું પૂર સર્જાયું હતું. જે મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
સચિનના ફૅન્સનું કહેવું હતું કે મારિયા શારાપોવાએ સચીન તેંડુલકરનું અપમાન કર્યું છે. તેમણે માફી માગવી જોઈએ.
જોકે વર્ષ 2014માં એક ન્યૂઝ ચૅનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સચિને કહ્યું હતું કે મારિયા શારાપોવાની ટિપ્પણી અપમાનજનક નથી.
તેમણે કહ્યું હતું,"મારિયા ક્રિકેટ ફોલો નથી કરતા એટલે સ્વાભાવિક છે કે તેમને ખ્યાલ ન હોય."
પરંતુ એ સમયે સોશિયલ મીડિયા પર સચીનને ન ઓળખવા બદલ યુઝર્સે શારાપોવાની ટીકા કરી હતી અને કડવા શબ્દોની ફિટકાર વરસાવી હતી. જ્યારે એ જ બાબત માટે હવે સોશિયલ મીડિયાનો એક વર્ગ તેમને થેંક્યૂ કહી રહ્યો છે.
ખાસ કરીને કેરળના યુઝર્સ તેમાં વધુ સક્રિય જોવા મળી રહ્યા છે.
શારાપોવાની ફેસબુક વૉલ પર સંખ્યાબંધ કૉમેન્ટ્સ છે. જેમાં કહેવાય છે કે યુઝર્સ કહી રહ્યા છે કે 'સોરી શારાપોવા, અમે સચીનને પ્લૅયર તરીકો ઓળખતા હતા. પરંતુ વ્યક્તિ તરીકે નહીં. તમે જ્યારે સચીન કોણ છે? એવુ કહ્યું હતું ત્યારે તમે સાચા હતા.'
એક અન્ય યુઝરે કહ્યું,"તમને 2014માં સોશિયલ મીડિયા પર જે પરેશાની થઈ તે બદલ ક્ષમા. ખરેખર તમે સચીનને નહોતા ઓળખતા એ જ સારું હતું."
સમગ્ર સોશિયલ મીડિયા ટ્વીટ્સ અને કૉમેન્ટ્સથી પ્રતીત થાય છે કે સચીનના ટ્વીટને સોશિયલ મીડિયાના એક વર્ગે ખેડૂતવિરોધી ગણ્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો