You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : ગ્રેટા થનબર્ગ-રિહાનાને ભારતના સેલિબ્રિટિઝે શું જવાબ આપ્યો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
બે મહિના કરતાં વધુ સમયથી મોદી સરકારના ત્રણ કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં પર્યાવરણ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ફરી એક ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે, "હું હજુ પણ #StandWithFarmers સાથે છું અને તેમના શાંતિપૂર્ણ પ્રદર્શનને સમર્થન આપું છું. ગમે તેટલો દ્વેષ, ધાકધમકી અથવા માનવાધિકારનો ભંગ આને બદલી શકશે નહીં."
તેમણે આ ટ્વીટ એવા વખતે કર્યું છે કે જ્યારે દિલ્હી પોલીસના સાઇબર સેલ દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં વિદેશી ષડયંત્ર અને અલગ-અલગ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. જોકે આ એફઆઈઆરમાં ગ્રેટાનું નામ નથી.
ગ્રેટાએ મંગળવારે રાત્રે ખેડૂતોના સમર્થનમાં પ્રથમ ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂતઆંદોલનના સમર્થનમાં છીએ.
સેલિબ્રિટીઝે શું કહ્યું?
ગ્રેટા થનબર્ગ, પૉપ-સ્ટાર રિહાના, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનાં ભત્રીજી મીના હેરિસ, પૂર્વ પૉર્નસ્ટાર મિયાં ખલિફા સહિતનાં આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઝનાં ટ્વીટ્સ બાદ ક્રિકેટર વિરાટ કોહલી, ગાયક લતા મંગેશકર, ફિલ્મનિર્માતા કરણ જોહર, અભિનેતા સુનીલ શેટ્ટી, અજય દેવગણ, અક્ષય કુમાર, કંગના રનૌત સહિત અનેકે ટ્વીટ કર્યાં હતાં. જે બાદ વિવાદ વકર્યો હતો.
ક્રિકેટર ઇરફાન પઠાણે ટ્વીટ કરીને જણાવ્યું કે "જ્યારે અમેરિકામાં અશ્વેત જ્યૉર્જ ફ્લોયડની એક પોલીસ કર્મચારી દ્વારા નિર્દયતાપૂર્ણ રીતે હત્યા કરી નાખવામાં આવી હતી, ત્યારે આપણા દેશે દુખ વ્યક્ત કર્યું હતું."
અભિનેતા સુનિલ શેટ્ટી કહ્યું, "કોઈ પણ વાત કહેતા પહેલાં આખી વાત જાણી લેવી જોઈએ. અડધા સત્ય જેવું ખતરનાક કંઈ નથી."
ફિલ્મનિર્માતા કરણ જોહરે ટ્વીટ કર્યું, "આપણે મુશ્કેલ સ્થિતિમાં છીએ, તેવામાં જરૂરી છે કે આપણે સંયમ વર્તીએ. ચાલો સાથે મળીને એવું સમાધાન શોધવાનો પ્રયાસ કરીએ જે દરેક માટે હોય. ખેડૂતો દેશની કરોડરજ્જુ છે. આપણે કોઈને દેશ તોડવા ન દઈ શકીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અભિનેતા અજય દેવગણે કહ્યું, "ભારત અને ભારતની નીતિઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારના ખોટા પ્રચારમાં ન પડો, આ સમયે આપણે પરસ્પર ઝઘડો ન કરીને એક સાથે ઊભા રહેવાનું છે."
અક્ષય કુમારે ટ્વીટ કર્યું છે કે ખેડૂતો આપણા દેશનો મહત્ત્વનો ભાગ છે, તેમની સમસ્યાઓનું સમાધાન શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે અને એ પણ સ્પષ્ટ છે. હંમેશાં આ મુશ્કેલીનું શાંતિપૂર્ણ સમાધાન શોધવાનું સમર્થન કરવું જોઈએ અને એ લોકોની વાતો પર ધ્યાન ન આપવું જોઈએ, જેઓ ભાગલા પાડવા માગે છે.
લતા મંગેશકરે લખ્યું, "ભારત એક ગૌરવશાળી દેશ છે. એક ગૌરવશાળી ભારતીય હોવાને નાતે મને સંપૂર્ણ ભરોસો છે કે દેશ તરીકે અમારી કોઈ પણ સમસ્યા અથવા મુશ્કેલી હશે, તો શાંતિપૂર્ણ અને લોકોના હિતોને ધ્યાનમાં રાખીને ઉકેલ લાવવા આપણે સક્ષમ છીએ."
ક્રિકેટર વિરાટ કોહલીએ #IndiaTogether હૅશટેગથી ટ્વીટ કર્યું છે.
તેમણે લખ્યું છે, "મતભેદના આ સમયમાં ચાલો બધા સાથે રહીએ. ખેડૂતો આપણા દેશના મહત્ત્વના ભાગ છે અને મને વિશ્વાસ છે કે બધા પક્ષો મળીને શાંતિપૂર્ણ સમાધાન કાઢી લાવશે, જેથી શાંતિ જળવાઈ રહે અને અમે બધા સાથે મળીને આગળ વધી શકીએ."
પોલીસે શું કહ્યું?
દિલ્હી પોલીસે કહ્યું કે ખેડૂત આંદોલનને હાથો બનાવીને સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર જે પોસ્ટ કરવામાં આવ્યાં હતા તે અંગે એક એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ એફઆઈઆરમાં પર્યાવરણ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગનું નામ નથી.ગુરુવારે સાંજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં દિલ્હી પોલીસના વિશેષ પોલીસ કમિશનર (ક્રાઈમ) પ્રવીર રંજનએ કહ્યું કે ખેડૂત આંદોલન દરમિયાન પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે અને પોલીસને માહિતી મળી છે કે આવા 300 થી વધુ ટ્વિટર હેન્ડલ છે જેમાંથી ખેડૂત આંદોલનના નામે ભારત સરકાર વિરુદ્ધ ટ્વિટ કરવામાં આવી રહ્યું છે.તેમણે કહ્યું, "સોશ્યલ મીડિયાના મોનિટરિંગ દરમિયાન પોલીસને એક ઍકાઉન્ટથી એક દસ્તાવેજ મળ્યો છે જે એક ટૂલકીટ છે જેમાં 'પ્રાયર એક્શન પ્લાન' નામનો એક સેક્શન છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો