You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : પોપ સ્ટાર રિહાના અને ગ્રેટા થનબર્ગના ટ્વીટથી કેમ થયો વિવાદ?
પાછલા બે મહિના કરતાં વધુ સમયથી દિલ્હીની વિવિધ સરહદો પર વિવાદિત કૃષિકાયદાઓને લઈને દેશનાં વિવિધ રાજ્યોના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
ભારતમાં રાજકીય હોય કે મનોરંજન જગત, તમામ ક્ષેત્રની ઘણી હસ્તીઓએ ખેડૂતોના સમર્થનમાં આંદોલનને ટેકો જાહેર કર્યો છે.
હવે આ યાદીમાં કેટલીક ઇન્ટરનૅશનલ પર્સનાલિટીઓ પણ સામેલ થઈ ગઈ છે. પહેલાં ઇન્ટરનૅશનલ પોપ સ્ટાર રિહાના અને પછી જાણીતા પર્યાવરણ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ખેડૂત આંદોલનના સમર્થનમાં સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વીટ કર્યાં છે.
નોંધનીય છે કે આ બંનેના ટ્વિટર પર અસંખ્ય ફૉલોઅર્સ છે.
આ બંને ઇન્ટરનૅશનલ પર્સનાલિટી દ્વારા આ મુદ્દે ટ્વીટ કરવાથી શરૂઆતથી ભાજપ સરકાર જેને પોતાનો આંતરિક મુદ્દો ગણાવે છે, તે ખેડૂત આંદોલનમાં હવે આંતરરાષ્ટ્રીય મુદ્દો બનતો જતો હોય તેવું લાગી રહ્યું છે.
રિહાના અને ગ્રેટાનું સમર્થનમાં ટ્વીટ
ઇન્ટરનૅશનલ પોપ સ્ટાર રિહાનાએ મંગળવારે દિલ્હીની આસપાસ ખેડૂત આંદોલનને પગલે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હોવાના સમાચાર અહેવાલની લિંક સાથે લખ્યું કે, “આપણે વિશે વાત કેમ નથી કરી રહ્યા? #FarmersProtest”
તેમના આ ટ્વીટ પર અત્યાર સુધી ચાર લાખ કરતાં વધુ લાઇક મળી છે. જ્યારે 60 હજાર કરતાં વધુ લોકો તેમના આ ટ્વીટ પર કૉમેન્ટ કરી છે. તેમજ 1,90,000 કરતાં વધુ લોકોએ તેમનું આ ટ્વીટ રિટ્વીટ કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોપ સ્ટાર રિહાના બાદ સ્વીડનનાં 18 વર્ષીય પર્યાવરણ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે ખેડૂતોને સમર્થન આપતું ટ્વીટ કર્યું હતું.
તેમણે પણ રિહાનાની જેમ જ દિલ્હીની આસપાસ ખેડૂત આંદોલનને પગલે ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ હોવાના એક સમાચાર અહેવાલની લિંક શૅર કરવાની સાથે પોતાના ટ્વિટમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને સમર્થન જાહેર કર્યું હતું.
તેમણે લખ્યું હતું કે, “અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં છીએ.”
અત્યાર સુધી ગ્રેટાના ટ્વીટને એક લાખ કરતાં વધુ લાઇક મળી છે. જ્યારે દસ હજાર કરતાં વધુ લોકોએ આ ગ્રેટાના ટ્વીટ પર કૉમેન્ટ કરી હતી. તેમજ 46 હજાર લોકોએ તેમનું ટ્વીટ રિટ્વીટ કર્યું હતું.
અમિત શાહે શું કહ્યું?
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોઈ કુપ્રચાર ભારતની એકતાને અટકાવી ન શકે! કોઈ કુપ્રચાર ભારતને નવી ઊંચાઈઓ સુધી પહોંચવાથી રોકી નહીં શકે..! તથા કુપ્રચાર ભારતના ભાગ્યને નક્કી ન કરી શકે માત્ર 'પ્રગતિ' જ કરી શકે છે. પ્રગતિ હાંસલ કરવા માટે ભારત સંગઠીત અને એક સાથે ઊભું છે.
ભારત સરકારનું નિવેદન
ખેડૂત આંદોલન મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા ચહરાઓએ કરેલાં ટ્વીટ બાદ ભારત સરકારે કોઈ ચોક્કસ નામ લીધા વગર એક નિવેદન બહાર પાડ્યું છે.
ભારત સરકારના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઇન્ટરનેશનલ પર્સનાલિટીઓએ સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્વક વર્તન કરવું જોઈએ.
આ અગાઉ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનાં ભત્રીજી મીના હેરિસ, પર્યાવરણ કર્મશીલ ગ્રેટા થનબર્ગ, પૂર્વ પોર્નસ્ટાર મિયાં ખલીફાએ આ અંગે ટ્વીટ કર્યાં છે.
રિહાનાના ટ્વીટ પર શું છે લોકોની પ્રતિક્રિયા?
રિહાનાના ટ્વીટ પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે તો કેટલાક તેમની સરાહના કરી રહ્યા છે કે કે તેમણે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો.
ખેડૂત એકતા મોરચાએ (@Kisanektamorcha) ટ્વિટર હૅન્ડલથી ટ્વીટ કરીને રિહાનાનો આભાર વ્યક્ત કર્યો છે.
@Kisanektamorchaએ લખ્યું છે - આભાર ખેડૂતોના આંદોલન પ્રત્યે પોતાની ચિંતા વ્યક્ત કરવા માટે. સમગ્ર વિશ્વ જોઈ શકે છે પરતું સરકાર કેમ નહીં?
પરંતુ બૉલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે રિયાનાના ટ્વિટ પર કઠોર પ્રતિક્રિયા આપી છે અને તેમને મૂર્ખ સુધ્ધાં કહી દીધાં છે.
બૉલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે રિયાનાના ટ્વીટને રિ-ટ્વીટ કરવાની સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે.
કંગનાએ લખ્યું છે - "કોઈ આ વિશે એટલા માટે વાત નથી કરી રહ્યું કારણ કે તેઓ ખેડૂતો નથી આતંકવાદી છે, જેઓ ભારતને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી ચીન અમારા દેશ પર કબજો કરી શકે."
જોકે, કંગનાના આ ટ્વીટ પર ઘણા લોકોએ આપત્તિ વ્યક્ત કરી છે અને તેમને આ પ્રકારની પ્રતિક્રિયા ન આપવાની સલાહ આપી છે.
ભાજપના નેતા મનોજ તિવારીએ પણ રિહાનાને ટૅગ કરીને ટ્વીટ કર્યું છે.
રિહાનાના ટ્વિટ પર પોલીસ અધિકારી પ્રણવ મહાજને કમેન્ટ કરી છે. તેમણે લખ્યું છે - "કારણ કે કોઈ વ્યક્તિએ એવા મુદ્દે વાત ન કરવી જોઈએ, જે વિશે તેને જાણકારી ન હોય."
તેમના આ કમેન્ટ પર સુપ્રીમ કોર્ટનાં એડવોકેટ કરુણા નંદીએ અસહમતી વ્યક્ત કરી છે.
પત્રકાર રોહિણી સિંહે પણ રિહાનાના ટ્વીટ બાદ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે. તેઓ લખે છે -
કાર્ટૂનિસ્ટ મંજૂલ લખે છે- "સેલેબ્રિટીએ પૂછ્યું લોકો ખેડૂત આંદોલન વિશે વાત કેમ નથી કરી રહ્યા. લોકો તરત વાત કરવા લાગ્યા... સેલેબ્રિટી વિશે."
જિગ્નેશ મેવાણીએ પણ # RihannaSupportsIndianFarmers હૅશટૅગ સાથે ટ્વીટ કર્યું છે.
પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે પણ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે.
નવ વર્ષનાં પર્યાવર્ણ કાર્યકર્તા લિસિપ્રિયાએ પણ રિહાનાની વાતનું સમર્થન કર્યું છે.
જોકે કેટલાક લોકો આ વાતને ભારતનો આંતરિક મામલો ગણાવીને, તેમને (રિહાનાને) આ મામલાથી દૂર રહેવા કહી રહ્યા છે.
રિહાનાના ટ્વીટ પર ફાલ્ગુના નામના એક યુઝર હૅન્ડલથી લખાયું છે - "આ અમારા દેશનો આંતરિક મામલો છે અને તમે આમાં સામેલ ન થશો."
કેટલાક લોકોએ તેને પેઇડ-ટ્વીટ ગણાવ્યું છે.
ટ્વીટર પર બીજું શું શું ટ્રેન્ડ થઈ રહ્યું છે?
તેમના ટ્વીટ બાદ ટ્વીટર પર રિહાના તો ટૉપ ટ્રેડ કરવા લાગ્યાં પરંતુ #FarmersProtest અને Kangana બીજા અને ત્રીજા સ્થાન પર ટ્રેંડ લિસ્ટમાં હતાં.
કોણ છે રિહાના?
32 વર્ષનાં રિહાના એક પૉપ સિંગર છે. લગભગ દસ વર્ષ પહેલા તેમણે પોતાની મ્યૂઝિકલ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ બિલબૉર્ડ હૉટ 100 માં સામેલ થનારાં તેઓ સૌથી નાની વયનાં સિંગર છે. રિહાનાને હજુ સુધી આઠ વખત ગ્રેમી સન્માન મળી ચૂક્યું છે.
એક સિંગર તરીકે તેઓ યુવાનો માટે પ્રેરણા હોવાની સાથોસાથ તેઓ એક કામયાબ બિઝનેસ વુમન પણ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો