એલેક્સી નવેલની : રશિયામાં પુતિનવિરોધી નેતાને સાડા ત્રણ વર્ષની જેલ બાદ વિરોધપ્રદર્શનો, અનેક લોકોની અટકાયત

મૉસ્કોની એક કોર્ટે પેરોલની શરતોના ઉલ્લંઘન માટે એલેક્સી નવેલનીને સાડા ત્રણ વર્ષની સજા કરી છે.

તેમના પર પાછલા આપરાધિક મામલામાં ધરપકડ બાદ મળેલી પેરોલની શરતોના ઉલ્લંઘનનો આરોપ છે.

એલેક્સી નવેલની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ટીકાકાર છે.

પાછલા મહિને રશિયા પરત ફર્યા બાદથી જ નવેલનીની ધરપકડ કરી લેવાઈ હતી. આ પહેલાં તેમના પર નોવીચોક નામના ઝેરી નર્વ એજન્ટ વડે હુમલો થયો હતો જે બાદ જર્મનીમાં તેમનો ઇલાજ થયો હતો.

તેઓ પહેલાંથી જ એક વર્ષની સજા કાપી ચૂક્યા છે. આ પરિસ્થિતિમાં તેમને મળેલી સજામાંથી આ એક વર્ષ બાદ કરી દેવામાં આવશે.

પુતિનના વિરોધી એલેક્સ નવેલનીની મૉસ્કો પહોંચતાં જ ધરપકડ કરી લેવાઈ હતી. એન્ટિ-રાયોટિંગ પોલીસે મૉસ્કોમાં ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે.

મૉસ્કોની કોર્ટમાં તેમણે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને 'ઝેર આપનારા' કહ્યા અને તેમને પોતાની પર થયેલા હુમલાના દોષી ઠેરવ્યા.

તેમને સજા સંભળાવ્યા બાદ જે તેમના સમર્થકોએ એક વિરોધ રેલીનું આહ્વાન કર્યું અને કોર્ટ બહાર ભારે સંખ્યામાં ભેગા થવાની કોશિશ કરી. પરંતુ અમુક સમયમાં જ એન્ટિ-રાયોટિંગ પોલીસદળ સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો. પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે, લગભગ ત્રણસો કરતાં વધુ લોકોની ધરપકડ કરાઈ છે.

નવેલનીના વકીલે કહ્યું કે તેઓ આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરશે. આ નિર્ણય પર આંતરરાષ્ટ્રીય સ્તરથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. યુરોપિયન કાઉન્સિલે કહ્યું કે આ નિર્ણય દરેક વિશ્વસનીયતાની ઉપેક્ષા કરનાર છે.

બ્રિટિશ વિદેશમંત્રી ડૉમિનિક રાબે આ નિર્ણયને અનુચિત ઠેરવ્યો છે. તેમજ અમેરિકના વિદેશમંત્રી એંટની બ્લિંકને કહ્યું કે તેઓ આ નિર્ણયને લઈને ઘણા પરેશાન છે.

બીજી તરફ રશિયાના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝખારોવાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે પશ્ચિમી દેશોએ પોતાની સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ.

તેમણે કહ્યું, "તમારે એક સાર્વભૌમ રાજ્યના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ."

અદાલતમાં શું થયું?

પેરોલની શરતો પ્રમાણે, નવેલનીએ નિયમિતપણે રશિયાની પોલીસને રિપોર્ટ કરવાનું હતું અને તેમના પર આરોપ છે કે તેમણે આ શરતનું પાલન નથી કર્યું.

નવેલનીને એક દગાખોરીના કેસમાં દોષી ઠરાવવામાં આવ્યા છે અને જેલ સર્વિસનું કહેવું છે કે તેમણે પોતાના પર લાગેલી પાબંદીઓનું ઉલ્લંઘન કર્યું છે.

બીજી તરફ નવેલની હંમેશાંથી કહેતા આવ્યા છે કે તેમની પરના તમામ કેસો રાજકારણપ્રેરિત છે. રશિયા તપાસ કમિટીએ પણ તેમની વિરુદ્ધ દગાખોરીના મામલામાં નવો આપરાધિક કેસ શરૂ કર્યો છે. તેમના પર અનેક NGOને પૈસા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. તેમાં તેમની એન્ટિ કરપ્શન ફાઉન્ડેશન પણ સામેલ છે.

પરતું તેમના વકીલોનું કહેવું છે કે નવેલની પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તે નિરર્થક છે. તેમનો દાવો છે કે રશિયામાં અધિકારીઓને ખબર હતી કે તેઓ નર્વ એજન્ટના પ્રભાવથી બહાર આવી રહ્યા છે.

સજા સંભળાવવામાં આવે તે પહેલાં અદાલતને સંબોધિત કરતાં નવેલનીએ કહ્યું કે આ મામલાનો ઉપયોગ વિપક્ષને કમજોર કરવા અને ગભરાવવા માટે કરાઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે "તેઓ આવી જ રીતે કામ કરે છે. લાખો લોકોને ગભરાવવા માટે તેઓ કોઈ એકને જેલભેગો કરી દે છે."

તેમના પર થયેલા નોવીચોક નર્વ એજન્ટ હુમલા સંદર્ભે તેમણે કહ્યું, "રશિયાની સંઘીય સુરક્ષા સેવા (FSB)નો ઉપયોગ કરીને પુતિને મારી હત્યાનો પ્રયાસ કર્યો. પરંતુ હું એકલો નથી. ઘણા લોકોને આ વાતની ખબર હશે અને કેટલાકને અત્યારે."

તેમણે કહ્યું કે એ વાતથી કોઈ ફેર નથી પડતો કે તેઓ કેવી રીતે એક જિયોપૉલિટિશન દેખાવાની કોશિશ કરે છે પરંતુ ઇતિહાસમાં તેમને ઝેર આપનાર તરીકે ઓળખવામાં આવશે.

17 જાન્યુઆરીના રોજ જ્યારે નવેલની રશિયા પરત ફર્યા ત્યારે તેમના સમર્થકોએ મોટા પાયે વિરોધપ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં ભારે સંખ્યામાં યુવાનો સામેલ થયા હતા.

જોકે, ક્રેમલીન નવેલની પર થયેલા હુમલામાં પોતાની ભાગેદારીની વાતથી ઇન્કાર કરે છે અને વિશેષજ્ઞો એ નિષ્કર્ષને પણ ખોટો ગણાવે છે જે અનુસાર, નોવીચોક એક રશિયન રાસાયણિક હથિયાર છે, જેનો ઉપયોગ નવેલનીની હત્યા માટે કરાયો હતો.

એલેક્સી નવેલની કોણ છે?

સરકારી ભ્રષ્ટાચારને જાહેર કરીને એલેક્સી નવેલની પોતાનું નામ બનાવ્યું છે. તેમણે પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીને ગુનેગારો અને ઠગની પાર્ટી ગણાવી હતી.

ડિસેમ્બર, 2019માં એલેક્સી નવેલની ફાઉન્ડેશન પર રૅઇડ પાડવા માટે મીડિયા કૅપ્શન પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સંસદીય ચૂંટણીઓમાં પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટી દ્વારા થયેલાં ભ્રષ્ટાચારના વિરોધ બાદ 2011માં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 15 દિવસ માટે જેલમાં રાખવામાં આવ્યા હતા.

એલેક્સી નવેલનીને જુલાઈ 2013માં ઉચાપત કરવાના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમણે તે સજાને રાજકીય ગણાવી હતી.

એલેક્સી નવેલનીને જુલાઈ 2019માં ખોટી રીતે વિરોધપ્રદર્શન કરવા બદલ 30 દિવસની જેલની સજા કરાઈ હતી. ત્યારે પણ તેમણે ઝેર આપવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

એલેક્સી નવેલની પર 2017માં એન્ટિસેપ્ટિક રંગથી હુમલો થયા પછી તેમની જમણી આંખમાં ગંભીર રાસાયણિક બળતરા થઈ હતી.

ગયા વર્ષે તેમના ઍન્ટિ કરપ્શન ફાઉન્ડેશનને સત્તાવાર રીતે "વિદેશી એજન્ટ" જાહેર કરવામાં આવ્યું, જેનાથી અધિકારીઓ તેના પર વધારે તપાસ કરી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો