You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નિર્મલા સીતારમણ : JNUનાં વિદ્યાર્થિનીથી નાણામંત્રી બનવા સુધીની સફર
પાછલાં લગભગ સાત વર્ષથી દેશમાં નરેન્દ્ર મોદીના વડપણવાળી ભાજપ સરકાર છે. આ સમગ્ર વર્ષો દરમિયાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની સાથે જે ગણ્યાગાંઠ્યા મહત્ત્વપૂર્ણ રાજનેતાઓની સરકારમાં ભૂમિકા વિશે ચર્ચા થઈ છે. તે પૈકી એક નામ ભારતનાં નાણામંત્રી નિર્મલા સીતારમણનું પણ છે.
મોદી સરકારની પ્રથમ ઇનિંગમાં તેમણે પ્રથમ મહિલા સંરક્ષણમંત્રીનો પદભાર સંભાળી જેમ ઇતિહાસ રચ્યો હતો. કંઈક તેવું જ કારનામું તેમણે નરેન્દ્ર મોદીના વડપણવાળી બીજી સરકારમાં કરી બતાવ્યું. જ્યારે તેમના પર દેશનાં પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણામંત્રી તરીકેની પસંદગીનો કળશ ઢોળાયો.
2019માં બીજી વખત ભાજપ સત્તા પર આવ્યા બાદ સળંગ ત્રીજી વખત નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. આ પહેલાં આ નાણામંત્રીનો પદ પર વિરાજમાન થનાર પહેલા મહિલા હતાં દેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધી.
આજે આપણે નરેન્દ્ર મોદી સરકારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર નાણામંત્રી નિર્મલા સીતારમણ વિશે કેટલીક અજાણી વાતો જાણીશું.
મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ
યોરસ્ટોરી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર તેમનો જન્મ 18 ઑગસ્ટ, 1959ના રોજ તમિલનાડુના તિરુચિરાપલ્લીના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતા રેલવેમાં નોકરી કરતા હતા. તેથી તેમનું બાળપણ તમિલનાડુના વિવિધ વિસ્તારોમાં વિત્યું.
તેમણે પોતાનું પ્રારંભિક કૉલેજ શિક્ષણ સીથાલક્ષ્મી રામાસ્વામી કૉલેજમાંથી કર્યું, ત્યાર બાદ તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર તેમણે ‘ઇન્ડો-યુરોપિયન ટેક્સટાઇલ ટ્રેડ’ વિષય પર પીએચ. ડી. કર્યું.
લંડનમાં કરી કારકિર્દીની શરૂઆત
ઇન્ડિયા ટુડે ડોટ ઇનના એક અહેવાલ અનુસાર દિલ્હીમાં અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ મેળવતી વખતે તેઓ તેમના ભાવિ પતિ ડૉ. પરાકલા પ્રભાકરને મળ્યાં. જેમની સાથે તેમણે 1986માં લગ્ન કર્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લગ્ન બાદ આ યુગલ લંડન સ્થાયી થયું. જ્યાં તેમણે પ્રાઇસવૉટરહાઉસકૂપર્સ કંપનીમાં સિનિયર મૅનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
આ સિવાય તેઓ ઍગ્રિકલ્ચર એંજિનિયર્સ ઍસોસિયેશન, લંડન ખાતે ઇકૉનૉમિસ્ટના મદદનીશ તરીકે કાર્યરત્ રહ્યાં.
અહેવાલ અનુસાર તેઓ થોડા સમય સુધી બીબીસી વર્લ્ડ સર્વિસ સાથે પણ સંકળાયેલાં હતાં.
મહિલાઓના અવાજ અને ભાજપમાં પ્રવેશ
લંડનથી પાછા ફર્યા બાદ તેઓ હૈદરાબાદમાં સેન્ટર ફૉર પબ્લિક પૉલિસી સ્ટડિઝમા ડેપ્યુટી ડાયરેક્ટર પદે રહ્યાં. શિક્ષણ ક્ષેત્રે રસ હોવાના કારણે તેમણે હૈદરાબાદમાં ‘પર્ણવા’નામે સ્કૂલ સ્થાપી.
ભાજપમાં સામેલ થતાં પહેલાં તેઓ વર્ષ 2003-2005 સુધી રાષ્ટ્રીય મહિલાપંચના સભ્ય રહ્યાં. આ દરમિયાન તેઓ સ્ત્રીસશક્તિકરણ મામલે મુક્ત મને પોતાનો મત મૂકતાં હતાં.
વર્ષ 2006માં તેઓ ભાજપમાં સામેલ થયાં. તેઓ જલદી જ પક્ષનાં રાષ્ટ્રીય પ્રવક્તા બન્યાં. અને વિવિધ ચર્ચાઓમાં પાર્ટીના ફૅસ તરીકે ભાગ લઈ જલદી જ પ્રસિદ્ધ થઈ ગયાં. 2014માં
વર્ષ 2016થી તેઓ રાજ્યસભાનાં સાંસદ છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમને શરૂઆતમાં મિનિસ્ટ્રી ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના રાજ્ય કક્ષાનાં મંત્રી (સ્વતંત્ર પ્રભાર) નીમાયાં. ત્યાર બાદ તેમને સંરક્ષણમંત્રી નીમવામાં આવ્યાં. આ સાથે જ તેઓ આ પદ સંભાળનાર દેશનાં પ્રથમ મહિલા બન્યાં.
યોરસ્ટોરી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર સંરક્ષણમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાફેલ વિમાનની ખરીદી અંગે ભ્રષ્ટાચાર આચરાયા હોવાના આરોપ મૂકવામાં આવ્યા.
જોકે, તેમના કાર્યકાળ દરમિયાન ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાં ઇન્ડસ્ટ્રિયલ ડિફેન્સ કૉરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું, જે એક સિદ્ધિ માનવામાં આવે છે. આ સિવાય તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સંરક્ષણ ક્ષેત્રે ઘણા નીતિવિષયક મહત્ત્વના નિર્ણયો પણ લીધા હતા.
મોદી સરકારના બીજા કાર્યકાળમાં હાલ તેઓ નાણામંત્રીની સાથોસાથ કૉર્પોરેટ અફેર્સ મંત્રી તરીકેનો ચાર્જ પણ સંભાળી રહ્યાં છે.
તેઓ ફૉર્બ્સ દ્વારા 2019માં બહાર પડાયેલી વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં 41મા ક્રમે હતાં.
રફાલમાં ભ્રષ્ટાચારના આરોપો અને ટીકા
સંરક્ષણમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રફાલ યુદ્ધવિમાનની ખરીદી અંગે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ વિપક્ષ દ્વારા મૂકવામાં આવ્યો હતો. આ મુદ્દો એટલો ચર્ચામાં રહ્યો હતો કે તે છેક વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી સુધી એક રાજકીય મુદ્દા તરીકે જીવંત રહ્યો હતો.
આ સિવાય મોદી સરકારના બીજા કાર્યકાળમાં જ્યારે તેમને નાણામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી ત્યારે પણ તેમના કાર્યકાળમાં દેશના અર્થતંત્રની પરિસ્થિતિ વધુ બગડી હોવાના ટીકા થતી રહી છે.
નોંધનીય છે કે પાછલા બે વર્ષો કરતાં વધુ સમયથી ભારતની GDPના વૃદ્ધિદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેટલાક ટીકાકારો મોદી સરકારની નીતિઓ અને નાણામંત્રીની બિનકાર્યક્ષમતાને આ પરિસ્થિતિ માટે કારણભૂત ગણાવતા રહ્યા છે.
તેમજ વિપક્ષ દ્વારા સીતારમણના કાર્યકાળ દરમિયાન મોંઘવારી અનિયંત્રિત બની હોવાના પણ આરોપો પણ અવારનવાર મૂકવામાં આવ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો