You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રફાલ ડીલનો સમગ્ર વિવાદ શું છે : જાણો પાંચ મુદ્દામાં
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
શુક્રવારે લોકસભામાં રફાલનો વિવાદ છવાયેલો રહ્યો. અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ના અહેવાલને ટાંકીને વિપક્ષે મામલાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ(જેપીસી) પાસે કરાવવાની તથા વડા પ્રધાનના રાજીનામાની માગ કરી.
અખબારે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે સંરક્ષણ મંત્રાલય દ્વારા રફાલ વિમાનના સોદાને લઈને વાતચીત ચાલી રહી હતી એ વખતે જ વડા પ્રધાન કાર્યાલય પણ પોતાના તરફથી ફ્રૅન્ચ પક્ષ સાથે 'સમાંતર વાતચીત'માં લાગ્યું હતું.
અહીં રફાલ વિવાદ શો છે એ અંગે માહિતી રજૂ કરાઈ રહી છે, એ પણ માત્ર પાંચ મુદ્દામાં જ.
વિમાન ખરીદવા માટેનો પ્રસ્તાવ
વર્ષ 2007માં ભારતીય વાયુ સેનાએ સરકાર સમક્ષ મીડિયમ મલ્ટી-રૉલ કૉમ્બેટ ઍરક્રાફ્ટ(એમએમઆરસીએ) ખરીદવા માટે પ્રસ્તાવ મૂક્યો. જેને પગલે એ જ વર્ષે ભારત સરકારે કુલ 123 એમએમઆરસીએ ફાઇટર્સ ખરીદવા ટૅન્ડર્સ બહાર પાડ્યાં.
ફ્રૅન્ચ કંપની દાસૉ દ્વારા રફાલ માટે બિડ ભરાયું. રશિયન MIG-35 અને સ્વીડિશ Saab JAS-39 ગ્રિપન, અમેરિકન લૉકહીડ માર્ટીન દ્વારા F-16, બૉઇંગ F/A-18 સુપર હૉર્નેટ અને યુરોફાઇટર ટાઇફુન પણ આ દોડમાં સામેલ થયાં.
આખરે વર્ષ 2011માં ભારતીય વાયુ સેનાએ રફાલ અને યુરોફાઇટર્સ અંતિમ પંસદગી માટે અલગ તારવ્યાં. જે બાદ જાન્યુઆરી 30, 2012ના રોજ દાસૉ ઍવિએશને સૌથી સસ્તા ભાવે વિમાન વેચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.
શરત એવી રખાઈ કે 126 ફાઇટર જૅટ્સ લેવામાં આવશે. જેમાંથી 18 'ફ્લાય-અવૅ' સ્થિતિમાં મળશે. જ્યારે બાકીનાં 108 વિમાનોને હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિ.(એચએએલ) દાસૉની મદદથી મૅન્યુફૅક્ચર કરશે.
જોકે, એ વખતે ભારત અને ફ્રાન્સ વચ્ચે આ સોદાને લઈને કરારને અંતિમ ઓપ ન આપી શકાયો અને પ્રક્રિયા આગળ વધી શકી નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
મોદી સરકારનો પ્રવેશ
વર્ષ 2014માં પૂર્વ બહુમતી સાથે મોદી સરકારની રચના થઈ અને એ સાથે જ આ કરારમાં પણ મોદી સરકાર સીધી જ પ્રવેશી.
આ દરમિયાન 13 માર્ચ 2014ના રોજ એચએએલ અને દાસૉ ઍવિએશન વચ્ચે 108 વિમાનો બનાવવા માટે કાર્યવહેંચણીના કરાર થયા. બન્ને વચ્ચે અનુક્રમે 70:30નો રેશિયો નક્કી કરાયો.
એ જ વર્ષે ઑગસ્ટ મહિનામાં એ વખતના સંરક્ષણ પ્રધાન અરુણ જેટલીએ સંસદમાં જણાવ્યું કે 'ફ્લાય-અવૅ' સ્થિતિમાં 18 વિમાનો કરાર પર સહી કરતાં જ ત્રણ-ચાર વર્ષમાં મળી જશે. જ્યારે બાકીના વિમાનો આગામી સાત વર્ષ દરમિયાન મળશે.
જોકે, વર્ષ 2015માં એ વખતના વિદેશ સચિવે જણાવ્યું કે દાસૉ અને એચએએલ વચ્ચે વિસ્તૃત ચર્ચા ચાલી રહી છે. જે બાદ 10મી એપ્રિલે નવો સોદો જાહેર કરવામાં આવ્યો.
જે અનુસાર ફ્રાન્સમાંથી 36 વિમાનો 'ફ્લાય-અવૅ' સ્થિતિમાં મળવાની જાહેરાત કરાઈ. આગામી વર્ષે એટલે વર્ષ 2016માં 26 જાન્યુઆરીએ ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રફાલ વિમાનો મામલે એમઓયૂ પર હસ્તાક્ષર કરાયા.
વિવાદનાં મૂળ
એ જ વર્ષે 18મી નવેમ્બરે સરકારે સંસદને જણાવ્યું કે પ્રત્યેક રફાલ વિમાન લગભગ રૂ.670 કરોડના ખર્ચે પડશે અને તમામ વિમાનો એપ્રિલ 2022 સુધી મળી જશે.
જોકે, 31 ડિસેમ્બરે દાસૉ ઍવિએશનના વાર્ષિક અહેવાલમાં જણાવાયું કે 36 વિમાનોની કુલ કિંમત લગભગ રૂ. 60 હજાર કરોડ થાય છે. એટલે કે સરકારે સંસદમાં જાહેર કરેલી કિંમત કરતાં બમણી છે.
કૉંગ્રેસે દાવો કર્યો કે તેમણે 526.1 કરોડ રૂપિયામાં વિમાન ખરીદવાનો સોદો કર્યો હતો. જોકે, ભારત વિમાનમાં જે વિશેષતા ઇચ્છતું હતું તે નક્કી કરાયેલી સમયમર્યાદામાં પૂરી થઈ શકે એમ નહોતું.
એટલે યૂપીએ સરકાર વખતે ભારત અને ફ્રાન્સ વચ્ચે સોદા પર હસ્તાક્ષર કરી શકાયા નહોતા.
આ દરમિયાન ડિસેમ્બર 2015ના રોજ રિલાયન્સ ઍન્ટરટેઇનમેન્ટે ફ્રાંસના તત્કાલીન રાષ્ટ્રપતિ ઓલાંદનાં પાર્ટનર જૂલી ગયેટની ફિલ્મનાં પ્રૉડક્શનમાં 16 લાખ યૂરોનું રોકાણ કર્યું હતું.
ફ્રાન્સના સમાચારપત્ર મીડિયાપાર્ટના આધારે આ રોકાણ ફ્રાંસની એવી વ્યક્તિના 'ઇન્વેસ્ટમેન્ટ ફંડ'ના માધ્યમથી કરવામાં આવ્યું હતું કે જેઓ અંબાણીને છેલ્લાં 25 વર્ષોથી ઓળખતા હતા.
રિલાયન્સ પર શંકા?
જોકે, જૂલી ગયેટનાં પ્રોડક્શન રૉગ ઇન્ટરનેશનલે અનિલ અંબાણી કે રિલાયન્સના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવાની વાતને ફગાવી દીધી.
જાન્યુઆરી 2016: ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઓલાંદ ભારત આવ્યા. આ દરમિયાન તેમણે રફાલ વિમાન ખરીદવા માટે એક એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા.
24 જાન્યુઆરીના રોજ રિલાયન્સ ઍન્ટરટેઇનમેન્ટે પ્રેસ રિલીઝ જાહેર કરી. તેમાં ઇન્ડો-ફ્રૅન્ચ સંયુક્ત સાહસ 'nOmber one'ની જાહેરાત કરવામાં આવી.
એ જ વર્ષે સપ્ટેમ્બર 2016માં ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રફાલ વિમાન ખરીદવાના અંતિમ સોદા પર હસ્તાક્ષર કરાયા. વિમાનોની કિંમત 7.87 બિલિયન યૂરો રાખવામાં આવી (આશરે 59000 કરોડ રૂપિયા).
આ કરાર અનુસાર વિમાનોની ડિલીવરી સપ્ટેમ્બર 2018ની શરુઆતમાં મળવાની હતી.
3 ઓક્ટોબર 2016: અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ લિમિટેડ અને દાસૉ ઍવિએશને સંયુક્ત વેન્ચરની ઘોષણા કરી અને ફેબ્રુઆરી 2017માં એ સંયુક્ત સાહસ આકાર પામ્યું.
આરોપ-પ્રત્યારોપ
વર્ષ 2017માં કૉંગ્રેસે આરોપ લગાવ્યા કે મોદી સરકારે HALની અવગણના કરી અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીને સોદો અપાવ્યો.
તેના પર રિલાયન્સ ડિફેન્સ લિમિટેડના સીઈઓ રાજેશ ઢીંગરાએ સ્પષ્ટતા આપતા કહ્યું કે તેમની કંપનીને સંયુક્ત સાહસ કરાર દાસૉમાંથી મળ્યો હતો અને તેમાં સરકારની કોઈ ભૂમિકા ન હતી.
જોકે, એક વર્ષ બાદ એટલે કે સપ્ટેમ્બર 2018માં ફ્રેન્ચ પ્રકાશને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદનો ઇન્ટરવ્યૂ કર્યો.
જેમાં તેમણે જણાવ્યું કે ભારતીય ભાગીદારને પસંદ કરવા સિવાય તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો.
તેમણે એવો પણ દાવો કર્યો કે રિલાયન્સનું નામ ભારત તરફથી સૂચવવામાં આવ્યું હતું. જોકે, દાસૉએ જણાવ્યું કે રિલાયન્સને પસંદ કરવાનો નિર્ણય એનો પોતાનો હતો.
સોશિયલ મીડિયા પર છવાયું #ChowkidarHiChorHai
ધ હિંદુના અહેવાલ બાદ હોબાળો મચી ગયો અને વિપક્ષે શાસક પક્ષને ઘેરવાના તમામ પ્રયાસો કર્યા.
રિપોર્ટનો હવાલો આપતો કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, "ચોકીદારે રફાલ મામલે સુપ્રીમ કોર્ટ પાસે પુરાવા છૂપાવ્યા છે. તેમના કાંડનો કાચો ચિઠ્ઠો હવે દેશ જોઈ ચૂક્યો છે. જનતાની કોર્ટમાં હવે તેઓ બચી શકશે નહીં."
આ મામલે રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં પણ વડા પ્રધાન મોદી પર નિશાન સાઘ્યું હતું અને કહ્યું કે 'ચોકીદાર હી ચોર હૈ.'
રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપતા ભાજપ નેતા કિરણ ખેરે ટ્વીટ કર્યું, "ધ હિંદુના એડિટરની જાણ ખાતર તેઓ દસ્તાવેજનો મહત્ત્વનો ભાગ મેળવી શક્યા નથી કે જેમાં જવાબ આપવામાં આવ્યો હતો. એ ખૂબ દુઃખની વાત છે."
"પણ રાહુલ ગાંધી બાળકની જેમ કૂદી રહ્યા છે અને તથ્યોની ચકાસણી કર્યા વગર નિવેદનો આપી રહ્યા છે. શા માટે? રાહુલ, તમે ક્યારે મોટા થશો?"
નેતાઓની રસ્સાકસ્સી વચ્ચે ટ્વિટર યૂઝર્સ પણ પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
પ્રતિક પાટીલ નામના એક ટ્વિટર યૂઝર કહે છે કે ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે પ્રપોઝ ડે અને એક્સપૉઝ ડે એકસાથે આવ્યા છે.
સલમાન અનીસ નામના ટ્વિટર યૂઝર ટ્વીટ મારફતે વડા પ્રધાન મોદીને સવાલ પૂછે છે કે તેઓ પોતાના મિત્રની 30,000 કરોડની ડીલ રદ કરવાથી કેમ ડરેલા છે? શું તેમના માટે દેશની સુરક્ષા કરતા વધારે જરુરી ખાનગી સંબંધો છે?
સંજીવની નામનાં એક ટ્વિટર યૂઝર ટોણો મારતાં કહે છે, "આ સમાચાર પર વિશ્વાસ ન કરો. આપણા વડા પ્રધાને ચા વેચી. તેઓ ગરીબ માતાપિતાનાં દીકરા છે. તેમણે દેશ માટે પોતાનું ઘર છોડી દીધું."
કેટલાક લોકો એવા પણ છે કે જેમણે હિંદુના રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે.
તન્મય શંકર નામના એક ટ્વિટર યૂઝર સવાલ પૂછે છે, "આ સિલેક્ટિવ જર્નલિઝમનું વધું એક ઉદાહરણ છે. હિંદુએ શા માટે મનોહર પર્રિકરના જવાબ સાથે આખી નોટ છાપી નથી? શું આની પાછળ વિપક્ષ માટે કોઈ છુપાયેલો એજન્ડા છે?"
કશ્યપ રણવીર નામના એક ટ્વિટર યૂઝર કહે છે કે હવે આ દેશ ખોટા આરોપો સહન કરશે નહીં અને 2004ની ભૂલ ફરી કરવામાં નહીં આવે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો