You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું સરકાર શસ્ત્રોના સોદામાં ખાનગી કંપનીનું નામ સૂચવી શકે?
- લેેખક, નવીન નેગી
- પદ, બીબીસી સંવાદદાતા
શું રફાલ સોદો ભારતીય રાજનીતિમાં એક એવો જિન્ન બની ગયો છે જે કેન્દ્ર સરકારના તમામ પ્રયત્નો પછી પણ બાટલીમાં પૂરી શકાયો નથી.
આ સોદા સાથે જોડાયેલી કોઈ ને કોઈ એવી નવી વિગતો સામે આવતી જાય છે જેને લીધે કેન્દ્ર સરકાર સામે સતત મુશ્કેલ સવાલો ઊભા થઈ રહ્યા છે.
રફાલ સોદામાં કિંમતો વધવાનો મુદ્દો તો વિપક્ષ છેલ્લા ઘણાં મહિનાઓથી ઉઠાવી રહ્યો હતો, પરંતુ શુક્રવારે ફ્રાન્સના મીડિયામાં આવેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના નિવેદને આ આખા વિષય ઉપર 'સવાલ અને શક' પેદા કરી દીધાં.
ફ્રાન્સના મીડિયામાં દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદનું નિવેદન આવ્યું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રફાલ વિમાન બનાવવાના કરાર માટે 'ભારત સરકારે જ રિલાયન્સ ડિફેંસનું નામ સૂચવ્યું હતું અને ફ્રાંસની પાસે આ સંબંધમાં કોઈ વિકલ્પ નહોતો.'
આ મુદ્દે ભારતમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ. જ્યાં એક તરફ વિપક્ષ મોદી સરકાર ઉપર હુમલાખોર બની ગયો છે તો બીજી તરફ રક્ષા મંત્રાલય તરફથી પણ ખુલાસો રજુ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે 'ઓલાંદના નિવેદનની તપાસ કરવામાં આવશે.'
આ દરમિયાન ફ્રાંસની હાલની સરકાર તરફથી આ બાબતે એક નિવેદન આપવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું કે આ સોદામાં કઈ કંપનીની પસંદગી કરવામાં આવનારી હતી, એમાં 'ફ્રાંસ સરકારે કોઈ ભૂમિકા ભજવી નથી.'
ઓલાંદના નિવેદનમાં કેટલો દમ
ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદના નિવેદનને મુદ્દે જે હલચલ થઈ છે, તે કારણ વગરની નથી. જે સમયે રફાલ સોદો થયો એ સમયે ઓલાંદ જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ હતા.
વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષનનું માનીએ તો ઓલાંદનાં નિવેદનને નકારવું ભારત સરકાર માટે સહેલું નથી હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
રાધિકા કહે છે, "આ સોદો બંને દેશોની સરકારો વચ્ચે થયો હતો, તે સમયે ઓલાંદ જ ફ્રાંસના રાષ્ટ્રપતિ હતા તો તેમના કોઈ પણ નિવેદનને નકારવાનો સીધો મતલબ એ છે કે આપ કહો છો કે ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ સોદાને મુદ્દે સત્ય નથી કહી રહ્યા."
રાધિકા કહે છે કે કોઈ (ભૂતપૂર્વ) રાષ્ટ્રપતિના નિવેદનને સહેલાઈથી નકારી ન શકાય. જો ફક્ત કોઈ મીડિયા હાઉસે પોતાની તપાસને આધારે આ આરોપ મૂક્યો હોત તો કદાચ એક વખત માટે એને બાજુએ મૂકી દેવાઈ હોત, પરંતુ આ વાત રાષ્ટ્રપતિ પદ ઉપર રહેલા એક વ્યક્તિ કહી રહ્યા છે જે પોતે એ કરારમાં એક પક્ષકાર હતા.
રક્ષા બાબતોના નિષ્ણાંત અને પૉલીસી સ્ટડીઝના ડાયરેક્ટર ઉદય ભાસ્કર પણ કહે છે કે ઓલાંદના નિવેદનને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે.
તેઓ કહે છે, "ઓલાંદના નિવેદનથી આ સમગ્ર મુદ્દા ઉપર શંકા કરવાનું વધુ એક કારણ મળી ગયું છે. આ પહેલાં ભારત સરકાર કહી રહી હતી કે ફ્રાંસની કંપની દસોએ ખુદ રિલાયંસની પસંદગી કરી હતી જ્યારે ઓલાંદ તેનાથી ઉલટું જ કહી રહ્યા છે. હવે લાગે છે કે આ બાબતમાં અન્ય ઘણી છૂપી વાતો બહાર આવી શકે છે."
મોદી ઉપર કેટલી અસર
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં થયેલા રફાલ સોદા ઉપર કોંગ્રેસ પક્ષ શરૂઆતથી જ સવાલ ઉઠાવતો રહ્યો છે. ઓલાંદનાં નિવેદન પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને તીક્ષ્ણ સવાલો પૂછ્યા છે.
રાધિકા રામાશેષનનું મંતવ્ય છે કે કોંગ્રેસ માટે ગત પાંચ વર્ષમાં આ સૌથી મોટી તક છે જેના દ્વારા તેઓ મોદી સરકાર ઉપર ખુલીને હુમલા કરી શકે છે.
તેઓ કહે છે, "હજી સુધી મોદી સરકારની ખાસિયત એ હતી કે તેમના કાર્યકાળ ઉપર કોઈ પણ રીતે ભ્રષ્ટાચારના આરોપ મૂકાયા નહોતા, પરંતુ હવે કોંગ્રેસ પાર્ટીના હાથમાં રફાલ સોદા જેવો મુદ્દો આવી ગયો છે.”
“જોવાનું એ રહેશે કે જે રીતે ભાજપાએ કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો અને લોકોની સામે ભ્રષ્ટાચારના મુદ્દા મૂક્યા હતા, એ જ રીતે શું કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાને સળગાવી શકે છે કે નહીં."
બીજી તરફ ઉદય ભાસ્કર કહે છે, "રાજનીતિમાં ધારણાઓનો ખેલ ચાલે છે, છેલ્લા લાંબા અરસાથી રફાલ સોદા ઉપર સતત સવાલો ઉઠી રહ્યા છે. હવે ખુદ ફ્રાંસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું આ નિવેદન આવ્યું છે.”
“આ ધારણાઓ મોદી સરકાર માટે મુશ્કેલીઓ ઊભી કરી રહી છે. ભલે આગળ જતા સત્ય જે પણ ઉજાગર થાય પરંતુ આ મુદ્દાએ મોદી સરકાર વિશે એક રીતની ધારણા તો બનાવી જ દીધી છે."
બોફોર્સ વિરુદ્ધ રફાલ
કોંગ્રેસ પાર્ટી જયારે પણ મોદી સરકાર સાથે રફાલ સોદા સાથે જોડાયેલા સવાલો પૂછે છે ત્યારે જવાબમાં તેમની સામે પણ બોફોર્સ કૌભાંડ સાથે જોડાયેલા સવાલો ઉઠાવાય છે.
રાજીવ ગાંધી વડા પ્રધાન પદે હતા ત્યારે વર્ષ 1986માં ભારતે સ્વીડન સાથે લગભગ 400 બોફોર્સ તોપ ખરીદવાનો સોદો કર્યો હતો જેની કિંમત લગભગ એક અબજ ત્રીસ કરોડ ડૉલર હતી.
પછીથી આ સોદામાં છેતરપીંડી અને લાંચ લેવાયાના આરોપ મૂકાયા. આ બાબતે એટલું જોર પકડ્યું કે વર્ષ 1989માં રાજીવ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટી લોકસભાની ચૂંટણી હારી ગઈ.
રાધિકા રામાશેષન કહે છે, "એ દરમિયાન પણ સ્વીડિશ રેડિયોના એક અહેવાલે રાજીવ ગાંધી ઉપર સવાલો ઉઠાવ્યા હતા અને હવે ફ્રાન્સના મીડિયામાં તો ખુદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું નિવેદન પ્રકાશિત થયું છે.”
“આ સ્થિતિમાં આ મુદ્દો પણ ભાજપ માટે બોફોર્સ જેવો જ માથાનો દુ:ખાવો સાબિત થઈને રહેશે."
ઉદય ભાસ્કર પણ આ વાતની પુષ્ટિ કરે છે અને કહે છે કે બોફોર્સ કૌભાંડનાં આરોપ પણ ક્યારેય સાબિત થઈ શક્યા નહીં, પરંતુ તેને લીધે રાજીવ ગાંધીને પોતાની ખુરશી ગુમાવવી પડી. એ જ રીતે હવે રાફેલ સોદામાં મોદી સરકાર ઉપર સવાલો ઉઠી રહ્યાં છે.
તેઓ કહે છે, "બોફોર્સ વખતે ભાજપે બહુ જ હોબાળો મચાવીને આ મુદ્દો ઉઠાવ્યો હતો. એ જ રીતે હવે ચૂંટણી સમયે વિપક્ષ પાર્ટી અને મુખત્વે કોંગ્રેસ પણ મોદી સરકારને આ જ રીતે ઘેરવાનો પ્રયત્ન કરશે."
ભારત ફ્રાન્સ પાસેથી 36 વિમાન ખરીદી રહ્યું છે
રફાલ વિમાનોની ખરીદી માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે ગત વર્ષે સપ્ટેમ્બરમાં કરાર થયો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના અનુસાર બંને વચ્ચે આ કરાર 36 યુદ્ધ વિમાનો માટે થયો છે.
પહેલાં 18 વિમાનોનો સોદો થયો હતો પરંતુ હવે ભારત ફ્રાન્સ પાસેથી 36 વિમાન ખરીદશે.
જયારે યુદ્ધ વિમાનોની ખરીદી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે હરીફાઈમાં કુલ છ કંપનીઓનાં યુદ્ધ વિમાન હતાં. પણ એરફોર્સને રફાલ સૌથી બહેતર લાગ્યું.
આ દરમિયાન રફાલ વિમાન બનાવનારી ફ્રાન્સની કંપની દસો એવિએશને પણ આ સમગ્ર મુદ્દે એક નિવેદન કર્યું છે.
જેમાં કંપનીએ જણાવ્યું છે કે, ભારતથી સહયોગી કંપનીની પસંદગી તેમણે પોતે કરી હતી અને પોતાની પસંદને આધારે જ રિલાયન્સને પસંદ કરી હતી.
શું સરકાર કોઈ કંપનીનું નામ સૂચવી શકે?
દરમિયાન ડિફેંસ બાબતોના નિષ્ણાત સુશાંત સરીને શસ્ત્રોના સોદા વિશે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ મામલે આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે અને રાજકારણ પણ થઈ રહ્યું છે. ફ્રાંસના રાષ્ટ્રપતિએ જે ખુલાસો કર્યો એ ક્યા આધારે કર્યો તેના પુરાવા શું છે તે મહત્ત્વની બાબત છે."
"સરકાર જ્યારે સોદો કરતી હોય ત્યારે તેમાં 'ઓફસેટ પાર્ટનર્સ' (મુખ્ય કરાર સાથે જોડાયેલા અન્ય નાના કરાર માટે જરૂરી ભાગીદાર કંપનીઓ અથવા સંસ્થાઓ) સાથે સમજૂતીનો અવકાશ હોય છે.”
“જેનો આધાર સરકાર જે કંપની સાથે ડીલ કરી રહી હોય તેના પર આધાર રાખે છે."
શું સરકાર આ રીતે કોઈ ચોક્ક્સ કંપનીનું નામ સૂચવી શકે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, "આ ગેરકાયદેસર છે. પણ સરકારો કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે આવું કરતી હોય છે."
"પરંતુ 'ઓફસેટ પાર્ટનર્સ'ના મામલામાં અલગ વાત છે. હવે દેશમાં ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપીએ છીએ. નવી ટેકનિક અને નવીનીકરણ માટે તે જરૂરી પણ છે."
"હાલ સરકારનું સત્તાવાર વલણ છે કે, ફ્રાંસની કંપનીને ઓફસેટ કંપની સાથે સમજૂતી કરવાનો અધિકાર હોય છે સરકારની તેમાં કોઈ ભૂમિકા નથી."
"કોઈ દસ્તાવેજી પુરાવા હોવા જરૂરી છે. માત્ર આરોપ-પ્રત્યારોપથી કોઈ બાબત પુરવાર ન થાય. પણ જો ખરેખર ગેરરીતિ થઈ હોય તો તપાસ અને કાર્યવાહી થવી જોઈએ."
રફાલની ગુણવત્તા અને ડીલમાં બે કંપનીઓ વચ્ચે શું સમજૂતી થતી હોય છે તે મામલે તેમણે કહ્યું કે,"રફાલની ગુણવત્તા સારી છે. મારું માનવું છે કે, રાજકીય હેતુ સાધવા માટે સોદાને ઘોંચમાં નાખવામાં આવે એવું ન થવું જોઈએ."
"વળી પાર્ટનરશિપના નિયમ-શરતમાં માત્ર સોદાના કેટલા ભાગનો માલ બનશે તેજ નક્કી થાય છે. તેમાં કયા સાધનો બનશે તે નક્કી નથી થતું. બની શકે કે માત્ર સીટ કવર બનાવવાનો કરાર થયો હોય."
"ઓફસેટના ક્લૉઝમાં ઉપકરણો અને સામાનની બનાવટની સમજૂતી છે. આવા અન્ય કંપનીઓને પણ મળ્યા છે. ડિફેન્સ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કંઈક તો થવું જોઈએ."
"સૌથી મહત્ત્વની વાત એ છે કે, હજુ સુધી કોઈએ એક બાબત પુરવાર નથી કરી કે વિમાનની ખરીદ કિંમતમાં ઓવરપ્રાઇઝિંગ થયું છે કે નહીં."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો