You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘મેક ઇન ઇન્ડિયા’ને બાજુ પર મૂકીને કરાયો રફાલ સોદો?
લગભગ 60 મિનિટમાં દિલ્હીથી પાકિસ્તાનના ક્વેટા જઈને દિલ્હી પરત. આ છે રફાલ યુદ્ધવિમાનની સ્પીડ.
અત્યંત ગતિમાન રફાલ પ્લેનની ખરીદીના સોદામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગોબાચારી કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કર્યો છે.
ફ્રાંસ સાથે કરવામાં આવેલા રફાલ સોદાને રાહુલ ગાંધીએ મંગળવારે કૌભાંડ ગણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું હતું, "એક બિઝનેસમેનને લાભ કરાવવાના હેતુસર સોદામાં ફેરફાર કરાવવા માટે વડાપ્રધાન મોદી જાતે પેરિસ ગયા હતા."
રાહુલ ગાંધીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું, "પ્રત્યેક રફાલ જેટની કિંમત સંબંધે વડાપ્રધાન અને તેમના ભરોસાપાત્ર સાથીઓએ જે વાતચીત કરી હતી એ ગુપ્ત હોવાનું સંરક્ષણ પ્રધાને જણાવ્યું છે."
તમને આ પણ વાંચવું ગમશે
રાહુલ ગાંધીએ ટોણો માર્યો હતો, "રફાલની કિંમત બાબતે સંસદને જણાવવાની બાબત દેશની સલામતી માટે જોખમરૂપ છે અને એ બાબતે સવાલ કરનારાને રાષ્ટ્રવિરોધી ગણાવી દો."
કોંગ્રેસના સંસદસભ્ય એમ. વી. રાજીવ ગૌડાએ રાજ્યસભામાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણને રફાલ સોદાની કિંમત અને એ સોદા બાબતે અનેક સવાલ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના જવાબમાં નિર્મલા સિતારમણે જણાવ્યું હતું, "આર્ટિકલ 10 અનુસાર, સોદાની માહિતી ગુપ્ત રાખવામાં આવશે."
"ભારત અને ફ્રાંસ વચ્ચે 2008માં કરવામાં આવેલા ઇન્ટર ગવર્નમેન્ટ એગ્રીમેન્ટ અનુસાર આવું કરવામાં આવશે."
"રફાલનું ઉત્પાદન કરતી કંપની દાસ્સો (Dassault) સાથે મીડિયમ મલ્ટીરોલ કોમ્બેટ એરક્રાફ્ટ બાબતે કોઈ કરાર થયો નથી."
મોદી સરકારને કોંગ્રેસના સવાલ
નિર્મલા સિતારમણના ઉપરોક્ત જવાબ અને રાહુલ ગાંધીના આક્ષેપો બાદ કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સરકારને કેટલાક સવાલ કર્યા હતા.
1. "યુપીએ સરકારના શાસનકાળમાં એક રફાલની કિંમત 526 કરોડ રૂપિયા હતી, પણ મોદી સરકારે એક રફાલ 1570 કરોડ રૂપિયાની કિંમતે ખરીદ્યું હોવાનું સાંભળવા મળ્યું છે."
"તેનો અર્થ લગભગ ત્રણગણી વધારે કિંમત. આ વાત સાચી છે કે નહીં એ કોણ જણાવશે? આ નુકસાન માટે કોણ જવાબદાર છે?"
2. "ફ્રાંસ સાથે 2016માં જે કરાર થયો હતો એ પહેલાં રચવામાં આવેલી સંરક્ષણ વિશેની કેબિનેટ સમિતિની મંજૂરી શા માટે લેવામાં આવી ન હતી?"
"એ માટેની પ્રક્રિયાનું અનુસરણ શા માટે કરવામાં આવ્યું ન હતું? અહીં ભ્રષ્ટાચારનો કેસ નથી બનતો?"
3. "દેશને 126 વિમાનોની જરૂર હતી. નરેન્દ્ર મોદી ફ્રાંસ ગયા અને સંતરા ખરીદતા હોય તેમ રફાલ વિમાન ખરીદી લેવામાં આવ્યાં હતાં."
4. "સંરક્ષણ પ્રધાને 2017ના નવેમ્બરમાં જણાવ્યું હતું કે 36 રફાલની ખરીદી તાકીદના ધોરણે કરવામાં આવી હતી."
"જો આ વાત સાચી હોય તો કરાર થયાના આટલા મહિના બાદ પણ ભારતને એકેય રફાલ કેમ મળ્યું નથી?"
કોંગ્રેસના આ સવાલોનો કેન્દ્ર સરકારે કોઈ જવાબ અત્યાર સુધી આપ્યો નથી.
ક્યારે થયો હતો કરાર?
કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએની તત્કાલીન સરકારે 2010માં ફ્રાંસ સાથે રેફાલની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી હતી.
2012થી 2015 સુધી બન્ને દેશો વચ્ચે વાતચીત ચાલતી રહી હતી.
2014માં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર સત્તા પર આવી હતી.
ફ્રાંસ પાસેથી અંદાજે 59,000 કરોડ રૂપિયાના ખર્ચે 36 રફાલ વિમાનો ખરીદવાના કરાર પર ભારત સરકારે 2016ના સપ્ટેમ્બરમાં હસ્તાક્ષર કર્યા હતા.
નરેન્દ્ર મોદીએ 2016ના સપ્ટેમ્બરમાં કહ્યું હતું, "સંરક્ષણ સહકારના સંદર્ભમાં 36 રફાલ વિમાન ખરીદવાના સોદામાં ખુશીની વાત એ છે કે બન્ને દેશો વચ્ચે કેટલીક નાણાકીય બાબતો સિવાયના કરાર થયા છે."
સંરક્ષણ સંબંધી બાબતોના જાણકાર રાહુલ બેદીના જણાવ્યા અનુસાર, "પહેલાં ભારત 126 વિમાનો ખરીદવાનું હતું."
"ભારત 18 વિમાનો ખરીદશે અને બાકીનાં 18 વિમાનો બેંગલુરુસ્થિત હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(એચએએલ)માં એસેમ્બલ કરવામાં આવશે એવું નક્કી થયું હતું, પણ એ સોદો થઈ શક્યો ન હતો."
કરારની 59,000 કરોડ રૂપિયાની રકમ અનુસાર હિસાબ માંડીએ તો એક રફાલની કિંમત લગભગ 1,600 કરોડ રૂપિયા થાય.
આ રકમ કોંગ્રેસે જે રકમનો આક્ષેપ કર્યો છે તેની બહુ નજીક છે.
રફાલ સોદામાં અંબાણી કનેક્શન?
આ સોદામાં પારદર્શકતા સંબંધે મોદી સરકાર અત્યાર સુધી એવો દાવો કરતી રહી છે કે અમે રફાલની ઉત્પાદક કંપની દાસ્સો સાથે નહીં, સીધો ફ્રાંસ સરકાર સાથે કરાર કર્યો છે.
2016ના સપ્ટેમ્બરમાં આ કરાર થયો કે તરત જ એ બાબતે સરકારની ટીકા શરૂ થઈ હતી.
મોદી સરકાર 'મેક ઇન ઈન્ડિયા'નો જોરદાર પ્રચાર કરે છે, પણ આ સોદામાં ભારતની પ્લેન ઉત્પાદક એકમાત્ર કંપની એચએએલની અવગણના કરવામાં આવી હતી.
સંરક્ષણ સંબંધી બાબતોના જાણકાર અજય શુક્લાએ 2015ના એપ્રિલમાં જણાવ્યું હતું, "નરેન્દ્ર મોદી સાથે રિલાયન્સ (એડીએજી)ના વડા અનિલ અંબાણી અને તેમના ગ્રુપના અધિકારીઓ પણ ફ્રાંસ ગયા હતા."
"તેમણે રફાલની ઉત્પાદક કંપની સાથે વાતચીત પણ કરી હતી."
અજય શુક્લાએ 2015માં કરેલી વાતને રાહુલ ગાંધીના આક્ષેપ બાદ સીનિઅર વકીલ પ્રશાંત ભૂષણે આગળ વધારી હતી.
પ્રશાંત ભૂષણે મંગળવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું, "અંબાણીએ તેમની રિલાયન્સ ડિફેન્સનું 2015ના માર્ચમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું."
"તેના બે મહિનામાં તેમણે યુપીએ સરકાર દ્વારા 600 કરોડ રૂપિયાના દરે ખરીદવામાં આવનારા વિમાનને મોદી સરકાર દ્વારા 1500 કરોડ રૂપિયામાં ખરીદવાના સોદામાં પરિવર્તિત કરી નાખ્યો હતો."
"સરકારી કંપની એચએએલનું સ્થાન અંબાણીની કંપનીએ લીધું હતું, જેથી 58,000 કરોડ રૂપિયાની કેકમાંથી અડધો હિસ્સો મેળવી શકાય."
પ્રશાંત ભૂષણે તેમના દાવાના સમર્થનમાં કોર્પોરેટ મંત્રાલયની વેબસાઈટનો એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો.
ભારતને મળશે સૌથી મોંઘા રફાલ?
કેટલાક મીડિયા રિપોર્ટ્સની વાતોને સાચી માનીએ તો અન્ય દેશોની સરખામણીએ ભારત રફાલ માટે વધુ કિંમત ચૂકવી રહ્યું છે.
ડિફેન્સ વેબસાઈટ જેન્સના જણાવ્યા અનુસાર, 2015માં ભારત ઉપરાંત કતારે પણ ફ્રાંસ પાસેથી રફાલ ખરીદવાનો કરાર કર્યો હતો.
મૂળ કરાર અનુસાર, કતાર 24 રફાલ ખરીદવાનું હતું, પણ તેની સંખ્યા ગયા ડિસેમ્બરમાં વધારીને 36 કરવામાં આવી હતી.
એ માટે કતાર અને ફ્રાંસ વચ્ચે અંદાજે 7.02 અબજ ડોલરનો સોદો થયો હતો. તેમાં શસ્ત્રોની ખરીદીનો પણ સમાવેશ થાય છે.
સ્ટ્રેટેજી પેજના એક અહેવાલ અનુસાર, કતારને એક રફાલ 108 મિલિયન ડોલર એટલે કે અંદાજે 693 કરોડ રૂપિયાના ભાવે મળ્યું હતું.
તેનો અર્થ એ થયો કે આ રિપોર્ટ સાચો સાબિત થાય તો કતારે ચૂકવેલી કિંમત ભારતે એક રફાલ માટે ચૂકવેલી કથિત કિંમત કરતાં ઘણી વધારે છે.
રફાલ ફાઈટર પ્લેનની ખાસ વાતો
• રફાલ પ્લેન અણુ મિસાઇલ ડિલિવર કરવાની ક્ષમતા ધરાવે છે.
• 150 કિલોમીટરની રેન્જની અને 300 કિલોમીટરની રેન્જની મિસાઇલ ડિલિવર કરી શકે છે .
• વિશ્વનાં સૌથી વધુ સુવિધાજનક શસ્ત્રોના ઉપયોગની ક્ષમતા રફાલ ધરાવે છે.
• પાકિસ્તાન કે ચીન પાસે રફાલ જેવું વિમાન નથી.
• ભારતીય વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવાતા મિરાજ-2000 પ્લેનનું અત્યાધુનિક વર્ઝન છે રફાલ.
• ભારતીય વાયુસેના પાસે 51 મિરાજ-2000 પ્લેન છે.
• દાસ્સો એવિએશનના જણાવ્યા અનુસાર, રફાલ પ્રતિ કલાક 2020 કિલોમીટરની ઝડપે ઉડી શકે છે.
• 5.30 મીટર ઊંચાઈ અને 15.30 મીટર લંબાઈ ધરાવતાં રફાલ આકાશમાં ઉડતાં હોય ત્યારે પણ તેમાં ઈંધણ ભરી શકાય છે.
• અફઘાનિસ્તાન, લીબિયા, માલે, ઈરાક અને સીરિયા જેવા દેશોમાં થયેલી લડાઈઓમાં રફાલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો