દૃષ્ટિકોણ : LoC પર શા માટે ઘાતક રમત રમી રહ્યા છે ભારત-પાક.?

    • લેેખક, અજય શુક્લા
    • પદ, સંરક્ષણ બાબતોના જાણકાર, બીબીસી ગુજરાતી માટે

જમ્મુ અને કાશ્મીરના 776 કિલોમીટર વિસ્તાર માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ છે.

ત્યાં સરહદ નક્કી કરવામાં નથી આવી, એટલે તેને 'લાઇન ઑફ કંટ્રોલ' કે 'નિયંત્રણ રેખા' તરીકે ઓળખવામાં આવે છે.

દુનિયામાં કદાચ આ એકમાત્ર એવો વિસ્તાર છે કે જ્યાં ભારત અને પાકિસ્તાનના બે લાખથી વધુ સૈનિકો ખડકાયેલા છે.

ઊંચાઊંચા પહાડોની વચ્ચે રાયફલ, મશીનગનો, મોર્ટાર અને તોપખાના સાથે એકબીજા સામે ઊભા છે.

આ વિસ્તારમાં દુનિયામાં સૌથી વધુ સૈનિકો ખડકવામાં આવ્યા છે.

2003માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ વચ્ચે અલેખિત શાંતિ કરાર થયા હતા.

એ પહેલા અહીં સૈનિકો વચ્ચે ગોળીબાર અને આર્ટિલરીનો ઉપયોગ સામાન્ય બાબત હતી.

કથિત શાંતિ કરાર અમલમાં આવ્યા, ત્યારથી જ તેની વિરુદ્ધમાં વાતાવરણ હતું.

વર્ષ 2013 પછીથી બંને પક્ષોએ નિયંત્રણ રેખા પર ઘાતક ખેલ હાથ ધર્યો છે.

ટ્રૉફી મેળવવા માટે દુશ્મન દેશના સૈનિકોને મારી નાખવાની અને તેમના શરીરના ટુકડે-ટુકડા કરવાની પ્રવૃત્તિમાં જોડાઈ ગયા છે.

આરોપ-પ્રતિઆરોપ

ભારતનો આરોપ છે કે પાકિસ્તાની સૈનિકો ભાગલાવાદી કાશ્મીરીઓ તથા પાકિસ્તાની ઉગ્રપંથીઓને સરહદ પારથી ઘૂસણખોરી કરાવવા માટે સંઘર્ષ વિરામનો ભંગ કરે છે.

ભારતનો દાવો છે કે કાશ્મીરી ભાગલાવાદીઓને પાકિસ્તાનના રસ્તે ભારતમાં ઘૂસણખોરી કરાવવામાં આવે છે.

પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ઉગ્રપંથીઓને હથિયાર ચલાવવાની તાલીમ આપવામાં આવે છે.

બાદમાં ભારતીય સુરક્ષા બળો સાથે લડવા માટે આ ઉગ્રપંથીઓને કાશ્મીર મોકલવામાં આવે છે.

ઘૂસણખોરી કરાવવામાં સરળતા રહે તે માટે પાકિસ્તાની સૈનિકો દ્વારા ભારતીય ચોકીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કરાવવામાં આવે છે.

અફરાતફરીની આડમાં ઉગ્રપંથીઓની નાનીનાની ટૂકડીઓ 'નો મેન્સ લેન્ડ' પાર કરીને ભારતીય સરહદમાં ઘૂસી આવે છે.

ભારતીય સેનાના કહેવા પ્રમાણે, વર્ષ 2017માં પાકિસ્તાને 860 વખત સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો.

નવેમ્બર 2003 બાદ સૌથી વધુ વખત સંઘર્ષ વિરામનો ભંગ ગત વર્ષે થયો હતો.

ભારતના સત્તાવાર આંકડાઓ પ્રમાણે, સંઘર્ષ વિરામની ઘટનાઓ 2016 (449 વખત)થી લગભગ બમણી છે.

વર્ષ 2015માં 405 વખત સંઘર્ષ વિરામનો ભંગ થયો હતો. 2018માં પણ ગોળીબાર અને સંઘર્ષ વિરામ ભંગની ઘટનાઓ ચાલુ જ છે.

પાકિસ્તાન આથી વિપરીત દાવો કરે છે. તે સંઘર્ષ વિરામ ભંગની ઘટનાઓ માટે ભારતીય સૈનિકોને જવાબદાર ઠેરવે છે.

પાકિસ્તાનનો દાવો છે કે ભારતીય સૈનિકોએ ગત વર્ષે 1900થી વધુ વખત સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો.

પાકિસ્તાનનો દાવો છે કે, ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં 75થી વધુ વખત સંઘર્ષ વિરામ ભંગની ઘટનાઓ ઘટી હતી.

આ પ્રકારના આરોપ-પ્રતિઆરોપને કારણે, સંઘર્ષ વિરામ માટે ખરેખર કોણ જવાબદાર છે, તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે.

અકારણ ગોળીબાર

જ્યારે પણ નિયંત્રણ રેખા પર ગોળીબાર થાય ત્યારે ભારત અને પાકિસ્તાન નિવેદન આપે છે કે દુશ્મન રાષ્ટ્રે અકારણ ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં તેના સૈનિકોએ ગોળીબાર કકરવો પડ્યો.

કારણ કે કોઈ નિષ્પક્ષ નિરીક્ષકો નિયંત્રણ રેખા પર નજર નથી રાખતા.

(ભારત અને પાકિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રના સૈન્ય નિરીક્ષકોનો સમૂહ ક્યારેક જ નિયંત્રણ રેખાની મુલાકાત લે છે.) એટલે આ પ્રકારના દાવાઓની સત્યતા નક્કી કરવી મુશ્કેલ બની જાય છે.

12મી જાન્યુઆરીએ ભારતના સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે સ્વીકાર્યું હતું:

"આતંકવાદીઓને મદદ કરતા પાકિસ્તાની સૈનિકોને દંડિત કરવા માટે ભારતીય સૈનિકો દ્વારા સંઘર્ષ વિરામનો ભંગ કરવામાં આવે છે અને પાકિસ્તાની ચોકીઓને નુકસાન પહોંચાડે છે."

જનરલ રાવતે પત્રકારોને કહ્યું, "અગાઉ અમે માત્ર નિયંત્રણ રેખા પર ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને જ ટાર્ગેટ બનાવતા હતા.

""પરંતુ આ આતંકવાદીઓ પાકિસ્તાન માટે કામ કરે છે. ઘૂસણખોરીને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનને પીડા આપવી જરૂરી છે.

"અમે પાકિસ્તાની ચોકીઓને પણ ટાર્ગેટ કરીએ છીએ.

"હું આપને ખાતરીપૂર્વક કહી શકું કે નિયંત્રણ રેખા પર સામસામેના ગોળીબારમાં ભારત કરતાં પાકિસ્તાનને ત્રણથી ચાર ગણું નુકસાન પહોંચ્યું છે.

"એટલે જ પાકિસ્તાન વારંવાર આપણને આગ્રહ કરી રહ્યું છે કે, સંઘર્ષ વિરામને 2003ના સ્તર પર પર લાવવામાં આવે."

ભારતના ભારે પ્રતિકારને કારણે સરહદ પર અથડામણો અટકી જાય, તેની બહુ થોડી શક્યતા છે.

જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પાકિસ્તાને ભારત સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો કે, નિયંત્રણ રેખા પર સામસામેના ગોળીબારને અટકાવવા માટે બંને દેશોના ડીજીએમઓ (ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ)ની બેઠક થવી જોઈએ.

જોકે, ભારતે આ પ્રસ્તાવને નકારી દીધો હતો.

બંને રાષ્ટ્રોના ડીજીએમઓ લગભગ દર અઠવાડિયે હૉટલાઇન પર વાતચીત કરે છે, પરંતુ તેમાં ગંભીર સમસ્યાઓને ઉકેલવા તરફ બહુ થોડું ધ્યાન આપવામાં આવે છે.

છેલ્લે વર્ષ 2013માં ક્રિસમસના આગલા દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ સ્તરની વાતચીત થઈ હતી.

બંને રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષ વિરામ ભંગની અનેક ઘટનાઓ તથા પાકિસ્તાની સૈનિકો દ્વારા સાત ભારતીય સૈનિકોની હત્યા અને તેમના પાર્થિવ દેહોને ક્ષતવિક્ષત કર્યા, તે પછી એ બેઠક મળી હતી.

ભારતની શરત

આ વખતે ભારતના સેનાધ્યક્ષે શરત મૂકી છ કે, પાકિસ્તાન દ્વારા ઘૂસણખોરીને પ્રોત્સાહન આપવાનું બંધ કરવામાં આવશે તો જ શાંતિ સ્થાપી શકાશે.

જનરલ રાવતે કહ્યું, "જો અમને લાગશે કે નિયંત્રણ રેખા પર ઘૂસણખોરી ઘટી છે તોજ અમે સંઘર્ષ વિરામ કરીશું, તે પહેલા નહીં."

પાકિસ્તાન દ્વારા કાશ્મીરમાં ઘૂસણખોરીને સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવશે, તેની બહુ થોડી શક્યતા છે. આથી, નિયંત્રણ રેખા પર નાની મોટી અથડામણો થતી રહે છે.

દાયકાઓથી બંને દેશની સેનાઓ એ એક બાબત સારી રીતે શીખી લીધી છે કે નાની-મોટી અથડામણોને મોટા યુદ્ધમાં પરિવર્તિત કર્યા વિના નાના-નાના વિજયની ઉજવણી કરવી.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે અત્યારસુધીમાં ત્રણ યુદ્ધ અને એક મર્યાદિત સ્તર પર યુદ્ધ થયા છે.

1971ના યુદ્ધ બાદ બંને દેશોએ ઔપચારિક રીતે 'સંઘર્ષ વિરામ રેખા'નો 'નિયંત્રણ રેખા' તરીકે સ્વીકાર કર્યો.

પરંતુ આ નિયંત્રણ રેખા પર ક્યારેય પૂર્ણપણે શાંતિ નથી સ્થાપી શકાઈ.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો