You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક અનોખો દ્વીપ, જેની માલિકી દર છ મહિને બદલાય છે
ગુરૂવારે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ ફ્રાંસે એકદમ શાંતિથી લગભગ 3,000 ચોરસ ફૂટ જમીન સ્પેનને સોંપી દીધી હતી. સ્પેન છ મહિના પછી એ જમીન ફ્રાંસને પાછી આપી દેશે.
ટાપુની વહેંચણીની છેલ્લા 350 વર્ષથી ચાલતી રહેલી પરંપરા મુજબની આ ઘટનાની માહિતી મેળવવા માટે ક્રિસ બ્રોકમેને દ્વીપનો પ્રવાસ કર્યો હતો.
હેન્ડેઈનો બાસ્ક બીચ રિસોર્ટ સ્પેનની સીમા પરનું છેલ્લું શહેર છે.
તેની વર્તુળાકાર રેતીલી ખાડી પર સેંકડો સીલ માછલીઓએ અડિંગો જમાવ્યો હોય એવું લાગે છે, પરંતુ ઝીણવટપૂર્વક નિહાળવાથી સમજાય છે કે એ સમુદ્રની સપાટી પર તરતા સર્ફર્સ છે.
અહીં એક મોટા ડેમ પછી સ્પેનનું ઐતિહાસિક શહેર હોન્ડારિબિયા અને વિશાલ ઈરુન આવેલાં છે, જ્યાં બિદાસો નદી સ્પેન તથા ફ્રાંસને અલગ કરે છે.
નદી વચ્ચે આવેલો છે દ્વીપ
એ છેડાની ઉપરના ભાગમાં આગળ વધીએ ત્યારે દૃશ્યો બદલાતાં જાય છે, પણ ફેસેંસ દ્વીપને શોધવાનું મુશ્કેલ છે, કારણ કે કોઈને એ વિશે પૂછીએ તો લોકો સામો સવાલ કરે છે કે તમારે ત્યાં શા માટે જવું છે?
લોકો ચેતવણી આપે છે કે ત્યાં કંઈ નથી. તમે ત્યાં જઈ શકો નહીં. એ દ્વીપ મોંટ સેંટ મિશેલની માફક પર્યટનનું કોઈ સ્થળ નથી.
વાસ્તવમાં એ નદીની વચ્ચોવચ્ચ વૃક્ષો તથા ઘાસથી હર્યોભર્યો એક દુર્ગમ શાંત દ્વીપ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1659માં બનેલી ઉલ્લેખનીય ઐતિહાસિક ઘટનાના પ્રતિકસમું સ્મારક પણ અહીં છે.
એક લાંબા યુદ્ધ પછી સ્પેન અને ફ્રાંસે લગભગ ત્રણ મહિના સુધી આ દ્વીપ બાબતે મંત્રણા કરી હતી, કારણ કે દ્વીપના વિસ્તારને તટસ્થ ક્ષેત્ર ગણવામાં આવતો હતો.
બન્ને બાજુઓ પર લાકડાના પૂલ બનાવવામાં આવ્યા હતા. બન્ને બાજુઓ પર સૈન્યો ઊભાં હતાં.
એ મંત્રણા દરમ્યાન શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેને પાઈનીસ સંધિ કહેવામાં આવે છે.
આ ક્ષેત્રની અદલાબદલી કરવામાં આવી હતી અને સીમા નક્કી કરવામાં આવી હતી.
ફ્રાંસના કિંગ લુઈસ 14માએ સ્પેનના કિંગ ફિલિપ ચોથાની દીકરી સાથે શાહી લગ્ન કર્યાં હતાં અને એ સાથે આ સંધિ પૂર્ણ થઈ હતી.
એક અન્ય વિવરણ અનુસાર, આ દ્વીપને બન્ને દેશો છ-છ મહિના શેર કરે છે. પહેલી ફેબ્રુઆરીથી 31 જુલાઈ સુધી તે સ્પેન પાસે રહે છે, જ્યારે બાકીના છ મહિના ફ્રાંસ પાસે.
આ વ્યવસ્થાને સંયુક્ત શાસન કહેવાય છે અને ફેંસેસ દ્વીપ પર આ બહુ જૂની પરંપરા છે.
સ્પેનના સેન સેબેસ્ટિયનના નૌકાદળના કમાન્ડર અને ફ્રાંસના તેમના સમકક્ષ અધિકારી આ દ્વીપના રાજ્યપાલ કે વાઇસરોયના સ્વરૂપમાં કામ કરે છે.
તેમની પાસે એ ઉપરાંત પણ ઘણાં મોટાં કામ હોય છે. તેથી ઈરુન અને હેંડેઈ પર તેની દેખભાળની જવાબદારી હોય છે.
ઐતિહાસિક મહત્વમાં વૃદ્ધોને જ રસ
અહીંની નદીમાં પાણીનો પ્રવાહ વધતો-ઘટતો રહે છે. ઘણીવાર તો પગપાળા ચાલીને સ્પેન પહોંચી શકાય છે.
આ દ્વીપ બહુ નાનો એટલે કે 200 મીટર લાંબો અને 40 મીટર પહોળો છે.
લોકોને અહીંનો વારસો જોવાની તક બહુ ઓછી મળે છે, પણ અહીં રહેતા બેનોઈટ ઉગાર્તેમેંદિયા કહે છે, તેમાં માત્ર વૃદ્ધોને રસ હોય છે. તેના ઐતિહાસિક મહત્વની યુવાનોને ખબર નથી.
આજે ભારે ટ્રાફિકને છોડીને ફ્રાંસથી સ્પેન જવાનું સહજ યાત્રાની અનુભૂતિ જેવું બની રહે છે, પણ ફ્રેંકોની તાનાશાહીના સમયમાં આ સીમા પર કડક ચોકીપહેરો રાખવામાં આવતો હતો.
હેંડેઈના મેયર કોટે ઈસેનેરોએ જણાવ્યું હતું કે આ દ્વીપની સમાંતરે નદીના કિનારે દરેક 100 મીટરના અંતરે સામેની બાજુ પરથી લોકોને આવતા રોકવા માટે સૈનિકોને ઊભા રાખવામાં આવતા હતા.
પાણી અને માછલી પકડવાના અધિકાર બાબતે મંત્રણા કરવા ઈરુન અને હેંદેઈના મેયરો વર્ષમાં સંખ્યાબંધ બેઠકો યોજે છે.
આ દ્વીપનો કિનારો સાંકડો થતો જાય છે. પાછલી કેટલીક સદીઓમાં એ ઘટીને લગભગ અડધો થઈ ગયો છે, પણ બન્નેમાંથી એકેય દેશ તેને બચાવવા માટે પૈસા ખર્ચવા તૈયાર નથી.
આ વર્ષે હસ્તાંતરણ માટે કોઈ સમારંભનું આયોજન નહીં થાય, પણ ઓગસ્ટમાં સ્પેન આ દ્વીપ ફરી ફ્રાંસને હવાલે કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો