You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'રાષ્ટ્રપતિના અભિભાષણ પછીના પીએમના ભાષણો આવા નથી હોતા'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.
સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણના આભાર પ્રસ્તાવની ચર્ચામાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા.
આ ભાષણ દરમિયાન સદનમાં 'જુમલેબાજી નહીં ચલેગી', 'મેચ ફિક્સિંગ બંધ કરો' અને 'જૂઠે ભાષણ બંધ કરો' જેવા નારા ગૂંજતા રહ્યા.
તેમણે કહ્યું કે કોંગ્રેસમુક્ત ભારત મહાત્મા ગાંધીનો વિચાર છે. આથી ભાજપને ગાંધીનું ભારત જોઈએ છે.
આ ઉપરાંત ભાજપ પર ઉઠાવાતા સવાલો પર કહ્યું કે વિપક્ષ ભાજપ વિશે ખરાબ વાતો કરતા કરતા ભારતની ખરાબ વાત કરી નાખે છે. શું કટોકટી અને અખબારની પ્રેસ પર રોક લગાવવાવાળું ભારત જોઈએ છે?
કોંગ્રેસ પર વિવિધ યોજનાઓ મામલે શ્રેય લેવા અંગે પણ તેમણે પ્રહાર કર્યા હતા.
તમને આ વાંચવું પણ ગમશે:
વરિષ્ઠ પત્રકાર નિરજા ચૌધરીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "વડાપ્રધાને એમના ભાષણમાં જે જે મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો એનાથી એવું લાગ્યું જાણે કે આપણે ઇલેક્શન મોડમાં આવી ગયા છીએ."
તેઓ કહે છે કે પીએમનું આજે સંસદમાં ભાષણ એક રીતે ચૂંટણી માટેના ભાષણોની શરૂઆત હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિરજા ચૌધરી આગળ જણાવે છે, "રાહુલ બનામ મોદી વચ્ચેની ફાઇટ ખૂબ જ રસપ્રદ હશે.
પીએમ પહેલાં પણ અવાર નવાર કોંગ્રેસ વિરુદ્ધ બોલતા જ રહ્યા છે.
આ વિશે નિરજા કહે છે, ''આજે પીએમ સંસદમાં બોલ્યા. આક્રમક રીતે બોલ્યા. પહેલાથી વધારે વ્યક્તિગત રીતે પ્રહારો કર્યા. મોટાભાગે રાષ્ટ્રપતિના અભિભાષણ પછીના પીએમના ભાષણો આવા નથી હોતા.''
નિરજા આગળ કહે છે કે પીએમએ કોંગ્રેસની એક એક ખામીઓને ઉજાગર કરી.
ગુજરાત અને રાજસ્થાનના વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી એટલું તો નક્કી છે કે એનડીએ સામે જીતવું આસાન નહી હોય. તેમની સામે પડકારો ઘણા છે.
એવામાં હિંદુત્ત્વ પર જોર મૂકશે કે નહીં તેના જવાબમાં તેમણે જણાવ્યું કે ભાજપ ગોટાળા ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે. સાથે જ હિંદુત્ત્વ પર ભાર મૂકશે.
રાજનૈતિક પ્રતિક્રિયાઓ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ જનતાને જવાબ આપવાને બદલે કોંગ્રેસ પર વાકપ્રહારો કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે આ એનડીએની સરકાર છે. પીએમ મોદીજી છે. કદાચ તેઓ ભૂલી ગયા છે કે તેઓ દેશના પીએમ છે, વિપક્ષના નહીં.
રાહુલે એ પણ કહ્યું કે તમે કોંગ્રેસ વિશે વાત કરો પણ આ તેના માટેની જગ્યા નથી. અહીં તમારે દેશને જવાબ આપવાનો હોય છે.
કોંગ્રેસ નેતા શશિ થરૂરે પીએમના ભાષણ પર પ્રતિક્રિયા આપતા ફરી એક વખત 'ફારાગો' શબ્દનો પ્રયોગ કર્યો.
તેમણે કહ્યું કે બની શકે કે પીએમ એક શાનદાર વક્તા હશે પણ તેમનું આ ભાષણ ગુમરાહ કરવાવાળું અને અડધું સત્ય છે જે લોકોને કન્ફ્યૂઝ કરશે.
મોદીએ શું કહ્યું રાજ્યસભામાં?
તેમણે કહ્યું કે બેરોજગારી અને કારખાનાઓ બંધ થઈ ગયા તો તેનો પણ શ્રેય કેમ નથી લેતા?
"અમને ગેમચેન્જર નહીં પણ નેમચેન્જર તરીકે ટીકા કરવામાં આવે છે, પણ અમે એઇમ ચેન્જર છીએ"
તેમણે તેમની સરકારની યોજનાઓની વાત કરી. તેમણે આગળ કહ્યું કે કેટલીક યોજનાઓના તો શિલાન્યાસ થયા હતા પણ કાગળ પર યોજના હતી.
તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ભાષણ પર પણ પ્રતિક્રિયા આપી.
તેમણે સરદાર પટેલને લઈ વિપક્ષે ઉઠાવેલા સવાલ પર કહ્યું કે સરદાર અને બાબા સાહેબને 'ભારત રત્ન' આપવામાં સમય કેમ લાગ્યો?
તેમણે સ્વચ્છ ભારત ,જનધન, મેક ઇન ઇન્ડિયા, સર્જિકલ સ્ટ્રાઇક, ઓબીસી કમિશન, ટ્રિપલ તલાક વાત કરી હતી.
મોદીએ શું કહ્યું લોકસભામાં?
નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું હતું, "કોંગ્રેસે ચૂંટણીમાં ફાયદો લેવા માટે ભારતમાતાના ટુકડા કર્યા હતા. તમે દેશના ટુકડા કર્યા હતા. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંસદના દરવાજા બંધ કરીને દેશનું વિભાજન કર્યું હતું."
વડાપ્રધાન આંધ્ર પ્રદેશના વિભાજન સંબંધે કોંગ્રેસની ટીકા કરી રહ્યા હતા, જેનો વિપક્ષે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી એ વખતે ગૃહમાં હાજર હતા.
'મેચ ફિક્સિંગ બંધ કરો' અને 'જુમલેબાજી નહીં ચલેગી' એવી નારાબાજી ગૃહમાં ચાલતી રહી હતી.
વિરોધ પક્ષની નારાબાજી વચ્ચે વડાપ્રધાને બોલવાનું ચાલુ રાખ્યું હતું.
વડાપ્રધાને કહ્યું હતું, "વિરોધ કરવા ખાતર વિરોધ ન કરો. મારા અવાજને દબાવી નહીં શકો."
વડાપ્રધાનના ભાષણના ખાસ અંશ
- સરદાર પટેલ દેશના પહેલા વડાપ્રધાન બન્યા હોત તો મારા કાશ્મીરનો હિસ્સો પાકિસ્તાન પાસે ન હોત. આખું કાશ્મીર આપણું હોત. સરદાર પટેલ સાથે અન્યાય થયો હતો.
- કોંગ્રેસ પોતાના શાસનના વખાણ કરે છે. રેડિયો પર તમારાં ગીતો ગાવામાં આવતાં હતાં. કોંગ્રેસી નેતાઓએ એક જ પક્ષનાં ગીતો ગાયાં છે.
- લોકતંત્ર નેહરુ અને કોંગ્રેસની દેન નથી. એ ભારતમાં સદીઓથી છે.
- લિચ્છવી સામ્રાજ્યના સમયમાં 2500 વર્ષ પહેલાં પણ લોકતંત્રની વ્યવસ્થા હતી. સહમતિ, અસહમતિ બધું હતું.
- લોકતંત્રની વાતો તમે લોકો કરો છો. રાજીવ ગાંધીએ એક દલિત મુખ્ય પ્રધાનનું અપમાન કર્યું હતું. દલિત મુખ્ય પ્રધાનના અપમાન બાદ તેલુગુ દેસમ પાર્ટીનું સર્જન થયું હતું.
- તમે તમારા પરિવારને જ લોકતંત્ર ગણો છો. ઔરંગઝેબ, શાહજહાંની વાતો કરવાવાળા લોકો લોકતંત્રની વાતો કરે છે.
- અમે પણ તેલંગાણાની રચનાની તરફેણ કરતા હતા, પણ ચૂંટણીની ઊતાવળમાં તમારી એ હરકતને કારણે આજે પણ સમસ્યાઓ યથાવત છે.
- ગઈ કાલે (કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન) ખડગેએ બશીર બદ્રનો શેર કહ્યો હતોઃ દુશ્મની જમકર કરો લેકિન યે ગુંજાઈશ રહે કી, જબ હમ દોસ્ત હો જાએં તો શર્મિંદગી ન હો. તમે કહેલો શેર (કર્ણાટકના મુખ્ય પ્રધાન) સિદ્ધારમૈયાએ સાંભળ્યો હશે એવી મને આશા છે.
- ખડગે સાહેબે બશીર બદ્રની ગઝલની શરૂઆતની બે લાઈનો વાંચી હોત તો વધારે સારું થાત. એ બે લાઈનોમાં બશીરે કહ્યું હતુઃ જી ચાહતા હૈ સચ બોલેં-ક્યા કરેં હોંસલા નહીં હોતા.
- તમારા પક્ષના નેતાઓ પત્રકાર પરિષદ યોજે છે અને તમારી કેબિનેટના આદેશોને ફાડી નાખે છે. તમે લોકતંત્રની વાતો કરો છો.
શું છે સોશિયલ મીડિયા પર ચર્ચા?
પત્રકાર રાજદીપ સરદેસાઈએ વડાપ્રધાનના ભાષણ વિશે ટ્વીટમાં કહ્યું કે સંસદમાં આ રીતે બૂમો પાડવામાં આવે તે યોગ્ય નથી.
ઘોષસ્પોટ નામના યુઝરે ટ્વીટ કરતા કહ્યું હતું કે સત્તામાં આવ્યા બાદ ભાજપ પર અહંકારી થઈ ગયો હોવાના આક્ષેપ થઈ શકે, પરંતુ કોંગ્રેસ એ રીતે વર્તે છે કે જાણે તે સત્તામાં આવી ગયો હોય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો