રાહુલ ગાંધી: રફાલ ડીલ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રાલય ખોટું બોલ્યા

શુક્રવારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં તેમણે રફાલ ડીલ માટે મોદી કાર્યાલયે સમાંતર વાટાઘાટો કરી હોવાનો દાવો કર્યો હતો.

અંગ્રેજી અખબાર હિંદુના અહેવાલને આધાર બનાવતા ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન કાર્યાલય દ્વારા કરવામાં આવેલી વાટાઘાટોને કારણે ભાવતાલ કરવાની ભારતની સ્થિતિ નબળી પડી હતી.

ગાંધીએ પાર્ટીના કોઈપણ નેતા સામે તપાસ કરાવવાની પણ તૈયારી દાખવી હતી.

આ પહેલાં લોકસભામાં અંતિમ ભાષણ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું 55 વર્ષ દરમિયાન એક પણ સંરક્ષણ સોદો દલાલી વગર થયો ન હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

'ચોકીદાર ચોર છે'

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદના મુખ્ય મુદ્દા:

  • જો આ કૉર્પોરેટ વૉર (હરીફ કંપનીઓ વચ્ચેનો આંતરિક વિખવાદ) છે એમ પૂછતા હો તો મોદી અનિલ અંબાણીનું હિત કરાવવા ઇચ્છા હતા.
  • અગાઉ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઓલાંદ પણ કહી ચૂક્યા છે કે અનિલ અંબાણીની કંપનીને રૂ. 30 હજાર કરોડનો લાભ પહોંચાડવા માટે તેમની ઉપર દબાણ હતું. એટલે જ ભારતની સરકારી કંપની હિંદુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડને બાજુએ કરવામાં આવી હતી.
  • રૉબર્ટ વાડ્રા (રાહુલ ગાંધીનાં બહેન પ્રિયંકાના પતિ), પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ, જેની સામે કાયદેસરની તપાસ કરાવવા ઇચ્છતા હો, કરાવો. પરંતુ આ આરોપોની પણ તપાસ થાય.
  • તમે મારો ચહેરો જુઓ અ મોદીનો, તમને ખબર પડી જશે કે કોણ ભયભીત છે? હું કે મોદી.
  • સંરક્ષણ મંત્રાલયના અધિકારી કહે છે કે મોદીના કાર્યાલયે સમાંતર ચર્ચા કરી એટલે વાટાઘાટો કરવાની ભારતની ક્ષમતાને નકારાત્મક અસર પહોંચી. જો આ દસ્તાવેજ સુપ્રીમમાં રજૂ કરાયા હોત તો આ ચુકાદો ન આપ્યો હોત. આ પ્રકરણ 'બ્લૅક ઍન્ડ વ્હાઇટ' છે.
  • આ બધું જોતા કહેવું પડે કે 'ચોકીદાર ચોર છે.' આ નાણાંનો ઉપયોગ સૈનિકોના લાભાર્થે થઈ શક્યો હોત.
  • રાહુલ ગાંધીએ પોતાના આરોપો માટે દક્ષિણ ભારત સ્થિત અંગ્રેજી અખબાર ધ હિંદુના અહેવાલને આધાર બનાવ્યો હતો.

શું કહ્યું હતું મોદીએ?

આ પહેલાં ગુરૂવારે લોકસભાના અંતિમ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચામાં ભાગ લીધો હતો અને કૉંગ્રેસની ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું:

  • સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે એક-એક મુદ્દના જવાબ આપ્યા છે, સુપ્રીમ કોર્ટે પણ તેને વ્યાજબી ઠેરવ્યું છે. કૉંગ્રેસ નથી ઇચ્છતી કે દેશનું વાયુદળ મજબૂત થાય. તમે કોના ઇશારે આ સોદો રદ્દ કરાવવા ચાહો છો.
  • ઇતિહાસ સાક્ષી છે કે કૉંગ્રેસના 55 વર્ષના કાર્યકાળ દરમિયાન એક પણ સંરક્ષણ સોદો દલાલી વગર થયો ન હતો. પારદર્શક્તા સાથે વાયુદળને મજબૂત કરવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે કેટલાક લોકો ભયભીત થઈ ગયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો