ઇંદિરાથી માંડી રાહુલ સુધી ગાંધી પરિવારનું ગરીબી પુરાણ : દૃષ્ટિકોણ

    • લેેખક, જગદીશ ઉપાસને
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

એવું જણાય છે કે નહેરુ-ગાંધી પરિવારનો ગરીબી સાથે ગર્ભનાળનો સબંધ છે. દાદીથી માંડીને પૌત્ર સુધી બધા જ ગરીબી હટાવવા માગે છે.

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં દાદી સ્વર્ગસ્થ ઇંદિરા ગાંધી પ્રથમ વખત વડાં પ્રધાન બન્યાંના વર્ષ 1966થી માંડીને અત્યાર સુધી, એટલે કે 2019 સુધીના સમયની ગણતરી કરીએ, તો કુલ 43 વર્ષો થઈ ગયાં છે.

નહેરુ-ગાંધી પરિવાર દ્વારા ગરીબી દૂર કરવાના પ્રયાસો છતાંય આ ગરીબી છે જ એવી કે દૂર થવાનું નામ જ લેતી નથી.

ના તો ઇંદિરા ગાંધીના 14 વર્ષના કાર્યકાળમાં તે દૂર થઈ કે પછી ના તો એમના પુત્ર રાજીવ ગાંધીના શાસનમાં એ દૂર થઈ શકી. તથ્ય તો આ જ દર્શાવે છે.

એટલે જ ઇંદિરાના પૌત્ર રાહુલ ગાંધીએ નક્કી કર્યું છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં એમનો પક્ષ જીતશે તો દેશનો દરેક ગરીબ, ભલે પછી તે આજીવિકા મેળવતો હોય કે ઘરે નવરો બેઠો હોય તેનાં બૅન્ક ખાતામાં તે એક ચોક્કસ રકમ મોકલી આપવામાં આવશે.

કોઈ ગરીબ ભૂખ્યો નહીં રહે અને એક નિશ્ચિત રકમ મેળવવાથી વંચિત નહીં રહે.

રાહુલની આવી ઘોષણાને ભલે વિપક્ષે શેખચલ્લીના વિચારો કહી ફગાવી દીધા હોય પણ નહેરુ-ગાંધી પરિવારના વંશજને કે પછી એમના માટે ચૂંટણી અંગેની રણનીતિ તૈયાર કરતા સલાહકારોને ચોક્કસ ખાતરી છે કે આ સૂત્ર, ખેડૂતોની ઋણ માફીએ વિધાનસભામાં જેવો જાદૂ કર્યો તેવો જ જાદૂ કરશે.

જોકે, એ અલગ વાત છે કે આ રાજ્યોમાં ખેડૂતો દેવામાફીની માયાજાળમાં ગોથાં ખાઈ રહ્યા છે.

એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે રાહુલે આ ઘોષણા એવી આશંકાથી પ્રેરાઈને કરી છે કે મોદી સરકાર બજેટમાં દેશના દરેક નાગરિક માટે ન્યૂનતમ આવક ગૅરંટી યોજનાની જાહેરાત કરી શકે છે.

જાહેરાત તો કરી દેવામાં આવી છે પણ રાહુલ કે પછી કોઈ પણ કૉંગ્રેસી નેતા એ જણાવવા આગળ આવ્યા નથી કે દેશના કુલ ગરીબોની આટલી સંખ્યાને, તેઓ દર મહિને કેટલી રકમ ચૂકવશે અને એ માટે રકમ કઈ રીતે એકઠી કરવામાં આવશે?

જોકે, દેશમા મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યનએ વર્ષ 2016-17ના આર્થિક સર્વેક્ષણમાં એ સંભાવના દર્શાવી હતી, પણ એમનું કહેવું હતું કે એના માટે ગરીબોને અપાનારી દરેક પ્રકારની (અનાજ, ખાતર કે કેરોસીન) સબસિડી બંધ કરવી પડશે. આટલાથી કંઈ ખાસ થવાનું નથી.

જાણકારોનું માનવું છે કે આટલાથી કંઈ ખાસ વળવાનું નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇંદિરાનું 'ગરીબી હટાવો' સૂત્ર

સરકારે આરોગ્ય, શિક્ષણ અને રોજગાર ઊભા કરવા પાછળ ખર્ચ કરાનારી રકમ ધીરેધીરે ઘટાડવી પડશે અને નહીંતર નાણાકીય નુકસાન ડબલ આંકડામાં પહોંચી જશે અને મોંઘવારી ઝડપભેર વધશે.

મોદીને સત્તા પરથી હટાડવા માટે શું રાહુલ અને એમના સાથી દેશને એવી આર્થિક પાયમાલી પર પહોંચાડી દેવા માંગે છે કે જેવી હાલત 1966માં ઇંદિરા ગાંધીના શાસન વખતે થઈ હતી કે પછી પી. વી. નરસિંહ રાવ વડા પ્રધાન બન્યા તે પહેલાંની હતી.

ઇંદિરા ગાંધીએ 'ગરીબી હટાવો'નું સૂત્ર 1971ની ચૂંટણીઓમાં શક્તિશાળી વિપક્ષના 'ઇન્દિરા હટાવો, દેશ બચાવો' ના સૂત્રની સામે વહેતું મૂક્યું હતું.

આ સૂત્ર કામ કરી ગયું અને ઇંદિરા ગાંધી વિપક્ષને હંફાવી ભારે બહુમતી સાથે સત્તા પર આવી ગયાં.

'ગરીબી હટાવો'ના સૂત્રથી ઇંદિરા ગાંધીનું રાજકીય ભવિષ્ય તો ચમકી ગયું પણ ભારતનો ગરીબ વધારે ગરીબીમાં ડૂબી ગયો.

ઇંદિરા ગાંધીને પોતાના 'ગરીબી હટાવો'ના સૂત્રનું ખોખલાપણું ઘણું જલ્દી સમજાઈ ગયું અને એમણે 15 ઑગસ્ટ 1975ના રોજ લાલ કિલ્લા પરથી કહ્યું :

"(ગરીબી હટાવવાનો) કોઈ જાદુઈ માર્ગ છે નહીં માત્ર એક જ જાદુ છે આકરી મહેનત, દૂરદર્શિતા અને મજબૂત મનોબળ.''

ઇંદિરાના શાસનકાળ 1970માં દેશમાં ગરીબો (દરરોજના 1.90 ડૉલર કરતાં ઓછું કમાતા)ની સંખ્યા, કુલ જનસંખ્યાનાં 56.55 ટકા જેટલી હતી જે 1985માં અંશમાત્ર ઘટીને 56.13 ટકા જેટલી થઈ ગઈ હતી.

ઇંદિરાના શાસનકાળમાં દેશની તમામ ઘરેલુ આવક લગભગ 4થી 6.39 ટકા જેટલી હતી, અને દર વ્યક્તિ દીઠ આવકમાં ભારત, ચીન અને દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો કરતાં પાછળ રહી ગયો હતો.

આજે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્ક, સરકારી બૅન્કોના ડૂબી રહેલાં ખાતાઓમાંના જે ભારે ભરખમ માંડી વાળવું પડે તેવા કરજ (એનપીએ)થી પરેશાન છે તેની શરૂઆત તે સમયથી થઈ હતી.

ઇંદિરા અને એમના પુત્ર રાજીવ ગાંધીના શાસન કાળમાં 'ગરીબી હટાવો'ના સૂત્રનો ઢંઢેરો પીટવા છતાં પણ 45.3 ટકા લોકો ભારે ગરીબીમાં જીવી રહ્યા હતા અને વિશ્વમાં સૌથી વધારે ગરીબોની સંખ્યા ભારતમાં હતી.

ગરીબી વાસ્તવમાં ઝડપભેર ઘટવાની શરૂઆત થઈ આર્થિક ઉદારીકરણ બાદ અને દુનિયાભરના આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે સમાજના નબળા વર્ગને આગળ લાવવા મોદી સરકાર જે પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે તેવી યોજનાઓ સતત ચાલતી રહે તો ભારત 2030 સુધી આ ભયંકર ગરીબીમાંથી મુક્ત થઈ શકે છે.

મોદીને હરાવવા માટે રાહુલ અને એનો પક્ષ આ ચક્રને ફેરવવા માટે કેમ આતુર જણાય છે?

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો