બજેટ 2019 : ખેડૂતોને રાહત, મજૂરોને પેન્શન અને 5 લાખ સુધી ઇન્કમટૅક્સ નહીં

લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આજે મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે.

નાણાંમંત્રી તરીકે કાર્યકારી હવાલો સંભાળતા પિયુષ ગોયલે લોકસભામાં બજેટ રજૂ કર્યું છે.

જેમાં રૂ. પાંચ લાખ સુધીની આવક ધરાવનારાએ કોઈ કર નહીં ચૂકવવો પડે.

બે હેક્ટર સુધીની જમીન ધરાવનારા ખેડૂતોને વાર્ષિક રૂ. છ હજારની સહાય ચૂકવવામાં આવશે.

આ ઉપરાંત અસંગઠિથ ક્ષેત્રના શ્રમિકો માટે પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે વિશ્વની સૌથી મોટી પેન્શન યોજના હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કરરાહતોની જાહેરાત

  • પાંચ લાખની આવક સુધી ઇન્કમટૅક્સ નહીં.
  • રોકાણ કરનાર કરદાતા ઉપર રૂ. 6.5 લાખની આવક સુઘી કોઈ ટૅક્સ નહીં.
  • પોસ્ટ અને બૅન્કમાં રૂ. 40,000 સુધીની આવક પર કોઈ ટૅક્સ નહીં લાગે.
  • આગામી પાંચ વર્ષમાં ભારત 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનશે. તે પછીના આઠ વર્ષમાં ભારત 10 ટ્રિલિયન ડૉલરની અર્થ વ્યવસ્થા હશે.
  • નોટબંધી પછી એક કરોડથી વધારે લોકોએ રિટર્ન ફાઇલ કર્યુ.
  • 3 લાખ 38 હજાર શૅલ કંપનીઓ ઓળખી કઢાઈ
  • અમારી સરકાર કાળુંનાણું નાબુદ કરવા માટે પ્રતિબદ્ધ
  • જાન્યુઆરી સુધી 1 લાખ 3 હજાર જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ) કલેકશનનું અનુમાન.

આપને આ પણ વાચવું ગમશે

ઉદ્યોગલક્ષી જાહેરાત

  • નાના-મોટા ઉધોગપતિઓને આગળ વધવાની તક આપી.
  • રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા વધી. 12 લાખ કરોડ ટૅક્સ જમા થયો. 6.85 કરોડ લોકોએ ટૅક્સ ભર્યો.
  • 99.54 ટકા રિટર્ન તરત મંજૂર કર્યા
  • 24 કલાકમાં રિફંડ મળશે
  • ટૅક્સ ઓછો કરવો એ પ્રાથમિકતા. ટૅક્સમાં ઘટાડો કરાયો
  • 21 હજારનું વેતન ધરાવનારને 7 હજારનું બોનસ મળશે. શ્રમિકનું મૃત્યુ થતાં વળતર 6 લાખ.
  • ગ્રૅચ્યુઇટીની મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 30 લાખ કરવામાં આવી.
  • આંગણવાડી અને આશા બહેનોના પગારમાં 50 ટકાનો વધારો
  • 12,000થી ઓછી આવકવાળા માટે 'પીએમ શ્રમયોગી માનધન યોજના'
  • 42 કરોડ અનઑર્ગેનાઈઝ્ડ કામદારો, કડિયાકામ, બીડી, રિક્ષાવાળા, હસ્તઉદ્યોગ કારીગરો, ઘરઘાટીઓને વૃદ્ધાવસ્થા માટે માસિક મહત્તમ રૂ. 300નું પેન્શન
  • 'આયુષ્યમાન ભારત', 'પ્રધાન મંત્રી જીવનજ્યોતિ વીમા યોજના 'ઉપરાંત પેન્શનનો લાભ મળશે.
  • ઇપીએફઓ સભ્યતામાં 2 કરોડનો વધારો
  • સમયે લોન ચુકવી દે તો વધારાના ત્રણ ટકાની છૂટ અપાશે.
  • સરળ અરજીથી ખેડૂતોને જોડવા ઝુંબેશ શરૂ કરાશે.
  • કુદરતી આફતો વખતે પાકનું વળતર મેળવવા માટે દરેક ખેડૂતોને 'નેચરલ ડિઝાસ્ટર રિલીફ ફંડ'માંથી 2 ટકા સબસિડી આપીશું
  • 'રાષ્ટ્રીય ગોકુલ મિશન' માટે રૂ. 1750 કરોડની જોગવાઈ.
  • 'રાષ્ટ્રીય કામધેનુ આયોગ' - ગાયની ઉત્પાદન ક્ષમતા અને સુરક્ષા માટે પ્રયત્ન

ખેડૂતો માટે રાહત

  • 'પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ' અંતર્ગત 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતને 6 હજાર રૂપિયા દર વર્ષે સીધી આવક. આ સહાય તેમના ખાતામાં આપવામાં આવશે.
  • 2 હજારના ત્રણ હપ્તામાં આપવામાં આવશે. 12 કરોડ ખેડૂત પરિવારોને સીધો લાભ મળશે.
  • આ યોજના 1 ડિસેમ્બર 2018થી અમલમાં આવશે. રૂ. 2 હજારનો પહેલો હપ્તો ટૂંક સમયમાં તેમના ખાતામાં જમા થશે.
  • રૂપિયા 75 હજાર કરોડ સરકાર ભરશે. 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે.
  • ખેડૂતોની આવક બે ગણી કરવા માટે કામ કર્યુ.
  • અમારી સરકારે ખેતીમાં 22 પાકોમાં લઘુતમ સમર્થન મૂલ્ય વધાર્યુ.
  • ગામડાનો આત્મા જીવંત રાખીને શહેરો જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ.
  • ગ્રામ સડક યોજના : 19 હજાર કરોડ ગામ સુધી બસ પહોંચી શકે છે.
  • 'મિશન મોડ'માં ખાનગી ક્ષેત્રે 143 કરોડ એલઇડી બલ્બ ઉપલબ્ધ કરાવાયા
  • વપરાશકર્તાને વીજળીના બીલમાં રૂ. 50 હજાર કરોડની મદદ મળશે.
  • સૌભાગ્ય યોજના થકી ઘરોમાં વીજળી પહોંચાડી. 2014 સુધી અઢી કરોડ લોકો વીજળી વગરના હતા. માર્ચ 2019 સુધીમાં તમામ રહેણાંક ઘરોને વીજળી મળી જશે.
  • 1 કરોડ 53 લાખ ઘરો બાંધ્યાં, જે અગાઉ કરતા પાંચ ગણા વધારે.
  • શિક્ષણસંસ્થાઓમાં સરકારે બેઠકો વધારી.
  • દેશના સંસાધનો પર પહેલો અધિકાર ગરીબોને છે અને એટલે 10 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી.
  • મોંઘવારીને કાબૂમાં કરી અને ઘરખર્ચમાં 40 ટકા ખર્ચ ઘટાડ્યો.
  • 2030 સુધી દેશની તમામ નદીઓ સાફ કરવાનું લક્ષ્ય
  • 2022 સુધી અવકાશમાં પૂર્ણ સ્વદેશી ઉપગ્રહ મોકલીશું
  • પિયુષ ગોયલે બજેટ રજૂ કરતા અગાઉ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી હતી.
  • ત્યારબાદ તેમણે કૅબિનેટની બેઠકમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જેને કૅબિનેટે મંજૂરી આપી છે.

લોકરંજક બજેટ

બજેટ પૂર્વે લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું, "સરકાર દ્વારા લોકરંજક બજેટ અને જાહેરાતો કરવામાં આવશે, પરંતુ તેને લાગુ કરવા માટે સરકાર પાસે સમય ક્યાં છે?"

બીજી બાજુ, કૉંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું હતું, "કેન્દ્રીય પ્રધાનો દ્વારા મીડિયામાં બજેટ અંગે બ્રિફ્સ આપવામાં આવી રહી છે, જે બજેટની ગુપ્તતાનો ભંગ કરે છે."

ચૂંટણીની અસર

ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથા કોવિંદે સરકારના 4.5 વર્ષની કામગીરીનો ઉલ્લેખ કરતા કહ્યું કે વર્તમાન સરકારે નવા ભારતના નવીન નિર્માણ માટે કામ કર્યુ છે.

2014 પહેલાં દેશ અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યો હતો.

સામાન્ય રીતે વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષના ચાર મહિનાના ખર્ચ માટે સંસદની મંજૂરી લેવામાં આવે છે અને પૂર્ણ બજેટ લોકસભાની ચૂંટણી બાદ બનતી નવી સરકાર રજૂ કરે છે.

લોકસભાનું બજેટ સત્ર 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ બજેટમાં સરકારનો આગામી ચાર માસનો ખર્ચ મંજૂર થશે.

આ બજેટ સત્રમાં ટ્રિપલ તલાક તેમજ નાગરિકત્વ સહિતના મહત્ત્વના બિલ સામેલ છે.

અરુણ જેટલીની તબિયત સારી ન હોવાથી પિયુષ ગોયલને બજેટ રજૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ બજેટમાં તેઓ મોદી સરકાર માટે કેવી રાહત જાહેર કરે છે તે જોવા મળશે.

બજેટ અંગેની અનેક અટકળોને અટકાવવા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ વચગાળાનું જ બજેટ છે.