અમેરિકામાં 'પોલર વૉર્ટેક્સ' : આકરી ઠંડીના કારણે 21 લોકોનાં મૃત્યુ

અમેરિકાના મધ્ય-પશ્ચિમ વિસ્તાર 'પોલર વૉર્ટેક્સ' (એક પ્રકારનો 'ધ્રુવ પ્રદેશમાં સર્જાતો બરફનો ચક્રવાત')ને પગલે ઠંડોગાર થઈ ગયો છે.

ઠેરઠેર બરફના થર જામી ગયા છે. શહેરોમાં સામાન્ય જનજીવનને પણ અસર પહોંચી છે.

અમેરિકામાં છેલ્લા કેટલાક દાયકાઓમાં નોંધાયેલી આ સૌથી ભીષણ ઠંડીની સ્થિતિ ગણવામાં આવી રહી છે.

આર્કટિક વૅધર(હવામાન)ની અસરને કારણે કેટલાંક રાજ્યોમાં એકંદરે 21 લોકોનાં મોત પણ નીપજ્યાં છે.

શિકાગોમાં તાપમાન માઇનસ(-)30 ડિગ્રીને સ્પર્શી ગયું છે, જે ઍન્ટાર્કટિકાના કેટલાક ભાગોમાં નોંધાતા તાપમાન કરતાં પણ નીચું છે.

વળી ઉત્તર ડકોટામાં માઇનસ(-)37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સ્કૂલ, વેપારી સંસ્થાઓ અને સરકારી કચેરીઓ બંધ કરી દેવાઈ છે. વળી સમગ્ર મધ્ય-પૂર્વ રાજ્યોમાં સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.

ઠંડાગાર તાપમાનની અસર 250 મિલિયન અમેરિકનને થશે, જ્યારે તેમાંથી 90 મિલિયન લોકોએ માઇનસ(-)17 કે તેનાથી પણ નીચા તાપમાનનો સામનો કરવો પડશે.

શિકાગોના મેયરે લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

24 ઇંચ સુધી બરફવર્ષા

મધ્ય-પશ્ચિમ રાજ્ય વિસ્કૉન્સિન, મિનિગન અને ઇલિનૉય સાથોસાથ મોટાભાગે ગરમ રહેતા દક્ષિણનાં રાજ્યો અલબામા અને મિસીસિપીમાં ઇમરજન્સી જાહેર કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી છે કે આગમી થોડા સમય સુધી કેટલાક વિસ્તારોમાં બરફવર્ષા ચાલુ રહેશે અને 24 ઇંચ સુધી બરફવર્ષા થઈ શકે છે.

સૌથી વધુ અસર વ્યસ્ત શહેર શિકાગોને થવાની આગાહી કરવામાં આવી છે. અહીં ઍન્ટાર્કટિકા કરતાં પણ ઠંડુગાર તાપમાન રહેવાની આગાહી છે.

ઇલિનૉય, આયોવા, મિનિસોટા, નૉર્થ ડેકોટા, સાઉથ ડેકેટા, વિસકનૉન્સિન, કૅનસસ, મિઝૌરી અને મોંટાના ભારે બરફવર્ષા થઈ રહી છે.

શિકાગોમાં રહેતા રિયાન કોકુરેકે બીબીસીને જણાવ્યું કે આ માનવામાં ન આવે એવી બાબત છે.

તેમણે કહ્યું, "મેં ઘરની બહાર પગ મૂક્યો તો શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. એવું લાગે છે કે હવામાં ઑક્સિજન જ નથી. વળી જો તમને શરદી થઈ હોય, તો તમારા માટે આ ખૂબ જ જોખમી વાતાવરણ છે. મારા જીવનનો આ સૌથી વિચિત્ર અનુભવ છે."

વિવિધ રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરાઈ છે અને લોકોને ઓછી વાતચીત કરવા પણ કહેવાયું છે.

તદુપરાંત ઉત્તર ભારતમાં પડી રહેલી તીવ્ર ઠંડી માટે પણ હવામાન નિષ્ણાતો પોલર વૉર્ટેક્સને જવાબદાર ગણાવી રહ્યા છે.

તેમનું કહેવું છે કે આર્કટિકની પવનોને કારણે જ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડી રહી છે.

તેમનું એવું પણ કહેવું છે કે પોલર વોર્ટેક્સના પવનોમાં ઉતાર-ચઢાવને પગલે ઉત્તર ભારતમાં ગત વર્ષના ડિસેમ્બરથી લઈને અત્યારસુધી ઠંડીનું પ્રમાણ વધતું રહ્યું છે.

પોલર વૉર્ટેક્સ શું છે?

પોલર વૉર્ટેક્સ એ ઍન્ટાર્કટિક હવામાનનું વિસ્તરણ છે. તે લૉ-પ્રેશર સિસ્ટમ છે. જેમાં ધ્રુવિય જેટ સ્ટ્રીમ હોય છે.

થીજી ગયેલા અપર લેવલ પવનોનું એન્ટિક્લૉક વાઇસ દિશામાં ફરતું સિસ્ટમ છે.

વૉર્ટેક્સની સિસ્ટમનું પ્રેશર ઓછું થતાં જેટ સ્ટ્રીમ ખૂબ જ ઠંડા આર્ટકિટ પવનો સર્જે છે અને આ પવન દક્ષિણની તરફ પ્રસરાવા લાગે છે.

જેને કારણે યુનાઇટેડ સ્ટેટ્સના મોટાભાગના વિસ્તારોમાં આ પવનો તાપમાન ખૂબ જ નીચુ લાવી દે છે. તાપમાન માઇનસ(-)30થી માઇનસ(-)60 સુધી જતું રહે છે.

નિષ્ણાતો અનુસાર આ પ્રકારના તાપમાને વોડકા ઘન સ્વરૂપમાં ફરેવાઈ જાય છે. જ્યારે પાંચ મિનિટ સુધી શરીરની ત્વચા જો આ વાતાવરણના સંપર્કમાં આવે તો તેને નુકસાન થઈ શકે છે.

પર્યાવરણવિદોનું માનવું છે કે ક્લાઇમેન્ટ ચૅન્જની અસરને પગલે પોલર વૉર્ટેક્સમાં વિક્ષેપ સર્જાઈ રહ્યો છે.

પોલર વૉર્ટેક્સ નિયમિત રીતે માત્ર આર્કટિક ક્ષેત્રમાં ઉંચાઈ પર આકાર લેતું હોય છે. અને ત્યાં જ ફરતું રહે છે.

પરંતુ ગ્લોબલ વૉર્મિંગના કારણે આર્કટિકનું તાપમાન વધતા વૉર્ટેક્સ સિસ્ટમમાં વિક્ષેપ સર્જાય છે.

આથી તેની ભૌતિક લાક્ષણિકતાઓ જેમ કે આકાર અને વિસ્તરણ પર અસર થાય છે. અને તે દક્ષિણ દરફ ઝૂકે છે. જેને પગલે યુનાઇટેડ સ્ટેટ્સ તેની અસર હેઠળ આવી જાય છે.

જોકે, યુએસના હવામાન ખાતાની આગાહી મુજબ થોડા દિવસોમાં પોલર વૉર્ટેક્સ તેના નિયમિત સ્થાન પર પરત જતું રહેશે અને તેનો મૂળ આકાર મેળવી લેશે. જેથી તેની અસરથી યુએસ મુક્ત થઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો